૩૦ જૂન, વર્લ્ડ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે | સોશિયલ મીડિયા : દુનિયા રંગરંગીલી
કાલે રાતે લાઈટ જતી રહી, મોબાઈલ ચાર્જ નહોતો અને પાવરબેંક પણ ન હતી, પછી હું મારા પરિવાર સાથે અગાસી પર બેઠો. બહુ સારા લોકો હતા એ, એમની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. હવે દરરોજ સાંજે મારે બેસવું પડશે એમની સાથે. સોશિયલ મીડિયામાં જે આકાશ જોયું છે એના કરતાં હજાર ગણું મજાનું અગાસી પર હતું..
એક સાવ અંતરિયાળ ગામમાં રહેતા યુવકની વાત છે આ. સોશિયલ મીડિયાની માયાવી દુનિયાનો જાદુ અત્ર તત્ર અને સર્વત્ર છે. એકબીજાના સંપર્ક માટે ઉત્તમ વ્યવસ્થા છે, પણ એ જ છે એવું નહીં. એક સર્ચની ક્લિક અને પહેલા ધોરણમાં સાથે ભણતા મિત્રના સગડ મળી જાય છે. તમારી વાત લાખો લોકો સુધી પહોંચાડી શકો છો. તમારામાં દમ હોય તો રાતોરાત તમે સુપરસ્ટાર બની શકો છો. સોશિયલ મીડિયાને કારણે માર્કેટ ખૂલ્લું થઇ ગયું છે. તમારું પ્રેઝન્ટેશન અને કન્ટેન્ટ ઉત્તમ હશે તો લાખોમાં રમતા થઇ જશો.
અતિની ગતિ નહીં. સોશિયલ મીડિયાને કારણે બીજા કામો ડિસ્ટર્બ થાય એ યોગ્ય નથી. જેમ અંધારી આલમમાં જવાનો રસ્તો છે, પણ પાછા વળવાનો રસ્તો નથી, સોશિયલ મીડિયાનું પણ એવું જ જાણવું, મારા રીડર રાજાઓ... તમે એક વસ્તુ જોવા જાવ ત્યાં એકવીસ બાબતો સામે આવે છે. મૂળ શું જોવાનું હતું એ જ ભૂલી જવાય છે. સાચા-ખોટા ફોર્વડિયા મેસેજમાં વિવેક ભાન જાળવવાનું હોય છે. ભ્રામક જાહેરાતના લપેટમાં આવી જઈએ છીએ પછી ‘એક કા દસ’ કરવા જતાં મૂળ રકમ પણ ખોવાની આવે છે. આ માધ્યમને કારણે ઓફિસમાં પણ કામની ગતિ ઘટી છે. એટલે જ કેટલીક સંસ્થામાં કર્મચારીએ જતાંવેંત મોબાઈલ જમા કરાવવાનો હોય છે. એક મિત્રોના ગ્રુપનો તો નિયમ છે કે દર અઠવાડિયે મળે એટલે પહેલા બધાંના મોબાઈલ જમા કરી લેવાના. એક રેસ્ટોરાંમાં મોબાઈલ જમા કરો તો ૨૦% ડિસકાઉન્ટ મળે છે. જેથી જમતાં જમતાં વાતો કરી શકો. ઘણીવાર મોબાઈલ જોતાં જોતાં જમો ત્યારે જમવાના સ્વાદની જ ખબર હોતી નથી.
સોશિયલ મીડિયા આજે દરેકના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. આજના ઝડપી વિશ્વમાં સોશિયલ મીડિયાએ આપણને એકબીજા સાથે જોડાવાની રીત બદલી નાખી છે, બધી ભૌગોલિક સીમાઓને ઓળંગીને સમગ્ર વિશ્વના લોકોને એક-બીજા સાથે જોડ્યા છે.
વિશ્વભરમાં પહેલીવાર, ૩૦ જૂન, ૨૦૧૦ના રોજ વિશ્વ સોશિયલ મીડિયા દિવસ ઉજવવામાં આવ્યો હતો. વિશ્વમાં સોશિયલ મીડિયાની અસર અને વૈશ્વિક સંદેશાવ્યવહારમાં તેની ભૂમિકા પર ભાર મૂકવા માટે ‘વિશ્વ સોશિયલ મીડિયા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના પ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સિક્સડિગ્રીની શરૂઆત ૧૯૯૭માં થઇ હતી. તેની સ્થાપના એન્ડ્રુ વાઈનરિચ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૧માં, એક મિલિયનથી વધુ યુઝર્સ થયા પછી તે બંધ થઈ ગયું હતું.
૨૦૦૪માં જાન્યુઆરી મહિનામાં ‘ફેસબુક’ શરુ થયું અને ફેબ્રુઆરીમાં ઓરકુટ આવ્યું. સોશિયલ મીડિયાની સાચી શરૂઆત અહીંથી થઇ ગણાય, સમયાંતરે એ સતત અપડેટ થતું રહ્યું. લોકો બુકને ફેસ કરવાને બદલે ફેસબુક પર વધુ બેસતા થઇ ગયાં. ૨૦૦૬માં ‘ટ્વિટર’ (હવે ‘X’) આવ્યું. ૨૦૦૯માં ‘વૉટ્સએપ’ આવ્યું. ૨૦૧૦માં ‘ઇન્સ્ટાગ્રામ’ આવ્યું. અધૂરામાં પૂરું સ્માર્ટફોન આવી ગયા અને જીવન બદલાઈ ગયું.
ટિકટોક, ટિન્ડર, રીલ્સ સ્ટેટ્સ એમ ફીચર્સ ઉમેરાતા ગયા. ગણ્યા ગણાય એટલા સાધનો આવી ગયાં. ગુજરાતી થાળીમાં અઢળક વેરાયટી હોય અને બધું ખાઈ ન શકીએ, એવું. સોશિયલ મીડિયાએ કોમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવી. જેમ સૌથી પહેલા સમાચાર અખબારમાં વાંચતા, પછી ટીવીમાં જોતા હવે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ. ઇમોજી એક નવી ભાષા બની છે. મેસેજની નવી ભાષા સર્જાય, જેમ તાર અને શોર્ટ હેન્ડની ભાષા હોય એમ. ‘જયશ્રી કૃષ્ણ’ને બદલે JSK, ગૂડ મોર્નિંગને GM વગેરે. એમાંય વળી ‘જેન-ઝી’ની ભાષા તો સાવ અલગ!
ડિજિટલ યુગમાં રોજગારીના નવા દરવાજા ખુલ્યાં છે. YouTube ચેનલ પર મૌલિક વાત રજૂ કરીને લાખોની કમાણી કરી શકાય છે. ડિજિટલ માર્કેટીંગે પ્રચારનો એક નવો દરવાજો ખોલ્યો છે. આ પ્લેટફોર્મ સાઇલન્ટ રિવોલ્યુશન બન્યું છે. જો કે આ માધ્યમમાં ખોટા વાદ-વિવાદથી ઝેર વધ્યું છે.
એક માણસે ફેસબુક પર લખ્યું કે, ‘હું આજે આબુમાં પરિવાર સાથે મજા લઇ રહ્યો છું’. ચોરને ખબર પડી કે એના ઘરમાં આજે કોઈ નથી અને એ જ રાતે એના ઘરે ચોરી કરી. જનરેશન આલ્ફા તો જન્મી ત્યારથી જ આ માધ્યમ સાથે સક્રિય રીતે જોડાયેલી છે. આજનું બાળક જન્મીને જ નર્સ પાસે મોબાઈલ માંગે છે કે ‘ઈશ્વરને મિસકોલ કરી દઉં કે પહોંચી ગયો છું’. સોશિયલ મીડિયા વાપરતા પહેલાં ભૂલી ન જઈએ કે, આપણે સોશિયલ પણ રહેવાનું છે.