સમાજોદય । ૫ જૂન, પર્યાવરણ દિન નિમિત્તે | વિશ્વ સ્તરે ઘેરાતા જતા સંકટનું સમાધાન માત્ર સનાતન દૃષ્ટિ | माता भूमि पुत्रोऽहं पृथिव्या:

ભારતનાં ૨૮.૮ કરોડ પરિવારમાંથી માત્ર ૨૫% પરિવાર ૧૦ બીજારોપણથી વૃક્ષની યાત્રામાં જોડાય તો ૭૨ કરોડ વૃક્ષારોપણ થાય અને પોતાના સંતાનની જેમ જન્માવેલ છોડમાંથી ૮૦% સફળ વૃક્ષ તો થાય જ અને એ રીતે ૫૭.૬ કરોડ વૃક્ષ ભારતના ગ્રીન કવરમાં ઉમેરાય.

    ૦૫-જૂન-૨૦૨૬
કુલ દૃશ્યો |

vishv-paryavaran-divas-gujarati
 
 
આજકાલ પર્યાવરણને લઈ વૈશ્વિક સ્તરે ખૂબ ચર્ચા ચાલી રહી છે. પર્યાવરણ સંરક્ષણ પર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને કેટલાક પ્રામાણિક પ્રયાસો થઈ રહ્યા છે, તે આવકારદાયક છે, પરંતુ જ્યાં સુધી વિશ્વ પર્યાવરણ અંગે ભારતીય દર્શનને નહિ અપનાવે ત્યાં સુધી પર્યાવરણ સંરક્ષણની દિશામાં ધાર્યાં પરિણામો મળી શકશે નહિ. તેથી પર્યાવરણ સંદર્ભે ભારતનો વિશ્વકલ્યાણકારી દૃષ્ટિકોણ જાણવો જરૂરી બની જાય છે.
 
રાષ્ટ્રની ઉત્પત્તિ સંદર્ભે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે, પ્રાચીનકાળમાં લોકમંગળની કામનાથી ઋષિઓએ તપસ્યા એટલે કે, પ્રયત્ન અને પુરુષાર્થ કર્યો. भद्र इच्छन्ति ऋषयः લોકમંગળની પોતાની આજ ઇચ્છાઓને વ્યક્ત કરતાં આપણા ઋષિઓએ કહ્યું, सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया: એટલે કે ‘સૌ’ સુખી થાઓ અને ‘સૌ’ નીરોગી રહો. આ ‘સૌ’માં માત્ર મનુષ્ય જ આવે તેવું પણ નથી. તેમાં એ બધું જ આવે છે, જેની સાથે આપણું દૈહિક, દૈવિક, ભૌતિક ભાવવિશ્વ જોડાયેલું છે. માનવીનું અસ્તિત્વ પરિવેશ, પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. પર્યાવરણ વગર મનુષ્યનું અસ્તિત્વ શક્ય નથી. માટે જ ભારતીય ધર્મ-દર્શન શાસ્ત્રોમાં પર્યાવરણનું વિશેષ મહિમાગાન કરવામાં આવ્યું છે, ત્યારે જરૂરી છે કે, આપણે પર્યાવરણ અને પ્રકૃતિના ભારતીય દર્શનને સમજીએ અને તે અનુરૂપ વ્યવહાર કરીએ. પર્યાવરણનો સીધોસાદો અર્થ પ્રકૃતિનું આવરણ થાય છે. ‘परितः आवरणं पर्यावरणम्’ એટલે કે, પ્રાણીજગતને ચારેય બાજુથી ઢાંકનારું પ્રકૃતિ તત્ત્વ. જેનો આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉપભોગ કરીએ છીએ. આ પર્યાવરણ ભૌતિક પદાર્થો, જૈવિક અને સાંસ્કૃતિક ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. સ્થલીય, જલીય, ખનિજ વગેરે ભૌતિક પદાર્થો, છોડ, જંતુ, સૂક્ષ્મજીવ અને જૈવિક પદાર્થોની તથા માનવની આર્થિક, સામાજિક, રાજનીતિક, સાંસ્કૃતિક વગેરે તત્વોની પરસ્પર ક્રિયાશીલતાથી સમગ્ર પર્યાવરણની રચના અને પરિવર્તનશીલતા નિર્ધારિત થાય છે. પ્રકૃતિના પંચ મહાભૂત જૈવિક અને ભૌતિક પર્યાવરણનું નિર્માણ કરે છે. વેદોમાં આ પાંચ મહાભૂતો જ દૈવીય શક્તિરૂપે સ્વીકારાયા છે. માનવકૃત સંસ્કૃતિનું નિર્માણ માનવમન, બુદ્ધિ અને અહં થકી થાય છે. માટે જ ભગવદ્‌ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ પ્રકૃતિનાં પાંચ તત્ત્વોની જગ્યાએ આઠ તત્ત્વોનો ઉલ્લેખ કર્યો છે.
 
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।।
 
એટલે કે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ પ્રકારનાં આઠ તત્વોમાં વિભક્ત મારી (ઈશ્વરની) અપરા (જડ) પ્રકૃતિ છે. પર્યાવરણનું સંતુલન મતલબ કે જીવોની આસપાસની તમામ જૈવિક અને અજૈવિક પરિસ્થિતિઓ વચ્ચે સંપૂર્ણ સામંજસ્ય. આ સામંજસ્યનું મહત્વ આપણા વેદોમાં વિસ્તારપૂર્વક વર્ણિત થયેલું છે.
 
પ્રકૃતિ વિનાશને બદલે કલ્યાણકારી રહે, એ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય ઋષિ-મનિષીઓએ ચિંતન કર્યું છે. આ ચિંતન ભારતીય વાંગ્મયમાં ઉલ્લેખિત થયું છે. આ ચિંતનને કારણે પ્રકૃતિના સંરક્ષણનો સ્વભાવ આપણા સમાજમાં સહજ બન્યો. અને હજારો વર્ષોથી ભારતીય સમાજ આ વ્યવસ્થાઓનું પાલન કરતો આવ્યો છે. અથર્વવેદના ભૂમિસૂક્તમાં માણસ ધરિત્રી એટલે કે ભૂમિને કહે છે કે, ‘હું આપના ઉત્ખનનથી કંઈક લઈ રહ્યો છું, પરંતુ એવું ક્યારેય ન કરું કે આ પ્રક્રિયાથી આપના હૃદય અર્થાત્‌ મર્મસ્થળ પર આઘાત થાય એટલે કે ઉત્ખનન કરતાં કરતાં દોહન કરવાનું છે, શોષણ નહિ.’
 
ઋગ્વેદમાં પ્રાર્થના કરવામાં આવી છે કે, વૃક્ષ, જળ, આકાશ, પર્યાવરણ તથા વનસ્પતિઓથી ભરેલાં વન અમારું રક્ષણ કરે છે. ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે, ‘वनं स्थापयध्वम्’ એટલે કે, વનમાં વનસ્પતિ ઉગાડો, વૃક્ષારોપણ કરો. વાનસ્પતિક સંપદાના ભંડારમાં વૃદ્ધિ કરો. તેને ઘટાડો નહિ.
 
અથર્વવેદના ભૂમિસૂક્તમાં કહેવામાં આવ્યું છે કે, माता भूमि पुत्रोऽहं पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે. અને આપણે સૌ તેના પુત્ર છીએ. આપણા ઋષિઓ જાણતા હતા. પૃથ્વીનો આધાર જળ અને જંગલ છે. પૃથ્વીની રક્ષા માટે વૃક્ષ અને જળને મહત્ત્વપૂર્ણ માનતા ઋષિઓએ કહ્યું છે કે, वृक्षाद् वर्षति पर्जन्यः पर्जन्यादन्नसंभवः । એટલે કે, વૃક્ષ જળ છે, જળ અન્ન છે, અન્ન જીવન છે. ભારતીય જીવનના ચાર આશ્રમોમાં બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ અને સંન્યાસનો સીધો સંબંધ વનો એટલે કે, પર્યાવરણ સાથે છે.
 
આપણા પૂર્વજોએ પ્રકૃતિને સમગ્રતામાં સમજી તેને પૂજનીય ગણવાની પ્રેરણા આપણી પેઢીઓને આપી છે. આપણો શાંતિમંત્ર સંપૂર્ણ સૃષ્ટિના અંતર્સંબંધને રેખાંકિત કરી તમામ તત્વો વચ્ચે સમન્વયની કામના કરે છે.
 
ॐ द्यौ: शान्तिरन्तरिक्ष शान्ति:, 
पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्व शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥
 
એટલે કે સ્વર્ગ (અંતરિક્ષ)માં શાંતિ રહે, પૃથ્વી પર શાંતિ રહે, જળ ઔષધિયોમાં શાંતિ રહે, વનસ્પતિઓ અને સંપૂર્ણ બ્રહ્માંડમાં શાંતિ રહે. દરેક સ્થાન પર શાંતિ રહે અને તે શાંતિ મને પ્રાપ્ત થાય. આ મંત્ર દ્વારા આપણે ત્યાં હજારો વર્ષોથી આકાશ, પૃથ્વી, જળ, વૃક્ષ સહિત સમસ્ત બ્રહ્માંડની શાંતિની કામના કરીએ છીએ. આમ લઈ ભારતીય જીવનદૃષ્ટિ માત્ર ભૌતિક વિકાસ પર જ નહિ, પરંતુ પ્રકૃતિની સાથે સામંજસ્ય પૂર્ણ જીવન વ્યતીત કરી મનુષ્યના આધ્યાત્મિક વિકાસ પર બળ આપે છે.
 
અંતમાં કહી શકાય કે, પ્રકૃતિ સાથે એકાકાર થવાની ભારતીય સંસ્કૃતિ માત્ર પરંપરા નથી, પરંતુ માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી જીવનમાર્ગ છે. વિશ્વમાં તો હાલ પર્યાવરણ બચાવવાની વાતો થઈ રહી છે, પરંતુ આપણે ત્યાં તો જ્યારે પૃથ્વી પર પર્યાવરણ-પ્રદૂષણ કે પર્યાવરણ અસ્થિરતાની કોઈએ કલ્પના પણ નહોતી કરી ત્યારથી પર્યાવરણ સંવર્ધન સંરક્ષણની વાતો થતી આવે છે. સમગ્ર વિશ્વ ભારતના આ દિશાનિર્દેશને અનુસરે તો માનવજાતના અસ્તિત્વ માટે ખતરો બની ચૂકેલી પર્યાવરણીય સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. તે માટે જરૂર છે વિશ્વ પણ ભારતની જેમ પ્રકૃતિને માતા માની તેનું સન્માન કરે.
 
આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે એકમાંથી અનેક થવાની અવધારણામાંથી ઉત્પન્ન થયેલ સૃષ્ટિનો ગુણ ‘બીજ’માં પણ છે. આ ગુણ જ પ્રકૃતિમાં અને મનુષ્યમાં સ્વાવલંબનનો ગુણ પણ વિકસાવે છે. આપણા ઘરનાં બીજ દ્વારા બીજારોપણથી વૃક્ષારોપણ, ઘર ઘર નર્સરી અને ઘરની અંદર છોડના ઉદેશ્યથી વ્યક્તિ અને પરિવાર તથા સંસ્થાઓ કરી શકે તેવાં કરણીય કાર્યોનો વિચાર કરીએ. કારણ પર્યાવરણ સંરક્ષણનું આ મહા અભિયાન ત્યારે જ સફળ થશે જ્યારે બીજથી વૃક્ષ સુધીની યાત્રામાં સર્વ જન પોતાની કર્તવ્યપૂર્તિ કરે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો ભારતનાં ૨૮.૮ કરોડ પરિવારમાંથી માત્ર ૨૫% પરિવાર ૧૦ બીજારોપણથી વૃક્ષની યાત્રામાં જોડાય તો ૭૨ કરોડ વૃક્ષારોપણ થાય અને પોતાના સંતાનની જેમ જન્માવેલ છોડમાંથી ૮૦% સફળ વૃક્ષ તો થાય જ અને એ રીતે ૫૭.૬ કરોડ વૃક્ષ ભારતના ગ્રીન કવરમાં ઉમેરાય. આ પરંપરા ગતિશીલ રહે તો ચમત્કારિક પરિણામ મળે.
 
 
- જગરામ સિંહ