સંસ્કૃતિસુધા । ૮ જૂન - ઓલ ઇન્ડિયા રેડિયો પ્રારંભ નિમિત્તે | આકાશવાણીનું ધ્યેય વાક્ય આપણા જીવનનો ધ્યેય બનો

આજે પણ આકાશવાણી એની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરતું નથી. મોટા ભાગનાં પ્રતિષ્ઠિત કલાકારોનું પહેલું પગથિયું આકાશવાણી રહ્યું છે.

    ૦૮-જૂન-૨૦૨૬   
કુલ દૃશ્યો |

90 Years of Akashvani gujarati
 
 
આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)એ તેના પ્રસારણ સેવાના ૯૦ ગૌરવશાળી વર્ષ પૂર્ણ કર્યા એની ઉજવણી રૂપે દિનેશ હોલ, અમદાવાદ ખાતે ભવ્ય સંગીતમય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી એન. એલ. ચૌહાણ, શ્રી હિતેશ માવાણી તથા ઇત્યાદિ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રજની એક્કાએ આભારવિધિ અને સંકલન ઉત્કર્ષ મરાઠેએ કર્યું હતું. ત્રિલોક સંઘાણી, શૈલેશ પંડ્યા, હિમાંશુ મહેતા, મૌલિન મુનશી, ચેતન જાની, દેવાંગ ભટ્ટ ઇત્યાદિ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
 
૮ જૂન, ૧૯૩૬ના રોજ ‘ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ’ (ISBS)નું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) રાખવામાં આવ્યું હતું, જેના આધારે વર્ષ ૨૦૨૬માં આ ઐતિહાસિક સંસ્થા પોતાનાં ૯૦ વર્ષ પૂરાં કરી રહી છે. ભારતમાં રેડિયો ક્લબ દ્વારા ૧૯૨૩માં પ્રસારણ શરૂ થયું હતું. ત્યારબાદ ૮ જૂન, ૧૯૩૬ના રોજ સત્તાવાર રીતે ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવ્યો.
વર્ષ ૧૯૫૬-૫૭માં આ રાષ્ટ્રીય પ્રસારણકર્તા માટે સંસ્કૃત શબ્દ ‘આકાશવાણી’ અપનાવવામાં આવ્યો. આ નામ મૈસૂર યુનિવર્સિટીના પ્રોફેસર એમ. વી. ગોપાલસ્વામીના ખાનગી રેડિયો સ્ટેશન પરથી પ્રેરિત હતું. તથાગત બૌદ્ધે સ્વયં સાથે વિચારોની આપ-લે કરી તેમાંથી માત્ર સંવેદનાઓ પ્રગટી એટલા માત્રથી બુદ્ધ અટકી ન ગયા, પરંતુ તેઓના મનમાં જાણે એક સામાજિક સંકલ્પના પ્રસ્ફૂટિત થઈ! મનમાં એ ભાવ તીવ્રપણે ઉછાળા મારતો હતો કે, હું સર્વાધિક લોકોનું હિત કેવી રીતે કરી શકું? હું સર્વાધિક લોકોને સુખી કેવી રીતે કરી શકું? અને તેમાંથી ભારતના દર્શનશાસ્ત્રને એક મહામૂલો મંત્ર પ્રાપ્ય થયો.
 
चरथं भिक्खवे चारिकं, बहुजन हिताय-बहुजन सुखाय ।
लोकानु कंपाय, अत्थाय हिताय, सुखाय देव मनुस्सा,
आदि कल्याण, मध्य कल्याण, अंत कल्याण ।
 
ભગવાન બુદ્ધની આ દાર્શનિકતાને કેન્દ્રમાં રાખીને, આદિ-મધ્ય-અંતમાં કલ્યાણકારી સંસ્કાર માનવમાં પ્રગટે તેવો પવિત્ર-દિવ્ય વિચાર ધારણ કરીને, આકાશવાણીએ પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરી દીધું. આજે આકાશવાણી તેના પ્રખ્યાત સૂત્ર ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ને સાર્થક કરી રહ્યું છે. તેના દરેક પ્રસારણમાં આ સૂત્ર આબેહૂબ સાર્થક થતું જોવા મળે છે. શહેરોથી લઈને અંતરિયાળ ગામડાંઓ અને સરહદી વિસ્તારો સુધી, કોઈપણ ભેદભાવ વિના દેશના કરોડો નાગરિકો સુધી મનોરંજન, શિક્ષણ, ખેતીવાડીની માહિતી અને સચોટ સમાચાર પહોંચાડીને આકાશવાણીએ આ સૂત્રને સાચા અર્થમાં જીવંત રાખ્યું છે. કટોકટી કે કુદરતી આપત્તિના સમયે પણ નિઃસ્વાર્થ ભાવે લોકહિતનું કાર્ય કરીને તે ભારતની અસ્મિતાનો અવાજ બન્યું છે. હાલમાં આકાશવાણી ૨૩ ભાષાઓ અને ૧૪૬ બોલીઓમાં પ્રસારણ કરીને દેશની આશરે ૯૮% વસ્તી સુધી પહોંચ્યું છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ આકાશવાણીના માધ્યમથી જ દેશના અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચે છે. આ કાર્યક્રમથી રેડિયોની લોકપ્રિયતામાં વધારો થયો. ગુજરાતમાં રેડિયો પ્રસારણનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ અને ગૌરવશાળી છે, જેની સત્તાવાર શરૂઆત સ્વતંત્રતા પહેલા વડોદરા રાજ્યના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
  
વડોદરાના પ્રગતિશીલ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની દીર્ઘદ્રષ્ટિથી બ્રિટિશ સરકારની સ્કીમ હેઠળ રેડિયો સ્ટેશન સ્થાપવાનું નક્કી થયું. ત્યારબાદ ૧ મે, ૧૯૩૯ના રોજ મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે પાદરા પાસેના સમિયાલા ગામ નજીક ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો. જર્મનીથી રેડિયોનાં સાધનો આયાત કરવાનાં હતાં, પરંતુ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ, ૧૦ જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ મહારાજા પ્રતાપસિંહરાવ દ્વારા ‘બરોડા બ્રોડકાસ્ટિંગ સ્ટેશન’ (BBS)નું વિધિવત્‌ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સ્ટેશન પરથી બ્રિટિશ શાસન હોવા છતાં ‘વંદે માતરમ્’ વગાડવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. આઝાદી પછી આ સ્ટેશન ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) સાથે જોડાઈ ગયું. તે ભારતનું પ્રથમ રજવાડું હતું જેનું રેડિયો સ્ટેશન પણ AIRમાં વિલીન થયું.
 
રજવાડા સાથે રેડિયોનું પણ વિલીનીકરણ થયું હોય એવી પ્રથમ ઘટના. ગુજરાતની ધરતી પર સ્ટેશન શરૂ થયું તે પહેલાં, વર્ષ ૧૯૩૩થી મુંબઈ રેડિયો સ્ટેશન પરથી ગુજરાતી ભાષાના કાર્યક્રમો અને સમાચારોનું પ્રસારણ શરૂ થઈ ચૂક્યું હતું, કારણ કે તે સમયે ગુજરાત બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતું. સ્વતંત્રતા પછી ગુજરાતના મુખ્ય પ્રદેશોને આવરી લેવા માટે અમદાવાદમાં આકાશવાણી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. ૧૯૫૭માં શરૂ થયેલી આકાશવાણી વિવિધભારતી સેવા અમદાવાદ અને વડોદરામાં ખૂબ લોકપ્રિય બની. ત્યારબાદ રાજકોટ, ભુજ, સુરત અને ગોધરા જેવા શહેરોમાં પણ આકાશવાણીનાં કેન્દ્રો શરૂ થયાં, જેમણે સ્થાનિક બોલીઓ અને લોકસાહિત્યને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું.
 
આજે પણ આકાશવાણી એની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરતું નથી. વિસરાતા જતા વિચારને કલાના માધ્યમથી પ્રોત્સાહન આપે છે. મોટા ભાગનાં પ્રતિષ્ઠિત કલાકારોનું પહેલું પગથિયું આકાશવાણી રહ્યું છે.
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.