દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરાવવાની નોટિસ મળતા જ કૉંગ્રેસને કેમ પેટમાં દૂખ્યું...

ઈ. સ. ૧૯૫૬માં નહેરુ સરકારે પણ આ ક્લબને નોટિસ આપી હતી. તે સમયે આક્ષેપ હતો કે, ક્લબમાં અવૈધ રીતે વગર અનુમતિએ નિર્માણ કરાયું છે. તે પછી આવી નોટિસો વધતી ગઈ.

    ૦૮-જૂન-૨૦૨૬   
કુલ દૃશ્યો |
 
delhi-gymkhana-club-gujarati
 
 
દિલ્લી જિમખાના અંગ્રેજોની દાસતાના પ્રતીક પર પ્રહાર
 
દિલ્લી જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા ઢાંચાને મજબૂત કરવા માટે જગ્યા ખાલી કરવાની નોટિસ આપી. પાંચ જૂન સુધીનો સમય આપ્યો. અર્થાત્ બે અઠવાડિયા - એક પખવાડિયાનો લાંબો સમય. એમાં અપેક્ષા મુજબ જ, કૉંગ્રેસ કૂદી પડી. કૉંગ્રેસે વિરોધ કરતાં કહ્યું કે, આ તો ઐતિહાસિક વારસો છે, તેને નષ્ટ ન થવા દેવાય. અને અપેક્ષા મુજબ જ, આખો વિષય દિલ્લી ઉચ્ચ ન્યાયાલયમાં ગયો.
 
ઉચ્ચ ન્યાયાલયમાં પણ અપેક્ષા મુજબ જ, વકીલ તરીકે કોણ છે? અભિષેક મનુ સિંઘવી તો ખરા જ, સાથે કપિલ સિબલ. આ બેમાંથી માત્ર એક જ જણ કૉર્ટમાં ઊભા રહે તો પોતાના ગ્રાહક તરફી નિર્ણય મેળવી લે છે. અહીં તો બે જણા સાથે. પ્રશ્ન એ થાય કે દિલ્લી જિમખાના ક્લબ માટે એવો શું પ્રેમ આ બે મોંઘાદાટ વકીલોને ઉભરાઈ ગયો? અને ન્યાયાલયે પણ બીજા બધા કેસો બાજુએ રાખીને આ કેસની સુનાવણી હાથ ધરી દીધી!
 
આ કેસમાં સરકારે કહ્યું કે, અમે કાયદેસર પ્રક્રિયા અનુસરીને જ જગ્યા ખાલી કરાવવા માગીએ છીએ અને અમે તો બીજી ભૂમિ આપવા પણ તૈયાર છીએ. તો એ પણ પ્રશ્ન થાય કે આ તરફ, આટલો બધો ઊહાપોહ કેમ છે?
 
દિલ્લી જિમખાના એટલે અંગ્રેજોની માનસિક દાસતાનું પ્રતીક
 
૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીત્યા પછી સંસદમાં પહેલી વાર ભાષણ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્જના કરતાં કહ્યું હતું કે, ૨૦૧૪માં સત્તામાં આવ્યા પછી દેશને સૌથી મોટો પડકાર કૉંગ્રેસની ઇકૉ સિસ્ટમ તરફથી છે… જે રીતે ઇકૉ સિસ્ટમે કૃતનિશ્ચય કર્યો છે કે, દેશની વિકાસયાત્રાને રોકી દઈશું… હું આજે ઇકૉ સિસ્ટમને કહી દેવા માગું છું કે, તેના પ્રત્યેક ષડયંત્રનો ઉત્તર હવે તે જ ભાષામાં મળશે.
 
તમે કહેશો કે, દિલ્લી જિમખાના ક્લબ તો એક ક્લબ છે. તેને ઇકૉ સિસ્ટમ સાથે શું લેવાદેવા? તો ઉત્તર એ છે કે દિલ્લી જિમખાના ક્લબ ન માત્ર સેક્યુલર ઇકૉ સિસ્ટમનો ભાગ છે, પરંતુ તે અંગ્રેજોની માનસિક દાસતાનું પ્રતીક પણ છે. અને ૨૦૨૨માં દેશની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશમાં રહેલી વિદેશી દાસતાના દરેક ચિહ્નને દૂર કરવામાં આવશે. સરકારનો નિર્ણય પણ આ જ દિશામાં એક પગલું છે.
 
આ ક્લબની સ્થાપના અંગ્રેજોએ તેમની રાજધાની કોલકાતાથી દિલ્લી ખસેડી તે પછી ૩ જુલાઈ, ૧૯૧૩એ કરી હતી. તેનું નામ ‘ઇમ્પિરિયલ દિલ્લી જિમખાના ક્લબ’ હતું. આ ક્લબ ભારતીયોને નીચું દેખાડવા માટે હતી. આ ક્લબ માત્ર બ્રિટિશ અધિકારીઓ અને અન્ય ગણમાન્ય (સેલિબ્રિટી) માટે જ હતી. જોકે ક્લબ ચલાવવા માટે કેટલાક મહારાજાઓને તેમાં સભ્ય બનાવાયા હતા, કારણ કે તેઓ જ ભંડોળ પૂરું પાડી શકે તેમ હતા. તેના પહેલા અધ્યક્ષ સ્પેન્સર હારકોર્ટ બટલર હતા, જે તે સમયના અગ્રગણ્ય અધિકારી હતા.
 
ક્લબનું વર્તમાન ભવન ઈ. સ. ૧૯૨૮માં બનાવાયું હતું. આ ક્લબ લુટિયન્સ વિસ્તારમાં છે. હવે સહુ જાણે છે તેમ લુટિયન્સ વિસ્તારમાં રહેતા લોકો ભારતવિરોધી વધુ અને પાશ્ચાત્ય સંસ્કૃતિથી વધુ પ્રભાવિત હોય છે. આ લોકોનું મીડિયા પર હવે સાવ થોડું આધિપત્ય છે, પણ આ ક્લબ મારફતે ઘણું છે, તે આગળ જોઈશું.
 
૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો. પરંતુ માત્ર રાજકીય સત્તાનું હસ્તાંતરણ થયું. દાસતાનાં પ્રતીકો એમ ને એમ રહ્યાં. અંતર એટલું જ આવ્યું કે, અંગ્રેજોના સ્થાને હવે કાળા અંગ્રેજ જેવી કૉંગ્રેસ હતી. માત્ર નામમાંથી ‘ઇમ્પિરિયલ’ શબ્દ હટાવી દઈ સંતોષ માની લેવામાં આવ્યો.
 
સ્વતંત્રતા પછી પણ આ ક્લબ ડીપ સ્ટેટનો અડ્ડો બની ગઈ
 
સ્વતંત્રતા પછી આ ક્લબના સભ્યોની માનસિકતા અંગ્રેજોની જ હતી. આ ક્લબમાં રાજનેતાઓ, અગ્રણી આઈએએસ અધિકારીઓ, સેનાના નિવૃત્ત અધિકારીઓ, ન્યાયાધીશો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સભ્યો છે. વિચાર કરો, કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ કેવા મોટા લોકોના અડ્ડા પર હાથ નાખી મધપૂડાને છંછેડવાનું કામ કર્યું છે! પરંતુ મોદીજીએ સદા કહ્યું છે કે, તેમની સરકાર ગરીબોની સરકાર છે. દેશમાંથી આ રીતે ભદ્ર એટલે કે એલિટ કહેવાતા વર્ગના દબદબાને સમાપ્ત કરવાનું કામ તેમણે હાથમાં લીધું છે.
 
આ વર્ગ એટલે અંગ્રેજી બોલે, સૂટ-પેન્ટ-ટાઇ, સ્કર્ટ અને ટૉપ પહેરી હાથમાં ચિરુટ કે સિગરેટ અને વ્હીસ્કીના ગ્લાસ સાથે ભારતની ટીકા કરે, ભારતની સંસ્કૃતિની ટીકા કરે અને સરકારથી માંડીને ઉદ્યોગજગત, ન્યાયતંત્રમાં કેવા નિર્ણયો લેવા જોઈએ તે અહીં નક્કી થાય. એક રીતે કહીએ તો, આ ક્લબ ભારતના ‘ડીપ સ્ટેટ’નો અડ્ડો છે.
 
ક્લબની ભવ્યતા ભલભલા સરમુખત્યાર શાસકોના મહેલો કરતાંય ચડિયાતી
 
આ ક્લબ ૨૭.૩ એકર જેટલી વિશાળ ભૂમિમાં પથરાયેલી છે. તેમાં ઘાસનાં ૨૬ ટેનિસ મેદાન (ટેનિસ કૉર્ટ) છે. માટીનાં સાત મેદાન (ક્લે કૉર્ટ), ત્રણ સ્ક્વેશ મેદાન, બેડમિંટન મેદાન, બાસ્કેટબૉલ મેદાન, બિલિયર્ડ્સ રૂમ છે. જિમખાના નામ અંગ્રેજ અને ઉર્દૂનું મિશ્રણ છે. ‘ખાના’ શબ્દ જેની પાછળ આવે તે ઉર્દૂ શબ્દ હોય છે. દા. ત. દવાખાના, કારખાના…જિમ એ અંગ્રેજી શબ્દ છે. નામથી પણ આ ક્લબ ઇસ્લામી અને અંગ્રેજ આક્રાંતાઓની દાસતાનું પ્રતીક છે. નામ જિમખાના છે, તો તેમાં અત્યાધુનિક કાર્ડિયો અને વેટ ટ્રેનિંગ મશીનો પણ છે. સ્પા સેન્ટર પણ છે. સ્વિમિંગ પુલ છે, તેનું નામ હજુ પણ અંગ્રેજ સમયનું છે. લેડી વિલિંગડન પુલ, કારણ કે તે સમયના વાઇસરૉયનાં પત્નીએ સ્વિમિંગ પુલ બનાવવા તે સમયે રૂ. ૨૧,૦૦૦નું દાન આપ્યું હતું. અહીં એક બૉલરૂમ છે જેમાં નૃત્યના કાર્યક્રમો થાય છે. ટહેલવા માટે અનેક મેદાનો છે. આ જગ્યા માલેતુજારોને લગ્ન માટે અને કૉર્પોરેટ ઇવેન્ટ માટે ભાડે પણ અપાય છે.
 
ક્લબમાં ત્રણ મુખ્ય બાર (દારૂના અડ્ડા) છે. અહીં વિદેશી મોંઘામાં મોંઘો દારૂ મળે છે. અહીં ભારતીય અને વિદેશી (વધુ તો વિદેશી) વ્યંજનોવાળા અનેક ડાઇનિંગ રૂમ છે. બ્લુ ટોકાઈનો વિશેષ કૉફી બાર અને ક્લબની પોતાની પેસ્ટ્રી અને બેકરી દુકાન પણ છે. ક્લબમાં ૪૩ ભવ્ય (લક્ઝરિયસ) કૉટેજ (નિવાસ) છે. ફાઇવ સ્ટાર કે સેવન સ્ટાર હૉટલ જેવા જ ભવ્ય રૂમ આ કૉટેજમાં આવેલા છે. ઓરડાઓમાં ખાનગી બાલ્કની, કનેક્ટિંગ રૂમ અને ૨૪ કલાક ખાનગી બટલર સેવા છે.
અહીં એક ઐતિહાસિક પુસ્તકાલય છે, જે ઈ. સ. ૧૯૩૦ના દાયકાથી શરૂ થયું હતું અને દિલ્લીનું સૌથી સમૃદ્ધ પુસ્તકાલય મનાય છે. તેમાં ૩૫,૦૦૦થી વધુ પુસ્તકો, દુર્લભ દસ્તાવેજો, ડઝનથી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મેગેઝિન, અત્યાધુનિક સાઇબર સેન્ટર અને બાળકો માટે અલગ વાંચન કક્ષ છે.
 
ક્લબને ખાલી કરવાની નોટિસથી કૉંગ્રેસને કેમ પેટમાં દુઃખ્યું?
 
આ ક્લબમાં સભ્ય બનવું એ સરળ નથી, ચાલીસ ચાલીસ વર્ષનો પ્રતીક્ષા સમય હોય છે. અને લાખો રૂપિયાની ફી ભરવી પડે છે. એટલે સમજી શકાય કે આ ક્લબ કેવા લોકો માટે છે. વળી, આ ક્લબના એક સભ્ય કૉંગ્રેસના પડદા પાછળના ખરા અધ્યક્ષ રાહુલ ગાંધી પોતે પણ છે. એટલે કૉંગ્રેસ માટે વટનો પ્રશ્ન બની જાય, કારણ કે આ ક્લબ વડા પ્રધાન નિવાસને અડીને જ આવેલી છે. વળી, ઉપર કહ્યું તેમ, આ કૉંગ્રેસના ‘ડીપ સ્ટેટ’નો અડ્ડો છે. જો મોટા-મોટા લોકોને મળવું હોય તો તેમના ઘરે જવાની આવશ્યકતા નથી. તેઓ અહીં મળી જાય. શું વિરોધ કરવો, રેલી કાઢવી, ન્યાયાલયમાં શું થશે, ઉદ્યોગજગત શું કરશે તે બધાની ચર્ચા અહીં સિગરેટ પીતાં-પીતાં હાથમાં વ્હીસ્કીના ગ્લાસને ટકરાવતાં થાય.
 
ક્લબમાં ચાલતી દેશને સુરક્ષા માટે જોખમી અને ભ્રષ્ટાચારી પ્રવૃત્તિ
 
ક્લબને કોઈ નક્કર કારણ વગર, માત્ર તે મોદી સરકાર વિરોધી લોકોનો અડ્ડો છે, તેથી જ જગ્યા ખાલી નથી કરાવાતી. ૨૦૨૨માં અહીં એક રેલીનું આયોજન કરાયું હતું અને ત્યારે ડ્રૉન ઉડાડાયું હતું. વડા પ્રધાન નિવાસના પડોશમાં જ આવું કૃત્ય તેમની સુરક્ષા માટે કેટલું જોખમી ગણાય. ૨૦૨૨માં પૂર્વ કર્નલ આશીષ ખન્નાએ આ ઘટના સંદર્ભે એફઆઈઆર કરી હતી. આ ઉપરાંત આ ક્લબમાં નાણાકીય ગોટાળાઓના પણ આક્ષેપ ક્લબનાં પૂર્વ બૉર્ડ સભ્ય નિજી સુપરાએ કર્યા છે.
 
ક્લબની દાદાગીરી જુઓ, ભાડું સાવ નજીવું
 
બ્રિટિશરોના સમયમાં ફેબ્રુઆરી ૧૯૨૮માં આ ક્લબ માટે આટલી વિશાળ જમીન લીઝ પર અપાઈ હતી. લીઝની કોઈ પૂર્ણ થવાની અવધિ નથી. દાયકાઓ સુધી આટલી ૨૭.૩ એકર જેટલી વિશાળ ભૂમિમાં પથરાયેલી ક્લબ માત્ર
રૂ. ૪૦૯.૫૦ ભાડું ચૂકવતી હતી. તે પછી તેને વધારી રૂ. ૧૦૦૦ કરાયું. પરંતુ ૨૦૨૩માં મોદી સરકારે તેને વધારી રૂ. ૪.૧૦ કરોડ કર્યું. પરંતુ આ પહોંચતા લોકોની દાદાગીરી જુઓ. તેમણે ભાડું નથી ચૂકવ્યું. રૂ. ૪૭.૫૯ કરોડ જેટલું બાકી છે! દેશમાં સૌથી વધુ કમાતા લોકોની ક્લબ આટલું ભાડું પણ ન ભરી શકે? ભરી જ શકે, પરંતુ તેમના માટે આ વટનો પ્રશ્ન છે. અમને તો સરકારે મફત જ આપવાનું હોય.
 
જો સામાન્ય માણસનું આટલું સરકારી દેવું હોય તો? નહેરુએ પણ ક્લબને નોટિસ આપી હતી
 
ઈ. સ. ૧૯૫૬માં નહેરુ સરકારે પણ આ ક્લબને નોટિસ આપી હતી. તે સમયે આક્ષેપ હતો કે, ક્લબમાં અવૈધ રીતે વગર અનુમતિએ નિર્માણ કરાયું છે. તે પછી આવી નોટિસો વધતી ગઈ. ક્લબ પરિસરની અંદર બનેલી દુકાનો, સ્ટૉર અને અન્ય ઢાંચા માટે સરકાર સતત પ્રશ્નો કરતી રહી. ઈ. સ. ૨૦૦૦ના દાયકામાં પણ આ ક્લબમાં આવેલા કર્મચારીઓના આવાસોને વડા પ્રધાન માટે સુરક્ષાનો ભય બતાવાયો હતો. તે પછી સરકારે ૧.૯૯ એકર જમીન પોતાના આધિપત્યમાં લેવા પ્રયાસો શરૂ કર્યા. વર્તમાનની જેમ જ તે સમયે પણ આ લોકો ઉચ્ચ ન્યાયાલયમાં ગયા, સમજૂતી થઈ અને સ્ટાફના આવાસો હટાવી લેવાયા ક્લબે લાખો રૂપિયાનો દંડ પણ ભર્યો. પરંતુ કોઈ સરકાર આ જિમખાના ક્લબને ત્યાંથી હટાવી શકી નથી. લાગે છે કે, આ કામ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જ લખાયેલું છે. અને માત્ર આ નહીં, દરેક મોટા શહેરમાં આવી જિમખાનાં ક્લબ છે. મુંબઈમાં પણ ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…