એઆઈ દ્વારા તૈયાર કરેલ તસવીર
ચૂંટણીપંચના મિશન ‘SIR’ પર સર્વોચ્ચ ન્યાયાલયે મહોર મારી દીધી, જેમ EVM પર અગાઉ મહોર મારી હતી. ચૂંટણીપંચને નવી ઉર્જા-ઓળખ-આત્મશ્રદ્ધા મળી છે. અરે! એટલું જ નહીં SIRને અટકાવી દેવાનો વિપક્ષી ખોખલો ખેલ ખૂલ્લો પડી ગયો. સર્વોચ્ચ ન્યાયાલયે SIRની પ્રક્રિયાને એક આવશ્યક સંવૈધાનિક પ્રક્રિયા કહી, ચૂંટણીપંચના દાયિત્વનો સંવૈધાનિક ભાગ ગણાવી, તેમ છતાં સંવિધાનની લાલ કિતાબના પૂંઠાની આડમાં સામાન્ય જનતાને સદા ગુમરાહ કરનાર તત્ત્વો સુધરી જાય તેવી શક્યતા સ્હેજ પણ નથી દેખાતી.
વિપક્ષોએ SIRના મુદ્દે પ્રતિક્રિયા આપતાં સર્વોચ્ચ ન્યાયાલયના આ ચૂકાદાને જ લોકશાહી માટે જોખમી ગણાવી દીધો. સત્તા માટે નીતિનાશના પગલે જઈ રહેલો વિપક્ષ દેશ માટે વધુને વધુ જોખમી બની રહ્યો છે. હું નથી માનતો કે, વિપક્ષને દેશના હિતમાં SIRનું મહત્ત્વ નહિ સમજાતું હોય, વાસ્તવમાં તેમને મન SIRના મહત્વ કરતાં ‘મુસ્લિમ વૉટબેંક’નું મહત્ત્વ વધુ છે. વર્તમાનમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો (મુસલમાનો)નાં ટોળે-ટોળાં બાંગ્લાદેશની સરહદ તરફ ધસી રહ્યાં છે, પશ્ચિમ બંગાળનું આ ચિત્ર જોયા પછી પણ દેશના હિતમાં SIRનું મહત્ત્વ કોઈ ન સમજે, એના માટે આપણી દેશી ગુજરાતીના ‘ડફોળ-બુદ્ધુ-મૂર્ખ’ શબ્દો ટૂંકા પડે!
રચનાત્મક - વિધેયાત્મક ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ નિવડેલો વિપક્ષ દિવસે ને દિવસે જનમાનસમાંથી ઉતરી રહ્યો (રિજેક્ટ થઈ) રહ્યો છે. ડૂબતા વિપક્ષે હમણાં ‘કોકરોચ જનતા પાર્ટી (CJP)’નું તરણું પકડ્યું, દેશની ‘જેન-ઝી’ ઉશ્કેરાય, અરાજક બને તેવા દેકારા-પડકારા કર્યા, શ્રીલંકા-નેપાળ-બાંગ્લાદેશના દાખલા આપ્યા, પણ આ તો ભારત છે, દેશને તોડવાની મેલી મુરાદ મિટ્ટી પલિત થઈ. નાલેશી-નામોશી-બદનામી મળી. વિપક્ષ સાગમટે જાણે ‘કોકરોચ જનતા પાર્ટી’ના પગે આળોટતો ન હોય! આ જોઈને લોકોમાં ખૂબ મોટો મહત્ત્વનો મનોવૈજ્ઞાનિક સંદેશો એ ગયો કે, આ વિપક્ષ તરીકે કહેવાતા પક્ષોને, પોતાના કાર્યકરો-નીતિઓ-કાર્યક્રમો પર હવે એટલો પણ ભરોસો નથી રહ્યો; જેટલો ભરોસો તેમને ઠામ-ઠેકાણા વગરની ‘કોકરોચ જનતા પાર્ટી’ પર છે, વળી જેનો કર્તાધર્તા પણ છેક વિદેશમાં બેઠ્યો બેઠ્યો કઠપૂતળીના ખેલ કરી રહ્યો છે અને અહીં લુચ્ચાં શિયાળવાંનાં મોંમાંથી સત્તાની લાળ ટપકી રહી છે. પગ પોતાના, કુહાડોય પોતાનો અને કુહાડો જે પંજાએ પકડ્યો તે પંજો પણ પોતાનો!
‘કોકરોચ જનતા પાર્ટી’ને કઠપૂતળીઓ જોઇતી હતી, વિપક્ષ હાજર હતો. મફતમાં જથ્થાબંધ (હૉલસેલ)માં કઠપૂતળીઓ મળી ગઈ! જો કે અંતે તો ‘કોકરોચ જનતા પાર્ટી’ પણ ભેખડે ભરાઈ ગઈ, એને એવી ક્યાં ગતાગમ હતી કે, આખા દેશે રિજેક્ટ કરેલી આ કઠપૂતળીઓ સાથે સંબંધ બંધાવાના કારણે આ દેશની સદા સમજદાર ‘જેન-ઝી’, એને (CJPને..) પણ આમ સાવ અવળા હાથે રિજેક્ટ કરી દેશે!
ભારતવિરોધી તર્જના નશામાં જેમ પાકિસ્તાન લવારીએ ચડી જાય છે તેમ વિપક્ષી નેતા દેશના વડાપ્રધાનને ગદ્દાર કહે ત્યારે ભારતની ‘જેન-ઝી’ શું તેને સહી શકે કે? વિદેશી વિચારધારા/નાણાં/સત્તાના હાથોમાં રમતી તાકાતોને જ્યારે આપણી ‘જેન-ઝી’ ઓળખી જાય છે ત્યારે તેને એવા ડસ્ટબીનમાં ફેંકી દે છે, જ્યાં રીસાયક્લેબલનો કોઈ વિકલ્પ (ઓપ્શન) જ રાખવામાં આવેલો નથી હોતો.
એક આ પણ આવી વિદેશી તાકાત છે, જેના જોરે ક્રિશ્ચયન મિશનરીઓ જંગલોમાં જનજાતિ (ST)નું ધમધોકાર ધર્માંતરણ કરે છે. આ ધર્માંતરણ (Conversion); દેશની જનજાતિ પરંપરા પર, તેના સાંસ્કૃતિક વારસા પર, તેની ધાર્મિક ઓળખ પર આતંકી પ્રહાર કરી રહ્યું છે. દેશ તૂટી રહ્યો છે. કાયમી ઉપાય છે- ‘ડીલિસ્ટીંગ’. કાયદો હાથમાં લઈને આચરવામાં આવતી આ અરાજકતા સામે માત્ર એક ઉપાય છે-‘ડીલિસ્ટીંગ’, તેની અનિવાર્યતા દેશ સમજે. આ અનિવાર્યતાનો આદિવાસી આર્તનાદ; સમગ્ર ભારતમાંથી હજારો કિ.મી. દૂરથી દિલ્લી આવીને લાખો જનજાતિ બહેનો-ભાઈઓએ દેશને હમણાં સંભળાવ્યો. ત્યારે ત્યાં રહેલી, આપણા કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીની ઉપસ્થિતિ અતિ સૂચક છે. હંમેશા સત્યને સમય લાગે, પરંતુ જ્યારે પણ તે પ્રગટે ત્યારે તે સુસજ્જિતપણે.. સંપૂર્ણપણે.. છપ્પર ફાડીને.. સાર્વત્રિક.. અને સોળે કળાએ.. શાશ્વત - સનાતન સ્વરૂપે પ્રગટે છે..