ભારતગાથા । જ્યારે આસામ પૂર્વ પાકિસ્તાનનો ભાગ બનતાં બચી ગયું...

સિલહટ જિલ્લો પાકિસ્તાનમાં ભેળવવામાં આવ્યો તે પછી આજ સુધીનું અલગાવવાદીઓનું સૂત્ર છે: ‘સિલહટ નેલામ ગણભોટે, કાછાર નેબો લાઠીર ચોટે!’ ઝીણાએ પણ પોતાના ખાનગી મંત્રી રહેલા મોઇનુલ હક ચૌધરીને કહ્યું હતું કે, ‘દસ વર્ષ થોભી જાઓ, હું આસામ તમને ચાંદીની થાળીમાં ભેટ આપીશ..’

    ૦૮-જૂન-૨૦૨૬   
કુલ દૃશ્યો |

gopinath-bordoloi-and-assam
 ગોપીનાથ બાર્ડોલોઇ અને સાદુલ્લા
 
 
ભારત વિભાજન અને તેની પહેલાં અને પછી કેટલાક સરહદી પ્રદેશો એવા રહ્યા છે કે જેના પર પાડોશી દેશ- પાકિસ્તાન અને ચીનની દુષ્ટ નજર રહી હોય અને ઘૂસણખોરીથી માંડીને અલગાવી વિદ્રોહ સુધીની પ્રવૃત્તિ કાયમ રહી હોય. વિભાજન પછી તુરત કાશ્મીર પર કબાઈલી હુમલો થયો તે ભારતીય સેનાએ હઠાવ્યો હતો, પણ પોક નામે ‘પાકિસ્તાન ઓક્યુપાઈડ એરિયા’ કાયમ સ્થાપિત થઈ ગયો. ‘આઝાદ કાશ્મીર’ના નામે ઓળખાતો આ પ્રદેશ પાકિસ્તાની આતંકવાદીઓનો અડ્ડો છે. ૧૯૬૨માં ચીની પંચશીલનો ખેલ પડ્યો અને ૮ સપ્ટેમ્બર, ૧૯૫૯ના દિવસે જાહેર કર્યું કે, ભારતની ૫૦,૦૦૦ વર્ગ માઈલ જમીન અમારી છે, મેકમોહન હરોળ તો બ્રિટીશરોએ બનાવી હતી, અમે તેને માનતા નથી. જોતજોતામાં ચીને ૧૨,૦૦૦ વર્ગ માઈલ જમીન પચાવી પાડી. ૧૦ ઓકટોબર, ૧૯૬૨ના ધો-લા તવાંગ પર આક્રમણથી શરૂઆત થઈ, લદાખમાં કારાકોરમથી નીકળી સિંધની ખીણ સુધીનો ઇરાદો હતો. તીબેટને તો ૧૯૫૦માં જ દમનખોરી સાથે દબાવી દીધું એટલે દલાઈ લામાને પોતાના લોકોની સાથે ભારતમાં ભાગીને આવી જવું પડ્યું તે ઇતિહાસ જાણીતો છે.
 
થાંગ-લા, દૌલતબેગ, અરુણાચલ, તસંગ જોંગ, ધો-લા, બૂમ-લા, લદાખ, સી-લા, વાલોન્ગ, તેજપુર, બોમદી-લા વગેરે પરના ચીની હુમલાઓને પૂર્વોત્તરના લોકો હજુ ભૂલ્યા નથી. ૧૯૮૦માં મારી આસામ મુલાકાત દરમિયાન વિદ્યાર્થી નેતાની સાથેની વાતચીત થઈ ત્યારે તેમણે આકાશવાણી પરથી વડાપ્રધાન જવાહરલાલના પૂર્વોત્તરને સંબોધીને અપાયેલા ભાષણનું ઉદાહરણ આપ્યું, નહેરુજીએ કહ્યું હતું કે, માય હાર્ટ ગોઝ ટુ ધ પીપલ ઓફ આસામ એટ ધિસ અવર. વિદ્યાર્થી નેતાએ તે વિધાન વિષે દુ:ખપૂર્વક ટીકા કરી કે, અમને તમારું હૃદય નહોતું જોઈતું, ચીનાઓની સામે લડવા બંદૂક જોઈતી હતી. છેવટે કોલમ્બો પ્રસ્તાવથી યુદ્ધવિરામ તો આવ્યો પણ ગુમાવેલા વિસ્તારો તો ચીન પાસે જ રહ્યા, ૬૩ વર્ષે પણ તેવી જ સ્થિતિ છે. હજુ ધૂર્ત ચીની નેતાગીરી અરુણાચલને પોતાનું ગણે છે!
 
આસામની પરિસ્થિતિ મુસ્લિમ સ્થળાંતરના હથિયારથી પાકિસ્તાનનો ભાગ બનાવવાની રહી તે તો છેક વિભાજન પૂર્વેની રાજરમત છે. પશ્ચિમ પાકિસ્તાનથી મુક્ત થવા માટે શેખ મુજીબુર રહેમાને ભારતની મદદ લીધી હતી, અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. વિભાજનના દિવસોમાં શેખ મુજીબુરે એક પુસ્તક લખ્યું હતું, ‘Eastern Pakistan, its population, determination and economics. તેમાં વસતિ, પેટ્રોલ, કોલસા, અને જમીન માટે આસામમાં ઘણી તક છે એવું લખ્યું હતું. ઝુલ્ફીકારઅલી ભૂટોએ ‘ધ મિથ ઓફ ઇન્ડિપેન્ડસ’માં સ્પષ્ટ કહ્યું કે, ભારત સાથેના જે સરહદી પ્રદેશો છે ત્યાં મુસ્લિમ-બહુલ વિસ્તારોમાં ‘ખાસ સંબંધો’ ઊભા કરવા જોઈએ, એકલું કાશ્મીર જ મહત્વનું નથી, આસામ અને બીજા વિસ્તારો પણ છે, જે પાકિસ્તાનની નજીક આવેલા છે. પૂર્વ પાકિસ્તાન માટે તેનો અસરકારક દાવો છે. એ જ રીતે સેંકડો મુસ્લિમોને હાંકી કાઢવામાં આવી રહ્યા છે તે વિષે પાકિસ્તાન હળવાશથી જોઈ શકે નહીં.’ આ પુસ્તકમાં પંજાબનો નિર્દેશ કરીને વિભાજન સમયે આસામ-ત્રિપુરા પાકિસ્તાનને ના મળ્યા તે ખ્યાલમાં રાખીને આ પ્રદેશોના મુસ્લિમ નિવાસીઓની સાથે ખાસ સંબંધો બાંધવા જોઈશે, એમ પણ લખ્યું છે.
 
આ વ્યૂહરચનાને આસામમાં મુસ્લિમ લીગ દ્વારા વિભાજનની પહેલાં જ લાગુ પાડવામાં આવી. તેનો પ્રખર વિરોધ ગોપીનાથ બાર્ડોલોઇ જેવા રાષ્ટ્રવાદી નેતાએ કર્યો, તેનું મહત્વ ઓછું નથી. ૧૯૧૭ પછી તે રાજકારણમાં પ્રવેશ્યા. તે સમયનું રાજકારણ રાષ્ટ્રકારણની સાથે જ ચાલતું હતું. આસામમાં શરૂઆતમાં ‘આસામ એસોસિયેશન’ રચાયું, પછી ૧૯૨૧માં કોંગ્રેસનું એકમ બન્યું, સ્વતંત્રતાની લડત માટે ગોપીનાથે વકીલાત છોડી, ૧૯૨૨માં જેલવાસી બન્યા. ૧૯૩૬માં આસામની પ્રાદેશિક વિધાનસભામાં ગોપીનાથના નેતૃત્વમાં કોંગ્રેસે ૩૮ બેઠકો તો મેળવી પણ બ્રિટિશ ચાલબાજી આસામમાં ભાગલાવાદી પ્રવૃત્તિની સાથે હતી. મુસ્લિમ લીગ તૈયાર હતી. તેનો નેતા સર મોહમ્મદ સાદુલ્લાહ હતો, તેણે બીજા નાના પક્ષોની સાથે રહીને સરકાર બનાવી, ૧૯૨૦માં બ્રિટિશરોએ ‘લાઇન સિસ્ટમ’ બનાવી હતી તેનો દુરુપયોગ કરવા માંડ્યો.
 
ગોપીનાથ વિરોધ પક્ષના નેતા હતા, તેમણે ગાંધીજી, રાજાજી, રાજેન્દ્રપ્રસાદ અને જવાહરલાલને સાવધાન કરવાનો પ્રયાસ કર્યો કે, આસામ પૂર્વ પાકિસ્તાનનો ભાગ બની જાય તેવી હિલચાલ થઈ રહી છે. સાદુલ્લાએ મુખ્યમંત્રી તરીકે ‘વધુ અનાજ વાવો’ના નામે આસામથી બહાર- મુખ્યત્વે ઢાકા અને બીજેથી મુસ્લિમોને બોલાવ્યા, આસામમાં બહારના લોકોનું આવવાનું શરૂ થયું. બે વાર સાદુલ્લાની સરકાર બની, ઉદ્દેશ એવો જ હતો કે પૂર્વ પાકિસ્તાનની રચના થાય એટલે આસામ તેનો ભાગ બને. બ્રિટીશરોએ ‘જૂથબંધી યોજના’ મૂકી તેમ એ, બી, સી, એમ ત્રણ ભાગમાં પ્રદેશોને મૂકવામાં આવ્યા, આસામ બંગાળને ‘સી’માં મૂકવામાં આવ્યા હતા. ગોપીનાથના નેતૃત્વમાં સમગ્ર આસામની હિન્દુ પ્રજામાં ઉગ્ર વિરોધ શરૂ થયો. ગોપીનાથે સ્પષ્ટ જણાવ્યું કે અમે આસામના લોકો અમારું બંધારણ જાતે ઘડીશું ને નિર્ણય કરીશું કે જૂથ યોજનામાં જોડાવું કે નહિ. સાથે જ જન આંદોલન પણ શરૂ થયું.
 
દરમિયાન બ્રિટિશ સરકારના છેલ્લા વાઇસરૉય લોર્ડ માઉન્ટબેટન આવ્યા, ગાંધીજી અને ઝીણાને મળ્યા. ભારત વિભાજનનો નિર્ણય લેવાયો, આસામના મુસ્લિમો તો રાહ જોઈ રહ્યા હતા કે, આસામ પૂર્વ પાકિસ્તાનનો ભાગ બને. સર સાદુલ્લાએ જમીની તૈયારી કરી રાખી હતી. મુસ્લિમોના આ નેતાને માટે પાકિસ્તાન તરફી મુસ્લિમો કહેતા હતા : ‘ઉપર અલ્લા, નીચે સાદુલ્લા..’ તેણે બ્રિટનને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મદદ કરી હતી અને એક કરોડનું ‘વોર ફંડ’ કરી આપ્યું હતું, તેના બદલામાં તે ફરીવાર મુખ્યમંત્રી બન્યો, પણ પ્રજા તેની સાથે નહોતી. ફરીવાર ગોપીનાથની સરકાર બની. તેમણે ૧૯૪૧ની લેન્ડ ડેવલપમેંટ સ્કીમનો વિરોધ કર્યો અને અમલીકરણ અટકાવી દીધું. ૧૯૪૬માં મુસ્લિમ લીગ અને સાદુલ્લાએ પૂર્વ પાકિસ્તાનની સાથે આસામનું જોડાણ થાય તેવી માગણી કરી.
 
કેબિનેટ મિશને નક્કી કરી જ નાખ્યું હતું કે, આસામનો કેટલોક ભાગ તો પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવો. આવા નિર્ણય અને અલગાવની પરિસ્થિતિમાં ગોપીનાથ દૃઢતાથી લડ્યા, કોંગ્રેસ નેતાઓને પણ સ્પષ્ટ જણાવી દીધું કે, આસામ તો અખંડ ભારતનો જ ભાગ રહેશે, કોઈ કાળે અમે પાકિસ્તાનમાં ભળીશું નહિ. દયાનાથ સિંહે એ સમય વિષે પુસ્તક લખ્યું (આસામી ભાષામાં) તેનું શીર્ષક છે, ‘બારડોલોઇ: જેણે આસામને ઇસ્લામિક રાજ્ય બનતું અટકાવ્યું..’ તેમણે સરદાર વલ્લભભાઈને આસામ વિષે સંપૂર્ણ માહિતગાર રાખ્યા હતા, અને સરદારે આસામ બચાવી લેવા માટે તેમને સમર્થન આપ્યું.
 
ગોપીનાથ આસામના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા, આ ભૂમિ પર અવતરણ ૬ જૂન, ૧૮૯૦ : અવસાન પામ્યા ૫ ઓગસ્ટ, ૧૯૫૦. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારે તેમને ૧૯૯૯માં ‘ભારતરત્ન’ના સન્માનથી નવાજિત કર્યા, તેમની પ્રતિમા સંસદ પરિસરમાં આસામના ઈતિહાસની સ્મૃતિ કરાવતી ઊભી છે.
 
રાષ્ટ્રનિષ્ઠ રાજનીતિને માટે તેમણે ઘણું સહન કર્યું, એક તરફ મુસ્લિમ લીગ અને બીજી તરફ કોંગ્રેસનાં જ સ્વાર્થ-પ્રેરિત તત્ત્વો. ૧૯૩૬માં જ સાદુલ્લાએ ઇધર ઉધર કરીને સરકાર બનાવી લીધી ત્યારે ગોપીનાથનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે, આ સરકાર ખતરનાક નીવડશે, કારણ કે બહુસંખ્યક હિન્દુઓમાં ભય સર્જાશે. મૌલાના અબુલ કલામ આસામ આવ્યા, તેમની ઈચ્છા ગોપીનાથ-સરકાર બને તેવી નહોતી. સાદુલ્લા સાથે ગુપ્ત મંત્રણા કરી. એટલે ગોપીનાથે સુભાષચંદ્ર બોઝનો સંપર્ક કર્યો, સુભાષ આસામ આવ્યા, તેમને લાગ્યું કે, ગોપીનાથની વાત સાચી છે, સરકાર આપણી બનવી જોઈએ. ગોપીનાથે તેમ કર્યું તો મૌલાના આઝાદે ગોપીનાથનો વિરોધ કર્યો, પોતાના પદ પરથી રાજીનામું આપવાની ધમકી આપી. ૧૯૩૮માં ગોપીનાથ-સરકાર બની, સરદારે ટેકો આપ્યો. એ પહેલાં સાદુલ્લાએ મુખ્યમંત્રી હતા ત્યારે બંગાળ (પછીનું પૂર્વ પાકિસ્તાન)ના મુસ્લિમોને એક લાખ વીઘાં જમીન ફાળવી, નેહરુજીએ તેને સમર્થન આપ્યું, રાજેન્દ્ર પ્રસાદે વિરોધ કર્યો. મૌલાના ભાષાણીએ ‘આસામિયા પ્રતિ રક્ષિણી સભા’ના નામે મુસ્લિમ મજદૂરોને એકત્રિત કર્યા. એક અખબાર શરૂ કર્યું. ઝીણા આવીને ભડકાવી ગયા. મુસ્લિમ નેશનલ ગાર્ડ્સની સ્થાપના થઈ. ગૃપિંગ યોજનાથી લીગને ફાયદો મળવાનો હતો, ખુદ કોંગ્રેસના મોવડી મંડળે આસામ કોંગ્રેસને જણાવ્યું કે ગૃપિંગ એક્શનનો સ્વીકાર કરે. પણ આસામ માટે જિંદગી અને મોતનો સવાલ હતો. ૧૯૪૬માં આસામ બચી ગયું પણ તેનો એક જિલ્લો પૂર્વ પાકિસ્તાનને મળ્યો.
 
સિલહટ જિલ્લો પાકિસ્તાનમાં ભેળવવામાં આવ્યો તે પછી આજ સુધીનું અલગાવવાદીઓનું સૂત્ર છે: ‘સિલહટ નેલામ ગણભોટે, કાછાર નેબો લાઠીર ચોટે!’ ઝીણાએ પણ પોતાના ખાનગી મંત્રી રહેલા મોઇનુલ હક ચૌધરીને કહ્યું હતું કે, ‘દસ વર્ષ થોભી જાઓ, હું આસામ તમને ચાંદીની થાળીમાં ભેટ આપીશ..’
 
અત્યારે હેમંત બિશવા શર્મા જેવા અડીખમ નેતા આસામને મળ્યા છે તે જાણે કે ગોપીનાથના આત્માની સ્થાપના કરી રહ્યા છે!

વિષ્ણુ પંડયા

લેખક રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. સાધના સાપ્તાહિકના પૂર્વ તંત્રીશ્રી છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ચેરમેન છે. રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા ૪૦ વર્ષોથી સક્રિય છે. ૨૦૧૭માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે.