આજે આપણે વિજ્ઞાનને આધુનિક યુગની સૌથી મોટી સિદ્ધિ ગણીએ છીએ, પરંતુ વિજ્ઞાનનું મૂળ શું છે? શું તે માત્ર પ્રયોગશાળાઓ, સૂક્ષ્મદર્શકો અને ગણિતીય સમીકરણોમાં સમાયેલું છે? કે પછી તેના મૂળમાં એક વિશિષ્ટ માનસિકતા છે – પ્રશ્ન પૂછવાની, અવલોકન કરવાની, તર્ક કરવાની અને પુરાવા શોધવાની? જો આ દૃષ્ટિએ જોઈએ તો ભારતીય તર્કશાસ્ત્ર અને આધુનિક વિજ્ઞાન વચ્ચે એક અદ્ભુત આંતરિક સંબંધ દેખાયa છે.
ભારતે હજારો વર્ષ પહેલાં જ જ્ઞાનની શોધ માટે એવી પદ્ધતિઓ વિકસાવી હતી, જે આજે પણ વૈજ્ઞાનિક અભિગમના મૂળભૂત તત્ત્વો સાથે સુસંગત જણાય છે. તેથી ભારતીય તર્કશાસ્ત્રનો અભ્યાસ માત્ર ભૂતકાળની ગૌરવગાથા નથી; તે વર્તમાન અને ભવિષ્ય માટે પણ માર્ગદર્શક છે.
પ્રશ્નથી શરૂ થતી જ્ઞાનયાત્રા
ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની શરૂઆત પ્રશ્નથી થાય છે. ઉપનિષદોનું સાહિત્ય વાંચીએ તો જણાય છે કે તે ઉપદેશોનો સંગ્રહ નથી, પરંતુ પ્રશ્નો અને સંવાદોનું સાહિત્ય છે. કઠોપનિષદમાં નચિકેતા મૃત્યુના રહસ્ય વિશે યમરાજને પ્રશ્ન કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ગાર્ગી સમગ્ર બ્રહ્માંડના આધાર વિશે યાજ્ઞવલ્ક્ય સાથે ચર્ચા કરે છે.
મુંડક ઉપનિષદમાં શિષ્ય ગુરુને પૂછે છે:
कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति?
અર્થાત્, ‘હે ભગવન! એવું શું જાણવામાં આવે કે જેના જાણવાથી બધું જ જાણી શકાય?’
આ પ્રશ્ન માત્ર આધ્યાત્મિક નથી; તે જ્ઞાનના મૂળભૂત સ્વરૂપ વિશેનો પ્રશ્ન છે. વિજ્ઞાનનો જન્મ પણ આવા જ પ્રશ્નોમાંથી થયો છે. ન્યૂટને પૂછ્યું કે, ‘સફરજન નીચે જ કેમ પડે છે?’ આઇન્સ્ટાઇને વિચાર્યું કે, ‘જો પ્રકાશકિરણ સાથે દોડીએ તો શું થશે?’ દરેક મહાન વૈજ્ઞાનિક શોધ પાછળ એક પ્રશ્ન રહેલો છે.
નેતિ નેતિ : નિશ્ચિતતાની નહીં, શોધની પરંપરા
ભારતીય જ્ઞાનપરંપરાની એક વિશિષ્ટતા એ છે કે, અહીં સત્યને કોઈ એક વ્યાખ્યા કે સિદ્ધાંતમાં કેદ કરવાનો પ્રયત્ન થયો નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં વારંવાર આવતો ‘નેતિ નેતિ’નો શબ્દપ્રયોગ આ દૃષ્ટિને વ્યક્ત કરે છે. ‘આ નથી, આ પણ નથી’ – આ વાક્ય પ્રથમ દૃષ્ટિએ નકારાત્મક લાગે, પરંતુ વાસ્તવમાં તે જ્ઞાનની અદભૂત પદ્ધતિ છે. જ્યારે કોઈ નિષ્કર્ષને અંતિમ માની લેવાને બદલે સતત તેની મર્યાદાઓ શોધવામાં આવે, ત્યારે જ નવી સમજણનાં દ્વાર ખૂલે છે.
વિજ્ઞાનનો વિકાસ પણ આ જ માર્ગે થયો છે. ન્યૂટનનું ભૌતિકશાસ્ત્ર અંતિમ સત્ય માનવામાં આવતું હતું, પરંતુ આઇન્સ્ટાઇને તેની મર્યાદાઓ દર્શાવી. આજે ક્વોન્ટમ સિદ્ધાંતો પણ નવા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ભારતીય ઋષિઓએ હજારો વર્ષ પહેલાં જ સમજી લીધું હતું કે, જ્ઞાનનો અર્થ અંતિમ ઉત્તર પ્રાપ્ત કરવો નહીં, પરંતુ સત્ય તરફ સતત આગળ વધતા રહેવું છે. ‘નેતિ નેતિ’ એ જિજ્ઞાસાને જીવંત રાખવાની પદ્ધતિ છે.
ચાર પ્રમાણો : જ્ઞાનનાં ચાર દ્વાર
ભારતીય વિચારકો માટે સૌથી મોટો પ્રશ્ન હતો કે, આપણે જે જાણીએ છીએ તે સાચું છે કે કેમ? આ માટે તેમણે જ્ઞાનપ્રાપ્તિના ચાર મુખ્ય સાધનો સૂચવ્યાં.
પ્રથમ છે પ્રત્યક્ષ. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન. આપણે સૂર્યોદય જોઈએ છીએ, વરસાદ અનુભવીએ છીએ અથવા કોઈ પદાર્થને સ્પર્શીએ છીએ. આ પ્રત્યક્ષ છે. આધુનિક વિજ્ઞાનમાં પણ અવલોકન જ પ્રથમ પગથિયું છે.
બીજું છે અનુમાન. જ્યારે આપણે ધુમાડો જોઈએ છીએ ત્યારે અગ્નિ હોવાનો નિષ્કર્ષ કાઢીએ છીએ. આ સીધું જ્ઞાન નથી, પરંતુ તર્ક દ્વારા પ્રાપ્ત જ્ઞાન છે. આધુનિક વિજ્ઞાનના મોટા ભાગના સિદ્ધાંતો અનુમાન પર આધારિત છે. કોઈએ ઇલેક્ટ્રોનને આંખે જોયો નથી, છતાં તેના અસ્તિત્વ વિશે વિશ્વાસ છે, કારણ કે તેના પ્રભાવો અવલોકિત થયા છે.
ત્રીજું છે ઉપમાન. એટલે કે સમાનતા દ્વારા જ્ઞાન. વિજ્ઞાનમાં પણ મોડેલ અને એનાલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે. રુધરફોર્ડે પરમાણુની રચનાને સૂર્યમંડળ સાથે સરખાવી હતી.
ચોથું છે શબ્દ. વિશ્વસનીય સ્ત્રોતમાંથી પ્રાપ્ત જ્ઞાન. આજના વૈજ્ઞાનિક સંશોધનપત્રો, પુસ્તકો અને નિષ્ણાતોના અભ્યાસો આ જ સિદ્ધાંતનું આધુનિક સ્વરૂપ છે.
બુદ્ધનું વિજ્ઞાનસંગત વલણ
ભારતીય ચિંતનપરંપરામાં ગૌતમ બુદ્ધનું સ્થાન વિશિષ્ટ છે. તેમણે માન્યતાઓ કરતાં અનુભવ અને પરીક્ષણને વધુ મહત્વ આપ્યું.
કાલામ સૂત્રમાં બુદ્ધ કહે છે:
मा अनुश्रुतेन, मा परम्पराय, मा पिटकसम्पदानेन...
અર્થાત્, ‘માત્ર સાંભળેલી વાત, પરંપરા કે ગ્રંથના આધારે કોઈ વાત સ્વીકારી ન લેવી.’
આગળ તેઓ કહે છે કે, જ્યારે તમે પોતે અનુભવથી જાણો કે કોઈ બાબત કલ્યાણકારી છે, ત્યારે જ તેને સ્વીકારો. વિજ્ઞાનની સમગ્ર પદ્ધતિ આ જ સિદ્ધાંત પર આધારિત છે. કોઈ સિદ્ધાંતનું મૂલ્ય તેની પાછળ રહેલા પુરાવા પરથી નક્કી થાય છે, વ્યક્તિના હોદ્દા અથવા પ્રતિષ્ઠા પરથી નહીં.
જિજ્ઞાસા : ભારતીય વિજ્ઞાનનું મૂળ બીજ
સંસ્કૃતમાં એક સુંદર પ્રાર્થના છે –
असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय।
અસત્યમાંથી સત્ય તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની આ અભિલાષા જ જિજ્ઞાસાનું મૂળ સ્વરૂપ છે. ભારતીય પરંપરામાં જિજ્ઞાસાને માત્ર બૌદ્ધિક ઉત્સુકતા માનવામાં આવી નથી; તેને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય તરીકે સ્વીકારવામાં આવી છે. તેથી જ અહીં જ્ઞાનને સાધના કહેવામાં આવ્યું છે.
જિજ્ઞાસા વિના ન તો દર્શન જન્મે, ન વિજ્ઞાન. આર્યભટ્ટે આકાશ તરફ જોયું, ચરકે માનવશરીર તરફ જોયું અને ઉપનિષદોના ઋષિઓએ પોતાના અંતરમન તરફ જોયું. દિશાઓ અલગ હતી, પરંતુ પ્રેરણા એક જ હતી– જાણવાની તીવ્ર ઇચ્છા. ભારતીય જ્ઞાનપરંપરાની આ જિજ્ઞાસા જ તેને વિશ્વની અન્ય પરંપરાઓથી વિશિષ્ટ બનાવે છે.
અનેકાંતવાદ : સત્યના અનેક આયામ
જૈન દર્શનનો અનેકાંતવાદ માનવબુદ્ધિને વિનમ્રતા શીખવે છે. તે કહે છે કે સત્ય એકપક્ષીય નથી. દરેક દૃષ્ટિકોણ સત્યનો એક ભાગ રજૂ કરે છે. જૈન આચાર્યોનું પ્રખ્યાત વાક્ય છે:
अनेकान्तात्मकं वस्तु અર્થાત્, વાસ્તવિકતા અનેક પાસાં ધરાવે છે.
આ વિચાર આજે વૈજ્ઞાનિક સંશોધનમાં પણ મહત્વપૂર્ણ છે. એક જ ઘટનાને ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી અને જીવવિજ્ઞાની અલગ રીતે સમજાવી શકે છે. દરેક દૃષ્ટિકોણમાં સત્યનો એક અંશ હોય છે. વિજ્ઞાનનો વિકાસ પણ એક જ અંતિમ ઉત્તરથી નહીં, પરંતુ વિવિધ અભિગમો વચ્ચેના સંવાદથી થાય છે.
ભારતીય પરંપરામાં શાસ્ત્રાર્થ અને વિજ્ઞાનમાં તર્કનો ઉપયોગ
ભારતીય પરંપરામાં શાસ્ત્રાર્થનું વિશેષ મહત્વ હતું. ચર્ચા અને તર્ક દ્વારા જ્ઞાનને વધુ શુદ્ધ બનાવવામાં આવતું.
સંસ્કૃતમાં કહેવાયું છે : वादे वादे जायते तत्त्वबोधः
અર્થાત્, ચર્ચા અને પ્રતિચર્ચા દ્વારા તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
આજના વૈજ્ઞાનિક જગતમાં પિયર રિવ્યૂ, પરિષદો અને સંશોધનચર્ચાઓ એ જ પરંપરાનું આધુનિક સ્વરૂપ છે. કોઈ પણ વૈજ્ઞાનિક શોધ અન્ય વૈજ્ઞાનિકોની સમીક્ષા વિના સ્વીકારવામાં આવતી નથી.
ભારતીય ગણિતજ્ઞો, વૈદ્યો અને ખગોળશાસ્ત્રીઓએ તર્કને વ્યવહારમાં ઉતાર્યો હતો. આર્યભટ્ટે પૃથ્વીની પરિભ્રમણ ગતિ વિશે વિચાર રજૂ કર્યો ત્યારે તે માત્ર માન્યતા નહોતી; તેની પાછળ ગણિતીય તર્ક હતો. બ્રહ્મગુપ્તે ગણિતીય નિયમો આપ્યા ત્યારે તે પાછળ તાર્કિક પ્રક્રિયા હતી. ચરક સંહિતામાં દર્દીના નિદાન માટે માત્ર લક્ષણો જોવાનું નથી, પરંતુ કારણો શોધવાની વાત કરવામાં આવી છે. રોગ, કારણ અને ઉપચાર વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનો આ અભિગમ મૂળભૂત રીતે વૈજ્ઞાનિક છે. સુશ્રુત સંહિતામાં શસ્ત્રક્રિયાનાં વર્ણનો વાંચીએ ત્યારે અનુભવ, અવલોકન અને પદ્ધતિસરના અભ્યાસનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે.
મહાભારત - ગીતા અને વિવેકની પરંપરા
तर्कोऽप्रतिष्ठः श्रुतयो विभिन्नाः नैको ऋषिर्यस्य मतं प्रमाणम्।
धर्मस्य तत्त्वं निहितं गुहायां महाजनो येन गतः स पन्थाः॥
- મહાભારત, વનપર્વ
અર્થાત્, તર્કની કોઈ અંતિમ મર્યાદા નથી. શ્રુતિઓમાં પણ વિવિધ મતો છે અને કોઈ એક ઋષિનું મત જ અંતિમ પ્રમાણ નથી. સત્યનું તત્ત્વ અત્યંત ગૂઢ છે; તેથી મહાન પુરુષોએ જે માર્ગ અનુસર્યો છે તે જ અનુસરવા યોગ્ય છે.
આ પંક્તિ ભારતીય જ્ઞાનપરંપરાની અસાધારણ બૌદ્ધિક ઉદારતાને વ્યક્ત કરે છે. સત્યની શોધ માટે સતત વિચાર, ચર્ચા અને પરીક્ષણ જરૂરી છે. કોઈ એક મત કે વ્યક્તિને અંતિમ સત્તા તરીકે સ્વીકારી લેવાને બદલે ભારતીય પરંપરા જ્ઞાનના સતત અનુસંધાન પર ભાર મૂકે છે.
ડિજિટલ યુગમાં ભારતીય તર્કશાસ્ત્રની પ્રાસંગિકતા
આજે માનવજાતિ માહિતીના મહાસાગરમાં જીવી રહી છે. સોશિયલ મીડિયા, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ડિજિટલ પ્લેટફોર્મ્સે જ્ઞાનની ઉપલબ્ધિ સરળ બનાવી છે, પરંતુ સાથે સાથે ભ્રામક માહિતીનો પણ અભૂતપૂર્વ પ્રવાહ શરૂ કર્યો છે. આવા સમયમાં ભારતીય તર્કશાસ્ત્રનું મહત્ત્વ વધી જાય છે. કોઈપણ દાવાને સ્વીકારતાં પહેલાં તેના પુરાવા વિશે વિચારવું, તેને તર્કની કસોટીએ ચઢાવવો, વિવિધ દૃષ્ટિકોણોને સમજવા અને પછી નિર્ણય લેવાની પ્રક્રિયા આજે પહેલાં કરતાં વધુ જરૂરી બની છે. ભારતીય તર્કશાસ્ત્ર આપણને માત્ર વિચારતાં નથી શીખવતું; તે યોગ્ય રીતે વિચારતાં શીખવે છે.
અંતે, જ્ઞાનની શોધ ક્યારેય પૂર્ણ થતી નથી. દરેક ઉત્તર નવા પ્રશ્નોને જન્મ આપે છે. કદાચ તેથી જ ભારતીય ઋષિઓએ જ્ઞાનને ગંતવ્ય નહીં, પરંતુ યાત્રા માન્યું હતું. અને આ યાત્રાનો સૌથી વિશ્વસનીય સાથી છે– તર્ક.
ડૉ. કુલદીપ લુહાણા