ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી: માત્ર ૭ દિવસમાં રસાયણમુક્ત જમીન અને ખેડૂતો માટે સમૃદ્ધિનો નવો માર્ગ!

ગોકૃપા અમૃતમ્‌, ગોબર, ગોમૂત્ર દૂધ, દહીં, ઘી, પંચગવ્ય અને ૨૧ ઔષધિઓને એક કરીને તેમાં જ બેક્ટેરિયા આઈસોલેટ કરીને કોલોની બનાવે છે. તેમાં ૧૧૦થી વધારે પ્રકારના જીવાણુ એવા છે જે ખેડૂતના ઘરમાં મલ્ટીપલ (અનેકગણા) થાય અને ગોબરમાં નાખીએ તો સાત જ દિવસમાં જમીનને યુરિયા, ડીએપી, પેસ્ટિસાઈડ્સથી મુક્ત કરી દે છે

    ૧૩-જુલાઇ-૨૦૨૬   
કુલ દૃશ્યો |
 
gopal sutariya
 
 
 

પ્રાકૃતિક કૃષિ | જ્યાં સુનિશ્ચિત છે.. સ્વાસ્થ્ય-સમૃદ્ધિ-સંસ્કૃતિ


પ્રાકૃતિક કૃષિ.. સ્વાસ્થ્ય-સમૃદ્ધિ અને સંસ્કૃતિને સુનિશ્ચિત કરે છે. કૃષિના આરાધ્ય ભગવાન શ્રી બલરામજીના આશીર્વાદ સાથે કૃષિ પરંપરા તરફ પુનરાગમન કરવાનો હવે સમય આવી ગયો છે. પ્રાકૃતિક કૃષિની મહત્તા જાણવા આજે કર્ણાવતીના શાંતિપુરા ખાતે આવેલી બંસી ગીર ગૌશાળાના સ્થાપક શ્રી ગોપાલભાઈ સુતરીયા સાથેનો સાક્ષાત્કાર પ્રસ્તુત છે. સાથે સાથે તેઓશ્રી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના કૃષિ સમિતિના ચેરમેન પણ છે. તેઓ ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી (ગોકૃપા કૃષિ), કૃષિનિકાસ અને ટકાઉ ખેત મોડેલોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે અગ્રણી યોગદાન આપી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય ગૌ-સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો, ખેડૂતોને ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને ગુજરાતની કૃષિનિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આવો, તેમની સાથેના સાક્ષાત્કારના અંશો માણીએ...
 
 
ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, વૈદિક ખેતી જેવા અનેક શબ્દો પ્રયોજવામાં આવે છે. આ બધા શબ્દો એક જ છે કે તેમાં કોઈ અંતર છે?
 
કૃષિની અલગ અલગ પદ્ધતિઓની વાત આવે ત્યારે મારું માનવું છે કે હજારો વર્ષથી આપણે ગો-આધારિત જીવન જીવતા આવ્યા છીએ. આપણી એ સનાતન પરંપરા છે. માટે મારા મતે તો તેનો એક જ શબ્દ છે; ‘ગો-આધારિત પ્રાકૃતિક ખેતી’, પછી ભલે તેનાં અલગ અલગ અંગ્રેજી સહિતનાં નામો હોય, પરંતુ અમારો ધ્યેય તો ખેડૂતને સાત્વિક રીતે આગળ વધવા પ્રોત્સાયિત કરવો માત્ર એ જ છે.
 
આપ લાંબા સમયથી ગો આધારિત કૃષિના કોન્સેપ્ટને લઈ કામ કરી રહ્યા છો, તેનો ઉદ્દેશ્ય શું છે?
 
આપણા દેશમાં કેમિકલયુક્ત ચીજવસ્તુઓની વિદેશોમાંથી મોટા પ્રમાણમાં આયાત થાય છે, જેનાથી દેશનું મોટું હૂંડિયામણ બહાર જાય છે, તેનાથી આપણું શારીરિક જ નહિ, આર્થિક સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. હજારો વર્ષોથી આપણી ગૌમાતા સુખમાં હતી, ધરતી માતા સુખમાં હતી અને ધરતીપુત્રો પણ સુખમાં હતા. તેવી સ્થિતિ પાછી કેવી રીતે લાવી શકાય? મારા ગુરુદેવ હિમાલયમાં રહેતા જ્યારે હું આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે મને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ગૌમાતા, ધરતીમાતા અને ધરતીપુત્ર જો દુઃખી હશે તો દેશ ક્યારેય સુખી નહિ રહી શકે. ત્યારે મેં દેશને ગો-આધારિત જીવનશૈલી તરફ વળવાનું નક્કી કરી લીધું હતું. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે, ગૌમાતા ખેડૂતને સુખપૂર્વક સ્વાભિમાનથી ઊભો કરે અને સમાજ થકી દેશ સમૃદ્ધ બને.
 
ગોકૃપા અમૃતમ્‌ અંગે માહિતી આપશો?
 
ખેડૂતોનો સૌથી મોટો ડર ઉત્પાદન ઘટવાનો હોય છે. ગોકૃપા અમૃતમ્‌ અમારાં કેટલાંય વર્ષોના સંશોધન બાદ તૈયાર કરાયેલ પ્રોડક્ટ છે. અમે એક એવું કલ્ચર બનાવ્યું કે, ભલે ખેડૂત પાછલાં ૫૦ વર્ષોથી તેની જમીનમાં કેમિકલનો ઉપયોગ કરતો હોય. સાત જ દિવસમાં યુરિયા, ડીએપી ઉપરની નિર્ભરતાને દૂર કરી દે છે. એ ગોકૃપા અમૃતમ્‌, ગોબર, ગોમૂત્ર દૂધ, દહીં, ઘી, પંચગવ્ય અને ૨૧ ઔષધિઓને એક કરીને તેમાં જ બેક્ટેરિયા આઈસોલેટ કરીને કોલોની બનાવે છે. તેમાં ૧૧૦થી વધારે પ્રકારના જીવાણુ એવા છે જે ખેડૂતના ઘરમાં મલ્ટીપલ (અનેકગણા) થાય અને ગોબરમાં નાખીએ તો સાત જ દિવસમાં જમીનને યુરિયા, ડીએપી, પેસ્ટિસાઈડ્સથી મુક્ત કરી દે છે અને ગોકૃપા અમૃતમ્‌ પણ ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવે છે. અને હા, એક વખત લીધા પછી તે તેના ખેડૂતના ઘરમાં જ બનતું હોવાથી અમારી પાસે પુનઃ આવવાની જરૂર પણ રહેતી નથી. અમે કંઈ પણ બોલીએ તે પહેલાં તેના વૈજ્ઞાનિક પક્ષ, આયુર્વેદિક પક્ષ, આધ્યાત્મિક આર્થિક અને પ્રાકૃતિક આ તમામ પક્ષોનું એનાલિસિસ થાય ત્યાર બાદ જ બોલીએ છીએ. જેમ કે અમે કહીએ છીએ કે યુરિયા બંધ થઈ જાય; તો તે કેવી રીતે? તો ગોકૃપા અમૃતમ્‌માં ૧૧૦ પ્રકારના જીવાણુ છે. તે આ કામ કરે છે. આ કામ ચાર ચરણોમાં થાય છે.
 
પ્રથમ ચરણ છે કે તેને ઘરે કેવી રીતે મલ્ટીપલ કરવું. ખેડૂતને ગોકૃપા અમૃતમ્‌ની ૧ લિટરની બોટલ ૨૦૦ લીટર પાણીમાં ઉમેરે છે, તેમાં ૨ કિલો ગોળ અને ૨ લીટર છાશ નાંખવામાં આવે તો આમ માત્ર એક અઠવાડિયામાં જ એક લીટરનું ગો-કૃપા અમૃતમ્‌ ૨૦૦ લીટર બની જાય છે. ઉપયોગ કરતાં ૧૦ લીટર વધે ત્યારે ફરી એ જ પ્રક્રિયા કરતાં મિશ્રણ સતત ઘરે જ બનતું-વધતું રહે છે. બસ તેને સીધો તડકો ન લાગે, તેનું ધ્યાન જ રાખવાનું છે.
 
બીજું ચરણ અમે છાણને પ્રોડક્ટ અને દૂધને બાય પ્રોડક્ટ કહીએ છીએે, કારણ કે દૂધ વધ-ઓછું થાય છે. પરંતુ દૂધ આપતી ગૌ-માતા હોય કે તેનું વાછરડું હોય કે નંદી તે તમામ છાણ તો આપવાનાં જ છે. ત્યારે છાણની અંદર આ બેકટેરિયા કલ્ચર પીવડાવીએ છીએ, પ્રતિ એકર ઓછામાં ઓછી એક ગાય આવશ્યક છે. ચણા, તુવેર, મગ જેવાં કઠોળ વાવ્યાં. તેના દાણા બહાર વેચ્યા પરંતુ તેનાં પત્તાં તો રહેવાનાં જ છે. આમ પ્રત્યેક એકરમાંથી ઓછામાં ઓછી બે ગાય ખાઈ શકે એટલાં પત્તા તેમાંથી નીકળે છે. ગાય પત્તાં ખાય છે અને છાણ આપે છે, આમ બે ગાય ઓછામાં ઓછું ૧૦ ટન છાણ આપે છે. આમ ૧૦ ટન છાણ અને જે જમીન પર ગોમૂત્ર પડે છે તેની માટીને ઢસડીને ઉપર બે ફૂટ ઊંચો બેડ બનાવી દીધો (કોઈ છાંયડાવાળા સ્થાને) તેના પર આ બેક્ટેરિયા છાંટી દેવાના. આ પ્રક્રિયાથી માત્ર ૬૦ જ દિવસમાં વર્મી કમ્પોસ્ટ કરતાં પણ ઉત્તમ છાણિયું ખાતર તૈયાર થઈ જાય છે. વર્મી કમ્પોસ્ટનો ખર્ચ પણ વધુ થાય છે, એક ટન વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે રૂ. ૨૫૦૦નો ખર્ચ આવે છે. એના બદલે આ ખાતર બનાવવામાં માત્ર ગોળનો રૂ. ૨૦૦-૩૦૦ના જ ખર્ચ આવે છે. વર્મી કમ્પોસ્ટમાં ૪થી ૮ ટકા કાર્બન હોય છે. આ ખાતરની અંદર ૮ ટકાથી માંડી ૩૨ ટકા કાર્બન હોય છે. કોપર, મેંગેનીઝ, ઝીંક વગેરે સાથેની આખી પ્રોફાઈલ બદલાઈ જાય છે. પરિણામે વિશ્વનું સૌથી ઉત્તમ ગુણવત્તાવાળું છાણિયું કમ્પોસ્ટ ખાતર તૈયાર થઈ જાય છે.
 
ત્રીજા ચરણમાં આ જ બેક્ટેરિયા પાણી સાથે પ્રતિ એકર પ્રત્યેક માસે બે હજાર લીટર વહાવી (ફ્લડ કરી) દેવાના છે અને
ચોથા ચરણમાં આ જ બેક્ટેરિયા સ્પ્રે કરવાનાં છે, જો છાશ હોય તો ૩ લીટર છાસ, ૩ લીટર ગોકૃપા અમૃતમ્‌ અને ૯ લીટર પાણી અને જો છાશ ન હોય તો ૬ લીટર ગોકૃપા અમૃતમ્‌ અને ૯ લીટર પાણી મિશ્રણ કરી કોઈ પણ પાક પર દર અઠવાડિયે છાંટી દેવાનું. આ મિશ્રણ ૩૦ પૈસે લીટર પડે છે, એટલે કે એક પંપ દોઢ રૂપિયામાં તૈયાર થઈ જાય છે. સમગ્ર વિશ્વમાં માત્ર દોઢ રૂપિયામાં પંપ ક્યાંય તૈયાર થતો નથી. આ મિશ્રણમાં ૧૪ જીવાણુ એવા છે કે, જે પોતાના શરીરમાંથી એવો એંગ્ઝાઈન રસ છોડે છે, જેનાથી નકામા કીટક અને ફંગસ દૂર ભાગે છે. એટલે કે ૩૦ કે ૫૦ હજાર રૂપિયે લીટર દવાથી જે કામ નથી થતું એ કામ માત્ર ૭ દિવસમાં ખેતી માટે રસાયણ વપરાતું બંધ કરાવી શકે છે. બસ, જરૂર છે કે અમારા દ્વારા બનાવાયેલ ચાર ચરણોને અનુસરવાની.
 
માત્ર ૭ જ દિનમાં રસાયણ બંધ થઈ જાય છે, શું આનો કોઈ વૈજ્ઞાનિક આધાર પણ આપી શકશો?
 
ખરેખર આપે ખૂબ જરૂરી અને ટેકનિકલ પ્રશ્ન કર્યો છે. હું આપને વિગતવાર સમજાવું. મેં પ્રથમ કારણ કહ્યું તે ગોબરને લભ્ય સ્વરૂપમાં કંપોસ્ટ કરે છે. ક્યારેય પણ ખેતરમાં કાચું છાણ ન નાખવું જોઈએ. બીજું આ જ બેકટેરિયામાં ૨૪ બેકટેરિયા એવાં છે, ખેતરમાં નખાયેલાં છાણનો ઉપયોગ કરી સીધા જ હવામાં નાઇટ્રોજન ફિક્સ કરે છે. ખેડૂતો જે યુરિયા નાંખે છે તે પણ એક નાઇટ્રોજન જ છે. તેમાં ૪૬ ટકા નાઇટ્રોજન અને બાકીનાં હાનિકારક તત્ત્વો હોય છે. પરંતુ અમારું આ મિશ્રણ એટલું સરસ કામ કરે છે, ભલે ખેતરમાં ૫૦ વર્ષથી યુરિયા નાખવામાં આવતું હોય, પરંતુ એટલી તો તીવ્ર ગતિમાં બેક્ટેરિયા રિજનરેટ કરી, ઓક્સિજન સહિતનાં તત્ત્વોની હાજરીમાં એવું સરસ કામ કરે છે કે ૭ જ દિવસમાં હવામાંથી નાઇટ્રોજનની સેટઅપ પ્રક્રિયા ચાલુ કરી દે છે. એટલે યુરિયા આપોઆપ બંધ થઈ જાય છે. આ મિશ્રણમાં એવા જ ૮ બેકટેરિયા ફોસ્ફરસ આપનારા છે. ફોસ્ફરસ એટલે ડીએપી તો યુરિયા અને ડીએપી માટે સરકારને સબસીડી રૂપે ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે. ખેડૂતોને પણ ખૂબ જ ખર્ચ કરવો પડે છે. ૭ દિવસમાં ડીએપી પણ બંધ થઈ જાય છે. એવી જ રીતે આમાં ૭ બેકટેરિયા સલ્ફર આપનારા છે. એવી જ રીતે નોવેલ બેકટેરિયા જે છે જે ગોમૂત્ર અને ગોબરમાં જે ખનીજ ક્ષાર હોય છે તેના રસોઈઘરનું કામ કરી આ બધી વસ્તુ પાકને જમાડે છે, એટલે કે, ગોબરની અંદર ઘણા જ માઈકો અને મેક્રો ન્યુટ્રિશિયન હોય છે, તે બધી વસ્તુઓને પાકને પૂરી પાડવાનું કામ આ બેકટેરિયા કરે છે.
 
ખેતરમાં જે રસાયણ નાંખવામાં આવે છે તેનું બાઇન્ડિંગ થઈ હેવી મેટલ્સમાં રૂપાંતરણ થઈ જાય છે. તેનું વિઘટન આ મિશ્રણમાં રહેલાં લેલિયોવેટ અને ક્લોવેસ નામના બેકટેરિયા કરે છે. જે જમીનની ગુણવત્તા જલદીમાં જલદી સુધારવા માટે આશીર્વાદરૂપ બને છે. આની અંદર સોડોમોનસ, સોડોઅલ્ટો મોનસ, એન્ટ્રોબેક્ટ જેવા ૧૪ બેકટેરિયા છે તે, જે ખેતીમાં જમીનની નીચેની ફંગસ દેખાતી નથી (જે રોપાને ૫૦ ટકા હાનિ થયા બાદ ખબર પડે છે કે રોગ લાગ્યો છે.) તેને દૂર કરે છે. જ્યારે પાણી સાથે આ મિશ્રણ ખેતરમાં વહાવવામાં આવે છે ત્યારે જમીનની અંદરના તે તમામ પેથેજન્સને ત્યાં જ જમાવી રાખે છે, આમ તેનું ઇન્સ્ટન્ટ પરિણામ ખેડૂતને મળે છે.
 
આ મિશ્રણમાં ૭ બેકટેરિયા ગ્રોથ પ્રમોટરના છે. ખેડૂતો બજારમાંથી ઘણા પ્રકારના ગ્રોથ પ્રમોટર ખરીદે છે. આ મિશ્રણ છાંટ્યા બાદ બજારમાંથી એ ૫૦૦-૧૦૦૦ રૂપિયાની બોટલ લેવાની જરૂર નથી રહેતી માત્ર ૩૦ પૈસે લીટર પડે છે. માત્ર ને માત્ર તેને યોગ્ય રીતે છાણની સાથે કોર્પોરેટ કરવાનું છે. આમ ગોકૃપા અમૃત એ ઓલ ઇન વન જેવું કોમ્બિનેશન છે.
 
આ પ્રક્રિયા માટે માત્ર ગોબર જ શું કામ?
 
અમે ૩૦૦ ગાયોના ગો-મૂત્રના નમૂના પર સંશોધન કર્યું છે. તેમાં દેશી ગાયોના મૂત્રમાં ૫૧૦૦ કમ્પાઉન્ડ (કાર્બન) નીકળ્યા હતાં. કોપર, મેંગેનિઝ, ઝીંક, સલ્ફર, સ્ટેરોઈડ, સિલ્વર સહિતનાં અનેક અનેક તત્ત્વો તેમાંથી મળ્યાં. આ કમ્પાઉન્ડ બકરી કે અન્ય પ્રાણીઓના મૂત્રમાં નથી હોતાં. આટલાં કમ્પાઉન્ડવાળી પ્રોફાઈલ રીચનેસ વિશ્વના કોઈ પ્રાણીમાં નથી. ત્યારબાદ અમે તેના છાણનો અભ્યાસ કર્યો. તેમાંથી ૧૨૦૦ કમ્પાઉન્ડ મળ્યા. જે વિશ્વના એકેય પ્રાણીના મળમાં નથી. દેશમાં ખેતીની વાત આવે ત્યારે કાર્બનની વાત થાય છે અને જમીનમાં કાર્બન ૧ ટકા પ્લસ હોવો જોઈએ. આપણે ત્યાં સિક્કિમ ૩૦ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે, તેનું વાતાવરણ આપણા કરતાં સારું છે, એમનો કાર્બન તમામમાં ૧થી ૪ ટકા સુધી છે, છતાં તેમનું ઉત્પાદન ખૂબ જ ઘટી ગયું કેમ? આજના વૈજ્ઞાનિકો વનસ્પતિના કચરાને કાર્બન ગણાવે છે, ભેંસના ગોબરને અને ગાયના ગોબરને પણ કાર્બન જ કહે છે. વનસ્પતિના કચરામાં માત્ર ૨૫-૨૫ કમ્પાઉન્ડ જ હોય છે. ભેંસના ગોબરમાં પણ એ આંકડો અલગ છે. જ્યારે ગોમૂત્રમાં ૫૧૦૦ અને ગોબરમાં ૧૨૦૦ કમ્પાઉન્ડ છે. ત્યારે ગોમૂત્ર-ગોબર અને અન્યના કાર્બનની સરખામણી થઈ શકે ખરી? ૧૨૦૦ વસ્તુ ધાવીને જે વનસ્પતિ કે અનાજ સહિતની ખેતપેદાશો પાકે એ બે-ત્રણ રસાયણ અને અમુક કમ્પાઉન્ડથી શક્ય બને? જમીનના મુખ્ય ખોરાકનો જે સ્રોત છે તે દેશી ગાયનું ગોમૂત્ર અને ગોબર છે.
 
વિશ્વનું જળવાયુ અલગ અલગ હોય છે, ત્યારે ગો-આધારિત કૃષિ બધે જ કારગર નીવડી શકે ખરી?
 
આ વિષયને લઈને દેશનાં ૨૨ રાજ્યોમાં ૮૦૦થી વધારે શિબિરો યોજાઈ છે. તેમાં ૮ લાખથી વધુ ખેડૂતોનું નિઃશુલ્ક ભોજન સાથે પ્રશિક્ષણ થયું છે. પ્રત્યેક રાજ્યના જળવાયુમાં આ પદ્ધતિનો પ્રયોગ કર્યો અને ત્યાંની દેશી ગાયોના ગોબર-ગોમૂત્ર સાથે પણ તેને જોડ્યું. પ્રત્યેક જગ્યાએ તેનાં હકારાત્મક પરિણામો મળ્યાં છે. દરેક જગ્યાએ થોડાક જ દિવસમાં અળસિયાં દેખાવા લાગ્યાં હતાં. અને પ્રથમ સીઝનમાં તો ભરપૂર આવવા લાગ્યાં હતાં. આ જ્યાં પણ એપ્લાય કર્યું ત્યાં જમીન ઉપરથી લઈ ૨૦ ફૂટ નીચે સુધી અળસિયાંની વિવિધ જાતો પેદા થઈ છે. વરસાદી પાણી આપોઆપ જમીનમાં ઊતરતાં થયાં છે. પરિણામે આ પદ્ધતિ જ્યાં લાગુ કરવામાં આવી છે ત્યાં પાણીનાં તળ પણ ઊંચા આવ્યાં છે. બીજું, અમે બાવીસે બાવીસ રાજ્યમાં નોંધ્યું કે, તે તમામ સ્થાને મધમાખીઓ વધી ગઈ છે. કીટાણુનાશક છાંટવાથી મધમાખીઓ મૃત્યુ પામે છે જેની સીધી અસર ઉત્પાદન પર પડે છે. કીટનાશક બંધ થતાં મધમાખીઓ બચી છે, વધી છે, જેના પરિણામે પાકના ઉત્પાદનમાં ખૂબ સારાં પરિણામો મળ્યાં છે. આવું જ તમામ જગ્યાઓનાં પાણીનું છે. કોઈ જગ્યાએ હાર્ડ પાણી છે; તો કોઈ જગ્યાએ ટીડીએસ ઊંચા છે, ૧૨૦૦ ટીડીએસ હોય ત્યાં આંબા, કેળાનો પાક લેવો અઘરો હોય છે. અમે ૧૮૦૦થી લઈ ૩૫૦૦ ટીડીએસ સુધી પરિણામ લાવી બતાવ્યું છે. કાળી, ચીકણી, રેતાળ, લાલ, પથરાળથી લઈ ૧૦ પ્રકારની માટીમાં અમે કામ કર્યું છે. હિમાચલ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પ. બંગાળના પણ ઘણા ખેડૂતો અમારી ઔષધિ વાપરે છે. ૮ વર્ષ દરમિયાન અમે દરેક જળવાયુ ક્ષેત્રમાં આ ઔષધિનો પ્રયોગ કરી ચૂક્યા છીએ અને તત્કાળ પરિણામો પણ મેળવ્યાં છે.
 
ગો-આધારિત કૃષિ માટે પાણીની જરૂર કેટલી પડે? શું ઓછા પાણીમાં પણ આ ખેતી શક્ય છે?
 
આ પદ્ધતિમાં અમે ૫ ટનથી ૨૦ ટન અલગ અલગ સ્તરના વિકલ્પો આપેલા છે. જેટલું છાણ અને ગોકૃપા અમૃતમ્‌ વધુ વાપર્યું; પરિણામ તેટલું જ વધુ સારું મળ્યું છે. મહારાષ્ટ્રના ભાસ્કર દાદા સાવે પાસે આચ્છાદનનું સર્વશ્રેષ્ઠ મૉડેલ છે. ગોબર નાખી તેની પરત પર અમે આચ્છાદન પણ કરાવડાવીએ છીએ. જ્યારે ગોબર નીચે બેકટેરિયા છોડીએ છીએ ત્યારે તેનું બંધારણ એવું થઈ જાય છે કે, વરસાદ ધોધમાર પડે ત્યારે પાણી સીધું નીચે ઊતરી જાય છે.. વરસાદ ઓછો પડે છે ત્યારે તે પાણીને પકડી રાખે છે અને પાણી ધીમું ધીમું જમીનમાં ઉતારે છે. એટલે લગભગ અડધોઅડધ પાણી તો પહેલી જ સીઝનમાં બચી જાય છે. અમે ઘણી બધી જગ્યાઓએ એવું કામ કર્યું છે જ્યાં ૨૫ કે ૩૦ ટકા પાણીમાં પણ સફળ ખેતી થઈ રહી છે. આમ સમગ્ર દેશના જળ-સંકટનું સમાધાન ગો-આધારિત કૃષિમાં છે.
 
ગો-આધારિત કૃષિ અપનાવવાથી ખેડૂતોને થતા ફાયદા વિશે જણાવશો?
 
અમે ૨૨ રાજ્યોના ખેડૂતો સાથે આ ગો-આધારિત ખેતી પર કામ કર્યું છે. ઘણા ખેડૂતોએ આ પદ્ધતિથી સવાગણી, દોઢાથી લઈ ત્રણગણી વધારે ઊપજ મેળવી છે અને એ પણ સતત. તાજેતરમાં જ મા. કૃષિમંત્રીની ઉપસ્થિતિમાં આવા ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં દેશના ૨૦ રાજ્યોમાંથી ખેડૂતો આવ્યા હતા. સન્માનિત થનારા ખેડૂતોમાં નિવૃત્ત પાટીલ નામના વૈજ્ઞાનિક પણ હતા. આઠ વર્ષ પહેલાં તેઓ ગોકૃપા અમૃતમ્‌ લઈ ગયા હતા. તેમને વિશ્વાસ ન હતો. તેઓએ પ્રથમ પરીક્ષણ કર્યું. એકમાં પરંપરાગત કેમિકલવાળી હળદરની ખેતી કરી. એકમાં ગોકૃપા નાંખ્યું. એમ અલગ-અલગ પ્રચલિત પદ્ધતિઓ અપનાવી. તેઓને જે પરિણામ મળ્યાં તે આશ્ચર્યજનક હતાં. તે વર્ષે તેમની કેમિકલવાળી જમીનમાં પ્રત્યેક રોપા પર ૮૦૦ ગ્રામ હળદર ઊપજી અને જ્યાં ગોકૃપા અમૃતમ્‌ નાંખ્યું ત્યાં પ્રથમ જ સીઝનમાં પ્રત્યેક રોપા પર ૧ કિલો અને ૮૦૦ ગ્રામ હળદરની ઊપજ થઈ. એટલું જ નહિ હળદરની ઉત્પાદનની સાથે સાથે તેની ગુણવત્તા પણ વધી હતી. ત્યારબાદ એ વિસ્તારમાં અમારી શિબિરોમાં આવનારા ખેડૂતોની સંખ્યા ૫૦૦થી ૩૦૦૦ સુધી પહોંચી ગઈ. અને એમાં ૨૦૦૦ તો યુવાનો હતા ત્યાં હાલ ૮૦ ટકા ખેડૂતોનાં ખેતરોમાં પ્રતિ એકર ૪થી ૬ લાખની હળદરનું ઉત્પાદન થાય છે. આવો જ કિસ્સો મોબેનભાઈ નામના મુસ્લિમ ખેડૂતનો છે. તેઓ આ કૃષિ અપનાવ્યા બાદ ઘરે ગોમાતા લાવ્યા છે. તેઓ કહે છે, ગોમાતાની કૃપાથી મારા ઘરે બરકત આવી છે. તે પોતાની ત્રણ પેઢી સાથે ત્યાં પ્રશિક્ષણ લેવા આવ્યા હતા. તેઓ સૌને છાશ અને બેકટેરિયા નિઃશુલ્ક આપી રહ્યા છે. અમારી સાથે ૨૦૦૦ યુવા જોડાયા. તેમને પહેલાં ૨૫-૫૦,૦૦૦ નોકરી માટે નાગપુર જઈને સ્ટ્રગલ કરવી પડતી હતી. આજે તેઓ તેમની પાસે જે સરેરાશ પાંચ એકર જમીન છે તેમાં વર્ષે પાંચ લાખથી લઈ ૨૫ લાખ સુધી કમાતા થઈ ગયા છે. હવે આટલું કમાનાર યુવા જમીન વેચવાનું વિચારશે? ગાય વેચશે? એ લોકોએ ૨૦૦૦થી વધુ ગાયો પાળી છે. છેલ્લા એક વર્ષમાં જ ત્યાં ૮૫૦ જેટલા ખેડૂતો માત્ર છાણ માટે ગાયો ખરીદી લાવ્યા છે. આમ પલાયન અટક્યું, આર્થિક વ્યવસ્થા બચી, પરિવાર બચ્યો. આ સફળ યુવામાં ૧૫૦થી વધુ તો બહેનો છે. આમ ત્યાં એક ગાય આધારિત આદર્શ સ્થિતિનું નિર્માણ થયું છે.
 
ગો-આધારિત કૃષિની આવી અન્ય કેટલીક સાફલ્યગાથાઓ અંગે જણાવશો?
 
છેલ્લાં આઠ વર્ષમાં ૨૨ રાજ્યોમાં પ્રવાસ કર્યો છે. ત્યાંના સ્થાનિક ખેડૂતોનાં ઘરો-ખેતરોમાં રોકાઈ તેમના પ્રશ્નો અને સમસ્યાઓ જાણી. અને તેનાં જે સમાધાનો અમારી પાસે હતાં તે ત્યાંની સ્થાનિક ભાષામાં તેમને સરળતાથી સમજાવ્યાં; અમે આઠ ભાષામાં ગો-આધારિત કૃષિના ચાર ચરણોના સાહિત્ય પૂરાં પાડ્યાં. ત્યાં હવે સ્થાનિક ભાષાનાં ગ્રુપ બની ગયાં છે, તે લોકો જ ત્યાં સ્વૈચ્છિક કામ કરી રહ્યાં છે. કર્ણાટકના સુનીલ નારાયણકરજીએ ઓછામાં ઓછા ૨૦૦૦ ખેડૂતોને આ અંગે પ્રશિક્ષિત કર્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના વિસ્તારમાં કોંકણ કપિલા નામની ગાય માત્ર અડધો ટકો જ બચી હતી. અનેક વૈજ્ઞાનિકોની ઇચ્છા તેને બચાવવાની હતી. અમે તેને દૂધની સાથે સાથે ગોબર ઉત્પાદન સાથે પણ જોડી. અમે ત્યાંના ખેડૂતોને ટેકનિકલ ડેટા સાથે સમજાવ્યું કે, ત્યાં ગીર સહિતની બીજી નસલની ગાયો વાતાવરણને કારણે રહી શકતી નથી, પરંતુ કોંકણ કપિલા ગાયની વિશેષતા એ છે કે, તેની ચામડી ઓઈલી (લીસ્સી) છે. માટે વરસાદનું પાણી તેના પર પડતાં જ સરકી જાય છે, આમ તે પૂર્ણ રીતે ત્યાંના વાતાવરણને અનુકૂળ છે. ત્યાં કોંકણ કપિલા ગાયના છાણના ઉપયોગ થકી પ્રથમ જ સિઝનમાં કાજુના ઉત્પાદનમાં દોઢ ગણાથી વધારેનો વધારો થયો. જીઆઈ ટેગવાળી રત્નાગિરી હાફૂસ કેરી ત્યાં એક વર્ષ આવે અને એક વર્ષ નહોતી આવતી. તે કેરી ત્રીસ વર્ષ જૂના આંબાવાડિયામાં સતત પાંચ વર્ષથી આવી રહી છે. ગલગોટા પણ પ્રત્યેક રોપાએ અડધા કિલોથી વધી દોઢ કિલોએ પહોંચી ગયા છે. આવાં સફળ પરિણામો બાદ ત્યાંની કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પોતાના ઘરમાં એ ગાય બાંધીને તેની સ્પર્ધા યોજી અને ૩૦૦૦થી વધુ ગાયોની યોજના બની. આમ દેશભરની ૨૦થી વધુ નસલની ગૌમાતાઓને બચાવી છે.
 
આપે જે સફળ ખેડૂતોની વાત કરી તેમાં કોઈ ગુજરાતના ખેડૂતો ખરા?
 
ઘણા બધા ખેડૂતો છે, જેમ કે કચ્છ અને ઉત્તર ગુજરાત બે તદ્દન વિપરીત સ્થાન છે. ત્યાં સેન્ડી સોઇલ એટલે કે ધૂળિયું વાતાવરણ છે ત્યાં પરિણામ મેળવવાં મુશ્કેલ છે. કચ્છમાં સચિનભાઈ સહિત એવા કેટલાય ખેડૂતો છે જેઓએ તેમણે આ પદ્ધતિથી કેળાંની ખેતી કરી. સામાન્ય રીતે ત્યાં કેળાંની એક લૂમ ૧૫થી ૨૦ કિલોની આવે છે, એ જ વેરાયટીમાં તેઓ ૪૦ કિલોથી વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ પરિણામ મેળવવું ખૂબ જ અઘરું હોય છે. ત્યાં નિવૃત્ત સૈન્ય અધિકારી અનિલભાઈએ પોતાની પાસેની એક જ એકરની જમીનમાં આ પદ્ધતિથી પપૈયાની ખેતી કરી. પ્રથમ જ સીઝનમાં તેમને ૭ લાખ રૂપિયાની ચોખ્ખી આવક થઈ. તેમણે તે પૈસાથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું. ભાડે લીધેલી તમામ જમીનમાં ચોખ્ખા સાડા ચાર લાખ સરેરાશ તેઓ કમાયા. હું ‘સાધના’ના માધ્યમથી એક વાત કહેવા માગું છું કે, આપણે ત્યાં દર ૧૦ દિવસે નિઃશુલ્ક ભોજન સાથેનો ખેડૂતો માટેનો શિબિર હોય છે. સવારે ૧૦થી સાંજના ૫ વાગ્યા સુધીની શિબિર હોય છે. જેમાં માટી, જમીન, ખેતી અંગેનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવે છે. અમે ઘાસનું સંશોધન કર્યું છે. તે ઘાસની ગાંઠો નિ:શુલ્ક આપીએ છીએ. અહીં આવો, સમજો અને અનુભવ સાથે હૃદયપૂર્વક ગો-આધારિત કૃષિ સાથે જોડાઈ આગળ વધો.
 
‘સાધના’ સાપ્તાહિકના વાચકોને આપનો સંદેશ...
 
સાત્વિક રીતે આગળ વધો. ભારત હજારો વર્ષથી ગો-આધારિત શ્રેષ્ઠ રહ્યું છે. મરી-મસાલા, ઘીથી લઈ વસ્ત્રોની ભારતથી વિશ્વભરમાં નિકાસ થતી હતી. આજે ભારત પુનઃ એક વખત એ નવા ફલક પર જવા તૈયાર છે. ત્યારે ગો-આધારિત પદ્ધતિ અપનાવવાથી આપણી ગોમાતા તો બચશે જ. આપણા પૈસા પણ બચશે, જે દેશને આર્થિક ફાયદો કરાવશે. આપણાં ગામડાંઓ બચશે, ધરતી બચશે, ધરતીપુત્ર આર્થિક રીતે સમૃદ્ધ થશે. લોકોને પાછું ગામડે રહેવાનું મન થાય એવા પ્રયત્નો કરો. ગો-આધારિત સંસ્કૃતિને આચરણમાં લાવો ત્યારે જ દેશનો સાચો વિકાસ થશે.

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.