સાંપ્રત । જિહાદની આગમાં ભડકે બળતું યુરોપ: 'ગ્રૂમિંગ ગેંગ', હુલ્લડો અને રાજકીય તુષ્ટીકરણનું કડવું સત્ય

શું યુરોપ ખરેખર જિહાદની આગમાં બળી રહ્યું છે? જર્મનીમાં શૂટઆઉટ, બ્રિટનમાં ગ્રૂમિંગ ગેંગ્સનો આતંક અને ફ્રાન્સમાં રમખાણો પાછળનું કડવું સત્ય શું છે? જાણો કેવી રીતે ડાબેરી મીડિયા અને રાજકીય તુષ્ટીકરણ યુરોપને વિનાશ તરફ ધકેલી રહ્યા છે. આ આંખ ઉઘાડનારો લેખ જરૂર વાંચો!

    ૧૩-જુલાઇ-૨૦૨૬   
કુલ દૃશ્યો |
 
love jihad
 
 

યુરોપ જિહાદની આગમાં ભડકે બળી રહ્યું છે

 
તાજેતરમાં જર્મનીના સ્ટેડ શહેરમાં માતા અને બાળકો માટે બનાવાયેલા એક કલ્યાણ કેન્દ્રમાં ગોળીબાર થયો. તેમાં છ સમાજસેવકોનું મૃત્યુ થયું. આ ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થયા. જર્મનીના અધિકારીઓએ શૂટરની ઓળખાણ મૂળ તુર્કીના વ્યક્તિની આપી છે. યુરોપમાં મત માટે અને મીડિયા ડાબેરી હોવાથી આવી વ્યક્તિની પંથીય ઓળખ છતી નથી કરાતી, પણ સૉશિયલ મીડિયા અનુસાર આ ગોળીબાર કરનાર મુસ્લિમ છે.
 
જર્મનીના મીડિયા મુજબ, ગોળીબાર કરનાર વ્યક્તિ, મીરી ક્લેન નામના સંગઠન સાથે જોડાયેલો હતો. આ સંગઠન લેબેનીઝ, સીરિયાઈ અને તુર્કી મૂળના લોકોની એક મોટી સિન્ડિકેટ છે. આ સંગઠનનું નામ જર્મનીમાં સંગઠિત અપરાધ સાથે જોડાયેલું છે. જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આ આક્રમણ કોઈ ગેંગનું ષડયંત્ર નહોતું.
 
જર્મનીની પોલીસે કહ્યું છે કે, ૪૫ વર્ષીય શૂટર પોતાની ત્રણ મહિનાની બાળકીની કસ્ટડી સાથે જોડાયેલા એક વિષયમાં કલ્યાણ કેન્દ્ર આવ્યો હતો. આરોપિત શૂટર ગોળીબાર કરીને મર્સિડિઝની પેસેન્જર સીટ પર બેસીને ભાગી રહ્યો હતો ત્યારે તે કાર એક ૬૫ વર્ષની મહિલા ચલાવી રહી હતી. પોલીસે આ બંને જણાને પકડી લીધાં છે.
 
જર્મનીની જ વાત કરીએ તો, જર્મનીમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા અપરાધો વધી રહ્યા છે, પરંતુ ક્યાંક તેને ‘શરણાર્થીઓ દ્વારા અપરાધ’માં ખતવી દેવાય છે તો ક્યાંક તેને ‘સંગઠિત ગેંગ દ્વારા અપરાધ’માં. સાચી વાત ક્યાંય બહાર નથી આવતી કે, તુર્કી, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ઇત્યાદિ દેશોમાંથી જેમના પર દયા ખાઈને શરણ આપવામાં આવ્યું તેવા મુસ્લિમો જ હવે કાંડુ આપો તો હાથ પકડવા જેવો ખેલ કરી રહ્યા છે.
 
ગત ૨૮ જૂન, ૨૦૨૬ના એક અહેવાલ પ્રમાણે, જર્મનીના નૂનબર્ગમાં મહિલાઓ, છોકરીઓનું યૌનશોષણ કરવા અને તેમને ડ્રગ્સના ધંધામાં ફસાવવાના આરોપમાં બે પાકિસ્તાની નાગરિકોની જર્મની પોલીસે ધરપકડ કરી છે. પરંતુ તે પછી કુલ છ લોકોની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે, જેમાં બે પાકિસ્તાની છે અને ચાર સીરિયાઈ.
 
આ લોકો નૂનબર્ગ રેલવે મથક આસપાસના વિસ્તારમાં છોકરીઓ અને મહિલાઓનો વિશ્વાસ જીતતા હતા. પછી તેમને ડ્રગ્સની લત લગાડી તેમનું યૌન શોષણ કરતા હતા અને તેમને ફસાવી ડ્રગ્સના ધંધામાં લગાડતા હતા.
 
આ પહેલાં મે, ૨૦૨૬માં ગોસ્ટેનહોફ જિલ્લાના એક એપાર્ટમેન્ટમાં પોલીસે આવી જ એક ગ્રૂમિંગ ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને પણ સીરિયાના નાગરિક નીકળ્યા. તેમની વય કેવળ ૨૬ અને ૨૪ વર્ષ છે. ૨૬ વર્ષનો છોકરો અલ્પવયસ્ક છોકરા-છોકરીઓને માદક સામગ્રી પૂરી પાડતો હતો.
 
દરમિયાનમાં, બ્રિટનમાં વર્ષોથી ચાલતી આવતી ગ્રૂમિંગ ગેંગની સમસ્યા પર એક દળદાર રિપૉર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ૨૧૯ પાનાંના આ રિપૉર્ટને ‘રેપ ગેંગ ઇન્ક્વાયરી રિપૉર્ટ’ નામ અપાયું છે. આ રિપૉર્ટ વાંચતાં કમકમાટી છૂટે તેવું છે. રિપૉર્ટમાં કહેવાયું છે કે, દાયકાઓથી દેશનાં અલગ-અલગ શહેરોમાં સંગઠિત ગેંગ દુર્બળ અને અલ્પવયસ્ક છોકરીઓને નિશાન બનાવતી રહી છે. આ ગેંગમાં ૮૭ ટકા મુસ્લિમો છે. તેમનો શિકાર મોટા ભાગે શ્વેત બ્રિટિશ છોકરીઓ હતી. આ કોઈ છૂટોછવાયો અપરાધ નથી, આ સમગ્ર દેશમાં ફેલાયેલું એક સંગઠિત નેટવર્ક છે, જે વર્ષોથી ચાલ્યું આવે છે.
 
ગ્રૂમિંગનો અર્થ થાય છે તૈયાર કરવું. બ્રિટનમાં તેને ગ્રૂમિંગ નામ અપાયું છે જ્યારે ભારતમાં આપણે તેને લવ જિહાદ કહીએ છીએ. બ્રિટનના આ રિપૉર્ટમાં આ જિહાદીઓની મૉડસ ઑપરેન્ડી (અપરાધ કરવાની રીત) પર પ્રકાશ પડાયો છે. તે પણ લવ જિહાદ જેવો જ છે. પહેલાં છોકરી સાથે મિત્રતા કરવી, પછી પ્રેમમાં ફસાવવી, પછી ભેટ-સોગાદો આપવી, પછી સિગરેટ અને નશાની કુટેવ પાડવી. રિપૉર્ટમાં કહેવાયું છે કે, ૧૧થી ૧૩ વર્ષની છોકરીઓને શાળાની બહારથી, દેખભાળ ગૃહો અને રસ્તા પરથી ટૅક્સીમાં લઈ જવાતી હતી. પછી તેમને ઘર, ફ્લેટ, હૉટલ અને રેસ્ટૉરન્ટમાં લઈ જવાતી હતી. એક વાર ફસાય પછી અનેક પુરુષો વારંવાર તેના પર બળાત્કાર કરતા હતા. તેમનો વિડિયો બનાવવામાં આવ્યો, તેમને બ્લેકમેઇલ કરવામાં આવતી અને તેમને સતત ભયમાં રાખવામાં આવતી. એટલું જ નહીં, પીડિતાઓને અલગ-અલગ શહેરમાં લઈ જઈ વેચી નાખવામાં આવતી!
 
તમે વિચાર કરો કે, યુરોપમાં મુક્ત વાતાવરણ છે. કહેવાય છે કે, ત્યાં ચરિત્રની કોઈ કિંમત નથી. એન્ટોનિયો ગ્રામસ્કી અને જ્યૉર્જી લ્યુકાસ જેવા સામ્યવાદીઓના ‘નીઓ કમ્યૂનિઝમ’ના વાદ હેઠળ શાળામાં ભણાવવામાં આવતા લિબરલ સ્ટડી તેમજ મનોરંજન જગતના પ્રભાવમાં સેક્સ માટે મુક્ત વાતાવરણ ખ્રિસ્તીઓએ બનાવ્યું છે. ન્યાયતંત્ર પણ આ બાબતે એક રીતે સમર્થનમાં છે. તો પછી છોકરીઓ સાથે યૌનસંબંધો બનાવી તેને કેવી રીતે બ્લેકમેઇલ કરી શકાય? પરંતુ ત્યાં પણ આવું થઈ રહ્યું છે.
 
આ રિપૉર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત પીડિતાઓની સંખ્યાની છે. ઓછામાં ઓછી ૨.૫ લાખ શ્વેત છોકરીઓ આ પ્રકારના અપરાધોનો શિકાર થઈ છે. માત્ર બળાત્કાર, ડ્રગ્સ પૂરતા જ આ અપરાધો સંકળાયેલા નહોતા. તેમાં માનવચોરી, યાતના, ગર્ભાવસ્થા, બળજબરીથી ગર્ભપાત, બળજબરીથી મુસ્લિમ બનાવવા અને આજીવન માનસિક આઘાત લાગે તે બધું સમાવિષ્ટ હતું. પીડિતાઓએ રિપૉર્ટ બનાવનારાઓને કહ્યું કે, તેમને ‘વ્હાઇટ ટ્રેશ’ (સફેદ કચરો) અને ‘કાફિર’ કહીને અપમાનિત કરાતી હતી. અપરાધીઓએ અ-મુસ્લિમ અને વિશેષ તો ગરીબ શ્વેત છોકરીઓને શિકાર બનાવી. કેટલાક સાક્ષીઓએ કહ્યું કે, છોકરીઓ પર મુસ્લિમ બનવાનું અસહનીય દબાણ કરવામાં આવ્યું. તેમને ઇસ્લામની રીત પ્રમાણે રહેવા-જીવવા વિવશ કરવામાં આવી અને કેટલાક કિસ્સામાં, તેમને વિદેશ લઈ જઈ વેચી દેવામાં આવી.
 
આ રિપૉર્ટથી બ્રિટનમાં બાળકોની સુરક્ષાની જવાબદારી ધરાવતી સંસ્થાઓ પર પણ પ્રશ્ન ઉઠ્યો છે અને માબાપ પર પણ. પોલીસ, સામાજિક સેવાઓ, શાળા, હૉસ્પિટલ અને સ્થાનિક પ્રશાસનને અનેક વાર ચેતવણીના સંકેત મળ્યા હતા. અનેક કિસ્સામાં તો બાળકીઓ પર થયેલા અત્યાચારના પુરાવા પણ હતા, તોય કાર્યવાહી ન થઈ !
 
આનું કારણ એ છે કે, અમેરિકા-યુરોપમાં ડાબેરીઓએ એવું વાતાવરણ બનાવી દીધું છે કે, જો કાર્યવાહી કરવા જાય તો વંશવાદનો આક્ષેપ લાગી જાય. અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષ અને ભારતમાં ભાજપેતર વિપક્ષો રાજકીય દબાણ ઊભું કરે છે, તેમ બ્રિટનમાં પણ લેબર પક્ષનું રાજકીય દબાણ ઊભું થાય.
 
આવા અપરાધીઓને બચાવવા રાજકીય પક્ષો આગળ આવી જતા હોય છે. બ્રિટનના લેફ્ટ-લિબરલ પક્ષ- લેબર પાર્ટીનાં મુસ્લિમ સાંસદ આયેશા હઝારિકાએ ‘ટાઇમ્સ રેડિયો’ પર બચાવ કરતાં કહ્યું કે, ‘કેટલાક અપરાધીઓના કારણે પૂરા સમુદાયને કુખ્યાત કરવા લાગે છે, તેના પ્રત્યે સમસ્યા છે. જ્યારે શ્વેત પુરુષો આ પ્રકારના અપરાધો કરે છે અને મોટા પાયે કરે છે, ત્યારે આપણે ક્યારેય પૂરી ‘શ્વેત સંસ્કૃતિ’ કે ‘શ્વેત સમુદાય’ પર પ્રશ્નો નથી ઉઠાવતા… આ સમસ્યા તો પુરુષોની ક્રૂરતા, મહિલાઓ અને બાળકીઓ પ્રત્યે ઘૃણા, પોલીસ અને સામાજિક સેવાઓની ભારે નિષ્ફળતાની છે.”
 
જોયું મિત્રો? આયેશાએ કેટલી ચતુરાઈથી આખી સમસ્યાને પુરુષો વિરુદ્ધ સ્ત્રીની ગણાવી દીધી? બ્રિટનની પોલીસ અને સામાજિક સેવાઓ પર દોષનો ટોપલો ઢોળી દીધો. શ્વેત પુરુષોને પણ ઉત્તરદાયી ગણાવી દીધા? શું શ્વેત પુરુષો આવા અપરાધ કરતા હોય તો તેઓ ડ્રગ્સ ખવડાવે છે? તેઓ ફરજિયાત ખ્રિસ્તી બનવા દબાણ કરે છે? તેઓ સંગઠિત થઈ બીજા દેશમાં છોકરીઓ વેચી દે છે?
 
આયેશા હઝારિકાની અટક પરથી લાગે કે તે આસામની હશે. તો વાત સાચી છે. તેનાં માબાપ ૧૯૬૦ના દાયકામાં આસામથી યુકે સ્થાયી થયાં હતાં. પણ આયેશાનો જન્મ અને ઉછેર સ્કૉટલેણ્ડમાં થયો. ડાબેરીઓનું જ્યાં અત્યારે વર્ચસ્વ છે તેવા સ્ટેન્ડ અપ કૉમેડીના શૉથી આયેશાએ પોતાની શરૂઆત કરી હતી. તે લેબર પક્ષમાં વિશેષ સલાહકાર હતાં. બીબીસી, સ્કાય ન્યૂઝ અને વિવિધ સાંપ્રત પ્રવાહોના કાર્યક્રમમાં તે રાજકીય વિશ્લેષક તરીકે આવે છે. ૨૦૨૪માં તેને બૉરૉનેસનું શીર્ષક લેબર પક્ષે આપ્યું. બૉરોનેસ એક પ્રકારનું કાયદાકીય સન્માનજનક વિશેષણ છે. અગાઉ અંગ્રેજો લૉર્ડ અથવા સરનાં આવાં વિશેષણો આપતા. ૧૪ માર્ચ, ૨૦૨૪એ આયેશા હઝારિકાને લેબર પક્ષે હાઉસ ઑફ લૉર્ડ્સમાં મોકલ્યાં. આપણે ત્યાં રાજ્યસભા છે તેમ બ્રિટનમાં હાઉસ ઑફ લૉર્ડ્સ છે.
 
લેબર પક્ષનાં અન્ય એક મહિલા સાંસદ લ્યુસી પૉવેલે પણ બીબીસી રેડિયો ફૉર પર જ્યારે આ મુદ્દે વાત કાઢવામાં આવી ત્યારે કહ્યું કે, આપણે રજનું ગજ કરી રહ્યા છીએ.
 
તો લેબર પક્ષના સાંસદ જોનાથન બ્રાશે સંસદમાં કહ્યું કે, બાળકીઓના યૌનશોષણ કરનારાઓમાં મોટા ભાગના લોકો તેમના પરિવારોમાંથી જ હોય છે અને તેઓ શ્વેત હોય છે.
 
ફ્રાન્સમાં પરિસ્થિતિ જુદી છે. ત્યાં ફૂટબૉલની મેચ હોય ત્યારે લોકો આગ લગાડી દઈ તોડફોડ કરે છે. પ્રથમ દૃષ્ટયા તે ઉજવણીનો ઉન્માદ લાગે છે, અને સરકાર પણ તેને બહુ મહત્ત્વ આપતી નથી, પરંતુ કારણ જુદું જ છે. ગઈ ૩૦ મે, ૨૦૨૬એ પેરિસમાં યુઇએફએ લીગમાં પેરિસ સેઇન્ટ જર્મેઇન (પીએસજી)નો આર્સેનલ પર વિજય થયો, તે પછી જે હુલ્લડો થયાં તેમાં ૨૦૦ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. આ હુલ્લડો ૭૫ શહેરોમાં ફેલાયાં. ૧૫ નગરોમાં લૂંટફાટ થઈ. સેંકડો કારોને આગમાં ભસ્મીભૂત કરી દેવામાં આવી. બધા જ પ્રકારની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. આ હુલ્લડોમાં ૯૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી. જો આ લોકોનું વિશ્લેષણ કરવામાં આવે તો તેઓ આફ્રિકી મૂળના ફ્રેન્ચ લોકો છે. તેમણે ફ્રાન્સની ઉદાર સંસ્કૃતિને અપનાવી જ નથી. ૨૦૧૯માં આવી જ હિંસા થઈ હતી તે વખતે એવું કારણ અપાયું કે, પીએસજી ટીમની હાર થઈ તેથી આ હિંસા થઈ. પરંતુ ૨૦૨૬માં તો પીએસજી જીતી. તોય હિંસા કેમ?
 
જ્યાં સુધી બધા દેશોના રાજકીય પક્ષો મત બૅંકનું રાજકારણ છોડી આવા ત્રાસવાદીઓને નાથવા એકમત નહીં થાય ત્યાં સુધી આ બધું ચાલતું રહેવાનું.

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…