તંત્રીસ્થાનેથી । બાબાએ સંકેત આપી દીધો છે.. હવે?

આ તો ક્લાઈમેટ ચેન્જ છે.. ગ્લોબલ વોર્મિંગ છે.. તેવું કહીને છટકી જવાથી નહીં ચાલે.

    ૨૦-જુલાઇ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

opinion-on-baba-amaranath
 
 
તાજેતરમાં ગુજરાતમાં ૧.૨૬ કરોડ વૃક્ષો રોપાયાં. વિક્રમ સર્જ્યો. ‘છોડમાં રણછોડ’ની જીવનદૃષ્ટિ સાથે સચરાચર પ્રત્યેની સભાનતા સાકાર થઈ. શહેરી વિસ્તારોમાં મિયાવાકી પદ્ધતિએ ‘વનકવચ’ નામથી ૭૦૦+ હેક્ટરમાં કુલ ૪૮૯ ગ્રીન કવર્સ વિકસાવાયાં છે. આવી સંવેદનશીલતા; માનવજીવનના અસ્તિત્વની અને આપણી આસપાસમાં રહેલ સૌના સહઅસ્તિત્વની ખાત્રી (ગેરંટી) છે.
 
प्रकृतिः पञ्च भूतानि ग्रहा लोकाः स्वरास्तथा ।
दिशः कालश्च सर्वेषां सदा कुर्वन्तु मङ्गलम् ॥
 
પ્રકૃતિ, પંચ મહાભૂત (પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ-આકાશ), ગ્રહો, સર્વ લોક, સુરો, દિશાઓ, ભૂત-ભવિષ્ય-વર્તમાન (કાળ) અમારું કલ્યાણ કરો, આ પ્રાતઃ વંદના આપણા માટે એક ભારતીય તરીકે ભલે સાવ સહજ હશે, પરંતુ વિશ્વ આમાં અનુભૂતિ કરી રહ્યું છે- આપણી ઊંડાણભરી ગહન દાર્શનિકતાનું! વિશ્વને પસ્તાવો થવાનો પ્રારંભ થયો છે કે, બહુ કર્યું પ્રકૃતિનું શોષણ, વાસ્તવમાં આ તો સ્વયંનું જ શોષણ હતું! ભારતીય દૃષ્ટિ છે- પ્રકૃતિના દોહનની, જ્યાં શોષણ સદા વર્જિત છે. ગાયને દોહીએ તો દૂધ આપે. એક સમય એવો આવે કે, તે દૂધ આપવાનું બંધ કરે, ત્યારે પણ તેના સાંનિધ્યમાં રહેવું એ મોટી ઉપલબ્ધિ છે. તેનાં ગોબર-મૂત્રથી પોષિત-રક્ષિત કૃષિક્ષેત્રો જળવાયેલાં હશે તો ગમે તેવાં ભીષણ કુરૂક્ષેત્રોમાં હંમેશાં ધર્મ વિજયી થતો રહેશે. ભારત ભારત તરીકે ઊભું હશે તો જ માનવ માનવ તરીકે ઊભો રહી શકશે. માનવપતનની મથામણમાંથી બહાર આવવાનો માર્ગ છે- પ્રકૃતિને પ્રાથમિકતા.. પર્યાવરણની સુરક્ષા..
 
આ શ્લોક થકી આ બધાંમાં (સર્વત્ર) બિરાજમાન વિરાટ ઈશ્વરની વંદના, એ ભારતની અનેક વિશેષતાઓ પૈકીની એક સાર્વત્રિક વિશેષતા છે. આપણું પ્રકૃતિપૂજક હોવું, એ આપણી સંસ્કૃતિ-પરંપરા-ગતિવિધિઓમાં વણાયેલું છે. આપણી યાત્રાઓમાં, આપણાં વ્રતોમાં, આપણાં આયોજનોમાં, આપણાં સ્વપ્નો-સંકલ્પો-સૂચિતાર્થોમાંથી પ્રકૃતિની બાદબાકી થાય તો કશું બચે નહીં. આપણે પણ નહીં.. અહીં ભૂત-ભવિષ્ય-વર્તમાન, અમારૂં કલ્યાણ કરો, આવું કહેનાર કોઈ એકલદોકલ વ્યક્તિ નથી, આખું રાષ્ટ્ર છે, જે ચિર પુરાતન (ભૂત) કાળથી ચાલ્યું આવી રહ્યું છે, જેની આગેકૂચ; અસ્તિત્વની અમરતા સાથેના ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિમાન છે. આ આગેકૂચ વખતે ક્યાંય કશી ચૂક તો નથી થઈ રહી ને?
 
હા, ક્યાંક તો ચૂક થઈ રહી છે, જેનો સંકેત પરમેશ્વરી પ્રકૃતિ સતત આપતી રહે છે. બે માસની અમરનાથ યાત્રા શરૂ થવાના માત્ર પાંચ જ દિવસમાં હિમ શિવલિંગ પીગળી ગયું. એ ચિંતા સતાવવા લાગી કે, અમરનાથ - બાબા બર્ફાની કેમ આટલા ટૂંકા સમયમાં આપણાથી અંતર્ધ્યાન થઈ રહ્યા છે? શું ચૂક થઈ છે આપણી?
 
પ્રાકૃતિક રીતે નિયમિતરૂપે સ્વયંભૂ પ્રગટ થતું હિમ શિવલિંગ; સતત ત્રીજા વર્ષે યાત્રાના શરૂઆતી તબક્કામાં જ પીગળી જવા લાગ્યું, તેને લઈને બાબાના આ પવિત્ર ધામનું, આસપાસનું પર્યાવરણ જોખમાયું હોવાનું ચર્ચામાં આવ્યું છે. શું વિશ્વ, એટલે કે આપણે સૌ પ્રદૂષણ ફેલાવીને (પર્યાવરણની પવિત્રતા ખોરવીને) બાબાના તાંડવને આમંત્રણ તો નથી આપી રહ્યા ને? પ્રદૂષણ એ પાપ છે. પાપ વધી જાય ત્યારે પ્રભુ રૂઠે છે. આ વૈશ્વિક સમસ્યા વિશ્વવ્યાપ્ત છે. સમગ્ર પશ્ચિમી જગતમાં, ખાસ કરીને યુરોપમાં તો ભીષણ ગરમીના પ્રકોપ (હીટવેવ) તથા બફારાના કારણે સૌ પ્રથમ વાર સેંકડો લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રકૃતિનાં આવાં રૌદ્રતાંડવ ત્યાં સુધી નહીં અટકે, જ્યાં સુધી માણસ દ્વારા પ્રકૃતિનું શોષણ નહીં અટકે.
 
આ તો ક્લાઈમેટ ચેન્જ છે.. ગ્લોબલ વોર્મિંગ છે.. તેવું કહીને છટકી જવાથી નહીં ચાલે. એક સમયે ઓઝોન ગમતું નામ હતું, આજે ઓઝોન પ્રદુષણનો પર્યાયવાચી શબ્દ બન્યો છે. જેઓ ભારતને સૌનું પોષણ કરતી ધરતીને મા કહેવાથી દૂર ભાગે છે, તેવા લોકોની અધમ માનસિકતાની એક વિકૃત ઘટના સામે આવી છે. પૈસાની લ્હાયમાં કેનેડાથી ભારતમાં ઠાલવવા; કચરાનાં કાર્ગો-કંટેઈનર આયાત કરવામાં આવ્યાં. મદ્રાસ હાઈકોર્ટે આ અપકૃત્યને ભારત માતા પર કચરો ફેંકવા સમાન ગણાવીને આ રાજદ્રોહ બદલ ૬૦ દિવસમાં આ તમામ કચરો કેનેડા પરત કરવાના કડક નિર્દેશો આપ્યા છે.
 
સઘન વૃક્ષારોપણની સાથે સાથે પ્લાસ્ટિકમુક્ત, પ્રાકૃતિક ખેતીયુક્ત ભારતના પુનર્નિર્માણ માટેના આંદોલન પર આગામી પેઢીઓનું અસ્તિત્વ નિર્ભર છે. આ ગંભીરતા જોઈએ તો આપણે વ્યક્તિગત અને સામૂહિક રીતે જે કરી શકીએ છીએ, તે કરવામાં આપણે ઘણા મોડા પડ્યા છીએ. હવે વધુ મોડું ન કરીએ..

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કૉલેજમાંથી બી.ઈ. (સિવિલ)નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રિજિયોનલ પ્લાનિંગમાં એમ.ટેક. કર્યું છે. અગાઉ તેમણે કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ પણ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. ‘સાધના’માં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ લખાયેલ વિવિધ વિચારપ્રેરક લેખોમાં તથા તંત્રીલેખોમાં તેઓનો વૈચારિક પરિચય પ્રાપ્ત થાય છે...