તંત્રીસ્થાનેથી । Election નહીં, Resistance । સંસદમાંથી સડક પર ધકેલાતું લોકતંત્ર

લોકતંત્રના દ્રોહી યોગેન્દ્ર યાદવે જે કહ્યું તે એના એ જ શબ્દોમાં અહીં મૂકુ છું, “अब देश में ‘Democracy’ का भविष्य संसद से तय नहीं होगा, सड़क से तय होगा। ‘Election’ से तय नहीं होगा, ‘Resistance’ से होगा।”

    ૩૦-જુલાઇ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

loktantra
 
 
દેવપોઢી એકાદશી એટલે બહારની દુનિયા તરફથી આંખ મીંચી લેતા ચાતુર્માસનો પ્રારંભ. નિંદ્રા ખરી, પણ આધ્યાત્મિક નિંદ્રા- ‘યોગનિદ્રા’. સ્વયં સાથે એકાકાર.. પરમનો સાક્ષાત્કાર.. આત્મસ્થ! સમાધિસ્થ! ખરેખરો પૂર્ણ વિરામ. પરંતુ આ વખતની દેવપોઢી એકાદશીએ દેશમાં વિચિત્ર પૂર્ણ વિરામો જોવા મળ્યા.‌ આ દેવપોઢી એકાદશીના જ દિવસે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું ધરી દીધું. આ હતો એક પૂર્ણ વિરામ. આ રાજીનામા પછી CJPના અહિંસકના નામે હિંસા પર ઉતારું વિરોધ-દેખાવો સમેટાઈ ગયા. આ હતો બીજો પૂર્ણ વિરામ. સૌએ CJPનું એક જ કામ જોયું, વિરોધ ને માત્ર વિરોધ! જંતર-મંતર પર દરરોજનો સરેરાશ એક - સવા ટન કચરો CJPના કૉકરોચોએ પેદા કર્યો. દિશાહીન CJP પાસે હવે કોઈ એજન્ડા રહ્યો ન હોઈ, તેણે પોતાની હંગામી ભૂમિ પણ ગુમાવી દીધી છે. સાવ અર્થહીન અસ્તિત્વ!
 
CJPવાળી દિપકે એન્ડ ગેંગે; આમ આદમી પાર્ટીની સત્તાવાળા પંજાબમાં ત્રણ ત્રણ પેપર ફૂટ્યાં, તેની સામે એક હરફ સુદ્ધાં નહીં ઉચ્ચાર્યો. આ છે ત્રીજો પૂર્ણ વિરામ. કેમ હરફ સુદ્ધાં નહીં ઉચ્ચાર્યો? કારણો અંગે વિચારો.. CJP, અમેરિકા, પંજાબ એક સરહદી રાજ્ય, અડીને પાકિસ્તાન, અંદર ખાલિસ્તાની કનેક્શન, FCRA, ક્રિશ્ચન મિશનરી દ્વારા ધર્માંતરણ, ડ્રગ્સનો કારોબાર આગામી ચૂંટણી, પક્ષવાર સ્થિતિ, કિસાન આંદોલન, હિન્દુત્વ-રાષ્ટ્રીયત્વ-એકત્વનો વિરોધી વામપંથ, વામપંથી વૉક-નેરેટિવ, વગેરે બિંદુ (ડોટ્સ) જોડો. ‘ગેંગ ઓફ ડીપ સ્ટેટ’વાળું ખતરનાક મીલીભગત (USA સાથે)નું વરવું સ્વરૂપ (ચિત્ર) જોવા મળશે.
 
હવે ચોથો પૂર્ણ વિરામ જોઈએ. સંસદના ચોમાસું સત્રના પ્રારંભથી લઈ આ લખાય છે ત્યાં સુધી વિપક્ષની રાબેતા મુજબની ગેરશિસ્તથી ખોરવાઈ ગયેલા સત્રનું સ્થગન. સંસદ એવું સ્થાન છે, જ્યાં જન-જનની આસ્થા ટકવી જરૂરી છે. આ લોકશાહીના મંદિરમાં સમગ્ર ભારતનું લોકતાંત્રિક પ્રતિનિધિત્વ જોવા મળે છે. પરંતુ સંસદને કાવા-દાવા અને જાણે નરી ગુંડાગીરીનો અખાડો બનાવી દેવામાં આવ્યો છે. વિપક્ષને ‘સંસદીય આચરણ’ કે ‘સંસદીય ગરિમા’ જેવા શબ્દોનું કોઈ મૂલ્ય નથી. ખોટા તર્ક અને તિકડમથી વિરોધોનો-નારાઓનો અવાજ જરૂર મોટો થતો હોય છે, પરંતુ સંસદની સકારાત્મકતાનો શરૂમાં લોપ અને અંતે નાશ થાય છે. આ સ્થિતિમાં સંવાદ; શૂન્યથી નીચે ઉતરીને માઈનસ (વિકૃત વિવાદો)માં આગળ વધતો જાય છે. ગત બજેટ સત્ર વખતે લોકસભાના સ્પીકર ઓમ બિરલાજીએ લોકસભામાં જ્યારે વડાપ્રધાન આભાર પ્રસ્તાવ ઉપર વાત કરે ત્યારે તેમના પર હુમલો થવાની શંકા વ્યક્ત કરી હતી. વિપક્ષી મહિલા સાંસદો વડાપ્રધાનની બેઠક પાસે બેનર્સ અને પોસ્ટર્સ લઈને પહોંચી ગયેલ, તેમનું કાવતરું વડાપ્રધાન ઉપર હુમલો કરવાનું હતું. સંસદને કલંકિત કરવામાં વિપક્ષ સફળ રહેલો.
 
વિપક્ષની આ નકારાત્મકતા આવે છે એની સંવિધાનવિરોધી જડ માનસિકતામાંથી. દેશ આખામાં અરાજકતા-અનરેસ્ટ ઊભો રાખવો એ એમની મોડસ ઓપરેન્ડી છે. આ અરાજકતાની એક જમાત છે, જેમાં રાહુલ ગાંધી, કેજરીવાલ, અખિલેશ યાદવ વગેરે જથ્થાબંધ લોકો સતત દ્વેષની ખેતી કરતા જોવા મળે, આ ઉપરાંત ચૂંટણીમાં ડીપોઝીટ ડૂલ થઈ હોય તેવા ખાલી ડબ્બા જેવા ખખડ ખખડ કરતા ખંધા લોકો પણ ખભે ખભો મિલાવીને ઊભેલા જોવા મળે. આ જમાતમાં એક ઘોર અરાજકતાવાદીને તમે બધા ઓળખો છો, જેને તમે કિસાન આંદોલનથી વાયા શાહીનબાગ આંદોલનથી લઈ કૉકરોચ પ્રોટેસ્ટ સુધીનાં તમામ આંદોલનોમાં જોયેલ છે. એ લોકતંત્રના દ્રોહી યોગેન્દ્ર યાદવે જે કહ્યું તે એના એ જ શબ્દોમાં અહીં મૂકુ છું, “अब देश में
‘Democracy’ का भविष्य संसद से तय नहीं होगा, सड़क से तय होगा। ‘Election’ से तय नहीं होगा, ‘Resistance’ से होगा।” આ Line of Action આ અરાજક જમાતે અપનાવી છે. આ જમાતે નક્કી કર્યું છે કે, સંવિધાનને માત્ર હાથમાં લઈને લોકોમાં ભ્રમ ફેલાવવાથી વધુ બીજા કોઈ ઉપયોગમાં લેવાનું નથી. સંપૂર્ણ બિનસંવૈધાનિક રીત રસમો દ્વારા સત્તા પડાવી લેવા માટે ભારતવિરોધી શક્તિઓને એકત્રિત કરીને જે કંઈક કરવું પડે તે કરવાનું છે. તેઓ સંવિધાન અને લોકતંત્ર પર અંતિમ વિરામ મૂકી દેવા તલપાપડ થયા છે. પણ ખમીરવંતી એવી ભારતની જે જેન-ઝી છે, તેના પર ભરોસો છે કે, તે આ જમાતની મંછાને ક્યારેય બર આવવા દેશે નહીં.

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કૉલેજમાંથી બી.ઈ. (સિવિલ)નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રિજિયોનલ પ્લાનિંગમાં એમ.ટેક. કર્યું છે. અગાઉ તેમણે કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ પણ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. ‘સાધના’માં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ લખાયેલ વિવિધ વિચારપ્રેરક લેખોમાં તથા તંત્રીલેખોમાં તેઓનો વૈચારિક પરિચય પ્રાપ્ત થાય છે...