વર્ષા અને આરોગ્ય
ચોમાસાનો સમયગાળો આવી ગયો છે. આ સમય દરમિયાન આરોગ્યનું ધ્યાન રાખવું. ચોમાસુ ચાલુ થતાં જ શરદી, ઉધરસ, તાવ આવવો, ઝાડા, મેલેરિયા, ટાઈફોઈડ, કમળો વગેરે રોગો હેરાન પરેશાન કરી મૂકે છે. આ રોગ ના થાય તે માટે ૧, ચોમાસાની શરૂઆત થતાં જ પાણી હંમેશા ઉકળેલું જ પીવું. ૨, વાસી આહાર ન ખાવો.
વરસાદની ઋતુમાં અપચો એટલે કે ખોરાકનું પાચન બરાબર ન થવું એ સામાન્ય છે. એટલે આ ઋતુમાં હલકો આહાર લેવો જોઈએ. સાંજનું ભોજન જલ્દી કરી લેવું, તેમજ ભોજનમાં હળવો જ આહાર લેવો. રોજિંદા આહારમાં આદુનું પ્રમાણ વધારે લેવું, કારણ કે, આદુનો રસ મંદાજ્ઞિ દૂર કરે છે. તુલસી, ફુદીનો, આદું, મરી, સૂંઠનો ઉકાળો પીવો. હૂંફાળા દૂધમાં થોડીક હળદર નાખીને પીવાથી અને કાળાં મરીનો વધુ ઉપયોગ કરવાથી શરદી, ખાંસી, તાવ, ત્વચાના રોગો થતા નથી. સૂંઠના પાઉડર, ગંઠોડાના પાઉડરની રાબ પીવાથી પણ શરદી-ઉધરસમાં રાહત થાય છે.
વરસાદમાં ભીંજાવાથી શરદી, તાવ તથા ત્વચાના રોગો ન થાય તે માટે ભીના કપડાં તુરંત કાઢી નાખવાં જોઈએ.
મહાસુદર્શન વટી ૧-૧ ગોળી વૈદ્યની સલાહ મુજબ લેવી જોઈએ.
આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ ટકી રહે તે માટે પૂર્ણ સંશમની વટી ૧-૧ ગોળી સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે ભૂકો કરીને લેવાથી ચોમાસાથી થતા ઉપદ્રવોથી બચી શકાય છે.
વરસાદની ઋતુમાં શરદી, ખાંસી, તાવ, ત્વચાના રોગ સાથે-સાથે જઠારાગ્નિ મંદ થઈ જાય છે અને બહારનું વાતાવરણ પણ ભેજવાળું હોવાથી પાચક અગ્નિ પ્રદીપ્ત થાય તેવા સાદા, સુપાચ્ય આહાર લેવા જોઈએ.
રોજિંદા આહારમાં લસણ, ડુંગળી, અજમાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. સૂંઠ, કાળાં મરી અને તુલસીના પાનની ચા પીવાથી પણ ફાયદો થાય છે.
ચોમાસામાં ઘણા તહેવારો આવતા હોવાથી લોકો ઉપવાસ પણ બહુ જ કરતા હોય છે, પરંતુ ઉપવાસ કરતી વખતે સાવધાની રાખવી કે ઘરડા લોકો, ઓછું વજનવાળા લોકો અને ડાયાબિટીસવાળા કે બ્લડપ્રેશરવાળા દર્દીઓ તથા નાના નાનાં બાળકોએ ઉપવાસ ન કરવો.
ચોમાસામાં સ્વાસ્થ્ય જાળવણીના ઉપાયો
૧, ગરમ પાણીનું સેવન : ચોમાસામાં પાણીજન્ય રોગોનું જોખમ સૌથી વધુ હોય છે. આથી, આ ઋતુમાં હંમેશા પાણીને ઉકાળીને અને ગાળીને પીવું જોઈએ. શક્ય હોય તો આખા ચોમાસા દરમિયાન હૂંફાળા પાણીનો જ ઉપયોગ કરવો, જે પાચનતંત્રને સાફ રાખે છે અને કફ-વાતને નિયંત્રિત કરે છે.
૨, તીખા અને કડવા સ્વાદનો સમાવેશ : આયુર્વેદ મુજબ ચોમાસામાં ‘અમૃત’ સમાન ગણાતા પદાર્થો જેવા કે મધ, ઘી અને દૂધનું મર્યાદિત સેવન કરવું. આહારમાં મેથી, હળદર, આદુ, લસણ અને મરી જેવા પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ, જે શરીરમાં રહેલા વધારાના કફને દૂર કરે છે અને શરીરની ગરમી જાળવી રાખે છે.
૩, પંચકર્મ અને મસાજ : શરીરને રોગમુક્ત રાખવા માટે અઠવાડિયામાં એક વાર તલના તેલથી હળવા હાથે માલિશ (અભ્યંગ) કરવી જોઈએ. તે શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે, જે ચોમાસામાં ભેજને કારણે સામાન્ય રીતે વધે છે.
૪, સ્વચ્છતા અને વાતાવરણ : આ ઋતુમાં ફૂગ (Fungus) અને ભેજનું પ્રમાણ વધુ હોય છે. ઘરની અંદર ધૂપ કરવો જોઈએ. ગુગળ, લીમડાના સૂકા પાન અથવા કપૂરનો ધૂપ કરવાથી હવામાં રહેલા વાયરસ અને જીવાતનો નાશ થાય છે.
૫, પાચન માટે આદુ-લીંબુનો પ્રયોગ : જમતા પહેલા અડધો કલાક પહેલા એક ટુકડો આદુ, તેમાં સહેજ સિંધવ મીઠું અને લીંબુનાં ટીપાં નાખીને ખાવાથી પાચનરસ (Digestive Enzymes) સક્રિય થાય છે, જે ભોજનને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.
૬, દિનચર્યામાં સાવધાની : રાત્રે જલ્દી સૂવું અને સવારે વહેલા ઉઠવું. આ ઋતુમાં બહારનું તળેલું અને વાસી ખોરાક સંપૂર્ણપણે ત્યાગવો. શાકભાજીને હંમેશા ગરમ પાણીમાં મીઠું નાખીને સાફ કર્યા પછી જ રાંધવાં.
આ તમામ ઉપાયો કુદરતી છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને અંદરથી મજબૂત બનાવે છે. આ સરળ આદતો તમને ચોમાસાની બીમારીઓથી દૂર રાખીને વર્ષા ઋતુનો આનંદ લેવા માટે સ્વસ્થ રાખશે.
- ડૉ. જહાન્વી ભટ્ટ