મત-પંથ બદલનારા SC/ST સાવધાન.... જો હિન્દુ ધર્મ છોડ્યો, એસ.સી. કે એસ.ટી.ના લાભો નહીં મળે

યાદ રાખજો, જે પણ એસ.સી. કે એસ.ટી. બંધુઓ ધર્મ બદલીને બીજો મત-પંથ અપનાવી રહ્યા છે, તેઓ યાદ રાખે કે હિન્દુ ધર્મ છોડ્યા પછી તેમને જૂના હિન્દુ ધર્મના એસ.સી. કે એસ.ટી.ના લાભો મળશે નહીં.

    ૦૪-જુલાઇ-૨૦૨૬
કુલ દૃશ્યો |
 
sc st
 
 
તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે મતાંતરણ અને આરક્ષણ અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસ થૂથુકુડીના રહેવાસી સમીર અહેમદ સાથે જોડાયેલો છે, જે જન્મથી હિન્દુ એસ.સી સમુદાયના હતા અને તેમનું મૂળ નામ પરમશિવમ હતું. તેમણે ૨૦૧૫માં ઇસ્લામ પંથ અંગીકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે તમિલનાડુ સરકાર પાસે ‘મુસ્લિમ લેબ્બાઈ’ સમુદાયના પ્રમાણપત્રની માંગણી કરી હતી, જેથી તેમને ‘પછાત વર્ગ મુસ્લિમ’ શ્રેણી હેઠળ આરક્ષણનો લાભ મળી શકે. પણ એ પછી તહેસીલદારે તેમનું આ પ્રમાણપત્ર નકારી કાઢ્યું હતું. આથી તેઓ હાઈકોર્ટમાં ગયા હતા. દરમિયાન, માર્ચ ૨૦૨૪માં તમિલનાડુ સરકારે એક વિવાદાસ્પદ સરકારી આદેશ (G.O. No. 31) બહાર પાડ્યો હતો, જેમાં પછાત, અતિ પછાત અને અનુસૂચિત જાતિમાંથી ઇસ્લામ સ્વીકારનાર વ્યક્તિઓને ‘બેકવર્ડ ક્લાસ મુસ્લિમ’ તરીકે આરક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ મદ્રાસ હાઈકોર્ટે આ આદેશને ગેરબંધારણીય જાહેર કરી દીધો છે.
 
અદાલતે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, માત્ર વહીવટી આદેશ દ્વારા વર્ષોથી સ્થાપિત કાયદાકીય સિદ્ધાંતોને બદલી શકાતા નથી. જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ પી.બી. બાલાજીની ખંડપીઠે નોંધ્યું કે, ઇસ્લામ સ્વીકાર્યા પછી વ્યક્તિ માત્ર એક ‘મુસલમાન’ બની જાય છે. ઇસ્લામમાં મૂળભૂત રીતે જન્મ આધારિત કોઈ જાતિ વ્યવસ્થા નથી, તેથી મતાંતરિત વ્યક્તિ કોઈ ચોક્કસ મુસ્લિમ પેટા-જાતિ કે સમુદાયનો દાવો કરી શકતી નથી. અદાલતે ૧૯૫૨ના ‘જી. માઈકલ’ કેસનો સંદર્ભ આપતાં જણાવ્યું છે કે, ઇસ્લામમાં કોઈ વ્યક્તિ પોતાની મૂળ જાતિને લઈને દાખલ થઈ શક્તી નથી.
 
થોડા સમય પહેલાં ચિંથાડા આનંદ સંબંધિત એક કેસ થયો હતો. તેઓ મૂળભૂત રીતે અનુસૂચિત જાતિ સમુદાયના હતા, જેમણે ખ્રિસ્તી મત અપનાવ્યો હતો અને તેઓ એક પાદરી તરીકે કાર્ય કરી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, તેમની સાથે જાતિ-આધારિત દુર્વ્યવહાર અને હુમલો થયો અને તે અંગે તેમણે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ FIR નોંધાવી હતી, પરંતુ આરોપી આંધ્રપ્રદેશની રાજ્ય સરકારે તર્ક આપ્યો હતો કે, સંવિધાનની સ્પષ્ટ જોગવાઈઓ અનુસાર તેઓ હવે ખ્રિસ્તી બની ગયા છે, તેથી તેઓ SC રહેતા નથી.
 
આંધ્રપ્રદેશ સરકારે સંવિધાનની જોગવાઈ હેઠળ જ નિર્ણય લીધો હોઈ આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ઉક્ત FIR રદ કરી દીધી હતી, એમ કહીને કે ખ્રિસ્તી મતમાં જાતિ-વ્યવસ્થાને સ્થાન જ નથી, તેથી ધર્મ પરિવર્તન પછી અનુસૂચિત જાતિનો દાવો કરી શકાય નહીં. એ પછી ચિંથાડા આનંદ આ કેસ સર્વોચ્ચ ન્યાયાલય સુધી લઈ આવ્યા અને સર્વોચ્ચ ન્યાયાલયે ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યુંં કે, ધર્મ પરિવર્તનથી SCનો દરજ્જો તાત્કાલિક અસરથી સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે. ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે, વ્યક્તિ કોઈ અન્ય ધર્મ-મતને માનતા હોય તો SC સભ્ય હોવાનો દાવો કરી શકે નહીં.
 
આ ષડયંત્ર છે
 
વાસ્તવમાં, આરક્ષણ એ બંધારણીય જોગવાઈ છે જે એસ.સી. અને એસ.ટી. સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે બનાવવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલીને અન્ય પંથમાં જાય છે, ત્યારે તે તે ધર્મની ધાર્મિક માન્યતાઓ અને સામાજિક માળખાને સ્વીકારે છે. આવી સ્થિતિમાં, હિન્દુ ધર્મના એસ.સી. કે એસ.ટી.ના લાભો મતાંતરણ પછી પણ ચાલુ રાખવા એ સાચા અર્થમાં હિન્દુ - એસ.સી./એસ.ટી. સમાજ સાથેનો અન્યાય છે. ખરેખર તો એક મોટું ષડયંત્ર દેખાય છે, જેમાં મતાંતરણને પ્રોત્સાહન આપીને આરક્ષણના મૂળ હકદારોના હિસ્સાને અન્ય લોકો હડપવાનો પ્રયાસ કરે છે. આ મુદ્દે એસ.ટી. સમાજ ખૂબ ગંભીર છે. દેશભરમાં આદિવાસી સમાજ તરફથી સતત ‘ડિલીસ્ટિંગ’ની માંગણી ઉઠી રહી છે. છે. આદિવાસી નેતાઓનું સ્પષ્ટ માનવું છે કે, જે આદિવાસીઓએ પોતાની મૂળ સંસ્કૃતિ અને પરંપરા છોડીને બીજા ધર્મમાં મતાંતરણ કર્યું છે, તેમને હવે આદિવાસી આરક્ષણનો લાભ ન મળવો જોઈએ.
 
SC/ST સાવધાન
 
આજે સમય પાકી ગયો છે કે જેઓ મતાંતરણ કરીને પોતાની ઓળખ બદલી ચૂક્યા છે, તેઓ હવે એસ.સી. કે એસ.ટી.ના અધિકારોનો દાવો કરીને મૂળ હિન્દુ સમાજના હક પર તરાપ મારાવાની કોશિશ ન કરે. યાદ રાખજો, જે પણ એસ.સી. કે એસ.ટી. બંધુઓ ધર્મ બદલીને બીજો મત-પંથ અપનાવી રહ્યા છે, તેઓ યાદ રાખે કે હિન્દુ ધર્મ છોડ્યા પછી તેમને જૂના હિન્દુ ધર્મના એસ.સી. કે એસ.ટી.ના લાભો મળશે નહીં. જેઓ પોતાનો મત બદલીને હવે બેવડા લાભ લેવા માંગે છે, તેવા તમામ લોકો માટે આ સ્પષ્ટ ચેતવણી છે કે, હવે કાયદાની તલવાર તેમના માથે લટકી રહી છે. હવે તેઓ ષડયંત્રકારી મિશનરીઓની કે મુલ્લાઓની વાતોમાં ના આવે અને મતાંતરિત થઈને લાભ લેવાની આ માનસિક્તા બદલી નાંખે. માટે, અગર તમારે સનાતની સંસ્કૃતિના લાભ અને ગૌરવ જોઈતા હોય તો સનાતની જ રહો, અન્યથા ધર્મ બદલ્યા પછી બંધારણીય લાભોનો ત્યાગ કરવા માટે પણ તૈયાર રહો. જાગૃત હિન્દુ સમાજ જ હવે આવા ષડયંત્રોને રોકવા માટે સક્ષમ છે.
 
 
 
- સમ્રાટ દિવાકર