તપોઋષિ એકનાથ રાનડે: વિવેકાનંદ રોક મેમોરિયલના સ્વપ્નદ્રષ્ટા

જાણો તપોઋષિ એકનાથ રાનડેના પ્રેરણાદાયક જીવન અને કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલના નિર્માણમાં તેમના અદ્ભુત યોગદાન અને સંઘર્ષ વિશે.

    ૨૧-ઓગસ્ટ-૨૦૨૬
કુલ દૃશ્યો |

Eknath Ranade Biography in Gujarati

 

તપોઋષિ એકનાથ રાનડે
(૧૯ નવેમ્બર ૧૯૧૪ - ૨૨ ઓગસ્ટ ૧૯૮૨)

 
 
શ્રદ્ધેય એકનાથજી રાનડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સમર્પિત કાર્યકર્તા હતા, જેમણે ૧૯૨૬થી જ સંઘની વિવિધ જવાબદારીઓનું વહન કર્યું હતું. કન્યાકુમારી પાસે સમુદ્રમાં આવેલ વિશાળ નિર્જન ખડક પર સ્વામી વિવેકાનંદજીએ ત્રણ દિવસ સુધી ધ્યાનસ્થ થઈને સાધના કરી હતી અને ત્યાં જ પૂ. સ્વામીજીને મા ભારતીનો સાક્ષાત્કાર થયો હતો, આગળના કાર્ય માટેનો દિશાસંકેત પ્રાપ્ત થયો હતો. અને શુભ સંકલ્પ પણ ત્યાં જ પ્રગટ્યો હતો. સમુદ્રમાં સ્થિત આ શિલા પર સ્વામી વિવેકાનંદજીનું ભવ્ય સ્મારક નિર્માણ કરવા માટે દેશ એકનાથજી રાનડેનો સદૈવ ઋણી રહેશે. આ ભવ્ય પાવન મનોહર સ્મારકનાં દર્શન થતાં જ તેના સ્વપ્નદ્રષ્ટા તરીકે એકનાથજીનું ચિત્ર પણ આંખો સમક્ષ પ્રગટ થઈ જાય છે.
 
એકનાથજી રાનડેનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૧૪ના રોજ અમરાવતી જિલ્લાના ટિમટાલા ગામમાં થયો હતો. ગામ નાનું હતું અને ત્યાં શૈક્ષણિક સુવિધાઓ નહોતી. આ કારણે એકનાથ પોતાના મોટા ભાઈના ઘરે નાગપુર ભણવાના હેતુથી આવ્યા. તેમના ઘરની પાસે લાગતી રા. સ્વ. સંઘ (RSS)ની શાખામાં આસપાસના છોકરાઓ સહજ જિજ્ઞાસાવશ પ્રવૃત્તિઓ જોવા માટે એકઠા થતા હતા, તેમાં એકનાથજી પણ હતા. ટૂંક સમયમાં જ સંઘની બાલ શાખાઓ પણ શરૂ થઈ, જેમાં એકનાથજીનો પ્રવેશ થયો. રા. સ્વ.‌ સંઘના પ. પૂ. આદ્ય સરસંઘચાલક ડૉ. સાહેબ (ડૉ. હેડગેવારજી)નું ધ્યાન એક હોનહાર સ્વયંસેવક તરીકે તેમના પર હતું.
 
એકનાથજીએ માધ્યમિક પરીક્ષા પાસ કરી અને સંઘકાર્ય માટે પ્રચારક બનવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ ડૉ. સાહેબે તેમને પહેલાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાની સલાહ આપી. કૉલેજમાં તેઓ એક મહેનતુ, નિડર અને ગુણસંપન્ન વિદ્યાર્થી તરીકે ઊભરી આવ્યા હતા. અભ્યાસની સાથે-સાથે તેઓ સંઘકાર્ય પણ કરતા રહ્યા. ૧૯૩૬માં કૉલેજ-શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ પ્રચારક તરીકે મધ્ય પ્રદેશ ગયા. મહાકોશલ અને છત્તીસગઢમાં તેઓએ સંઘકાર્યનો વિસ્તાર કર્યો. મધ્ય પ્રદેશ પ્રવાસ દરમિયાન તેઓએ ડૉ. હરિસિંહ ગોર વિશ્વવિદ્યાલય (સાગર વિશ્વવિદ્યાલય)માંથી તત્વજ્ઞાન વિષયમાં અનુસ્નાતક (માસ્ટર્સ) પણ કર્યું.
તેઓ જ્યારે મધ્ય પ્રદેશમાં સંઘકાર્યની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી રહ્યા હતા, તે જ દિવસોમાં મ. ગાંધીની હત્યા થઈ.
 
દ્વેષભાવથી પ્રેરાઈને પં. નેહરુની તત્કાલીન કોંગ્રેસ સરકારે રા. સ્વ. સંઘ પર પ્રતિબંધ મૂક્યો. રા. સ્વ. સંઘે આના વિરોધમાં જે સફળ સત્યાગ્રહ કર્યો તેનું નેતૃત્વ પણ શ્રી એકનાથજીએ ભૂગર્ભમાં રહીને કર્યું હતું. સરકારે સંઘને નિર્દોષ જાહેર કરીને તેના પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો, તે પછી સંઘકાર્યની ખોરવાયેલી સ્થિતિને ફરીથી મૂળ સ્થિતિમાં લાવવાના કામમાં એકનાથજી એક નિષ્ઠાવાન કાર્યકર્તાની જેમ પુન: લાગી ગયા. તત્કાલીન પૂર્વ પાકિસ્તાનથી આવનારા વિસ્થાપિત હિંદુ પરિવારોના પુનર્વસન માટે સંઘે કોલકાતામાં "વાસ્તુહારા સહાયતા સમિતિ"ની સ્થાપના કરી હતી.
 
આ તમામ કામ એકનાથજીના માર્ગદર્શનમાં સંપન્ન થયું હતું. ૧૯૫૦થી ૧૯૫૨ના સમયગાળામાં એકનાથજીને દિલ્હી અને પંજાબ પ્રાંતના પ્રચારક નિયુક્ત કરવામાં આવ્યા. તેઓએ પ્રત્યેક શાખા પર જઈને ત્યાંના વિખરાયેલા કામને સંગઠિત કર્યું. એ જ સમયે તેમના પર રા. સ્વ. સંઘના સરકાર્યવાહની જવાબદારી સોંપવામાં આવી. તેઓએ સમગ્ર દેશનો પ્રવાસ કરીને સંઘકાર્યનો વિસ્તાર કર્યો. આગળ જતાં રા. સ્વ. સંઘના પ. પૂ. સરસંઘચાલક શ્રી ગુરુજીએ શિલા સ્મારકનું કામ એકનાથજી રાનડેના ખભા પર મૂક્યું. સોંપવામાં આવેલા કામને પોતાની જાત નીચોવીને કેવી રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરવું, તેનો આદર્શ એકનાથજીએ પ્રસ્થાપિત કર્યો. આ સ્મારક સામે ખ્રિસ્તી મિશનરીઓએ વિરોધ કર્યો હતો. સરકારો પણ વિરોધમાં હતી, પરંતુ એકનાથજીએ આ તમામ વિરોધોનો સફળતાપૂર્વક સામનો કર્યો. તેમણે સ્મારક-નિર્માણને સંમતિ આપનારા ૩૮૬ લોકસભાના સભ્યોનું લેખિત સમર્થન પ્રાપ્ત કર્યું. સ્મારક નિર્માણ માટે ધનરાશિ એકઠી કરી અને અંતે પૂ. સ્વામી વિવેકાનંદજીના એક રાષ્ટ્રીય સ્તરના ભવ્ય દિવ્ય સ્મારકનું સ્વપ્ન સાકાર થયું.
 
આ રાષ્ટ્રીય સ્મારકના નૂતન શ્રદ્ધાકેન્દ્રને જોતાં એકનાથજીની કાર્યક્ષમતાનો બોધ તો થાય છે. હા.. તેનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે, એકનાથજીનો આ સ્મારક પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેટલો વિશાળ હતો કે, ત્યાં નિર્માણ પામેલા વિવેકાનંદ કેન્દ્ર થકી આજે સંપૂર્ણ ભારતભરમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક ચેતનાનો સંચાર ખૂબ જ સુચારુરૂપે થઈ રહ્યો છે. ૨૨ ઓગસ્ટ, ૧૯૮૨ના રોજ ગણેશચતુર્થીના દિવસે તેઓનું નિધન થયું, ત્યાં સુધી એકનાથજીનું જીવન સ્વામી વિવેકાનંદજીના આદર્શો થકી રાષ્ટ્રમય બની ગયું હતું.
 
પોતાનું સર્વસ્વ લગાવીને કામ કરવાનો શો અર્થ થાય છે, તે જાણવા માટે શ્રદ્ધેય એકનાથજીનું જીવન એક આદર્શ છે. રા. સ્વ. સંઘના અનુશાસન અને વિચારધારામાં તૈયાર થનાર તથા તમામ કસોટીઓ પર ખરૂં ઊતરનાર વ્યક્તિત્વ એટલે શ્રી એકનાથજી રાનડે, એક આદર્શ સ્વયંસેવક...!!!
 
લેખક: અક્ષય જાની