૨૯ ઑગસ્ટ: રાષ્ટ્રીય રમત ગમત દિને વિશેષ | સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને સદાચાર | ક્રીડા ભારતી કઈ રીતે ઘડી રહી છે દેશનું ચારિયવાન યુવાધન? | શ્રી પ્રસાદ મહાનકરજી (રાષ્ટ્રીય સંગઠન મંત્રી, ક્રીડા ભારતી)
- મેદાનમાં માત્ર ખેલાડી નહીં, ચારિત્ર્યવાન યુવા ઘડાશે!
- ‘સ્ક્રીન ટાઈમ’ નહીં, હવે ‘પ્લે ટાઈમ’! યુવાનો માટે ક્રીડા ભારતીનો મંત્ર
- રમતથી ચારિત્ર્ય અને ચારિત્ર્યથી રાષ્ટ્રનિર્માણ! ક્રીડા ભારતીનો વિરાટ સંકલ્પ
- 2036 ઓલિમ્પિક: ભારતની કબડ્ડીથી વિશ્વના મેદાન સુધીનો મહાસંકલ્પ!
- ક્રીડા ભારતીનું મિશન: દરેક ભારતીય રમે, સ્વસ્થ રહે અને ચારિત્ર્યવાન બને!
- મેડલથી પણ મોટું શું? ક્રીડા ભારતી કેમ કરી રહી છે ચારિત્ર્યવાન ખેલાડીઓની ઘડતર?
- કબડ્ડી ઓલિમ્પિકમાં, યુવાનો મેદાનમાં અને ભારત વિશ્વમંચ પર!
સામાન્ય માણસની ભાષામાં ‘ક્રીડા ભારતી’ એટલે શું?
માણસ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી કોઈ ને કોઈ રીતે રમતગમત સાથે જોડાયેલો રહે છે. આપણા સામાન્ય સમાજમાં રમવાની પ્રવૃત્તિ વર્ષોથી વણાયેલી છે. આપણે ત્યાં તો એવું પણ કહેવાય છે કે, ભગવાને પણ કોઈ ને કોઈ કારણસર લીલાઓ (રમતો) કરી જ છે. એટલે કળા અને ક્રીડા (રમત), એ પોતાની જાતને અભિવ્યક્ત કરવાનું બહુ સહજ માધ્યમ છે. ક્રીડા ભારતીનું એક સામાજિક સંગઠન તરીકેનું મુખ્ય લક્ષ્ય જ એ છે કે, સમાજને આના માટે જગાડવો અને તેને આમાં સહભાગી બનાવવો. કોઈ પણ વ્યક્તિ પોતાની ઉંમર ભૂલીને સહજતાથી રમી શકે છે. ક્રીડા ભારતી આવા તમામ લોકોને રમવા માટે આહ્વાન કરે છે, પ્રોત્સાહિત કરે છે અને લોકો આમાં જોડાય પણ છે. આ જ ક્રીડા ભારતીનું માળખું છે અને આ જ એનો મૂળ ઉદ્દેશ્ય છે કે, સૌ કોઈ પોતાની ઉંમર કે જાતિ ભૂલીને મેદાનમાં આવે, રમે અને સ્વસ્થ રહે.
પ્રદેશમાં રમતગમતનાં ઘણાં ફેડરેશન કાર્યરત હોવા છતાં, ૩૩ વર્ષ પહેલાં ‘ક્રીડા ભારતી’ની અલગથી સ્થાપના કેમ કરવી પડી?
રમતગમત ક્ષેત્રે કંઈક નવું કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી પુણેમાં રમતવીરોની બેઠક બોલાવાઈ હતી. ચર્ચા દરમિયાન વરિષ્ઠ કાર્યકર્તાઓને સમજાયું કે, ખેલાડીઓ મેદાનમાં તિરંગો લઈને દેશનું ગૌરવ તો વધારે છે, પરંતુ તેઓ ચારિત્ર્યવાન બને અને દેશના મૂળ વિચારો સમજે તેવું કોઈ સંગઠન નહોતું. આ બેઠકમાં નવી સંસ્થાનો વિચાર આકાર પામ્યો. ધીમે-ધીમે વિચારધારા ધરાવતા ઉત્સાહી કાર્યકર્તાઓ એકઠા થયા અને પુણેમાં સંસ્થાનો પાયો નખાયો. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ સંસ્થાનું રજીસ્ટ્રેશન થયું, પરંતુ પરિસ્થિતિઓ મુજબ એ રજીસ્ટ્રેશન પત્ર થોડા સમય પછી ખોલ્યો. અંતે નક્કી કરવામાં આવ્યું કે ‘હનુમાન જયંતી’ના પવિત્ર દિવસે જ ક્રીડા ભારતીનો સ્થાપના દિવસ મનાવીશું.
ક્રીડા ભારતીનું ધ્યેય વાક્ય છે – ‘રમત દ્વારા ચારિયનિર્માણ અને ચારિય દ્વારા દેશનિર્માણ’ શું છે આ ધ્યેય વાક્ય પાછળનો ભાવ?
ઉદ્દેશ્ય રમતગમતને અપનાવીને તેને જન-જન સુધી પહોંચાડવાનો છે. દરેક વ્યક્તિ રમે તે માટે અમારો મૂળ મંત્ર (Sportsman Spirit) ‘ક્રીડાવૃત્તિ અને સદાચાર’ છે. ક્રીડાવૃત્તિથી મનમાં વિશાળતા આવે છે અને સદાચાર એટલે સારા સંસ્કાર. રમતના મેદાન પર રમતની ભાવના અને સદાચાર જળવાઈ રહે તો માણસ રમતાં રમતાં જ આપોઆપ સંસ્કારી બનતો જાય છે. આપણો આખો સમાજ ચારિત્ર્યવાન બને તે જરૂરી છે. આથી, ખેલદિલી અને સદાચારના માધ્યમથી સંસ્કારોનું સિંચન કરવું, દેશભક્તિની ભાવના કેળવવી અને વ્યક્તિગત સાથે સામૂહિક ચારિત્ર્યનો વિકાસ કરવો, આ જ રમતગમતના માધ્યમથી કામ કરવાની અમારી સાચી રીત છે.
યુવાનો ખો-ખો, કબડ્ડી જેવી આપણી પરંપરાગત અને સ્વદેશી રમતો તરફ આકર્ષાય તથા આ રમતો ઓલિમ્પિક સુધી પહોંચે તે માટે ‘ક્રીડા ભારતી’ કેવા પ્રયાસો કરી રહી છે?
આપણી સમજ એવી થઈ ગઈ છે કે, પરંપરાગત રમતો એટલે માત્ર ગિલ્લી-દંડા કે સંતાકૂકડી, પણ ઓલિમ્પિકમાં રમાતી કુસ્તી અને ધનુર્વિદ્યા વાસ્તવમાં આપણી જ રમતો છે. નામ બદલાવાથી તેનું મૂળ બદલાતું નથી. આના બે ઐતિહાસિક સંદર્ભો છે. ‘ધનુર્વેદ’ ગ્રંથના સંસ્કૃત શ્લોકોમાં તીરંદાજીની પદ્ધતિ, ખેલાડીનો આહાર, વ્યાયામ શૈલી અને ધનુષ-બાણના પ્રકારો સહિત સ્પોર્ટ્સમેનની આખી વિભાવના પહેલેથી હાજર છે. બીજું, ૧૩મી સદીમાં પાટણ નજીક મોઢેરામાં લખાયેલા અને ૧૬મી સદીમાં ફરીથી લખાયેલા ‘મલ્લપુરાણ’માં ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રોણાચાર્ય જેવા ઋષિમુનિઓએ શીખવેલા કુસ્તીના દાવપેચનો ઉલ્લેખ ૩૮ શ્લોકોમાં આજે પણ ઉપલબ્ધ છે. આમ, ધનુર્વેદ અને મલ્લપુરાણ આપણી પરંપરાગત રમતોનાં મૂળિયાં છે.
યુવાનોની વાત કરીએ તો, દરેક યુવાન ઓલિમ્પિકમાં મેડલ લાવે તે જરૂરી નથી. ૨૯-૩૦ વર્ષની સરેરાશ ઉંમર અને ૩૫ વર્ષની વર્કિંગ કેપિટલ ઉંમર ધરાવતા આપણા યુવાનોના દેશમાં, ક્રીડા ભારતી દેશભરમાં ૧૦૦૦થી વધુ ‘ક્રીડા કેન્દ્રો’ ચલાવે છે. આ સક્રિય કેન્દ્રોમાં યુવાનો અને મહિલાઓની ભાગીદારી વધારવી એ અમારું નિયમિત કાર્ય છે.
ખેલાડીઓ તૈયાર કરવા માટે આપણી પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે?
આ અંતર્ગત અમે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, ૨૯ ઓગસ્ટે એટલે કે મેજર ધ્યાનચંદજીના જન્મદિવસે ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’ (નેશનલ સ્પોર્ટ્સ ડે) ઉજવાય છે. ક્રીડા ભારતી આખા દેશમાં એકમાત્ર એવું સંગઠન છે, જે આ દિવસે સૌથી વધુ મેદાનો પર, સૌથી વધુ પ્રકારની રમતો સાથે અને સૌથી મોટી સંખ્યામાં ખેલાડીઓને મેદાનમાં ઉતારે છે. આ નિમિત્તે ક્યાંક પખવાડિયું (૧૫ દિવસ), ક્યાંક અઠવાડિયું તો ક્યાંક ત્રણ દિવસના કાર્યક્રમો ચાલે છે. ૨૯ ઓગસ્ટથી શરૂ કરીને ૧૨ સપ્ટેમ્બર સુધી આખો ઉત્સવ મનાવવામાં આવે છે. આ દરમિયાન રમતના નવા-નવા પ્રકારો અને પ્રવૃત્તિઓ થાય છે, જે અમારા વાર્ષિક કાર્યક્રમનો એક ભાગ છે. આ સિવાય, રોજિંદી પ્રવૃત્તિ તરીકે અમે દેશભરમાં અમારાં ‘ક્રીડા કેન્દ્રો’ તો ચલાવીએ જ છીએ.
ખેલાડીઓએ હનુમાનજીને આદર્શ માનીને આગળ વધવું જોઈએ?
ક્રીડા ભારતીનો સ્થાપના દિવસ ‘હનુમાન જયંતી’ના પવિત્ર દિવસે આવે છે. હનુમાનજી ‘બુદ્ધિમતાં વરિષ્ઠમ્’ (બુદ્ધિશાળીઓમાં અગ્રેસર) અને ‘અતુલિતબલધામં’ (અખૂટ બળના ધામ) હોવાથી બુદ્ધિ અને શક્તિનો અદભુત સમન્વય છે. પૌરાણિક દૃષ્ટિએ તેઓ આપણા પ્રથમ ‘લોન્ગ જમ્પર’, પર્વત ઉપાડનાર મહાન ‘વેઇટલિફ્ટર’ અને પ્રબળ ઇચ્છાશક્તિ તથા અદ્ભુત ‘સ્ટેમિના’ ધરાવતા હતા, જે એક ખેલાડીના જીવનમાં સૌથી જરૂરી છે. આથી હનુમાનજી અને ભારત માતા ક્રીડા ભારતીના આરાધ્ય છે અને હનુમાન જયંતી ક્રીડા ભારતીનો પહેલો મોટો ઉત્સવ છે. બીજો ઉત્સવ રથસપ્તમીના દિવસે યોજાતો યોગ દિવસ અને સૂર્ય નમસ્કાર છે. સાચું કહું તો ક્રીડા ભારતીની શરૂઆત જ સૂર્ય નમસ્કાર અભિયાનથી થઈ હતી. અમારો ત્રીજો અને ભાવનાત્મક કાર્યક્રમ ‘જીજામાતા સન્માન’ છે, જેમાં સામાજિક કર્તવ્યના નાતે વર્ષમાં એકવાર જિલ્લા સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી ખેલાડીઓની માતાઓનું વિશેષ સન્માન અને ગૌરવ કરવામાં આવે છે.
‘જીજામાતા સન્માન’ કાર્યક્રમના કોઈ અનુભવો સામે આવ્યા છે?
તમે મીરાબાઈ ચાનુ (વેઇટલિફ્ટર)નું નામ તો જાણો જ છો. મીરાબાઈ જ્યારે આંતરરાષ્ટ્રીય ખેલાડી નહોતી બની, ત્યારે તેમની માતાને આ સન્માન મળ્યું હતું. તેમણે આજે પણ તે સ્મૃતિચિહ્ન સાચવી રાખ્યું છે અને ગર્વથી કહે છે કે, ‘જ્યારે મારી દીકરીને કોઈ નહોતું ઓળખતું, ત્યારે તમે મારું સન્માન કર્યું હતું.’ આવો જ બીજો કિસ્સો આપણા દેશના દિગ્ગજ હોકી ગોલકીપર પી. આર. શ્રીજેશનો છે. શ્રીજેશની માતાને પહેલાં જિલ્લા સ્તરે અને પછી રાજ્ય સ્તરે આ સન્માન મળ્યું હતું. તેમણે એ બંને સન્માન પોતાના ઘરમાં બહુ સાચવીને રાખ્યાં છે. ત્યારબાદ, હમણાં ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ભોપાલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમને રાષ્ટ્રીય સ્તરનું ‘જીજામાતા સન્માન’ પણ આપવામાં આવ્યું. શ્રીજેશની માતા કહેતાં હતાં કે, ‘જ્યારે મારો દીકરો ચેમ્પિયન નહોતો બન્યો ત્યારનું જીજામાતા સન્માન, પછી તે ચેમ્પિયન બન્યો ત્યારનું સન્માન અને આજે જ્યારે તે સફળ થઈને દેશનું ગૌરવ બની ગયો છે ત્યારનું સન્માન – આ ત્રણેય ટ્રોફી મેં મારા ઘરમાં સજાવીને રાખી છે... કારણ કે એક માતા તરીકે મારા સંઘર્ષને સમજનારું ક્રીડા ભારતી સિવાય કોઈ નહોતું’, આ બંને માતાઓના શબ્દો ક્રીડા ભારતીની ફલશ્રુતિ છે.
‘ક્રીડા જ્ઞાન પરીક્ષા’ યોજવાનો અનોખો આઈડિયા સંસ્થાને ક્યાંથી આવ્યો?
આ જે ‘ક્રીડા જ્ઞાન પરીક્ષા’ છે, એ અમારો બહુ જ સફળ કાર્યક્રમ છે. રમતગમતના સામાન્ય જ્ઞાન માટેની આવી ઓનલાઇન પરીક્ષામાં આખા દેશમાં સૌથી વધુ લોકો ક્રીડા ભારતીના માધ્યમથી જોડાય છે. ગયા વર્ષનો અમારો રેકોર્ડ જ આશરે બે-અઢી લાખ વિદ્યાર્થીઓનો છે. સામાન્ય રીતે અમે સપ્ટેમ્બર મહિનામાં આ પરીક્ષાનું આયોજન કરીએ છીએ. તેના બે મહિના પહેલાં પરીક્ષાનું લોન્ચિંગ થાય છે, એટલે કે તેની તારીખો જાહેર કરવામાં આવે છે. તે પછી ફોર્મ ભરવાથી લઈને બાકીની બધી જ પ્રક્રિયાઓ અન્ય સંસ્થાઓની જેમ જ ઓનલાઇન ચાલે છે.
આર્થિક વળતર વિના કામ કરતા સ્વયંસેવકો થકી આ ૩૩ વર્ષ જૂની સંસ્થા કઈ રીતે ચાલે છે?
“મને આમાંથી કશું મળવાનું નથી, છતાં હું દેશની પ્રગતિ માટે, દેશની સમૃદ્ધિ માટે અને મારો દેશ ફરીથી ‘વિશ્વગુરુ’ બને તે માટે કામ કરીશ”, આ પવિત્ર ભાવ અમારા કાર્યકર્તાઓના મનમાં પહેલેથી જ વણાયેલો છે. ક્રીડા ભારતી આ જ ભાવના સાથે કામ કરે છે અને આ બધું ‘મેન ટુ મેન’ એટલે કે વ્યક્તિગત સંપર્ક અને પરસ્પરના સ્નેહભાવથી જ શક્ય બને છે. સાચું ચારિત્ર્ય આને જ કહેવાય, અને આ ચારિત્ર્ય જ આખા સંગઠનની ખરી શક્તિ છે.
જો કોઈ સામાન્ય નાગરિક કે સ્વયંસેવકે ક્રીડા ભારતી સાથે જોડાવું હોય તો તેની પ્રક્રિયા શું છે?
ક્રીડા ભારતી સાથે મુખ્યત્વે બે રીતે જોડાઈ શકાય છે. પહેલી રીત છે– ક્રીડા ભારતીનાં ‘ક્રીડા કેન્દ્રો’ (સ્પોર્ટ્સ સેન્ટર્સ) સાથે જોડાવું. જ્યાં-જ્યાં ક્રીડા ભારતીના કાર્યકર્તાઓ સક્રિય છે, ત્યાં તેઓ આવાં કેન્દ્રો ચલાવે છે. આ સિવાય ક્રીડા ભારતી સાથે સંલગ્ન (જોડાયેલી) ઘણી બધી સ્પોર્ટ્સ એકેડેમીઓ પણ ચાલે છે. તમે ત્યાં જઈને સીધા રમતગમત સાથે જોડાઈ શકો છો.
આજે આખા દેશમાં ક્રીડા ભારતીનું બહુ મોટું નેટવર્ક છે. જિલ્લા સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી જવાબદારી સંભાળતા હોય તેવા અંદાજે ૧૦,૦૦૦ થી પણ વધુ સક્રિય કાર્યકર્તાઓ ક્રીડા ભારતી સાથે જોડાયેલા છે. હમણાં કર્ણાવતી (અમદાવાદ)માં અમારું જે રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, તેમાં રાજ્ય સ્તરના અંદાજે ૧૨૦૦ જેટલા અગ્રણી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આમ, ૧૨૦૦થી લઈને ૧૦,૦૦૦ સુધીના સમર્પિત કાર્યકર્તાઓનું આખી એક મજબૂત કેડર ક્રીડા ભારતી પાસે છે, જે નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરી રહી છે.
ભારત સરકારની જે વર્તમાન રમતગમત નીતિ (સ્પોર્ટ્સ પોલિસી) છે, તેમાં ક્રીડા ભારતી પોતાની ભૂમિકાને કઈ રીતે જુએ છે?
વર્ષ ૨૦૦૧ કે ૨૦૦૨ પછી આપણા દેશમાં રમતગમતને લઈને બહુ જ સરસ નીતિઓ બની છે. ખાસ કરીને માનનીય વડાપ્રધાનશ્રી અને રમતગમત મંત્રીશ્રીના પ્રયાસોથી દેશમાં લાગુ થયેલી નવી ‘ખેલો ભારત નીતિ’ના મુખ્ય પાંચ સ્તંભ છે:
(૧) રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા: સરકાર અને ‘TOPS’ યોજના થકી ખેલાડીઓનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ.
(૨) આર્થિક સ્વનિર્ભરતા: રમતગમત ક્ષેત્રને આર્થિક રીતે મજબૂત બનાવવું.
(૩) જનસહભાગિતા: સામાન્ય લોકોની રમતગમતમાં ભાગીદારી વધારવી.
(૪) જન-આંદોલન: રમતગમતને દેશવ્યાપી આંદોલનનું રૂપ આપવું.
(૫) નીતિઓનો સમન્વય: રમતગમત અને શિક્ષણનીતિ વચ્ચે સચોટ તાલમેલ સાધવો.
ક્રીડા ભારતીનો મૂળ વિચાર ત્રીજા અને ચોથા સ્તંભ (જનસહભાગિતા અને જન-આંદોલન) સાથે સીધો જોડાયેલો છે. આ જ દિશામાં ક્રીડા ભારતી અન્ય સંસ્થાઓ સાથે મળીને કેન્દ્ર સરકારના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત સમાજમાં જાગૃતિ લાવવાનું મોટું કાર્ય કરી રહી છે. આ ઉપરાંત, ‘રમત જગતમાં ભારતીય દૃષ્ટિકોણ’ વિષય પર હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ગ્વાલિયરની LNIPE સહિત દેશભરમાં ૪૦ સેમિનારો યોજાયા છે. રા.સ્વ. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આ આંકડો ૧૦૦ સુધી પહોંચાડીને સરકારને ભવિષ્યની પોલિસી અંગે યોગ્ય ફીડબેક આપવાનો સંકલ્પ છે. ઉત્કૃષ્ટતા અને આર્થિક મજબૂતીના બાકીના બે સ્તંભોમાં ભવિષ્યમાં PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ દ્વારા સમાજ સ્વયં જોડાશે.
૨૦૩૬ના ઓલિમ્પિક માટે ક્રીડા ભારતીની ભવિષ્યની યોજનાઓ શું છે?
વર્ષ ૨૦૩૬નો ઓલિમ્પિક ભારતમાં યોજાય, તે માટે ક્રીડા ભારતી બે મુખ્ય પાસાંઓ પર વિચારી રહી છે. પહેલું પાસું ઓલિમ્પિકની રમતોનું ‘ભારતીયકરણ’ છે, જેથી ગ્રીક-રોમન પદ્ધતિને બદલે આપણી સંસ્કૃતિ ઝળકે તે માટે વાતાવરણ અને સાહિત્ય તૈયાર કરાઈ રહ્યું છે. આ વૈચારિક પક્ષ માટે કાર્યકર્તાઓએ પુરાતત્વવિદ્ આર.સી. બિષ્ટ પાસેથી ધોળાવીરાના પ્રાચીન સ્ટેડિયમની વિગતો મેળવી અને ‘મલ્લપુરાણ’નો આધાર લીધો. બીજું પાસું દેશી રમત ‘કબડ્ડી’ ઓલિમ્પિકમાં સામેલ કરવાનું છે, જેમાં ક્રિકેટ પછી સૌથી વધુ પૈસો અને ખેલાડીઓ છે. ક્રીડા ભારતીના સંકલ્પ મુજબ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી ૧૦૦ ટીમો પ્રોફેશનલ નિયમો સાથે રમે અને ઉદ્ઘાટન સમયે ૨૦૩૬ના ઓલિમ્પિકમાં કબડ્ડી સામેલ થાય તેવો સંકલ્પ લેવાય છે. ડિજિટલાઇઝ્ડ અભિયાનમાં અત્યાર સુધી ૬,૦૦૦થી વધુ ટીમો રમી ચૂકી છે અને મે સુધીમાં આંકડો ૧૦,૦૦૦ને પાર કરશે જે ઓક્ટોબર સુધી ચાલશે. સ્વદેશી રમતો જન-આંદોલન બનશે, તો જ કબડ્ડી વૈશ્વિક મંચ પર સન્માનજનક સ્થાન મેળવશે.
હાલમાં જ ક્રીડા ભારતી દ્વારા એક વિશેષ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, તેના વિશે થોડી વિગતો આપશો?
રાષ્ટ્રીય અધિવેશનમાં ક્રીડા ભારતીએ પ્રસ્તાવ મૂક્યો છે કે, ‘રમતગમત દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર બનવો જોઈએ’. આનો અર્થ એ કે ખેલાડી પોતાની ક્ષમતા અને પસંદગી મુજબ કોઈપણ બંધન વિના રમી શકે. એસોસિયેશનોના નિયમોને લીધે ક્ષમતા હોવા છતાં પ્રો-કબડ્ડી જેવી રમતોમાં અન્ય એજન્સીની મંજૂરી લેવી પડે છે, જે બિનજરૂરી છે. રાષ્ટ્રીય સ્તરના પારદર્શક સિલેક્શન સિવાય, સ્થાનિક સ્તરે આવાં બંધનો દૂર થવાં જોઈએ. આ અધિકાર હેઠળ વિસ્તારનાં મેદાનો માત્ર રમત માટે જ આરક્ષિત રહેવાં જોઈએ; ત્યાં મેળાઓ કે ખાણી-પીણી બજારો ન લાગવાં જોઈએ. શાસન અને તંત્રે આ અંગે ગંભીર થવું પડશે. ભવિષ્યમાં આ પ્રસ્તાવ અમે સરકાર અને તમામ સંગઠનો સુધી લઈ જઈશું. ક્રીડા ભારતીનું લક્ષ્ય છે કે, ૨૦૩૬ સુધીમાં આપણે માત્ર ટીવી જોનારા ‘પ્રેક્ષકો’ ન રહેતાં, મેદાન પર રમનારા ‘સહભાગી’ બનીએ અને દેશમાં રમતગમતની એક નવી ક્રાંતિ આવે.
આપણા દેશના યુવાનો માટે ક્રીડા ભારતી તરફથી અને આપના તરફથી કોઈ વિશેષ સંદેશ?
હું યુવાનોને બે મુખ્ય વાતો કહેવા માંગીશ. પહેલી વાત એ કે, પોતાનું ‘યુવાપણું’ હંમેશાં જાળવી રાખો. આ એક એવી ઉંમર છે, જેમાં દેશ અને સમાજને કંઈક આપવાની આપણામાં સૌથી વધુ ક્ષમતા (પોટેન્શિયલ) હોય છે, અને આ જ સમયે આપણે ભવિષ્ય માટે ઘણું બધું ભાથું ભેગું કરવાનું હોય છે.
બીજી વાત એ કે, આજે આપણો યુવાન ક્યાંક ને ક્યાંક રસ્તેથી ભટકી રહ્યો છે, ભલે તે નશાના કારણે હોય, ખોટા રવાડે ચઢવાના કારણે હોય કે પછી સતત મોબાઈલ-ટીવી પાછળ સમય બગાડવાના કારણે હોય. આજે આપણે ‘સ્ક્રીન ટાઈમ’ ઘટાડીને ‘પ્લે ટાઈમ’ એટલે કે મેદાન પર રમવાનો સમય વધારવાની બહુ મોટી જરૂર છે.