કલમ ૩૭૦ નાબૂદીનાં સાત વર્ષ અને ઐતિહાસિક નવસર્જનની ગાથા

કલમ ૩૭૦ હટ્યાના ૭ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં કેવો આવ્યો ઐતિહાસિક બદલાવ? આતંકવાદમાં ૯૦% ઘટાડો, પ્રવાસનમાં નવો રેકોર્ડ અને ૮૦,૦૦૦ કરોડનું રોકાણ! જાણો કાશ્મીરના નવસર્જનની સંપૂર્ણ ગાથા...

    ૦૫-ઓગસ્ટ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

kalam-370-nabudi
 
પાંચમી ઓગસ્ટ, ૨૦૧૯... આ તારીખ, ભારતના રાજકીય, ભૌગોલિક અને સાંસ્કૃતિક ઇતિહાસની કોઈ સામાન્ય તારીખ નથી, પરંતુ એક એવો સુવર્ણ અધ્યાય છે, જેણે કાશ્મીરના કપાળ પર દાયકાઓથી મઢાયેલો અલગતાવાદનો ડાઘ કાયમ માટે ભૂંસી નાખ્યો હતો. સાત વર્ષ પહેલાં સંસદ ભવનમાં લેવાયેલા એ એક અત્યંત સાહસિક અને ઐતિહાસિક નિર્ણયે આજે જમ્મુ-કાશ્મીરની આખી તાસીર બદલી નાંખી છે. આજે કાશ્મીરની ખીણમાં બારુદની ગંધનું સ્થાન કેસરની મહેંકે અને સફરજનની મીઠાશે લઈ લીધું છે. એક સમયે જ્યાં અલગતાવાદ, આતંકવાદ અને પથ્થરબાજીના નારા ગુંજતા હતા ત્યાં આજે વિકાસ, શાંતિ અને ‘ભારતમાતા કી જય’નો નાદ સંભળાઈ રહ્યો છે. કાશ્મીર હવે માત્ર ભારતનો ભૌગોલિક હિસ્સો નથી રહ્યું, પરંતુ તે ભાવનાત્મક અને બંધારણીય રીતે પણ રાષ્ટ્રની મુખ્ય ધારા સાથે સંપૂર્ણપણે એકરૂપ થઈ ગયું છે. આ સાત વર્ષોમાં કાશ્મીરે જે પરિવર્તન જોયું છે, તે માત્ર કાગળ પરના આંકડાઓ નથી, પરંતુ કાશ્મીરીઓના ચહેરા પર પાછું ફરેલું સ્મિત અને નવી પેઢીની આંખોમાં અંજાયેલું એક સોનેરી સપનું છે. આવો જોઈએ કે, છેલ્લા સાત વર્ષમાં કાશ્મીરમાં કેવા સુંદર પરિવર્તનો આવ્યાં છે.
 
 
આતંકના છાયામાંથી મુક્તિ અને ખીલતું નવજીવન
 
સામાન્ય કાશ્મીરી નાગરિક માટે કલમ ૩૭૦ની નાબૂદી એ ભયના સામ્રાજ્યમાંથી મળેલી સૌથી મોટી સ્વતંત્રતા છે. એક સમયે પાકિસ્તાન પ્રેરિત હુર્રિયત કોન્ફરન્સના એક ઇશારે ખીણમાં અઠવાડિયાંઓ સુધી હડતાળો પડતી, શાળાઓ અને બજારો બંધ રહેતાં અને માસૂમ યુવાનોના હાથમાં પુસ્તકોને બદલે પથ્થરો પકડાવી દેવાતા હતા. આજે એ પથ્થરબાજી અને હડતાળ સંપૂર્ણપણે ભૂતકાળ બની ગયાં છે. આજે આતંકવાદી ઘટનાઓમાં અને નાગરિકોના મૃત્યુદરમાં ૯૦ ટકાથી વધુનો ધરખમ ઘટાડો નોંધાયો છે. સૌથી મોટો માનસિક બદલાવ એ આવ્યો છે કે, સુરક્ષાદળો દ્વારા માર્યા જતા આતંકવાદીઓની જે મોટી અંતિમયાત્રાઓ કાઢવામાં આવતી હતી અને આતંકવાદનું મહિમામંડન થતું હતું, તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાઈ ગયો છે. આ કડક નીતિને કારણે સ્થાનિક યુવાનોનું આતંકવાદી સંગઠનોમાં જોડાવાનું પ્રમાણ નહિવત્‌ થઈ ગયું છે. આજે કાશ્મીરી માતાઓ નિશ્ચિંત છે કે, તેમનો દીકરો શાળા કે કોલેજથી સુરક્ષિત ઘરે પરત ફરશે. શ્રીનગરનાં લાલ ચોક અને પોલો વ્યૂ માર્કેટ કે, જ્યાં સાંજ પડતાં જ કર્ફ્યુ જેવો સન્નાટો છવાઈ જતો હતો ત્યાં આજે મોડી રાત સુધી યુવાનો અને પરિવારો ફરવાનો અને ઉત્સવો ઊજવવાનો આનંદ માણે છે. રાતના સમયે પણ લોકો નિર્ભય બનીને આઇસ્ક્રીમ ખાવા કે ખરીદી કરવા નીકળી શકે છે, તે જ દર્શાવે છે કે કાશ્મીરના જનજીવનમાં કેટલો મોટો હકારાત્મક અને માનવીય બદલાવ આવ્યો છે. દાયકાઓથી બંધ પડેલાં સિનેમાઘરો ફરીથી ધમધમવા લાગ્યાં છે અને યુવાવર્ગ હવે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
 
વંચિતો, મહિલાઓ અને આદિવાસીઓને મળ્યો સામાજિક ન્યાય
 
કલમ ૩૫-એ એ કાશ્મીરમાં સામાજિક અન્યાય અને ભેદભાવનું સૌથી મોટું બંધારણીય હથિયાર હતું. આ કલમ હટતાં જ દાયકાઓથી અન્યાય સહન કરી રહેલા વંચિતો માટે ન્યાયનાં દ્વાર ખૂલ્યાં છે. વર્ષો પહેલાં પંજાબથી સફાઈકામ માટે કાશ્મીરમાં બોલાવાયેલા વાલ્મીકિ સમાજ સામે એવી શરત રખાઈ હતી કે, તેમની આવનારી પેઢીઓ માત્ર સફાઈ કામદાર જ બની શકશે, તેઓ બીજી કોઈ સરકારી નોકરી નહીં મેળવી શકે. પરંતુ કલમ ૩૭૦ હટતાં આજે એ વાલ્મીકિ સમાજ, ગુરખાઓ અને પશ્ચિમ પાકિસ્તાનથી આવેલા હજારો શરણાર્થીઓને પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરમાં ડોમિસાઈલ (રહેણાંક) સર્ટિફિકેટ, જમીન ખરીદવાનો, સરકારી નોકરી મેળવવાનો અને સ્થાનિક ચૂંટણીઓમાં ઊભા રહેવાનો તથા મતદાન કરવાનો મૂળભૂત અધિકાર મળ્યો છે.
 
મહિલાઓના અધિકારોની વાત કરીએ તો, સાત દાયકાઓ સુધી એવી ક્રૂર વ્યવસ્થા હતી કે, જો કોઈ કાશ્મીરી દીકરી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે તો તેના સંપત્તિના અને વારસાના તમામ હકો છીનવાઈ જતા હતા. જ્યારે કાશ્મીરી યુવક પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરે તો તેને આપોઆપ કાશ્મીરનું નાગરિકત્વ મળી જતું. આ મહિલાવિરોધી કાયદો હવે કાયમ માટે દફન થઈ ગયો છે. આ ઉપરાંત, જંગલોમાં ભટકતું જીવન જીવતા ગુજ્જર, બકરવાલ અને પહાડી આદિવાસી સમુદાયને પણ પ્રથમ વખત ‘ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ’ (વન અધિકાર કાયદા)નો લાભ મળ્યો છે, જેનાથી તેમને જળ, જંગલ અને જમીન પર કાનૂની અધિકાર પ્રાપ્ત થયો છે. ઇતિહાસમાં પહેલી જ વાર વિધાનસભાની ૯૦ બેઠકોમાંથી ૯ બેઠકો આ અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવી છે, જે સાચા અર્થમાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે.
 
પ્રવાસનથી લઈને ૮૦ હજાર કરોડના રોકાણની ઉડાન
 
દાયકાઓ સુધી કલમ ૩૭૦ના નામે કેટલાક રાજકીય પરિવારોએ કાશ્મીરને દેશના આર્થિક વિકાસથી જાણીજોઈને વંચિત રાખ્યું હતું. આજે ત્યાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર હવે ઉચ્ચ શિક્ષણનું નવું હબ બની રહ્યું છે. IIM-જમ્મુ, AIIMS-અવંતીપોરા અને રિયાસીમાં નવી મેડિકલ કૉલેજોની સ્થાપના થવાથી યુવાનોને રાજ્યની બહાર જવાની જરૂર રહી નથી. વર્ષ ૨૦૧૭માં કાશ્મીર અને લદ્દાખમાંથી જ્યાં માત્ર ૨૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપતા હતા, તે આંકડો આજે બમણો થઈને ૪૮,૦૦૦ને પાર કરી ગયો છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક અને ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બન્યો છે.
 
૨૦૧૯ પછી જમ્મુ-કાશ્મીરમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનાં જંગી રોકાણો આવ્યાં છે. કેન્દ્ર સરકારનું બજેટ પણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. કાશ્મીર દેશના ૭૫ ટકા સફરજન (આશરે ૧.૭ મિલિયન ટન) પકવે છે, અને નવી કૃષિ નીતિઓને કારણે ખેડૂતોને તેમના પાકના સીધા અને ઊંચા દામ મળી રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રે તો કાશ્મીરે અત્યાર સુધીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. શ્રીનગરમાં દૈનિક ફ્લાઇટ્સની સંખ્યા ૩૫થી વધીને ૧૨૫ થઈ ગઈ છે. શ્રીનગરમાં યોજાયેલી G20ની ઐતિહાસિક બેઠક અને ૩૦થી વધુ વિદેશી પત્રકારોની મુલાકાતે વિશ્વ સમક્ષ કાશ્મીરની શાંતિનો અકાટ્ય પુરાવો રજૂ કર્યો છે, પરિણામે શિકારા ચલાવતા નાવિકથી લઈને હેન્ડીક્રાટ વેચતા સામાન્ય વેપારીની આવકમાં અકલ્પનીય વધારો થયો છે.
 
પરિવારોના શાસનનો અંત અને પંચાયતોનો ઉદય
 
અગાઉ કલમ ૩૭૦નો ગેરલાભ લઈ કાશ્મીરમાં લોકશાહીના નામે માત્ર બે-ત્રણ રાજકીય પરિવારોની જાગીરદારી ઊભી કરી હતી. સામાન્ય કાશ્મીરી માણસ ક્યારેય સત્તાના કેન્દ્રમાં આવી શકતો નહોતો. એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો હતો કે તેમનો દરજ્જો ભારતના અન્ય નાગરિકો કરતાં કંઈક વિશેષ છે. પરંતુ આ કલમ હટ્યા પછી કાશ્મીરમાં સાચા અર્થમાં પંચાયતી રાજનો ઉદય થયો છે. ઇતિહાસમાં પહેલીવાર બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીઓ અત્યંત પારદર્શક, શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ પ્રકારના રક્તપાત વિના સંપન્ન થઈ છે. પંચાયતની ચૂંટણીઓમાં ૭૦ ટકાથી વધુ મતદાન એ વાતની સાબિતી છે કે લોકોનો ભારતીય લોકશાહીમાં વિશ્વાસ અતૂટ બન્યો છે. સત્તા હવે અમુક પરિવારોના મહેલોમાંથી નીકળીને પંચાયત ઘરો સુધી અને યુવા સરપંચોના હાથમાં પહોંચી છે. તાજેતરમાં સંપન્ન થયેલી લોક્સભાની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓમાં લોકોનો ઉત્સાહ દર્શાવે છે કે, કાશ્મીરનો સામાન્ય નાગરિક હવે અલગતાવાદ છોડીને વિકાસના પંથે ચાલવા માંગે છે.
 
હિન્દુઓની સુરક્ષા અને મંદિરોમાં ગુંજતો ઘંટારવ
 
કાશ્મીર મૂળભૂત રીતે મહર્ષિ કશ્યપ, શૈવદર્શન અને મા સરસ્વતીની પવિત્ર આધ્યાત્મિક ભૂમિ છે. આતંકવાદ અને ઇસ્લામિક કટ્ટરવાદના કાળા દોરમાં કાશ્મીરની આ મૂળ હિન્દુ સંસ્કૃતિને અને કાશ્મીરી પંડિતોને નષ્ટ કરવાનો ઘૃણાસ્પદ પ્રયાસ થયો હતો, પરંતુ કલમ ૩૭૦ની વિદાય સાથે જ હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે અને સનાતન વિરાસત ફરીથી બેઠી થઈ રહી છે. દાયકાઓથી પોતાના જ દેશમાં શરણાર્થીઓ જેવું પીડાદાયક જીવન જીવી રહેલા કાશ્મીરી પંડિતોમાં એક નવી આશાનો સંચાર થયો છે. વડાપ્રધાન પેકેજ હેઠળ હજારો કાશ્મીરી હિન્દુ યુવાનો આજે ખીણમાં પાછા ફરીને સરકારી નોકરીઓ કરી રહ્યા છે. નિયંત્રણ રેખા (LOC)ની એકદમ નજીક કુપવાડાના ટીટવાલ ખાતે વર્ષો પછી મા શારદાના ભવ્ય મંદિરનું નવનિર્માણ થયું છે, જ્યાં આજે નિયમિત પૂજા થઈ રહી છે. અનંતનાગના પ્રાચીન માર્તંડ સૂર્યમંદિરનો અદ્‌ભુત વિકાસ થઈ રહ્યો છે અને ત્યાં દાયકાઓ પછી ફરીથી ભક્તિભાવપૂર્વક વૈદિક મંત્રોચ્ચાર ગુંજી ઊઠ્યા છે. શ્રીનગર સ્થિત શંકરાચાર્ય હિલ પર તીર્થયાત્રીઓનો ધસારો ખૂબ વધ્યો છે. પવિત્ર અમરનાથ યાત્રામાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ નિર્ભય બનીને બાબા બર્ફાનીનાં દર્શન કરી રહ્યા છે. કાશ્મીર હવે તેની મૂળભૂત આધ્યાત્મિક અને સહિષ્ણુ સાંસ્કૃતિક ઓળખ તરફ અત્યંત ગર્વભેર પાછું ફરી રહ્યું છે.
છેલ્લાં સાત વર્ષમાં કલમ ૩૭૦ અને ૩૫-એ નાબૂદ થયા પછી કાશ્મીરમાં આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે અભૂતપૂર્વ પરિવર્તનો આવ્યાં છે, ત્યારે એક અત્યંત સ્વાભાવિક અને ગંભીર સવાલ એ થાય છે કે, જો આ કલમો દૂર થવાથી આટલાં બધા સકારાત્મક પરિવર્તનો આવ્યાં અને દેશ એક તાંતણે બંધાયો, તો પછી આ કલમો કોણે દાખલ કરી હતી અને શા માટે? એવો કયો રાજકીય સ્વાર્થ કે ડર હતો જેના લીધે દેશના બંધારણમાં આવી ભયંકર સાજિશ કરવામાં આવી? આ કલમોનો ગેરલાભ કોણે કોણે ઉઠાવ્યો અને તેનાથી દેશને અને કાશ્મીરને કેટલું નુકસાન વેઠવું પડ્યું? આ તમામ પ્રશ્નોના ઐતિહાસિક અને ઉત્તરો જાણીશું આના પછીના લેખમાં.
 
 
આ પરિવર્તન પણ થયાં...!
 
 
- સીમાંકન પંચના રિપોર્ટના આધારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો ૮૩થી વધારીને ૯૦ કરવામાં આવી છે.
 
- અગાઉ જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ ૬ વર્ષનો હતો, જે ૩૭૦ હટ્યા પછી દેશના અન્ય રાજ્યોની જેમ ૫ વર્ષનો થઈ ગયો છે.
 
- કાશ્મીરનો અલગ ધ્વજ, અલગ બંધારણ અને ત્યાંના નાગરિકોને મળતી બેવડી નાગરિકતાની જોગવાઈ કાયમ માટે નાબૂદ થઈ ગઈ છે.
 
- રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો, આર્ટિકલ ૩૫૬ (રાષ્ટ્રપતિ શાસન), આર્ટિકલ ૩૬૦ (આર્થિક કટોકટી) અને ભારતના સુપ્રીમ કોર્ટના તમામ આદેશો હવે કોઈપણ મંજૂરી વિના સીધા જ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ રીતે લાગુ પડે છે.
 
- ૨૦૨૪માં શ્રીનગરને યુનેસ્કો દ્વારા ‘વર્લ્ડ ક્રાફ્ટ સિટી’નો ગૌરવશાળી દરજ્જો આપવામાં આવ્યો છે.
 
- પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને રદ જાહેર કરવાના કારણે જમ્મુ-કાશ્મીરની નદીઓમાંથી વીજ ઉત્પાદન વધારવા તથા કૃષિ ઔદ્યોગિકીકરણ માટે નવી તકો ઊભી થઈ છે.
 
- કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ સ્થપાતાં અનેક બિનનિવાસી ભારતીયો પોતાના વતન પરત ફરીને એગ્રી-બિઝનેસ અને નવા સ્ટાર્ટઅપ્સ શરૂ કરી રહ્યા છે.
 
- મહિલાઓના શોષણને પ્રોત્સાહન આપતો શરિયત કાયદો નાબૂદ થયો છે અને રોજગાર મેળાઓ દ્વારા મહિલાઓ પણ હવે નવા સ્ટાર્ટઅપ ઊભાં કરી રહી છે.
 
- રાજ્યના ૧૬૪ જૂના કાયદાઓ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યા છે અને ૧૬૭ કાયદાઓને ભારતીય બંધારણ મુજબ સુધારવામાં (અનુકૂલિત) આવ્યા છે.
 
- કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે ૬,૦૦૦ સરકારી નોકરીઓ અને ૬,૦૦૦ ટ્રાન્ઝિટ આવાસના નિર્માણની કામગીરી પ્રગતિ પર છે.
 
- કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના ઔદ્યોગિક વિકાસ માટે વર્ષ ૨૦૩૭ સુધી રૂપિયા ૨૮,૪૦૦ કરોડની નવી યોજના મંજૂર કરાઈ છે, જેનાથી અંદાજે ૪.૫ લાખ નવા પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર ઊભા થશે.
 
- લદ્દાખમાં બૌદ્ધ અભ્યાસકેન્દ્ર સાથે એક નવી સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે.

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.