૧૨ સપ્ટેમ્બર | સારાગઢી યુદ્ધની અમર શૌર્યગાથા: 21 શીખ સૈનિકોનું અદ્વિતીય બલિદાન

12 સપ્ટેમ્બર 1897ના સારાગઢી યુદ્ધમાં 21 શીખ સૈનિકોએ હજારો અફઘાની લડાકુઓ સામે અંતિમ શ્વાસ સુધી લડી શૌર્ય અને બલિદાનની અમર ગાથા રચી.

    ૧૨-સપ્ટેમ્બર-૨૦૨૬   
કુલ દૃશ્યો |

saragarhi-war
 
 
શીખ ધર્મના દશમા ગુરુ ગોવિંદસિંહે ખાલસાપંથની સ્થાપના કરતાં કહ્યું હતું, ‘સવા લાખ સે એક લડાઉં, ચિડિયન તે મૈં બાજ તુડાઉં, તબૈ ગોબિંદ સિંહ નામ કહાઉં’ તેમણે લાખોની સેના સામે એક એક સૈનિક લડી શકે એવા વીર યોદ્ધાઓ તૈયાર કર્યા. તેની પરંપરા વર્ષો સુધી ચાલી. આજે વાત કરવી છે સારાગઢીના એ યુદ્ધની જેમાં શીખ રેજિમેન્ટના ૨૧ સૈનિકો દસ હજારથી પણ વધારે અફઘાની અને ઓરકઝાઈ લડાકુઓ સામે યુદ્ધ કરી જીવનના છેલ્લા શ્વાસ સુધી લડ્યા હતા. ૧૨ સપ્ટેમ્બર, ૧૮૯૭ના રોજ લડાયેલા આ યુદ્ધની શૌર્યગાથા ઇતિહાસમાં અમર થઈ ગઈ છે.
 
સારાગઢી એ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલો એક કિલ્લો છે. જેનું નિર્માણ મહારાજા રણજિતસિંહે કરાવ્યું હતું. તેનો ઉપયોગ યુદ્ધમાં સંદેશા વ્યવહાર માટે થતો હતો. શીખોના સામ્રાજ્ય પછી અંગ્રેજ ભારતીય સેનાએ તેનો ઉપયોગ કર્યો. સૂર્યના પ્રકાશને દર્પણથી પરાવર્તિત કરી હોલિયોગ્રાફ નામના સાધનથી સંદેશાઓ મોકલવામાં આવતા. વ્યૂહાત્મક દૃષ્ટિએ આ મહત્ત્વનું સ્થાન હતું. ગુલિસ્તાન ફોર્ટ અને લોકહાર્ટનું રક્ષણ કરવા માટેનું આ મહત્ત્વનું થાણું હતું.
 
આ કિલ્લા પર શીખોની સેના તૈયાર રહેતી હતી. એક દિવસ ટુકડીના કમાન્ડર ઇશરસિંહે દૂરબીન વડે ચોકી પરથી જોયું તો અફઘાન સૈનિકોની લાંબી કતારો આ તરફ આવી રહી હતી. સિપાહી ગુરુમુખસિંહે ટાવર પર ચઢીને હોલિયોગ્રાફ સેટ કર્યો અને ૩૬મી શીખ રેજિમન્ટના કમાન્ડર હોટનને સંદેશો મોકલ્યો કે, દુશ્મનો આ તરફ આવી રહ્યા છે. વધારે સૈનિકોની જરૂર છે. કર્નલ હોટને લશ્કરી ટુકડી મોકલવાનો પ્રયાસ કર્યો, પરંતુ અફઘાન પઠાણોએ સારાગઢી વચ્ચેનો માર્ગ બંધ કરી દીધો હતો. આથી ત્યાંથી સંદેશો આવ્યો કે ‘આગળ વધવા અસમર્થ.’
 
સિપાહી ગુરુમુખસિંહે ઈશરસિંહને આ સંદેશો આપ્યો. ઇશરસિંહે પોતાના ૨૧ જાંબાઝ સાથીદારો સાથે ચર્ચા કરી અને દુશ્મનોનો ગમે તે રીતે સામનો કરવાની પ્રતિજ્ઞા લીધી. ઇશરસિંહ પઠાણોની લડવાની ક્ષમતા અને આ વિસ્તારની ભૂગોળથી સારી રીતે પરિચિત હતા. દસ હજાર અફઘાનોની સેના હુમલો કરવા આગળ વધી. અફઘાન સૈનિકોએ શીખ સૈનિકોને લાલચ આપી કે, જો તેઓ શરણાગતિ સ્વીકારી લે તો તેમને સુરક્ષિત છોડી દેવામાં આવશે, પરંતુ બહાદુર શીખ સૈનિકોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો. ઈશરસિંહે ઇશારો કર્યો એટલે એક સિપાહીએ બ્યુગલ વગાડીને યુદ્ધઘોષ કર્યો. શીખ સૈનિકો બે પંક્તિમાં ગોઠવાઈ ગયા. ઇશરસિંહે ‘ફાયર’નો હુકમ કર્યો. એટલે સિપાહીઓની બંદૂકોમાંથી ગોળીઓ છૂટવા લાગી. પઠાણોની સેના માત્ર ૨૫૦ મીટરના અંતરે હતી. પઠાણોની આગલી હરોળના બધા સિપાહીઓ ગોળીઓથી વિંધાઈ ગયા. ઈશરસિંહે ગર્જના કરી, ‘જો બોલે સો નિહાલ. સત્‌ શ્રી અકાલ.’ એક બાજુ માત્ર ૨૧ શીખ સૈનિકો અને સામે પઠાણોની વિશાળ ફોજ, છતાં સિપાહીઓએ ગોળીબાર કરી બધા પઠાણોને દૂર ખદેડી દીધા. શીખ સિપાહીઓ પાસે હવે દારૂગોળો પણ ખૂટવા આવ્યો હતો. પરંતુ તેમની બહાદુરી અજોડ હતી.
 
સવારે ૯ વાગ્યાથી લઈને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પઠાણ સેનાએ સાત વખત હુમલા કર્યા પણ બધા હુમલાઓને શીખ સૈનિકોએ ખાળી દીધા. ૧૯ વર્ષના સિગ્નલમેન ગુરુમુખસિંહે વધારે દારૂગોળો મોકલવા લોકહાર્ટ બટાલિયનને સંદેશો મોકલ્યો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. પઠાણોએ નવો પેંતરો રચ્યો. કિલ્લાની આસપાસ આગ લગાવી દીધી અને કિલ્લાના બારણાં તોડવાનો પ્રયાસ કર્યો. ચારે બાજુ ધુમાડાનાં વાદળો છવાઈ ગયાં. શીખ સિપાહીઓ દુશ્મનોને જોઈ શકતા નહોતા. હવે માત્ર ૧૦ સિપાહી બચ્યા હતા. ઇશરસિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે બાકી બચેલા સિપાહીઓને અંદરની દીવાલ તરફ જવા હુકમ કર્યો અને બે સિપાહીઓને કહ્યું કે, તેઓ ઇશરસિંહને ખેંચીને દીવાલની તિરાડ તરફ લાવે જેથી તે બહારનું દૃશ્ય જોઈ શકે. શીખો પાસે દારૂગોળો સમાપ્ત થઈ ગયો હતો. પઠાણોએ દરવાજો તોડી કિલ્લામાં પ્રવેશ કર્યો. હવે સામસામે હાથોહાથની લડાઈ શરૂ થઈ. માત્ર પાંચ શીખ સૈનિકોએ પોતાની બંદૂક તાકીને રક્ષણાત્મક દીવાલ બનાવી દીધી. તેમણે સિંહની જેમ ગર્જના કરી અનેક પઠાણોને મોતને ઘાટ ઉતાર્યા. બપોરે ત્રણ વાગે યુવા સિપાહી ગુરુમુખસિંહે સંદેશો મોકલ્યો કે, ‘કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર તૂટી ગયું છે. હવે હું એકલો બચ્યો છું. મને લડાઈમાં સામેલ થવા ટાવર પરથી નીચે ઉતરવાની અનુમતિ આપો.’ ગુરુમુખસિંહ એકલા પઠાણો સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે પોતાની તલવારથી ૨૦થી પણ વધારે પઠાણોને રહેંસી નાખ્યા.
 
અંતે પોતે પણ માતૃભૂમિ માટે લડતાં લડતાં બલિદાની થયા. આ યુદ્ધમાં ૨૧ શીખ સૈનિકોએ હજારો પઠાણ સિપાહીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. શીખોએ પોતાની વીરતા અને બલિદાનનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું.
 
આ યુદ્ધમાં ભાગ લેનાર તમામ ૨૧ બલિદાનીઓને તે સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘ઇન્ડિયન ઓર્ડર ઓફ મેરિટ’ મરણોત્તર આપવામાં આવ્યો. જ્યારે આ યુદ્ધના સમાચાર લંડન પહોંચ્યા ત્યારે બ્રિટિશ સંસદે પોતાનું સત્ર સ્થગિત કરી ઊભા થઈ શીખ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ લડાઈને દુનિયાની પાંચ સૌથી મહાન લડાઈ કે જેમાં છેલ્લા શ્વાસ સુધી અડગ રહેવાના યુદ્ધમાં સત્તાવાર સ્થાન મળ્યું છે. દર વર્ષે ભારતીય સેનાની ચોથી શીખ રેજિમેન્ટ ૧૨ સપ્ટેમ્બરને ‘સારાગઢી દિવસ’ તરીકે ગર્વભેર ઉજવી બલિદાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવે છે.
 
આ શૌર્યસભર યુદ્ધની વાર્તા પરથી હિન્દી ફિલ્મ ‘કેસરી’ બની હતી, જેમાં અભિનેતા અક્ષયકુમારે ઇશરસિંહની ભૂમિકા ભજવી છે.

મધુકાન્ત પ્રજાપતિ

મધુકાન્ત પ્રજાપતિ ટાઉન પ્લાનિંગ ખાતામાંથી નિવૃત્ત થયા છે, તેઓશ્રી સાહિત્ય સર્જન ઉપરાંત અન્ય અનેક સેવાભાવી પ્રવૃત્તિઓમાં તેઓ સતત કાર્યરત રહે છે. છેલ્લાં 35 વર્ષોથી 'સાધના' સાપ્તાહિકના બાળવિભાગના સંપાદક તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. તેમની અનેક વાર્તાઓ સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલવાડી, ઝગમગ વગેરે દૈનિકો—સાપ્તાહિકોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તેમના અનેક શબ્દચિત્રો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમણે ‘સ્ત્રી' સાપ્તાહિકમાં પાંચ વર્ષ સુધી યુવાનોને પ્રેરણા આપતી 'યુથક્લબ' નામની કૉલમ પણ લખી છે. તેઓશ્રી બાળસાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. તેમના બાળ-કિશોર વાર્તાસંગ્રહ "ઉપકારનો બદલો"ને ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત તેમનો વાર્તા સંગ્રહ 'કલરવ' 'રાજા હરિશચન્દ્ર', 'વિશ્ચની શ્રેષ્ઠ બાળલોક કથાઓ', 'ઉપનિષદની શ્રેષ્ઠ વાર્તાઓ', 'ઈસપની શ્રેષ્ઠ વાર્તાઓ', 'મોગલીના પરાક્રમો', 'રાષ્ટ્ર ચેતનાના પ્રહરી', 'સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો' જેવા અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.