જો નેત્રદાનની જાગૃતિ આવે, તો આખી દુનિયા અંધાપામાંથી મુક્ત થઈ શકે: ચંદ્રશેખરજી
દિવ્યાંગજનોના સર્વાંગી ઉત્કર્ષ, નેત્રદાન જાગૃતિ અને RPWD કાયદાના અમલીકરણ અંગે "સક્ષમ" સંસ્થાના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી ચંદ્રશેખરજી સાથેનો વિશેષ સંવાદ.
દિવ્યાંગોના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે દેશભરમાં અવિરત સેવાકાર્ય કરતી રાષ્ટ્રીય સંસ્થા એટલે સક્ષમ. સંસ્થાના આ ભગીરથ સેવાયજ્ઞ, દિવ્યાંગતા નિવારણ, સમાન અધિકારો અને પડકારો અંગે ‘સક્ષમ’ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી ચંદ્રશેખરજીએ સાધના સાથે વિગતે વાત કરી હતી, અહીં પ્રસ્તુત છે, આ વિશેષ મુલાકાતના કેટલાક અંશો...
‘સક્ષમ’ સંસ્થાની સ્થાપના ક્યારે, ક્યાં અને કયા મુખ્ય ઉદ્દેશ્યથી કરવામાં આવી?
‘સક્ષમ’ એટલે કે ‘સમદૃષ્ટિ, ક્ષમતા વિકાસ એવં અનુસંધાન મંડળ’. આ સંસ્થાની સ્થાપના ૨૦ જૂન, ૨૦૦૮ના રોજ નાગપુર ખાતે થઈ હતી. અગાઉ અમે એક અલગ નામથી માત્ર પ્રજ્ઞાચક્ષુઓ માટે જ કામ કરતા હતા. પરંતુ, સમય જતાં સમજાયું કે, દૃષ્ટિહીનતા સિવાય પણ દિવ્યાંગતાના અનેક પ્રકારો છે. તેથી, તમામ પ્રકારના દિવ્યાંગોના સશક્તીકરણના વ્યાપક ઉદ્દેશ્ય સાથે અમે સમગ્ર દેશમાં ‘સક્ષમ’ની શરૂઆત કરી.
દેશમાં દિવ્યાંગોની વર્તમાન સ્થિતિ અને સરકારી આંકડાઓ મુજબ તેમની વાસ્તવિક સંખ્યા કેટલી છે?
વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ દેશમાં પ્રમાણપત્ર ધરાવતા ૨.૬૮ કરોડ દિવ્યાંગો હતા. જોકે, નિષ્ણાતોના મતે હાલ આ આંકડો ઓછામાં ઓછો ૪.૫૦ કરોડ છે, જે માત્ર સરકાર માન્ય કેટેગરી પૂરતો સીમિત છે. આ હિસાબે દેશના અંદાજે ૪ કરોડ પરિવારો એટલે કે ૧૮ થી ૨૦ કરોડની વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દિવ્યાંગતાથી પ્રભાવિત છે. દરેક રાજ્યની પોતપોતાની અલગ વ્યવસ્થાઓના કારણે સર્જાતી અસમાનતા, તેમજ દિવ્યાંગો પ્રત્યે સમાજ અને સરકારનો દૃષ્ટિકોણ હજુ યોગ્ય સ્તરે ન હોવાથી તેમની વાસ્તવિક હાલત બહુ સારી નથી.
શું દેશભરમાં દિવ્યાંગો માટે એકસમાન નીતિ લાગુ થઈ શકે?
વર્ષ ૨૦૧૬માં કેન્દ્ર સરકારે દિવ્યાંગો માટે ‘રાઇટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ’ (RPWD Act) બનાવ્યો, જે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ કાયદાઓમાંનો એક છે. પરંતુ આ કાયદાનું યોગ્ય અમલીકરણ અને સંસ્થાઓમાં જે સંવેદનશીલતા હોવી જોઈએ તેનો આજે પણ અભાવ છે. નિષ્ણાતોના મતે હાલ આ કાયદાનું માંડ ૧૫ ટકા જ અમલીકરણ થયું છે; બાકીના ૮૫ ટકા માટે વિવિધ મંચો પરથી વ્યાપક વકીલાત (એડવોકેસી) કરવાની તાતી જરૂર છે.
આજે કેન્દ્ર અને રાજ્યોની યોજનાઓ તથા પેન્શનમાં મોટો તફાવત છે, તેથી ભવિષ્યમાં દેશભરમાં એકસમાન પ્રણાલી લાગુ થાય તેવી પૂરી સંભાવના છે. બીજી મોટી વહીવટી સમસ્યા એ છે કે, દિવ્યાંગતાનો વિષય હજુ ‘સામાજિક ન્યાય વિભાગ’ અંતર્ગત આવે છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે પહેલીવાર દિવ્યાંગો માટે સ્વતંત્ર મંત્રાલય બનાવ્યું છે, જે એક સકારાત્મક પહેલ છે. અમારી સરકાર પાસે સ્પષ્ટ માંગ છે કે, કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ સ્વતંત્ર ‘દિવ્યાંગ આયોગ’ અને અલગ મંત્રાલયની રચના થાય. જો આમ થશે, તો જ દિવ્યાંગોના ઉત્કર્ષનાં કાર્યો વાસ્તવિક અર્થમાં ઝડપી અને પરિણામલક્ષી બની શકશે.
ચોક્કસ, તેનો સમાજ પર બહુ જ ઊંડો પ્રભાવ પડ્યો છે. જ્યારથી વડાપ્રધાનશ્રીએ ‘દિવ્યાંગ’ શબ્દ પ્રચલિત કર્યો, ત્યારથી સામાન્ય નાગરિકોથી લઈને સરકારી કર્મચારીઓમાં તેમના પ્રત્યે સ્પષ્ટ સકારાત્મક દૃષ્ટિકોણ અને સદ્ભાવ જોવા મળી રહ્યો છે. જૂનો ‘વિકલાંગ’ (વિકલ અંગ = જેનું કોઈ અંગ નબળું કે વિકૃત છે). શબ્દ તદ્દન ખોટો નહોતો, પરંતુ અંગ્રેજીના ‘ડિસેબલ્ડ પર્સન’ કે ‘પર્સન વિથ ડિસેબિલિટી (PwD)’ ની જેમ જ તે શબ્દ ક્યાંક ને ક્યાંક વ્યક્તિની ઊણપ કે નકારાત્મકતા પર જ ધ્યાન કેન્દ્રિત કરતો હતો.
સમય જતાં સમાજમાં એ સમજણ વિકસી કે કોઈ ને કોઈ ખામી તો દરેક મનુષ્યમાં હોય જ છે; ફરક માત્ર એટલો છે કે અમુક લોકો પાસે તેનું સર્ટિફિકેટ હોય છે, જ્યારે અન્યો પાસે નથી હોતું. આથી વ્યક્તિની ઊણપ પર ભાર મૂકવાને બદલે, તેમની સારી ક્ષમતાઓનો વિકાસ કરી, ઇનોવેશન દ્વારા ગુણવત્તાના આધારે તેમની ઓળખ ઊભી કરવાનો વિચાર વહેતો થયો. આ જ વિચારમાંથી ‘દિવ્યાંગ’ શબ્દ મળ્યો અને અંગ્રેજીમાં પણ ‘સ્પેશિયલી એબલ્ડ’ કે ‘ડિફરન્ટલી એબલ્ડ’ જેવા શબ્દો સ્વીકારાયા. પરિણામે, ભૂતકાળમાં વપરાતી ખરાબ કહેવતો અને ચીડવવાની વૃત્તિમાં ઝડપથી ઘટાડો થયો છે અને આજે સમાજમાં એક અત્યંત સુંદર વાતાવરણનું નિર્માણ થયું છે.
દિવ્યાંગોના ઉત્કર્ષ માટે ‘સક્ષમ’ સંસ્થા મુખ્યત્વે કયા પ્રકારની કામગીરી કરી રહી છે?
દિવ્યાંગતાની વાત આવે ત્યારે આપણે સામાન્ય રીતે લુઈ બ્રેલ કે સ્ટીફન હોકિંગ જેવા વિદેશી મહાનુભાવોને જ યાદ કરીએ છીએ. શું ભારતમાં કોઈ દિવ્યાંગ મહાપુરુષ નથી થયા? આ વિચાર સાથે ‘સક્ષમ’ સંસ્થા રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી કામ કરે છે. અમારા કાર્યક્રમોમાં સંત સુરદાસજી અને મહામુનિ અષ્ટાવક્રજીની સાથે મધ્યમાં ભારતમાતાનું ચિત્ર હોય છે. અમારો ઉદ્દેશ્ય દિવ્યાંગોમાં રાષ્ટ્ર પ્રત્યે સ્વાભિમાન જગાવવાનો છે; કારણ કે તેમને સશક્ત કરવા એ ખરા અર્થમાં દેશને મજબૂત કરવાનું કામ છે.
હાલમાં અમે તમામ રાજ્યોના ૪૦૦થી વધુ જિલ્લાઓમાં કાર્યરત છીએ. દેશભરમાં અમે આશરે ૧૫૦ જેટલાં ‘દિવ્યાંગ સેવા કેન્દ્રો’ શરૂ કર્યાં છે. કોઈ પણ નિરાશ દિવ્યાંગ વ્યક્તિ અહીંથી હસતી અને આનંદિત થઈને પાછી ફરે, તેવી આખી વ્યવસ્થા અમે ગોઠવી છે.
આ કેન્દ્રોમાં મુખ્યત્વે સર્ટિફિકેશનને લગતી સમસ્યાઓ ઉકેલવામાં આવે છે. આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર કે ડિસેબિલિટી સર્ટિફિકેટમાં ટકાવારી અથવા કેટેગરીની ભૂલ સુધારવી, સરકારી યોજનાઓ માટે ફરજિયાત ‘યુડીઆઈડી’ (UDID) કાર્ડ કઢાવી આપવું તેમજ રેલવે કે બસના કન્સેશન પાસ મેળવવામાં મદદ કરવી; આ અમારાં મુખ્ય કાર્યો છે.
આ ઉપરાંત, અમે આ ક્ષેત્રે કામ કરતાં અન્ય NGO, નિષ્ણાત ડૉક્ટર્સ, થેરાપિસ્ટ અને સ્પેશિયલ એજ્યુકેટર્સ સાથે સારો તાલમેલ સાધીએ છીએ, જેથી દિવ્યાંગોને નજીવા દરે કે બિલકુલ વિનામૂલ્યે સેવાઓ મળી શકે. કાર્ય દરમિયાન અમને સમજાયું કે, બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતા અને આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકોને રોજિંદી ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ કે બિહેવિયરલ થેરાપીની ખૂબ જરૂર હોય છે. આથી અમે કેન્દ્રો પર થેરાપીની સુવિધાઓ પણ શરૂ કરી છે. માત્ર ‘ઇન્ફોર્મેશન સેન્ટર’થી શરૂ થયેલી આ સફરને સમગ્ર દેશમાં ‘મલ્ટી-સ્પેશિયાલિટી થેરાપી દિવ્યાંગ સેવા કેન્દ્રો’માં પરિવર્તિત કરવાનો અમારો વ્યાપક પ્રયાસ ચાલી રહ્યો છે.
‘સક્ષમ’ની કાર્યપ્રણાલી કેવી છે?
અમારી વ્યવસ્થા બંને પ્રકારે ચાલે છે. જ્યાં અમારા ‘દિવ્યાંગ સેવા કેન્દ્રો’ છે, ત્યાં લોકો જાતે આવીને સેવાઓનો લાભ લે છે. બીજી તરફ, અમે આર્થિક-સામાજિક રીતે પછાત વિસ્તારો અને સેવાવસ્તીઓમાં સામે ચાલીને પણ જઈએ છીએ. ત્યાં જઈને અમે સેવા પૂરી પાડવાની સાથે જાગૃતિ કાર્યક્રમો કરીએ છીએ અને દિવ્યાંગ બાળકોનાં માતા-પિતાને પણ જરૂરી માર્ગદર્શન આપીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ જ છે કે કેન્દ્રો દ્વારા વધુ ને વધુ દિવ્યાંગોને લાભ મળે. આમ, દિવ્યાંગો કેન્દ્ર પર આવીને લાભ લે છે અને અમે પણ તેમના સુધી પહોંચીને સેવા પૂરી પાડીએ છીએ.
‘સક્ષમ’ શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને સામાજિક વિકાસ, એમ ચાર ક્ષેત્રોમાં કાર્યરત છે. આપના મતે કયા ક્ષેત્રમાં સૌથી વધુ કામ કરવાની જરૂર છે?
સૌથી વધુ કામ ‘સ્વાસ્થ્ય’ ક્ષેત્રે થવું જોઈએ, જેથી દિવ્યાંગતાનું પ્રમાણ ઘટે અને દિવ્યાંગ બાળકો જન્મે જ નહીં. આ કામ બે સ્તરે થઈ શકે.
પહેલું નિવારણ: ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય જળવાય અને ગર્ભસ્થ શિશુના યોગ્ય ટેસ્ટ થાય તે જરૂરી છે. આજે વિજ્ઞાન એટલું આગળ છે કે, જો લગ્ન પહેલાં જીનેટિક ટેસ્ટ કરાવવા અંગે સમાજમાં જાગૃતિ આવે, તો આવનારી પેઢીમાં બૌદ્ધિક દિવ્યાંગતા કે આનુવંશિક રોગોને અટકાવી શકાય.
બીજું, નવજાત શિશુઓનું સમયસર ટેસ્ટિંગ: ઉદાહરણ તરીકે, શ્રવણખામી હોય તો એક મહિનાના બાળકનો પણ ટેસ્ટ થઈ શકે છે. જે બાળકો દિવ્યાંગ જન્મી ચૂક્યા છે, તેમનામાં ‘અર્લી ડિટેક્શન એન્ડ અર્લી ઇન્ટરવેન્શન’ (વહેલું નિદાન અને સમયસર સારવાર) દ્વારા બહુ જલ્દી સુધારો લાવી શકાય છે. આમ.. દિવ્યાંગતાનું પ્રમાણ ઘટાડવા સ્વાસ્થ્ય ક્ષેત્રે વિશેષ કાર્યની જરૂર છે. જ્યારે જે દિવ્યાંગો યુવાન કે મોટાં થઈ ચૂક્યાં છે, તેમના સર્વાંગી વિકાસ માટે બાકીના ત્રણેય ક્ષેત્રો- શિક્ષણ, સ્વાવલંબન અને સામાજિક વિકાસ અત્યંત અગત્યનાં છે.
દિવ્યાંગતા નિવારણની દિશામાં ‘સક્ષમ’ દ્વારા કોઈ નક્કર પ્રયાસો થઈ રહ્યા છે?
હા, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ નેત્રદાન છે. દેશમાં સૌથી વધુ દિવ્યાંગતા દૃષ્ટિહીનતાની છે. દેશનાં સવા કરોડ પ્રજ્ઞાચક્ષુઓમાંથી આશરે ૧૨ થી ૧૫ લાખ લોકોને ‘કોર્નિયલ બ્લાઇન્ડનેસ’ (આંખની કીકીની ખરાબી) છે. જો દેશમાં નેત્રદાનનું પ્રમાણ વધે તો આ તમામ લોકોને કાયમી દૃષ્ટિ મળી શકે છે.
આ ‘નિવારી શકાય તેવા અંધાપા’ (Avoidable Blindness)ને દૂર કરવા અમે ૨૦૧૯ના પ્રયાગરાજ કુંભમેળામાં અમે ‘નેત્રકુંભ’ નામથી એક અનોખો પ્રયોગ કર્યો. આ કેમ્પમાં અમે ૨ લાખ ૨ હજાર લોકોની આંખો તપાસી અને ૧ લાખ ૫૫ હજાર લોકોને વિનામૂલ્યે ચશ્મા આપ્યાં! હવે આ અભિયાન દરેક કુંભમેળામાં થાય છે.
આજે વધતા ‘સ્ક્રીન ટાઇમ’ અને પોષણક્ષમ આહારના અભાવ વચ્ચે યુવાનોમાં જાગૃતિ ખૂબ જરૂરી છે. શાસ્ત્રોમાં પણ “सर्वेन्द्रियाणं नयनं प्रधानं” કહીને આંખને મુખ્ય ઇન્દ્રિય ગણાવી છે. શ્રીલંકા ભલે નાનો દેશ હોય, પણ ત્યાં ૧૦૦% નેત્રદાન થતું હોવાથી ત્યાં કોઈ કોર્નિયલ અંધાપો નથી; ઊલટું તે ૫૦-૬૦ દેશોને કોર્નિયા નિકાસ કરે છે. આથી જ અમે સરકાર પાસે માંગ કરી છે કે, આંખોને ‘રાષ્ટ્રીય સંપત્તિ’ ઘોષિત કરવામાં આવે. જો મૃત્યુ બાદ નેત્રદાનની જાગૃતિ આવે, તો આપણે ભારત જ નહીં, આખી દુનિયાના લોકોને અંધાપામાંથી મુક્ત કરી શકીએ છીએ.
દિવ્યાંગતાના નવા ૨૧ પ્રકારો વિશે શું સમાજ પૂરતો જાગ્રત છે?
વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી સમયે સરકાર ભલે સત્તાવાર રીતે ૭ પ્રકારની દિવ્યાંગતા માનતી હતી, પરંતુ તેના પેટા-વિભાગો ગણીએ તો તે સમયે પણ ૧૫ થી ૧૬ પ્રકારો તો અસ્તિત્વમાં હતા જ. સમયની સાથે જેમ જેમ સમાજમાં દિવ્યાંગતા અંગે વ્યાપક જનજાગૃતિ આવે છે અને તેની ગંભીરતા ધ્યાનમાં આવે છે, તેમ તેમ સરકાર કાયદામાં સુધારા કરીને નવા પ્રકારોને માન્યતા આપે છે. દાખલા તરીકે, પહેલાં લોહી સંબંધિત બીમારીઓને દિવ્યાંગતા નહોતી ગણાતી, પરંતુ હવે થેલેસેમિયા, હિમોફિલિયા અને સિકલ સેલ એનિમિયા જેવી બીમારીઓને પણ આ ૨૧ પ્રકારોની યાદીમાં કાયદેસર રીતે સામેલ કરવામાં આવી છે. તે જ રીતે, એસિડ એટેકનો ભોગ બનેલા (એસિડ એટેક વિક્ટિમ્સ) લોકોનો પણ હવે તેમાં સમાવેશ કરાયો છે.
આ ૨૧ પ્રકારોની શ્રેણીમાં સરકારે લાભ મેળવવા માટે કેટલાક ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે. ઉદાહરણ તરીકે, વામનતા (ડ્વાર્ફિઝમ) ધરાવતા લોકોનું સર્ટિફિકેશન ૪ ફૂટ ૧૦ ઇંચથી શરૂ થાય છે, પરંતુ તેનો પૂરો કાયદાકીય લાભ (‘ફુલ બેન્ચમાર્ક’) ૪ ફૂટથી ઓછી ઊંચાઈ ધરાવતા લોકોને મળે છે. અસ્થિ દિવ્યાંગ (લોકોમોટર ડિસેબિલિટી) માટે ૪૦% અને સંપૂર્ણ દૃષ્ટિહીનતા (વિઝ્યુઅલી ઇમ્પેરમેન્ટ) માટે ૧૦૦% બેન્ચમાર્ક નિર્ધારિત કરાયેલ છે.
રક્તપિત્ત (લેપ્રસી) જેવા રોગના કિસ્સામાં કાયદો એકદમ સ્પષ્ટ છે. જ્યાં સુધી વ્યક્તિ આ રોગથી પીડિત છે, ત્યાં સુધી તેને દિવ્યાંગ ગણવામાં આવતો નથી. પરંતુ, સારવાર લઈને સંપૂર્ણપણે સાજા થયા બાદ જો બીમારીને કારણે શરીરનું કોઈ અંગ કાયમી ધોરણે નબળું પડ્યું હોય કે વિકૃતિ આવી ગઈ હોય, તો મેડિકલ એસેસમેન્ટ બાદ તેને દિવ્યાંગતાની શ્રેણીમાં મૂકી સર્ટિફિકેટ અપાય છે. આમ, ચોક્કસ નિયમો અને યોગ્ય સર્ટિફિકેશનની કાયદાકીય વ્યવસ્થા હેઠળ સરકારે આ ૨૧ પ્રકારોને માન્યતા આપી છે, જેની જાણકારી દરેક લાભાર્થી સુધી પહોંચવી અત્યંત આવશ્યક છે.
એવા નિયમો અને અધિકારો, જે દરેક દિવ્યાંગે ફરજિયાતપણે જાણવા જ જોઈએ?
મેં અગાઉ જે ‘રાઇટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ’ (RPWD) ની વાત કરી, તે કોઈ બહુ મોટો કે ગૂંચવણભર્યો કાયદો નથી; તેમાં મુખ્યત્વે ૧૦૨ જેટલી જોગવાઈઓ છે. પરંતુ આમાંની કેટલીક પાયાની બાબતો એવી છે જે દરેક દિવ્યાંગે અચૂક જાણવી જ જોઈએ.
‘સક્ષમ’ સંસ્થા હંમેશા ‘સેલ્ફ એડવોકેસી’ (પોતાની વકીલાત જાતે કરવી)નો આગ્રહ રાખે છે. ‘મુસીબત આવશે ત્યારે કોઈ વકીલ શોધી લઈશું’ એવું વિચારવા કરતાં, પોતાના રોજબરોજના અધિકારોની જાણકારી હોવી વધુ હિતાવહ છે. ઉદાહરણ તરીકે, સરકારી કચેરી કે અન્ય જાહેર સ્થળોએ દિવ્યાંગો માટે લાઇનમાં ઊભા રહેવું ફરજિયાત નથી; તેઓ સીધા જઈને પોતાનું કામ કરાવી શકે છે. આ માત્ર એક નિયમ નથી, પણ તેમનો અધિકાર છે. આ બાબતે ત્રણ સ્તરે જાગૃતિ જરૂરી છે: પહેલી- બારી પર બેઠેલા કર્મચારીને આ નિયમની ખબર હોવી જોઈએ, બીજી- લાઇનમાં ઊભેલા સામાન્ય નાગરિકોને એ સમજાવું જોઈએ કે આ દિવ્યાંગોનો કાયદેસરનો અધિકાર છે અને ત્રીજી- ખુદ દિવ્યાંગને પોતાનો આ હક ખબર હોવો જોઈએ.
આ ઉપરાંત, કોઈપણ પબ્લિક બિલ્ડિંગ માટે ‘એક્સેસિબિલિટી’ (સરળ પ્રવેશ અને હલનચલન માટેની સુવિધાઓ)ના સ્પષ્ટ નિયમો બનેલા છે. જો કોઈ સરકારી કે ખાનગી બિલ્ડિંગમાં આ સુવિધા ન હોય, તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી, લેખિત રજૂઆત કોને કરવી અને તેનું અમલીકરણ કેવી રીતે કરાવવું, તેની દિવ્યાંગોને સાચી સમજ હોવી જોઈએ. થોડા સમય પહેલાં અમે લાતુરમાં ‘પબ્લિક બિલ્ડિંગ ઓડિટ’નો એક અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં જે બિલ્ડિંગ દિવ્યાંગો માટે સૌથી વધુ સુવિધાજનક હતી, તેને અમે પુરસ્કાર પણ આપ્યો. ત્યાંના જિલ્લા કલેક્ટર પણ હાજર હતા. તેમને લાગતું હતું કે, તેમનું નવું બનેલું કલેક્ટર સંકુલ એકદમ સુવિધાજનક છે, પરંતુ જ્યારે અમે ઓડિટમાં ખૂટતી બાબતો દર્શાવી, ત્યારે તેમણે તાત્કાલિક તે સુધારવાની ખાતરી આપી. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક વખતે પ્રશાસનનો ઇરાદો ખરાબ નથી હોતો, ક્યારેક માત્ર જાણકારીનો અભાવ હોય છે; અને ત્યાં જાગૃતિ કામ લાગે છે, આંદોલન નહીં.
સરકારી નોકરીઓ અને શિક્ષણમાં દિવ્યાંગો માટે ૪% અનામતની જોગવાઈ છે. છતાં ઘણી સંસ્થાઓ તેનો અમલ નથી કરતી અને સરકારી ભરતીઓમાં પણ ઘણી વાર આ જગ્યાઓ દર્શાવવામાં આવતી નથી. આ માટે દિવ્યાંગોમાં એવી નાની ટીમો બનવી જોઈએ, જે ‘માહિતી અધિકાર’ (RTI)નો ઉપયોગ કરી શકે અને તંત્રને પ્રશ્નો પૂછી શકે. આ જ સાચી જાગૃતિ છે જે અમે ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
જૂના ‘પીડબલ્યુડી’ (PwD) કાયદામાં દિવ્યાંગોના અધિકારો (Rights) માટેનો ‘R’ ઉમેરીને નવો ‘RPWD એક્ટ’ (રાઇટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ) બનાવાયો, જેનું ૨૮ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ નોટિફિકેશન બહાર પડતાં તે વિધિવત્ કાયદો બની ગયો.
આજે આખી દુનિયામાં ૩જી ડિસેમ્બરને ‘વર્લ્ડ ડિસેબિલિટી ડે’ તરીકે મનાવવામાં આવે છે. લોકો ભૂલથી આ દિવસે શુભેચ્છાઓ પાઠવીને ઉજવણી કરે છે, પરંતુ બહુ ઓછા લોકો તેની પાછળનો ઇતિહાસ જાણે છે. વર્ષો પહેલાં ભોપાલ ગેસ કાંડ (યુનિયન કાર્બાઇડ કંપની દુર્ઘટના)માં ઝેરી ગેસ ગળતરને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા અને ત્યારબાદ લાંબા સમય સુધી ત્યાં બાળકો દિવ્યાંગ જન્મ્યાં. આ ભયંકર દુર્ઘટનાની વિશ્વસ્તરે ચર્ચા થઈ અને સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ૩જી ડિસેમ્બરને ‘અવેરનેસ ડે’ (જાગૃતિ દિવસ) ઘોષિત કર્યો. દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાથી આ કોઈ ‘સેલિબ્રેશન ડે’ (ઉજવણીનો દિવસ) નથી.
આ બાબતને ધ્યાનમાં રાખીને અમને લાગ્યું કે, દિવ્યાંગો માટે ઉજવણીનો પણ એક દિવસ હોવો જ જોઈએ. ૨૮ ડિસેમ્બરે નવો કાયદો અમલમાં આવ્યો હોવાથી, ‘સક્ષમ’ સંસ્થા દ્વારા ૨૮ ડિસેમ્બરને ‘રાષ્ટ્રીય દિવ્યાંગજન સશક્તિકરણ દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. અત્યારે આ પહેલ ખૂબ વેગ પકડી રહી છે. દિવ્યાંગતા ક્ષેત્રે જોડાયેલી સરકારી સંસ્થાઓને પણ સાથે જોડીને, અમે દિવ્યાંગોની ઉજવણીની સાથે-સાથે આ કાયદાઓ અને અધિકારો વિશે સમાજમાં સંવેદનશીલતા કેળવવાનો વ્યાપક પ્રયાસ કરી રહ્યા છીએ.
‘સક્ષમ’ની ૧૮ વર્ષની યાત્રાની ફળશ્રુતિ અને સમાજ પર તેનો પ્રભાવ?
સરકારે ભલે ૨૧ પ્રકારની દિવ્યાંગતાને માન્યતા આપી છે, પરંતુ અમારા ૧૮ વર્ષના અનુભવનો નિચોડ એ છે કે, શારીરિક દિવ્યાંગતા (જેમાં વ્યક્તિનું મગજ એકદમ સ્વસ્થ હોય) તેમાં ઓછી મહેનતે પણ સારું પરિણામ મળે છે. પરંતુ સૌથી વધુ કામ ‘બૌદ્ધિક દિવ્યાંગતા’ (Intellectual Disability)ના ક્ષેત્રમાં કરવાની આવશ્યકતા છે. આ વાત સમજાતાં જ અમે અમારું મોટાભાગનું ધ્યાન અને વિશેષ કામ બૌદ્ધિક દિવ્યાંગોને સશક્ત કરવા તરફ કેન્દ્રિત કર્યું છે.
આજે દુનિયાભરમાં ઓટિઝમ (Autism) ખૂબ જ ઝડપથી અને ભયજનક સ્તરે વધી રહ્યું છે; ૫૭ બાળકોના જન્મે ૧ બાળક તેનો શિકાર બને છે. આ ઉપરાંત ડાઉન સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી અને મલ્ટીપલ ડિસેબિલિટીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, કદાચ ભવિષ્યમાં ઘણાં NGOએ માત્ર ઓટિઝમ પર જ કામ કરવું પડશે.
બૌદ્ધિક દિવ્યાંગોના કિસ્સામાં પેરેન્ટ્સની બે અત્યંત ગંભીર સમસ્યાઓ જોવા મળે છે. પ્રથમ, માતા-પિતાના કાઉન્સેલિંગની ખૂબ જરૂર હોય છે, કારણ કે તેમને સતત એક જ ડર સતાવતો હોય છે કે, “અમારા મૃત્યુ પછી અમારા બાળકનું શું થશે?” બીજું વાસ્તવિક સંકટ એ છે કે, જેમ-જેમ બાળક મોટું થાય છે તેમ તેનું વજન અને શારીરિક તાકાત વધે છે, જ્યારે સામે પક્ષે પેરેન્ટ્સ વૃદ્ધ અને નબળાં થતાં જાય છે, જેના કારણે બાળકને સંભાળવું તેમના માટે અતિ કપરું બની જાય છે.
આ ગંભીરતાને પારખીને અમે અનેક રાજ્યોમાં અત્યાધુનિક થેરાપી સેન્ટર્સ શરૂ કર્યાં છે. આ મોટાં કેન્દ્રોમાં શિક્ષણની સાથે તમામ પ્રકારની થેરાપીઓ અપાય છે અને આગામી સમયમાં તેમાં એક્વા થેરાપી (વોટર થેરાપી)ની સુવિધા પણ ઉમેરવાના છીએ. ટૂંકમાં, ૧૮ વર્ષની અમારી સૌથી મોટી ફળશ્રુતિ એ જ છે કે, અમે એ પારખી શક્યા છીએ કે, સૌથી વધુ કામ બૌદ્ધિક દિવ્યાંગતાના ક્ષેત્રમાં કરવાની જરૂર છે અને અમારી ભવિષ્યની દિશા પણ આ જ રહેશે.
દિવ્યાંગજનો પ્રત્યે દેશના સામાન્ય નાગરિકોની શું જવાબદારી હોવી જોઈએ?
સામાન્ય રીતે શ્રવણખામી કે પ્રજ્ઞાચક્ષુઓ માટે કામ કરતી સંસ્થાઓમાં મોટાભાગે તે જ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો હોય છે. પરંતુ ‘સક્ષમે’ સમાજમાં એક નવો વિચાર પ્રસ્થાપિત કર્યો છે કે, જેઓ શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે અને જેઓ દિવ્યાંગ છે, તેઓ સાથે મળીને આ ક્ષેત્રે કેવી રીતે કામ કરી શકે. જેમ કોઈ પરિવારમાં એક બાળક દિવ્યાંગ હોય તો બાકીના સ્વસ્થ સભ્યો તેને સેવાભાવથી સાચવે છે, એ જ ‘ફેમિલી એપ્રોચ’ (પારિવારિક ભાવના) અમે અહીં અપનાવેલ છે.
સામાન્ય નાગરિકોને એટલો જ આગ્રહ છે કે, ભગવાને તમને જે કંઈ પણ વિશેષતા કે યોગ્યતા આપી છે, તેનો ઉપયોગ દિવ્યાંગો માટે કરો. જો તમારી પાસે ધન છે, તો આર્થિક સહયોગ કરો. જો તમને સંગીત કે રમતગમત આવડે છે, તો દિવ્યાંગ બાળકોને તે શીખવો. ‘સેવા’નો મૂળ કન્સેપ્ટ જ એ છે કે, “તમારી પાસે જે છે અને જે બીજા પાસે નથી, તે તેને કર્તવ્યભાવથી અર્પણ કરો.” આ વાત સમાજને સમજાઈ રહી છે.
આ ઉપરાંત પણ નાગરિકો ઘણાં સરળ કામ કરી શકે છે. તમે નેત્રદાનનો સંકલ્પ (પ્લેજ) લઈ શકો, વર્ષમાં એક વાર રક્તદાન કરી શકો અથવા ‘સક્ષમ’ સાથે જોડાઈને દિવ્યાંગો માટે રોજનો અડધો-એક કલાક ફાળવી શકો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તમારા ખાસ મિત્રવર્તુળમાં (ક્લોઝ ફ્રેન્ડ્સમાં) સામે ચાલીને કોઈ દિવ્યાંગ વ્યક્તિને સામેલ કરો. તહેવારોમાં તેમને તમારા ઘરે આમંત્રિત કરો, તેમના ઘરે જાઓ અને તેમનાં સુખ-દુઃખમાં ભાગીદાર બનો. સામાન્ય લોકોની આવી નાની-નાની પહેલથી જ સમાજમાં ખરા અર્થમાં એકરસતાના વાતાવરણનું નિર્માણ થશે.
જો કોઈ ‘સક્ષમ’ સાથે જોડાઈને સેવા કે સહયોગ આપવા ઇચ્છે, તો કઈ રીતે સંપર્ક કરી શકે?
‘સક્ષમ’ સંગઠન સાથે જોડાવા કે સહયોગ આપવા માટે અમારી વેબસાઇટ અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તમે નજીકમાં ચાલતા અમારા ‘દિવ્યાંગ સેવા કેન્દ્ર’ની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. ત્યાં ચાલતાં સેવાકાર્યો પ્રત્યક્ષ જોઈને જોડાવામાં વધુ સરળતા રહેશે અને અમે તમને સીધા જ ત્યાંના સ્થાનિક કાર્ય-કાર્યકર્તાઓ સાથે જોડી શકીએ છીએ.
હિતેશ સોંડાગર 'સાધના' સાપ્તાહિક-સોશિયલ મીડિયાના સહતંત્રી છે. ગૂજરાત વિદ્યાપીઠમાંથી પ્રથમ ક્રમાંક સાથે જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતીય સંસ્કૃતિ, વિશ્વ પ્રવાહો, સાંપ્રત સમસ્યાઓ, રાષ્ટ્રીય ગૌરવ તથા ખેલજગત જેવા વિષયો પર 'સાધના'માં ૨૦૦થી વધુ મુખપૃષ્ઠ વાર્તાઓનું લેખન કર્યું. 'સાધના'ને સોશિયલ મીડિયા પર દેશ-વિદેશના ૧૦ લાખ ફોલોઅર્સ સાથે, દરેક મંચ પર કાર્યાન્વિત કર્યું.