ભૌતિક નિર્માણ કે મનુષ્ય નિર્માણ? રાષ્ટ્રનિર્માણમાં ચરિત્ર ઘડતર અને સંઘ શાખાનું મહત્ત્વ

માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ગગનચુંબી ઇમારતોથી નહિ, પરંતુ સદ્‌ગુણી, સંસ્કારી અને ચારિત્ર્યવાન નાગરિકોથી જ રાષ્ટ્રનો પાયો ખરા અર્થમાં મજબૂત બને છે.

    ૧૭-સપ્ટેમ્બર-૨૦૨૬   
કુલ દૃશ્યો |

vyakti-nirman-thi-rashtra-nirman-rss-shakha

૧૭ સપ્ટેમ્બર- શ્રી વિશ્વકર્મા પૂજા દિન નિમિત્તે

 
નિર્માણોં કે પાવન યુગ મેં હમ ચરિત્ર નિર્માણ ન ભૂલેં
સ્વાર્થ સાધના કી આંધી મેં વસુધા કા કલ્યાણ ન ભૂલેં
 

જ્યારે મુદ્દો હોય રાષ્ટ્રનિર્માણનો... ભૌતિકનિર્માણ કઠિન કે મનુષ્યનિર્માણ કઠિન?

 
‘નિર્માણ’ શબ્દ સાંભળતાની સાથે જ સામાન્ય માણસના મનમાં ઈંટ-સિમેન્ટ-પથ્થરોથી ઊભી થતી ઇમારતો, રસ્તાઓ, પુલો, કારખાનાં કે મોટાં મોટાં શહેરોનાં ચિત્ર તરવરી ઊઠે છે. પરંતુ શું નિર્માણનો અર્થ માત્ર જડવસ્તુઓનું સર્જન છે? ભારતીય સંસ્કૃતિ મુજબ આ પ્રશ્નનો ઉત્તર ‘ના’માં આપવો પડે. આપણી સંસ્કૃતિમાં નિર્માણનો અર્થ માત્ર જડ વસ્તુઓનું કે તેના થકી થયેલું સર્જન નથી. નિર્માણનો સાચો આર્થ ભૌતિક વિકાસની સાથે સાથે માનવીના વ્યક્તિત્વનું ચરિત્રનું ઘડતર છે, માટે જ આપણે ત્યાં ગવાયું છે કે,
નિર્માણો કે પાવન યુગ મેં હમ ચરિત્ર કા નિર્માણ ન ભૂલે,
સ્વાર્થ સાધના કી આંધી મેં વસુધા કા કલ્યાણ ન ભૂલે.
 
અહીં કહેવાનો અર્થ એ છે કે, મોટી-મોટી ઇમારતો, પહોળા રસ્તાઓ અને આંખ આંજતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ રાષ્ટ્રને ભવ્યતા જરૂર અપાવી શકે છે. પરંતુ સદ્‌ગુણી, સંસ્કારી, જ્ઞાની અને જવાબદાર નાગરિકો રાષ્ટ્રના મૂળ પાયાને મજબૂત બનાવે છે. રસ્તા, પુલ, બંધ, મકાનો, શાળાઓ, હોસ્પિટલો, મિલો, કારખાના વગેરે ભૌતિક નિર્માણનાં ઉદાહરણો છે. જ્યારે વ્યક્તિના જ્ઞાન, વિચાર, ચારિત્ર્ય સંસ્કાર, અનુશાસન, કર્તવ્યભાવ અને રાષ્ટ્રભાવનું ઘડતર વ્યક્તિનિર્માણ છે. કોઈપણ શુભભાવ સહિતના રાષ્ટ્રભાવનું ઘડતર ચરિત્રનિર્માણ થકી વ્યક્તિનિર્માણ છે. કોઈપણ રાષ્ટ્રના મજબૂત નિર્માણ માટે ભૌતિકનિર્માણ અને વ્યક્તિનિર્માણચી પ્રક્રિયાઓનું સમાંતર ચાલવું ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે ભૌતિક નિર્માણ દેશને સુવિધા આપે છે, જ્યારે વ્યક્તિનિર્માણ દેશને વિશ્વગુરુ તરફ દોરી જાય છે.
 
અદ્યતન ટેકનોલોજી, વિશાળ રસ્તાઓ અને ગગનચુંબી ઇમારતો ધરાવતા રાષ્ટ્રમાં જો ચારિત્ર્યવાન નાગરિકો જ નહિ હોય તો તેની પ્રગતિ લાંબાગાળા સુધી ટકી શકતી નથી. તેથી જ વ્યક્તિનિર્માણ અને ચરિત્રનિર્માણને રાષ્ટ્રનિર્માણનો પાયો ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ આપણને આ જ વાત શીખવે છે.
 
જન્મની સાથે જ શરૂ થતું વ્યક્તિનિર્માણ
 
વ્યક્તિનિર્માણની પ્રક્રિયા બાળપણથી જ વાસ્તવમાં બાળક જન્મ લે ત્યારથી જ શરૂ થઈ જવી જોઈએ. હમણાં એક જાણીતા સંતને સત્સંગ સભામાં એક મહિલાએ પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી, બાળકને જ્ઞાન સંસ્કાર કેટલી ઉંમરથી આપવા જોઈએ?’ સંતે મહિલાને પૂછ્યું, ‘આપના બાળકને જન્મ થયે કેટલો સમય થયો?’ મહિનાએ જવાબ આપ્યો, ‘૬ મહિના’. ત્યારે સંતે જવાબ આપ્યો કે, તો પછી તમે તમારા બાળકને જ્ઞાન, શિક્ષણ આપવા ૬ મહિના મોડાં છો. મતલબ કે જ્ઞાન-સંસ્કાર શિક્ષણ. અરે! વીર અભિમન્યુનું ઉદાહરણ જોઈ લો. સંસ્કારની પ્રક્રિયા ગર્ભમાંથી જ શરૂ થતી હોય છે. એ વ્યક્તિના જીવન શરૂ થતાંની સાથે જ શરૂ થઈ જાય છે. અને છેક અંત સમય સુધી ચાલે છે અને ચરિત્રનિર્માણ બાળક જે વાતાવરણમાં ઉછરે છે, સંસ્કાર મેળવે છે, લખતું-વાંચતું થાય ત્યારે પુસ્તકો વાંચે છે, શિક્ષકો-વડીલો પાસેથી શીખે છે, તે બધું જ તેના વ્યક્તિત્વ અને તેના થકી રાષ્ટ્રનિર્માણને અસર કરે છે.
 
આપણી સંસ્કૃતિમાં શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવા કે સારી કારકિર્દી બનાવવાનો જ નથી રહ્યો, શિક્ષણ થકી ચરિત્રનિર્માણનું પણ એટલું જ મહત્ત્વ રહ્યું છે. બેશક શાળાકીય શિક્ષણ વ્યક્તિને જ્ઞાનવાન બનાવે છે. અને તેની કારકિર્દી પણ એટલી જ જરૂરી છે, પરંતુ તેની સાથે સાથે તેને સત્યનિષ્ઠ, અનુશાસનબદ્ધ, કર્તવ્યનિષ્ઠ અને ચરિત્રવાન નાગરિક બનાવવાનું કાર્ય પણ એ શિક્ષણ દ્વારા થવું જોઈએ. જ્ઞાન સાથે સંસ્કાર અને કારકિર્દી સાથે ચરિત્ર્ય આ બંનેનું સંતુલન જ શિક્ષણને સાર્થક બનાવી મજબૂત રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
 
ગુરુકુળ પરંપરા રાષ્ટ્રનિર્માણની પાઠશાળા
 
આપણી ગુરુકુળ પરંપરામાં શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું જ મર્યાદિત નહોતું. વિદ્યાર્થીના સમગ્ર વ્યક્તિત્વનું ઘડતર શિક્ષણનો હેતુ માનવામાં આવતો હતો. ગુરુના માર્ગદર્શન હેઠળ રાજા પુત્ર હોય કે રંકનું રતન, અનુશાસિત, સ્વાવલંબન, સેવા, સમભાવ, પ્રકૃતિ સાથેનું જોડાણ કર્તવ્યભાવ અને જીવનમૂલ્યોનો વિકાસ થતો. ગુરુકુળો અને આશ્રમો ઉપરાંત મંદિરો પણ ભારતીય સમાજમાં જ્ઞાન અને સંસ્કૃતિનાં નિર્માણકેન્દ્રો હતાં. અહીં માત્ર ધાર્મિક આધ્યાત્મિક જ્ઞાનનો જ પ્રચાર-પ્રસાર થતો નહોતો. કલા, સાહિત્ય, તત્ત્વચિંતન, ચરિત્રનિર્માણ અને જીવનમૂલ્યોનું પણ સંવર્ધન થતું. આમ ગુરુકુળ હોય કે આશ્રમ કે મંદિર વિદ્યાનો અર્થ માત્ર જ્ઞાન, માહિતી, કારકિર્દી કે રોજગારી જ નહોતો, વ્યક્તિના જીવનને યોગ્ય દિશામાં લઈ જવું પણ તેનો ભાગ હતો. પરંતુ સમય જતાં પરકીય આક્રમણોએ આપણી એ પરંપરાગત ચરિત્રવર્ધક, મૂલ્યવર્ધક શિક્ષણ વ્યવસ્થાને ગંભીર અસર પહોંચાડી. ગુરુકુળો, આશ્રમો અને મંદિરોને ધ્વંસ કરવામાં આવ્યો. પરિણામે રાષ્ટ્રનિર્માણની શિક્ષણવ્યવસ્થામાં મોટા આંચકા લાગ્યા. રહી-સહી કસર અંગ્રેજી શાસન દરમિયાન આપણા પર થોપી બેસાડાયેલ નવી શિક્ષણવ્યવસ્થા (મેકોલોવાદી)એ પૂરી કરી દીધી. આધુનિક જ્ઞાનના નામે પરંપરાગત ચરિત્રવર્ધક, મૂલ્યવર્ધક શિક્ષણવ્યવસ્થાને નકારવામાં-ધુત્કારવામાં આવી, જેનાં માઠાં પરિણામો આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ.
 
સંઘ શાખાનો વિચાર
 
મેકોલે પ્રેરિત કથિત આધુનિક શિક્ષણના બહાને અંગ્રેજો દ્વારા ભારતમાં જ કાળા અંગ્રેજો ઊભા કરવાનું ષડયંત્ર રચાયું. બેશક એ શિક્ષણે વિજ્ઞાન, ટેક્‌નોલોજી અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં નવી તકો જરૂરથી ઊભી કરી છે, પરંતુ એક રાષ્ટ્રનિર્માણ માટે જરૂરી વ્યક્તિના ચારિત્ર્યઘડતરની આ શિક્ષણમાં જાણી જોઈ બાદબાકી કરાઈ હતી. જેવી ભારતની પેઢીને તેઓ ઇચ્છે તે હેતુસર તેઓએ ખૂબજ શીફતથી તેની બાદબાકી કરી દીધી, જેથી ભારતની પેઢીને તેઓ ઇચ્છે ત્યાં સુધી પરાધીન રાખી શકે. આ ઘોર પરાધીન માનસિકતાના યુગમાં શક્તિશાળી રાષ્ટ્રનિર્માણનો વિચાર એક વ્યક્તિના મનમસ્તિષ્કમાં આકાર લઈ રહ્યો હતો. તે મહાન વ્યક્તિ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર. તેઓશ્રીએ રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે સંસ્કારી અને અનુશાસનબદ્ધ વ્યક્તિત્વના ઘડતરનો અભિનવ પ્રયોગ કર્યો. તેઓ એક બાબતે સ્પષ્ટ હતા કે સમગ્ર સમાજમાં મૂલ્ય આધારિત શિક્ષણ પહોંચાડવાનું કાર્ય તત્કાલીન શાળાઓ અને શિક્ષણવ્યવસ્થાની મર્યાદામાં સરળ ન હતું. તેથી તેઓ એક એવી પદ્ધતિ ઇચ્છતા હતા, જેમાં રોજિંદા જીવનમાં અનુશાસન, સંગઠન, સેવા અને રાષ્ટ્રભાવનાનાં મૂલ્યોની પુનઃપ્રસ્થાપના અને પુનઃપ્રતિષ્ઠાપના થઈ શકે. આ વિચારમાંથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ‘શાખા’નો જન્મ થયો. આ શાખા હાલ વ્યક્તિનિર્માણ થકી રાષ્ટ્રનિર્માણનું શ્રેષ્ઠ મૉડલ બની ગઈ છે. અહીં કોઈ વિશાળ ભવન કે આધુનિક સંસાધનો નથી. ખુલ્લા મેદાનમાં નિયત સમયે એકત્રિત થવું, સમયપાલન, શારીરિક કસરત, સંગઠનભાવના જગાવતી રમતો, રાષ્ટ્રભાવ જગાવતાં ગીતો, બૌદ્ધિક ચર્ચા, સામૂહિક અનુશાસન અને સેવા જેવી પ્રવૃત્તિઓ થકી વ્યક્તિનાં વિવિધ પાસાં વિકસાવવાનો પ્રયાસ થાય છે. શાખાનામૂળ સંસ્કાર એ આવે છે કે વ્યક્તિએ માત્ર પોતાના માટે જ નહિ, સમાજ માટે અને રાષ્ટ્ર માટે પણ જીવવું જોઈએ.
 
આમ રાષ્ટ્રનિર્માણનો અર્થ માત્ર GDP વધારવો, નવાં શહેરો ઊભાં કરવાં કે ટેકનોલોજીમાં વિશ્વગુરુ બનવું માત્ર જ નથી. રાષ્ટ્રનિર્માણનો સૌથી મહત્ત્વનો આધાર તેનાં જન-જન છે. દેશની સંસ્થાઓને ચલાવનાર, વિજ્ઞાનમાં સંશોધન કરનાર, સરહદોની સુરક્ષા કરનાર, ખેતરમાં હળ ચલાવી અન્ન પેદા કરનાર, ઉદ્યોગ ચલાવનાર કે પછી સમાજસેવા કરનાર પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રનિર્માણમાં પોતાની ભૂમિકા ભજવે છે.
 
સંઘની શાખાઓના માધ્યમથી તેના સ્થાપનાકાળથી જ આ જ પ્રકારના કર્તવ્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ ચરિત્રવાન સંસ્કારી પેઢીનું નિર્માણ કરવાનો મહાયજ્ઞ કરી રહ્યો છે. જે આજે પણ અખંડિત રીતે ચાલુ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાંથી અનેક કાર્યકરો જાહેરજીવન, સામાજિક સેવા, શિક્ષણ, રાજનીતિ અને વિવિધ ક્ષેત્રોમાં ગયા અને મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. આવી જ કોઈક શાખામાંથી પ્રશિક્ષિત થયેલ રા.સ્વ. સંઘના પ.પૂ. સરસંઘચાલક ડૉ. શ્રી મોહનજી ભાગવત જ્યારે કંઈક બોલે ત્યારે વિશ્વ આખું સાંભળે છે. તેની નોંધ લે છે. આવી જ કોઈક શાખામાંથી નીકળેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે હાલ ભારત ભૂતકાળમાં ખોવાયેલ તેની પ્રતિષ્ઠા ગૌરવ પુનઃ સ્થાપિત કરી રહ્યું છે. આમ, રા. સ્વ. સંઘની શાખાનો શ્રમ હાલ મજબૂત શક્તિશાળી ભારતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. અને આપણે સૌ પણ આ મહાનિર્માણ કાર્યમાં જોડાઈને વસુધાનાં કલ્યાણનાં કાર્યમાં સહભાગી બનીએ.
 
સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપર્ચ્યુનિટી અને થ્રસ્ટ, આ ચારેયનું સતત મૂલ્યાંકન કરવું આવશ્યક છે.‌ મેનેજમેન્ટની પરિભાષામાં તેને SWOT એનાલિસિસ કહેવામાં આવે છે.‌ આ SWOT એનાલિસિસ દરેક ઉદ્યોગ ગૃહે, સંગઠને, સંસ્થાએ કરવું જોઈએ. ખાસ તો નિર્માણ ક્ષેત્રમાં કી-પોસ્ટ ઉપર કામ કરનાર દરેક અધિકારીએ પણ પોતાનું વ્યક્તિગત SWOT એનાલિસિસ કરવું જોઈએ.‌ એક અનુશાસનબદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે ગુણાત્મક બાબત કેન્દ્રમાં રાખવી જરૂરી છે. ક્વોન્ટીટીની સાથે ક્વોલિટી એ સમયની માંગ છે. તે દેશનું સામર્થ્ય દર્શાવે છે.
 
અગર રાષ્ટ્ર નજરની સામે છે તો કેવાં પરિવર્તનો સ્વાભાવિક રીતે આવતાં હોય છે, તે જોવા જેવું છે. આપણા દેશમાં ખૂબ જ સંઘર્ષ કરીને આજે પ્રથમ ક્રમે પહોંચનારું એક મજદૂર સંગઠન છે, જેનું નામ છે ‘ભારતીય મજદૂર સંઘ’. તેનું સૂત્ર છે ‘દેશ કે લિયે કરેંગે કામ, કામ કે લેંગે પૂરે દામ’. પહેલા દેશ માટે કામ કરવાની નિષ્ઠા પ્રગટ કરવામાં આવી રહી છે. રાષ્ટ્ર માટેનો એક સંકલ્પ દ્રઢ કરવામાં આવે છે અને ત્યાર પછી તેઓ પોતાના વેતન માટેનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ પ્રકારના મૂલ્યોનું નિર્માણ સર્વ સામાન્ય કારીગરમાં પણ પેદા થાય એવી અગર જો ચિંતા કરવામાં આવે તો તે ૧૦૦% શક્ય બને છે, તે દર્શાવતું આ અદભુત ઉદાહરણ છે. આ જ દિશામાં ભારતીય કિસાન સંઘ અને લઘુ ઉદ્યોગ ભારતી જેવાં અનેક સંગઠનો કૃષિ ક્ષેત્રમાં, નિર્માણ ક્ષેત્રમાં કાર્યરત છે, જે સંગઠનો પણ ‘Nation First’નું સૂત્ર પકડીને કાર્યરત છે, તેમના આધાર ઉપર ખૂબ જ મોટાં ગુણાત્મક પરિવર્તનો આવવાની સંભાવનાઓ છે.
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…