ભજનપરંપરામાં ગુરુનું ગાન પ્રથમ થાય છે. ગુરુ બિન જ્ઞાન તો નથી જ પણ ગાન પણ નહીં. ઉસ્તાદ વિના સારેગમના સાગરને પાર ન કરી શકાય. ગુરુના પારસમણિ સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય છે. સવાયા શિષ્યથી ગુરુ પ્રસન્ન થાય છે.
મોરારિબાપુ કહે છે કે ‘શિક્ષણથી માણસને આંખ અને પાંખ મળે છે.’ આંખ એટલે નવી દૃષ્ટિ અને પાંખ એટલે ઉન્નત ઉડાન ભરવાની આવડત. ગુરુનો હાથ એ શિષ્યનો સાથ છે. ગુરુનું મુખ એ શિષ્યનું સુખ છે. બુદ્ધિની બોર્ડર આવે ત્યાંથી ગુરુનો ગેટ શરૂ થાય છે. ગુરુનું જ્ઞાન કદી મઠ - મઢી પૂરતું મર્યાદિત ન હોઈ શકે. સૌથી શ્રેષ્ઠ પદ ગુરુપદ છે. શિક્ષણની આપ-લે; એ પહેલાં વ્યવસાય ન હતો, વ્યવહાર હતો.
સ્વામી વિવેકાનંદ પ્રખર બુદ્ધિવાદી હતા અને ચમત્કારોમાં કદી માનતા નહીં અને એ જ પરમહંસના ચમત્કાર સામે ઝૂકી ગયા. રામાનંદ સ્વામી ન હોત તો કબીર ન મળ્યા હોત, મહર્ષિ પરાશરના આશિષ ન મળ્યા હોત તો વેદ વ્યાસ ન મળત અને જ્ઞાનવિશ્વ સામે માથું ઊંચું ન કરી શકત. હિમાલયના સિદ્ધયોગીને કારણે હિમાલય ટટ્ટાર ઊભો છે. કેટલાક ‘અહમ્ બ્રહ્માસ્મિ’ કહીને પોતાને ગુરુ માનતા હોય છે. ‘ના કોઈ ગુરુ ના કોઈ ચેલા, મેલે મેં અકેલા, અકેલે મેં મેલા.’
ભારતની શિક્ષણ પરંપરાનો ઇતિહાસ ગૌરવશાળી રહ્યો છે. પ્રાચીન સમયની ઋષિપરંપરા અને ગુરુકુળ વ્યવસ્થાથી શરૂ કરીને આજે આપણે ડિજિટલ અને આધુનિક શિક્ષણયુગમાં પ્રવેશ્યા છીએ. આ ભવ્ય સફરને મુખ્ય ચાર તબક્કામાં વહેંચી શકીએ:
૧, ઋષિપરંપરા અને વૈદિક કાળ
ગુરુકુળ પ્રણાલી : વિદ્યાર્થીઓ પોતાના ઘરથી દૂર ગુરુના આશ્રમમાં રહીને શિક્ષણ મેળવતા.
મૌખિક જ્ઞાન : આ સમયમાં જ્ઞાન શ્રુતિ (સાંભળવું) અને સ્મૃતિ (યાદ રાખવું) પર આધારિત હતું. વેદો, ઉપનિષદો અને પુરાણોનું જ્ઞાન કંઠસ્થ કરાવાતું.
સર્વાંગી વિકાસ : માત્ર પુસ્તકિયું કે ગોખણિયું જ્ઞાન નહીં, પરંતુ શસ્ત્રવિદ્યા, શાસ્ત્રવિદ્યા, કૃષિ, ગણિત અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવતું. જેથી જીવનના કોઈ પણ તબક્કે એ ક્યાંય પાછો ન પડે. ૨૫ વર્ષ સુધી આ શિક્ષણ ચાલતું હતું.
૨, વૈશ્વિક સુવર્ણકાળ
વિશ્વનાં પ્રથમ વિશ્વવિદ્યાલય: ભારતમાં નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને વલ્લભી જેવાં મહાન શિક્ષણકેન્દ્રો સ્થપાયાં, જ્યાં ખગોળશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન (આયુર્વેદ), દર્શનશાસ્ત્ર અને રાજનીતિ જેવા જટિલ વિષયોનું ઊંડાણપૂર્વક સંશોધન થતું.
વૈશ્વિક આકર્ષણ: ચીન, જાપાન, કોરિયા અને તિબેટ જેવા દેશોમાંથી હજારો વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા. ‘વિદ્યા એટલે હિન્દુસ્થાન’ એમ કહેવાતું હતું.
૩, બ્રિટિશ શાસન
મેકોલે શિક્ષણપદ્ધતિ: ૧૮૩૫માં મેકોલે દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું માળખું બદલીને પશ્ચિમી (વેસ્ટર્ન) ઢબની શિક્ષણપદ્ધતિ દાખલ કરવામાં આવી. ગુરુકુળો અને પરંપરાગત શાળાઓ નબળી પડી, અને કારકુનો તૈયાર કરતી શિક્ષણપ્રણાલી શરૂ થઈ.
૪, સ્વતંત્ર ભારતનું શિક્ષણ
મૂલ્યોનો હ્રાસ: આ ગાળા દરમિયાન ભારતનું આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણ પાછળ ધકેલાઈ ગયું.
સ્વાધીનતા પછી ભારતના શિક્ષણમાં મૂળભૂત સુધારાઓ કરવાની અપેક્ષા હતી તેવા સુધારાઓ પણ કરવામાં આવ્યા નહીં. ૧૯૪૮માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં બનેલા શિક્ષણ આયોગ’ના અહેવાલમાં તેઓ
“શિક્ષણના ભારતીય ચરિત્ર” (The Un Indian Character of Education) વિશે સ્પષ્ટપણે કહે છે કે –
“One of the serious complaints against the system of education which has prevailed in this country for over a century is that it neglected India’s past, that it did not provide the Indian students with a knowledge of their own culture. It has produced in some cases the feeling that we are without roots, in others, what is worse, that our roots bind us to a world very different from that which surrounds us.”
આનાથી સાબિત થાય છે કે, આધ્યાત્મિકતા ભારતીય ચિંતનનો આધાર છે. તેના પ્રકાશમાં શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ કોંગ્રેસના શાસન દરમિયાન તેમના જ દ્વારા નિયુક્ત કરાયેલા શિક્ષણ આયોગોની ભલામણો (recommendations)નો અમલ કરવામાં આવ્યો નહીં. શિક્ષણ આયોગની રચના કરવાવાળા કોંગ્રેસના નેતાઓ જ હતા. તેમ છતાં એ આયોગની ભલામણનો અમલ અટકાવનારા કોણ હતા, તેમની માનસિકતા શું હતી ? આજે પણ જ્યારે તે દિશામાં પ્રયાસો થાય છે ત્યારે શિક્ષણના ભગવાકરણના નામે તેનો વિરોધ કરવામાં આવે છે. તેની પાછળની માનસિકતા શું છે ? તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે.
ભારત સરકારે પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્ય (Skill-based learning) પર ભાર મૂકતી નવી નીતિ અમલમાં મૂકી છે, જે પ્રાચીન ભારતીય મૂલ્યો અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય કરે છે, જેના પર બહુ આશાઓ છે.