ભગવાન બુદ્ધની ખેતી

    ૧૨-જૂન-૨૦૧૫

ભગવાન બુદ્ધની ખેતી
એક દિવસ ભગવાન બુદ્ધ એક ખૂબ જ ધનિક વ્યક્તિના ઘરે ભિક્ષા માંગવા ગયા. પેલા ધનિક વ્યક્તિની મહેનત અને ઉદ્યમશીલતા આખા પંથકમાં વખણાતી હતી. પોતાના દ્વારે એક સંન્યાસીને ભિક્ષા માંગવા આવેલા જોઈ ધનિક વ્યક્તિએ કહ્યું, મહારાજ, આમ ભિક્ષા માંગવા કરતાં કાંઈક કામ કરતા હોવ તો? બુદ્ધે આછા હાસ્ય સાથે કહ્યું, ભાઈ હું પણ કામ તો કરું જ છું. હું મોટો ખેડૂત છું અને ખેતી કરું છું. પેલો ધનિક માણસ પોતાનું હાસ્ય રોકી શક્યો નહીં અને ભગવાનની મજાક ઉડાવતો હોય તેમ પ્રશ્ર્ન કર્યો... ઓ હો... તો પછી તમારું મોટું ખેતર પણ હશે...! અને બળદ અને હળ વગર તો ખેતી કેમ થાય...? તમારે ત્યાં તો અનાજના ઢગલા લાગેલા હશે...! મારે એ બધું જોવું છે. ક્યાં છે એ? ચાલો જલદી... ભગવાન બુદ્ધે ખૂબ જ શાલીનતાપૂર્વક કહ્યું, અંત:કરણ મારું ખેતર છે. વિવેક મારું હળ અને સંયમ છે અને વૈરાગ્ય મારા બળદો છે, જેના થકી હું પ્રેમ, જ્ઞાન અને અહિંસાનાં બીજ વાવું છું અને પશ્ર્ચાત્તાપના પાણીએ તેને સીંચું છું અને જે ઊપજે છે તે સમાજમાં વહેંચી દઉં છું. આ જ મારી ખેતી છે. ભગવાન બુદ્ધનો આ અતિસંયમી જવાબ સાંભળી ઘડીભર પહેલાં પોતાની ઉદ્યમશીલતા અને સંપત્તિના અભિમાનમાં મદ થઈ એક સાચા સંન્યાસીનું અપમાન કરી રહેલો ધનિક વ્યક્તિ ભોંઠો પડી ગયો અને તેને સંન્યાસી સાધુની શક્તિ-મહેનતનું ભાન થયું. તે બુદ્ધના પગે પડી પોતાના વર્તન અંગે માફી માંગવા લાગ્યો.