દેશ અને દુનિયામાં ભરતનાટ્યમ-કુચીપુડી નૃત્યનાં વિવિધ પાસાંઓને પ્રયોગશીલતા સાથે પ્રચારિત-પ્રસારિત કરનાર વિશ્ર્વપ્રસિદ્ધ નૃત્યસર્જક અને સુવિખ્યાત વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈનાં ધર્મપત્ની મૃણાલિની સારાભાઈનું ૨૧મી જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ટૂંકી માંદગી બાદ ૯૭ વર્ષની વયે નિધન થયું છે. કલા અને વિજ્ઞાનને એક જ ઘરમાં અને એક સાથે લગભગ સમાન રીતે તેમણે સાચવી દેખાડયું હતું.
મૃણાલિનીબહેન દેશનાં ટોચનાં શાસ્ત્રીય નૃત્યાંગના ઉપરાંત નૃત્ય નિર્દેશિકા પણ હતાં. અમદાવાદની નૃત્ય, નાટ્ય, સંગીત અને કઠપૂતળી કલાની તાલીમ આપતી સંસ્થા ‘દર્પણ એકેડેમી ઓફ પરફોર્મીંગ આર્ટ્સ’નાં તેઓ સ્થાપક નિયામક હતાં. કલાજગતમાં તેમના અનોખા પ્રદાન બદલ તેમને અનેક ઍવોર્ડ્ઝ અને માન-અકરામ પ્રાપ્ત થયાં હતાં.
તેમનો જન્મ ૧૧મે ૧૯૧૮ના રોજ કેરળમાં થયો હતો અને તેમની માતા અમ્મુ સ્વામિનાથન પ્રખર સામાજિક કાર્યકર અને માજી સંસદ સદસ્ય હતાં. તેમણે પોતાનું બચપન સ્વિટ્ઝર્લેન્ડમાં ગાળ્યું અને પશ્ર્ચિમ જગતની નૃત્યકલાના પ્રથમ પાઠો ત્યાંની ડાલફ્રોઝ સ્કૂલમાં શીખ્યાં હતાં.
ભારતના અવકાશ કાર્યક્રમના પિતામહ ગણાતા અગ્રણી ભૌતિકશાસ્ત્રી ડૉ. વિક્રમ સારાભાઈ સાથે તેમણે ૧૯૪૨માં લગ્ન કર્યાં. આ લગ્ન થકી તેમને પુત્ર કાર્તિકેય અને પુત્રી મલ્લિકાનો જન્મ થયો, જેઓએે પણ આગળ ઉપર નૃત્ય અને અભિનય ક્ષેત્રે આગવું નામ મેળવ્યું.
મૃણાલિનીબહેનને ભારત સરકાર તરફથી નાગરિક સન્માન ૧૯૬૫માં પદ્મશ્રી અને ૧૯૯૨માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ ભારતના એકમાત્ર એવાં શાસ્ત્રીય નૃત્યાંગના હતાં, જેમણે ૧૮૦૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓને ભરતનાટ્યમ તેમજ કથકલી નૃત્યની તાલીમ આપી હતી.
મૃણાલિની સારાભાઈએ ૩૦૦થી વધુ નૃત્ય-નાટિકાઓનું દિગ્દર્શન કરવા ઉપરાંત ઘણી નવલકથાઓ, કાવ્યો, નાટકો અને બાળવાર્તાઓ લખી છે. તેઓ ગુજરાત સ્ટેટ હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.નાં ચેરપર્સન હતાં. ઉપરાંત ગાંધીવિચારોનો પ્રસાર કરવા સર્વોદય ઇન્ટરનેશનલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી પણ હતાં તથા નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ (એનએફડી)નાં પણ તેઓ ચેરપર્સન હતાં. તેમની આત્મકથા "મૃણાલિની સારાભાઈ : ધ વોઇસ ઓફ ધ હાર્ટએ નામે પ્રસિદ્ધ થઈ છે.
તેમનાં મોટાં બહેન લક્ષ્મી સેહગલ સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મી (આઝાદ હિંદ ફોજ)ની "રાની ઓફ ઝાંસી રેજીમેન્ટના કમાંડર - ઈન - ચીફ હતાં. તેમના મોટા ભાઈ ગોવિંદ સ્વામિનાથન પ્રખ્યાત બૅરિસ્ટર હતા, જેઓ મદ્રાસ ખાતે સિવિલ લો અને કંપની લો ઉપરાંત બંધારણીય બાબતોના નિષ્ણાત હતા. તેમણે મદ્રાસ રાજ્ય (હાલના તામિલનાડુ)ના એટર્ની જનરલ તરીકે પણ સેવાઓ આપી હતી.
૧૯૯૭માં યુકેની નોર્બરની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એનીલીયાએ માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી. તેઓ ફ્રેંચ આર્કાઇવ્સ ઇન્ટરનેશનલ દલા ડેન્ટ તરફથી મેડલ અને ડિપ્લોમા મેળવનાર પ્રથમ ભારતીય હતાં. ૧૯૯૦માં ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ, પેરિસ ખાતે તેઓ કારોબારીમાં નિમાયાં હતાં. ૧૯૯૪માં તેમને સંગીત નાટક એકેડમીની ફેલોશીપ એનાયત થઈ હતી. મેક્સિકોની સરકારે તેમને ગોલ્ડ મેડલ આપ્યો હતો. દર્પણ એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટ્સ દ્વારા ૧૯૯૮થી દર વર્ષે શ્રેષ્ઠ શાસ્ત્રીય નૃત્યકારને "મૃણાલિની સારાભાઈ ઍવોર્ડ ફોર ક્લાસિકલ એક્સલન્સ અપાય છે.