@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ કર્ણાવતીમાં સામાજિક સમરસતા અંગે સમારોહનું આયોજન

કર્ણાવતીમાં સામાજિક સમરસતા અંગે સમારોહનું આયોજન

 


હિન્દુ સમાજ ક્યારેય વિનાશકારી નથી રહ્યો. આ સમાજે હંમેશા તમામને સંરક્ષણ આપ્યું છે. સમયાંતરે હિન્દુ સમાજમાં કેટલાક દોષો જરૂર આવી ગયા છે અને આ દોષોમાંનો એક જાતિ આધારિત ભેદભાવ છે. સામૂહિક પ્રયાસો થકી તેને દૂર કરવાનું સંભવ છે. આ શબ્દો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોષીના. તેઓશ્રી (અમદાવાદ) આયોજિત સામાજિક સદ્ભાવના બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.

આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, જો જાતિપ્રથા દૂર ના થઈ શકે તો તેને ભૂલવાની કોશિશ કરો અને જો ભૂલવી પણ અશક્ય હોય તો જાતિઆધારિત ભેદભાવ દાખવવાનું બંધ કરો. કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી અને રાજસ્થાનના રણથી માંડી મણિપુરની પહાડીઓમાં રહેનારા લોકોમાં અનેક બાબતો સમાન છે. આપણે ત્યાં વ્યક્તિઓનાં નામ, બોલી, ભાષા, ધાર્મિક ગ્રંથ, આપણાં દેવી-દેવતા, તીર્થસ્થળો, મહાપુરુષો તમામ જાતિથી પર છે. આપણે પ્રાણીમાત્રમાં ઈશ્ર્વરનો વાસ છે એ માન્યતામાં માનનારા લોકો છીએ, માટે જ આપણે ત્યાં ગૌ-પૂજન, નાગદેવતા, તુલસી, પીપળો અને ભૂમિની પૂજા પણ જાતિગત ભેદભાવ વિના થતી આવી છે, તો પછી માણસ-માણસમાં જાતિ આધારિત ભેદભાવ કેમ ?

તેઓએ જણાવ્યું હતું કે આપણી સામેનો બીજો સૌથી મોટો પડકાર એ સામાજિક ન્યાય છે અને સામાજિક પ્રશ્ર્નો અને સમસ્યાઓનું નિરાકરણ સમાજના અગ્રણી લોકોએ જ લાવવું પડે છે, તેનું નિરાકરણનું કામ સરકારનું નથી, સરકાર દારૂબંધીનો કાયદો બનાવી શકે છે, પરંતુ લોકોને દારૂ પીતા રોકી શકતી નથી, લોકોને રોકવા માટે જાગૃતિની જરૂર છે. જ્યાં સુધી લોકજાગૃતિ નહિ આવે ત્યાં સુધી સરકારે બનાવેલ કોઈ જ કાનૂન કામ કરવાનો નથી. સરકારનું કામ નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવાનું છે, સામાજિક સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું નહીં.

જીવનમૂલ્યોની રક્ષાને સમાજનો ત્રીજો મોટો પડકાર ગણાવતા શ્રી ભૈયાજીએ જણાવ્યું હતું કે, જીવનમૂલ્યોની રક્ષા માટે આપણે ત્યાં પરિવાર વ્યવસ્થા છે. આપણે ત્યાં માતાને બાળકની પ્રથમ ગુરૂ માનવામાં આવી છે, કારણ કે પરિવારમાં મા થકી જ બાળકોમાં સંસ્કારનું સિંચન થતું હોય છે અને એ પરિવાર કાનૂન મારફતે નથી ચાલતો. માતા-પિતાની ફરજ છે કે તે તેમનાં બાળકોને સારા સંસ્કાર આપે. માત્ર સુવિધાઓ આપવાનું જ કામ માતા-પિતાનું નથી. તેઓેએ કહ્યું હતું કે, ધર્મ એટલે માત્ર પૂજા-પાઠ જ નહીં, પોતાનાં કર્તવ્યોનું પાલન એ પણ ધર્મ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમાજમાં કર્તવ્યપાલનને બદલે અધિકારોની વાત વધુ થવા લાગી છે, જેને પરિણામે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.

પરિવાર પ્રબોધન માટે શ્રી ભૈયાજી જોષીએ ચાણક્યનાં સૂત્રોની વિવેચના કરતાં જણાવ્યું હતું કે, ચાણક્યએ કહ્યું છે કે મહિલાઓને મા સમાન ગણો, જો તેને અનુસરવામાં આવે તો સમાજમાં મહિલા ઉત્પીડનના બનાવો બંધ થઈ જાય, બીજું સૂત્ર પરધનને માટી સમાન ગણવું. જો આ સૂત્રને અનુસરાય તો સમાજમાંથી ભ્રષ્ટાચારનું નામોનિશાન મટી જાય અને ત્રીજું સૂત્ર હું જેવો છું તેવો જ તું છે નું છે. જો તેને અનુસરવામાં આવે તો સમાજમાં વ્યાપ્ત તમામ સંઘર્ષોનો અંત આવી જાય.

શ્રી ભૈયાજીએ સમાજ સામેનાં સંકટો અંગે જણાવ્યું હતું કે, હિંસાચાર, ભ્રષ્ટાચાર અને દુરાચારનું નિર્મૂલન સમાજની રચના, સામાજિક પરિવર્તન થકી જ શક્ય છે. પરંતુ આપણે ત્યાં અધિકારોની તો ચર્ચા થાય છે, કર્તવ્યોની નહીં. જ્યારે સમાજમાં પરિવર્તન લાવવા માટે અધિકાર નહીં કર્તવ્યોનું પાલન જરૂરી છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન રા.સ્વ.સંઘના પ્રાન્ત કાર્યવાહ યશવંતભાઈ ચૌધરીએ કર્યંુ હતું, જ્યારે મંચ પર પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા, ગુજરાત પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાન ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંની અનેક જાતિ/સમાજના અગ્રણીઓ અને પ્રબુદ્ધજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.