નાગપુર ખાતે પરમ આદરણીય મા. ગૌ. વૈદ્યનું મનનીય બૌધ્ધિક

    ૨૯-જાન્યુઆરી-૨૦૧૬

 


હિન્દુત્વ એટલે વ્યક્તિનું સૃષ્ટિ અને સમષ્ટિ સાથે જોડાણ : મા. ગો. વૈદ્ય

લોકો કહે છે કે હિન્દુ ‘ધર્મ’ છે ! પણ રિલીજીયન ધર્મનો પર્યાય નથી. કેટલીક વૈચારિક ભ્રાંતિઓના કારણે હિન્દુ ધર્મને ઈસાઈ અને મુસ્લિમ ધર્મ સમાન માને છે.  ખરેખર તો ધર્મ વ્યાપકતા સાથે જોડે છે. ધર્મ તો એકબીજા સાથે જોડે છે. વ્યક્તિ પોતાના માટે નહીં, અન્ય માટે વ્યવસ્થા કરે તે ધર્મ છે. એ વ્યવસ્થા પણ નિ:શુલ્ક હોવી જોઈએ.

ધર્મશાલા, ધર્મરાજા, પુત્રધર્મ આ બધાં તેનાં ઉદાહરણો છે. રાજાનો ધર્મ તેને પ્રજા સાથે જોડે છે. પુત્રનો ધર્મ તેને માતા-પિતા સાથે જોડે છે. ફક્ત આ ધર્મ જ સંપૂર્ણ વિશ્ર્વને જોડે છે. "મૈં હૂં એ એક વ્યક્તિમાંથી પરિવાર, પરિવારમાંથી મહોલ્લો, મહોલ્લામાંથી રાજ્ય, રાજ્યમાંથી દેશ અને દેશમાંથી દુનિયા. આમ એક એકલા વ્યક્તિને ધર્મ જ સમગ્ર સમષ્ટિ સાથે જોડે છે. માનવી મોટો થઈને દેશભક્ત બને તો સમગ્ર દેશ સાથે જોડાય છે.

માત્ર માનવીના માનવી સાથેના જોડાણની જ વાત નથી. ધર્મ સમગ્ર સૃષ્ટિને એકમેક સાથે જોડે છે. આ રીતે પશુ, પક્ષી, ફળ, ફૂલ, વૃક્ષ, નદી એમ સૌ એકમેક સાથે જોડાય છે. પૃથ્વી જડ નથી, ચેતન છે. માતૃભૂમી છે, માતા છે.

આપણો ધર્મ નદીને પણ માતા કહે છે, ગંગા નદીમાં ફક્ત પાણી નથી, એમાં ન્હાવાથી માત્ર શરીર જ નહીં મન પણ શુદ્ધ થાય છે.

ધર્મની એ ઉચ્ચતા છે એટલે જ સમષ્ટિ જોડાય છે. ગાયને કૃષ્ણ સાથે, બેલને શિવ સાથે, મોરને સરસ્વતી સાથે, ઊંદરને ગણેશજી સાથે, બીલીપત્રને શંકર સાથે, તુલસીને વિષ્ણુ સાથે એમ જોડીને ધર્મ જણાવ્યો છે.

આપણી ભાષા પણ નિસર્ગની પૂજા કરે છે. પ્રકૃતિની પૂજા કરે છે.

આપણા શરીરનું એક સૌથી મહત્ત્વનું પાસું છે, આત્મતત્ત્વ, આપણા સૌમાં એક એવું તત્ત્વ છે જેના કારણે આપણે સૌ બોલીએ છીએ, સાંભળીએ છીએ, હરીએ-ફરીએ છીએ એનું નામ આત્મતત્ત્વ જ છે. આપણને હાથમાં કોઈ ટાંકણી મારી દે તો આપણને દર્દ થાય છે, પણ મૃત્યુ પછી એજ હાથને સળગાવી દેવામાં આવે તો પણ કશું જ થતું નથી કારણ... કારણ કે આપણા શરીરમાંથી પેલું આત્મતત્ત્વ નીકળી ગયું હોય છે. આપણા શરીરની ચાર દીવાલોમાં આત્મા રહે છે.

વ્યક્તિ, સમષ્ટિ, સૃષ્ટિ અને પરમેષ્ટિ એ ચારેયને ધર્મ જોડે છે. વૈશ્ર્વિક સામંજસ્યનું સૂત્ર પણ ધર્મ છે. રાધાકૃષ્ણને કહ્યું હતું કે, ‘ઇંશક્ષમીશતળ શત ક્ષજ્ઞિં ઉવફળિફ, શિં શત ૂફુ જ્ઞર હશરય‘ ધર્મની પરિભાષા વ્યાપક છે, ગુણાત્મક છે, જીવનમાં મૂલ્ય અને સંસ્કૃતિ હોવાં જોઈએ. જીવનને મૂલ્યવાન બનાવવા માટે કિંમત ચૂકવવી પડે છે. ભગવાન શ્રીરામે, બુદ્ધે, શિવાજીએ એ કિંમત ત્યાગ કરીને ચૂકવી છે.

ત્યાગ આવશ્યક છે, આપણને જે, જ્યાંથી મળે છે તે ત્યાં પરત કરવું જોઈએ, માત્ર પોતાના માટે જ રાંધીને જમનારો પાપ આચરે છે. એણે વિના મૂલ્યે અન્યની વ્યવસ્થા કરવાની છે. ધર્મ એ જ છે.

મૂલ્યોની પરંપરા સંસ્કૃતિ છે. તેનો આધાર ધર્મ છે. હિન્દુ ધર્મના આધાર પર જ સંસ્કૃતિ અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે.

 


સંઘના પ્રથમ પ્રવક્તા શ્રી મા. ગો. વૈદ્ય

શ્રી મા. ગો. વૈદ્યનો જન્મ ૧૯૨૩માં મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં થયો. તેમણે ઉચ્ચ શિક્ષણ નાગપુરની મોરીસ કૉલેજમાં પ્રાપ્ત કર્યંુ. સંસ્કૃત અને ગણિત વિષયો સાથે, નાગપુર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને ઇ. અ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમની આ સિદ્ધિ માટે તેમને ખ. અ.ના અભ્યાસ માટે કિંગ ઍડવર્ડ શિષ્યવૃત્તિ પણ પ્રાપ્ત થઈ.

પરિચિતોમાં બાબુરાવના નામથી ઓળખાતા શ્રી મા. ગો. વૈદ્યે સંસ્કૃત કોષના કામમાં સહાયક બનવા માટે નાગપુરની નવયુગ વિદ્યાલયના શિક્ષકની નોકરીનો ત્યાગ કર્યો. થોડા સમય પછી તેઓ ‘કર્વે વિદ્યાલય’માં શિક્ષક તરીકે જોડાયા. વર્ષ ૧૯૪૯માં નાગપુરની પ્રસિદ્ધ હિસ્લોપ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવારત થયા. મરાઠી દૈનિક ‘તરુણ ભારત’માં કાર્ય કરવા માટે તેમણે ૧૯૬૬માં પ્રોફેસરપદેથી ત્યાગપત્ર આપ્યું. હિસ્લૉપ કૉલેજમાંથી તેમની વિદાયને લઈને તે કૉલેજના તત્કાલીન આચાર્ય શ્રી મોઝેઝે કહ્યું હતું કે, ‘પ્રા. વૈદ્યના જવાથી કૉલેજને બહુ મોટો ફટકો પડ્યો છે.’

અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના પ્રખર જ્ઞાતા એવા શ્રી મા. ગો. વૈદ્યને પત્રકારિતા ક્ષેત્રે કરેલા પ્રદાન માટે અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે.

તરુણાવસ્થાથી જ સંઘના સ્વયંસેવક બનેલા શ્રી મા. ગો. વૈદ્યે સંઘમાં વિવિધ દાયિત્વ પણ સ્વીકાર્યા હતા. સંઘના પ્રવક્તા તરીકે તેમની સેવા પ્રશસ્ય રહી હતી.

‘સુગમ સંઘ’ એ મરાઠીમાં લખાયેલું સંઘ વિશેની જિજ્ઞાસાઓનું સમાધાન કરતાં પુસ્તકની ઈ-આવૃત્તિ પણ હવે ઉપલબ્ધ છે, તેમણે આપણી સંસ્કૃતિ, મેરા ભારત મહાન (વૈચારિક), શ્રી ગુરુજી એક અનોખા નેતૃત્વ, જેવા સંઘ અને રાષ્ટ્રના વિષયો ઉપર ૧૦થી વધુ પુસ્તકો લખ્યાં છે.

 

મા. ગો. વૈદ્યની પ્રેરકવાણી...

સ્વયંસેવક દેશભક્ત નાગરિક છે. કશાની પરવા ન કરનારો, ન ધનની ન માનની !

-    હિન્દુત્વ પરિપૂર્ણ દર્શન છે, તેની સામે કોઈ પડકાર ન હોઈ શકે.

-     કેટલાક લોકો જાણી જોઈને સંઘનો વિરોધ કરે છે. સંઘના પ્રચાર વિભાગ દ્વારા તેનો વિરોધ થવો જોઈએ, પણ સૌમ્ય રીતે તેમના ભ્રમને તોડવો જોઈએ. પ્રચાર વિભાગના બાવીસ જેટલા આયામો છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. સમજાવટથી મોટાભાગના પ્રશ્ર્નોનો નિકાલ થાય છે. આપણે તેમના પ્રશ્ર્નોનો જવાબ આપવો જોઈએ.

-     ઇસ્લામને બચાવવો હોય તો એ હિન્દુસ્થાનનાં મુસલમાનો જ સહિષ્ણુતાના ભાવ સાથે બચાવી શકે છે. રાષ્ટ્રીય મુસ્લિમ મંચના મુસ્લિમોએ જ વંદેમાતરમ્ના વિરોધના ફતવા વિરુદ્ધ સંપૂર્ણ વંદેમાતરમ્ ગાયું હતું અને એ જ મુસ્લિમ બંધુઓ સમાન સિવિલ કોડની પણ માંગ કરી રહ્યા છે. અન્ય દેશોના મુસ્લિમો વિભાજીત છે તથા અંદરોઅંદરની લડાઈમાં તેમના જ માટે સર્વનાશ નોંતરી રહ્યા છે.

-     મહાભારતમાં યુધિષ્ઠિરે ભિષ્મને પૂછ્યું "રાજા અને રાજ્યનો ઉદ્ભવ ક્યારે થયો ?

      ભિષ્મ પિતામહે જવાબ આપ્યો, "જ્યારથી મનુષ્ય આવ્યો ત્યારથી ! "એ કેવી રીતે? યુધિષ્ઠિરે ફરી પૂછ્યું.

      ભિષ્મ પિતામહે વિસ્તૃત જવાબ આપતા કહ્યું, "પહેલાં બધું જ નીતિથી ચાલતું હતું. ધર્મથી ચાલતું હતું. પણ ધર્મ ક્ષીણ થયો એટલે બધું જ બદલાવા લાગ્યું. નાની માછલી અને મોટી માછલી ગળી જવા લાગી. લોકો ત્રાહિમામ થઈ ગયા. આથી બ્રહ્મા પાસે ગયા અને રાજાની માંગ કરી. આ રીતે મનુ રાજા બન્યા. લોકોએ તેમને કહ્યું, આપ અમારા રાજા છો. નિયમો બનાવો, કાયદાઓ ઘડો, અમે માનીશું. ના માને એને સજા કરો. આ રીતે રાજ્ય જન્મ્યુ. રાજ્ય એ કાનુન દ્વારા, કાનુનના બળ પર ચાલે છે. જ્યાં કાનુની વ્યવસ્થા અને દંડની જોગવાઈ હોય તે રાજ્ય છે.   રાષ્ટ્રની વિભાવના તેનાથી જુદી છે. લોકોનું આત્મબળ, નિષ્ઠા, રાષ્ટ્રનું નિર્માણ કરે છે.

-     તત્ત્કાલ કે કોઈ નાના ફાયદા માટે રાષ્ટ્રના કોઈ તત્ત્વને હાનિ ન થાય તેનું ધ્યાન દરેક કાર્યકર્તાએ રાખવું. દરેક કાર્યકર્તાએ રાષ્ટ્રપ્રેમથી તરબોળ રહેવું.

-     કોઈ પણ ઘટના વખતે આપણા પ્રતિનિધિઓ મોકલીને રીપોર્ટીંગ કરાવવું આવશ્યક છે. જેના આધારે આપણે કોઈપણ અગત્યની ઘટના વખતે વાચકો સુધી વિસ્તૃત માહિતી પહોંચાડી શકીએ.