આપણું જીવન ચિદાનંદમય બનાવીએ : પૂ. સ્વામી શ્રી અધ્યાત્મનંદજી

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


એક વર્ષથી ચાલી રહેલો સ્વામી ચિદાનંદ જન્મ શતાબ્દી મહોત્સવ સંપન્ન થઈ રહ્યો છે. યુવાઓ માટે વકતૃત્વ, નિબંધ, કબ્બડી, ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન થયું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી યુવાઓ આવ્યા હતા. વિવિધ ભાષ્ય પારાયણોનું આયોજન થયું, જેમાં સમગ્ર ભારતમાંથી ૬૪થી વધુ સંતોએ પોતાનાં આશિર્વચનો આપ્યાં. આપણે એનું ગહન ચિંતન કરવું જોઈએ કે શું આવાં ભવનોનું નિર્માણ કરવાથી ગુરુદેવનો જન્મશતાબ્દી સમારોહ પૂર્ણ થઈ જશે ? જવાબ ના માં આવશે. ગુરુદેવનું જે જીવન હતું તે પવિત્ર ચરિત્રનું જીવન હતું. સત્ય, અહિંસાનું પ્રતિષ્ઠિત જીવન જીવ્યા છે. તેમના જીવનમાં સરળતા હતી, નિષ્કપટ હતું. નિરાભિમાન હતું. તેઓ વિનમ્રતાની મૂર્તિ હતા. તેમનું જીવન પોતાના શ્રીગુરુના શ્રીચરણોમાં સમર્પિત રહ્યું હતું. એટલે કે તેમનું જીવન એક આદર્શ સંન્યાસીને અનુકૂળ હતું. તેમના જીવનના જે એક ટકા જેટલું જીવન આપણે જીવી જાણીશું તો વાસ્તવમાં ચિદાનંદજી જન્મ શતાબ્દી સમારોહની ઉજવણી સાર્થક થશે. ગુરુજી કહેતા કે જો મારા શરીરમાં પ્રાણ છે અને હું મારી જાતે ઊઠવા બેસવા સક્ષમ નથી, તો મારા સેવકોને કહીશ કે મને તેઓ ઊંચકીને પ્રાર્થનામાં લઈ જાય, કારણ કે હું સવારની પ્રાર્થનામાં અનઉપસ્થિત રહેવા માંગતો નથી. તો આપણે તેમના જીવનથી પ્રાર્થનાને આપણા જીવનનું અવિભાજ્ય અંગ બનાવવાનું પ્રાપ્ત કરવાનું છે. મને સમાજ પાસેથી શું મળી શકે છે એમ નહીં, મારું જીવન સમાજ માટે કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે તેનું સતત ચિંતન કરતા રહેવું જોઈએ. એક વર્ષ પસાર થઈ ગયું તો શું થયું ? આવનાર સમયમાં આ પ્રકારનું જીવન જીવવાનો સંકલ્પ કરીએ અને આપણું જીવન ચિદાનંદમય બનાવીએ. ગુરુદેવ શું બોલતા હતા, ગુરુદેવ શું કરતા હતા ? ગુરુદેવ શું વિચારતા હતા ? તેને ધ્યાનમાં રાખો. જેમ ચિંદાનંદજી શિવાનંદમય બન્યા તેમ આપણે પણ ચિદાનંદમય બની શકીએ છીએ.