ભારતવર્ષની સનાતન અધ્યાત્મધારા...

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


ભારતની મહામૂલી મૂડી એટલે સનાતન ધર્મ. શાશ્ર્વત, ચિરંતન, અખંડ. નાત, જાત, પંથ, સંપ્રદાય, પ્રણાલિકાઓ અને ક્યાંક હઠાગ્રહે ધર્મને સંકુચિત મર્યાદામાં જ‚ર મૂક્યો. ખંડિત પણ થયો (વિશ્ર્લેષકોની દૃષ્ટિએ) પરંતુ રબરની સ્થિતિસ્થાપક્તાની જેમ જ, અખંડ રહ્યો અને રહેશે. આ ધર્મને આત્મસાત કરી તેનો પ્રચાર-પ્રસાર એ જ સાધુ, યતી, સન્યાસી, ઋષી કે મનીષીનું જીવનધ્યેય. રામ અને કૃષ્ણના સમયથી અને તેનાય પહેલાંથી આત્મોત્થાન સાથે સમાજોત્થાન તથા રાષ્ટ્રોત્થાનના પવિત્ર કાર્યોમાં આ બ્રહ્મવિદ્યામાં નિપૂણ, ઈશ્ર્વરના અનુગ્રહનું વરદાન મેળવેલ મહાન પુરુષોએ ધર્મને જીવંત રાખ્યો છે.
પ્રકૃતિ અને પુરુષની ભિન્નતાને પ્રમાણીત કરી ઈશ્ર્વર સાથેનું અનુસંધાન એ તેમનું પ્રથમ ચરણ. મનુષ્યમાત્રના ઉધ્ધારને માટે ત્રણ રાજમાર્ગો પ્રસ્થાનત્રય તરીકે જે ઓળખાય છે તે ઉપનિષદ્, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતા છે. વૈદિક, દાર્શનીક અને સ્માર્ત પ્રસ્થાન, મંત્ર-સૂત્ર-શ્ર્લોકોમાં ભગવાનની જ વાણી છે. તેના ગુણગાન, અનુષ્ઠાન અને નિત્ય અભ્યાસ દ્વારા સમસ્ત લોકો, વિશ્ર્વભરના લોકો, આલોક-પરલોક સુધી વિસ્તરીત સમુદાયના કલ્યાણ માટે આ ગ્રંથોની સાચી સમજ, પરિચય ચિંતન અને ટીકા દ્વારા મેળવી શકાય.
શરીર એ પ્રકૃતિનું અંગ અને સ્વ એ ઈશ્ર્વરનો અંશ. આ સમજની કેળવણીને આધ્યાત્મનો માર્ગ. આ પ્રવાહમાં નવધા ભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિના સુભગ સમન્વયથી ઈશ્ર્વર સાથેનો એકાકાર પ્રસ્થાપિત થાય. માર્ગ ઘણો લાંબો છતાં સુનિશ્ર્ચિત છે. અખંડ, અનંત આનંદની ઊર્જા આપનારો છે. આત્મલક્ષી મહાપુરુષો આ માર્ગમાં આવ્યા પછી વિચલીત થયા નહીં. જેથી તેમની મતી, ગતી, રતી એક લક્ષ્યથી આગળ વધે છે. પ્રકૃતિ સાથે એક રસ. ઈન્દ્રિયોથી સતત પ્રભાવિત, મનનું દાસત્વ ભોગવતા મનુષ્યોને આધ્યાત્મિક પ્રયાણમાં જોડાવું એટલે ઘડિયાળનું લોલક અથવા હીંચકે ઝુલવાની સ્થિતિ, સતત અસ્થિર. તેમાંથી બહાર નિકળવાનો માર્ગ તે ભક્તિ, સત્સંગ, કથા, યજ્ઞ, અનુષ્ઠાન. જીજ્ઞાસુ મનુષ્યોનો આ સંદર્ભે ગુરુજનો સાથે વાર્તાલાપ કે અભ્યાસુ તથા વિદ્વાન શ્રેષ્ઠીઓનો સમૂહ આ સંદર્ભે ચિંતન કરે તે જ સાચો આનંદોત્સવ.
શિવાનંદ આશ્રમ, અમદાવાદમાં બ્રહ્મલીન સ્વામી ચિદાનંદજીની જન્મશતાબ્દી સમારોપ પ્રસંગે, ઈતે સાધુ, ઉતે સાધુ, (અહીં-ત્યાં બધેય) સાધુઓ વચ્ચે કેટલાક ભક્તો-જીજ્ઞાસુઓ સાથે અમને ય આ ચિંતનમાં જોડાવાનો લ્હાવો મળ્યો. ચિંતન અને અભિવ્યક્તિઓની શ્રૃંખલા અને શ્રેષ્ઠતા સમજતાં, તેના અંશો આપ સહુ વાચકો સમક્ષ રજૂ કરી કૃતાર્થ થવાના ભાવનું પરિણામ જ આ આધ્યાત્મ વિશેષાંક છે.
વૈદિક પરંપરામાં યથાર્થ જીવન માણતાં સાધુ પુરુષોનાં જીવન મૂલ્યોમાંથી, સૌને પ્રેરણા મળશે તે જ અભિલાષા.