ગુરુ શિષ્ય સંબંધ યોગ : પૂ. સ્વામી શ્રી વિદિતાત્માનંદજી મહારાજ

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


ગુરુ શિષ્ય સંબંધ એ અજોડ સંબંધ છે. અર્થાત્ કોઈ અન્ય સંબંધ એની તુલના ના કરી શકે. આમ તો માતા-સંતાનના સંબંધને શ્રેષ્ઠ સંબંધ માનવામાં આવે છે, કારણ કે તેમાં નિ:સ્વાર્થ પ્રેમ છે. છતાં માતા-સંતાનનો સંબંધ પણ ગુરુ-શિષ્યના સંંબંધની તુલના ન કરી શકે, કારણ કે ગુરુને કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. ગુરુ શાસ્ત્રમાં પારંગત છે, નિષ્પાપ છે. કામનાના પ્રભાવથી રહિત છે, નિષ્કામ છે, અહેતુકી દયાના સાગર છે.
વિવેક ચૂડામણિમાં આદિ શંકરાચાર્યજીએ સુંદર લખ્યું છે. ગુરુની દયાનું કારણ શું છે ? શા માટે દયા કરે છે? આપણામાં કંઈ પામવાની સૂક્ષ્મ ગણતરી હોય છે, આપણા વ્યવહારમાં વ્યક્તિગત ઇચ્છા હોય છે. જ્યારે ગુરુ કારણ વગર દયા દર્શાવે છે. કશી વસ્તુ કારણ વગર ક્યારે હોય ? સ્વભાવ હોય ત્યારે. તમે પૂછો સૂર્ય તેજસ્વી કેમ છે ? અગ્નિ ગરમ કેમ છે ? વાયુને વહન કેમ છે? એ એમનો સ્વભાવ છે. એ જ રીતે ગુરુનો દયા દાખવવાનો સ્વભાવ છે. એના દયા-કૃપા-પ્રેમમાં કોઈ કામના નથી. નિષ્કારણ છે.
જેણે પોતાને ચિદાનંદ‚પ, શિવસ્વ‚રૂપ, આનંદસ્વ‚પ જાણ્યું છે. તે આનંદમાં પ્રતિષ્ઠિત છે. આવા મહાપુરુષો આનંદથી પૂર્ણ છે. જેમને કાંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી. જે હોય સ્વાભાવિક હોય. કાંઈ પ્રાપ્તિની જ‚ર જ નથી. ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું, ‘હે અર્જુન ! આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાની મહાપુરુષોની પાસે જા. એમને દીર્ઘ નમસ્કાર કર. એમની સેવા કર. એમને પ્રસન્ન કર.’
શિષ્યના પક્ષે શું હોય ? શિષ્યને પૂરી શ્રદ્ધા છે. વિશ્ર્વાસ છે - હું સલામત છું. મારો કોઈ લાભ લેવાવાનો નથી. મારે કાંઈ ગુમાવવાનું નથી. પ્રાપ્ત જ કરવાનું છે. દીર્ઘ નમસ્કાર શ્રદ્ધાનું પ્રતીક છે. ગુરુ દયાના સિંધુ સમાન છે. જે હિત કરનારા છે. તે શિષ્ય ઉપર અહેતુકી કૃપા વરસાવ્યા જ કરે છે અને પ્રશાંત ચિત્તવાળો, ક્ષમા સંપત્તિ ધરાવનારો, અધિકારી શિષ્ય પ્રાપ્ત થાય ત્યારે ગુરુને પણ કોઈપણ પ્રકારનો વિકલ્પ રહેતો નથી. ગુરુએ તેને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરવો જ જોઈએ.
ગુરુ માત્ર પ્રેમથી કરુણાથી પ્રેરાયેલા હોય છે. શિષ્ય શ્રદ્ધાથી સમર્પિત છે. આ જગતમાં આવો બીજો કોઈ સંબંધ છે ? મા કદાચ દીકરાને પ્રેમ કરતી હોય તો પણ એની ઘણી મર્યાદા હોય. મા બાળકને ઘોડિયામાં સુવાડતી હોય. ઘોડિયું ઝુલાવે. ગાતી હોય, પણ પછી પણ બાળક સૂએ નહીં તો જોરજોરથી ઝુલાવા લાગે અને પછી તો ઘોડિયા પર ધક્કા પણ મારતી જાય. મર્યાદા છે. પાછી અંદર કંઈ અપેક્ષા પણ હોય. ગુરુને કોઈ અપેક્ષા નથી.
શિષ્યના ત્રણ પ્રકાર છે : ઉત્તમ શિષ્ય: જે ગુરુના કહ્યા વગર જ એ શું ઇચ્છે છે સમજી જાય. મધ્યમ શિષ્ય : જે ગુરુ કહે તે પ્રમાણે કરે. અધમ શિષ્ય : જે ગુરુના કહ્યા છતાં ન કરે. ગુરુ પાસે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અધિકારી પણ આવી શકે, પણ જે પૂરા તૈયાર ન થયા હોય, બુદ્ધિનો વિકાસ ન થયો હોય, ગુરુજીના પ્રવચન સમજી શકે તેમ ન હોય છતાં પણ એ સેવા તો કરી જ શકે. શિષ્યના પક્ષે બોધ પ્રાપ્ત કરવું. એટલું જ નથી. ગુરુ ઉપદેશ કરે ને અમલમાં મૂકવું તે જ ખરી સેવા. એનું કલ્યાણ થાય જ, પણ બધા શિષ્યો એવા નથી હોતા. કહે કંઈ અને કરે કંઈ. ગુરુની હાલત ઘણીવાર બહુ ખરાબ થાય. ગુરુએ ઘણા આઘાત સહન કરવા પડે છે.
એકવાર ઋષિઓની સભામાં વિવાદ થયો. કયા દેવ શ્રેષ્ઠ ? બ્રહ્મા, વિષ્ણુ કે શિવ ? નક્કી થયું ત્રણે દેવતાઓની કસોટી કરો. ભૃગુઋષિ બ્રહ્માજી પાસે ગયા પણ પ્રણામ ના કર્યા. ભૃગુઋષિ બ્રહ્માજીના પુત્ર થાય. બ્રહ્માજી ખૂબ ગુસ્સે થયા. મારો પુત્ર થઈને મને પ્રણામ નથી કરતો ? આ અનુભવ કરી તે શિવજી પાસે ગયા. ‚દ્ર પણ બ્રહ્માજીના લલાટમાંથી જન્મ્યા છે. માટે ભૃગુઋષિના ભાઈ થાય. એ નાતે તે શિવજીને ભેટવા ગયા. શિવજીએ તેમની આ હરકત બદલ ગુસ્સે થઈને ત્રિશુલ લીધું. પછી તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેઓ શૈષશય્યા પર યોગનિદ્રામાં બિરાજમાન હતા માટે તેમનાથી ભૃગુઋષિનું સન્માન ન થઈ શક્યું. ભૃગુઋષિ ગુસ્સે થઈ તેમની છાતી પર લાત મારે છે. ભગવાને તરત તેમના ચરણ પકડી લીધા અને ક્ષમા માગવા લાગ્યા, ‘હે ઋષિ ! મારી છાતી કઠોર છે, આપના ચરણ કોમળ છે, આપને વાગ્યું હશે. હું માફી માંગુ છું.’
ગુરુ તો વિષ્ણુની જેમ લાત ખાવા તૈયાર હોય છે. બ્રહ્માની જેમ અપમાન સહન કરવા અને મહેશની જેમ વિષપાન કરવા તૈયાર હોય છે. આ પદવી એમ ને એમ નથી મળતી. ગુરુના હૈયે એક જ વાત હોય છે, શિષ્યનું કલ્યાણ કેમ થાય ?
આવા ગુરુ હોવા, આવા શિષ્ય બનવું મહાન સદ્ભાગ્ય છે. અનેક પ્રકારનાં પુણ્યો કર્યાં હોય તો મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષોની સંગતિ પ્રાપ્ત થાય.
0 0 0
(અધ્યાત્મ વિદ્યામંદિર, તત્ત્વતીર્થ)