કૃષ્ણ વિના બીજું સર્વ કાચું : પૂ. સ્વામી શ્રી કૃષ્ણમણિજી મહારાજ

    ૧૪-ઓક્ટોબર-૨૦૧૬


‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જ્યમ શ્ર્વાન તાણે’

શ્રીકૃષ્ણને સર્વસ્વ માનનારા, અનુભવ કરનારા ઘણા મહાપુરુષો થયા. મધુસૂદન સરસ્વતીજી સંન્યાસ પરંપરાના હતા. તેમની ભક્તિ જાગી. કંઈ મેળવવા માટે મથતા ગયા. અંતે કૃષ્ણનાં દર્શન થાય છે અને કહે છે : ‘કૃષ્ણથી પાર કોઈ તત્ત્વ હોય તો તેને હું જાણતો નથી. મેં આટલું જ જાણ્યું છે.’ શ્રીકૃષ્ણના સ્વ‚પનું વર્ણન કરતાં કહ્યું છે - કૃષ્ણજીના હાથમાં બંસી છે. બંસી પ્રેમના પ્રતીક તરીકે ઓળખાય છે. એને સાંભળીને ગાયો મંત્રમુગ્ધ થઈ જાય, વૃક્ષો, લતાઓ ઝૂમી ઊઠે છે, ગોપીઓ સુધબુધ ખોઈ બેસે છે. શ્રીકૃષ્ણ ઊભા છે. એમની આભા માનો કે જલાશયના જળ જેવી પારદર્શક છે. તેઓ પીતાંબરધારી છે. તેમનું મુખકમલ ચંદ્ર સમાન પૂર્ણતાને પરિવાસિત કરે છે. નેત્રકમલ જ્યારે વિકસે છે. ત્યારે બધાને ફરીથી પ્રાણ આપતા હોય એવું લાગે છે.’ આવાં દર્શન મધુસૂદન સરસ્વતીને થાય છે અને કહી બેસે છે - ‘બસ, કૃષ્ણ છે તો બધું છે, અન્યથા બધુ વ્યર્થ છે.’ આવી ચર્ચા મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પણ કરી છે. નરસિંહ મહેતા જેવા કવિ-ભક્ત પણ કહે છે કે જ્યારે ભક્તનો ભાવ અંતરમાં પ્રગટ થયો, એ શબ્દો દ્વારા વ્યક્ત થયો ત્યારે તેઓ કવિ બન્યા. જગદીશ્ર્વરને કંઈ ગમે અને આપણને કદાચ ન ગમે તો પણ તેનો અફસોસ નહીં કરવાનો.
એક દરિયાઈ યાત્રામાં ઘણા લોકો યાત્રા કરી રહ્યા હતા. તેમાં બે સંત હતા. આગળ ગયા પછી દરિયામાં તોફાન આવ્યું. નાવને કિનારે પહોંચાડવાનું મુશ્કેલ હતું. મોજાં છલકાઈ છલકાઈને નાવમાં આવે છે. બધા લોકો ગભરાયા અને બચવા માટે પોતપોતાની રીતે પ્રાર્થના કરવા લાગ્યા. સંતોએ પણ જોયું. એમણે વિચાર કર્યો કે ભગવાનની આ ઇચ્છા છે એટલે તેમણે અંજલિમાં પાણી ભરી ભરીને નાવમાં નાંખવા માંડ્યું. થોડીવાર સુધી આમ ચાલ્યું. પછી બધું શાંત થઈ ગયું. પાણી નાવમાં આવવાનું બંધ થઈ ગયું. હવે સંતો નાવમાં આવેલું પાણી ઉલેચીને બહાર ફેંકવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા, ‘થોડીવાર પહેલા તો તમે પાણી અંદર નાંખતા હતા. હવે કેમ ઉલેચો છો?’ સંતોએ કહ્યું, ‘એ પ્રભુની ઇચ્છા છે. પ્રભુને ડુબાડવા હોય તો ખરખરો શું કરવાનો ! જગદીશને ગમે તેમાં ખરખરો નહીં કરવાનો. નાવ જલદી ડૂબી જાય, એમને કષ્ટ ઓછું પડે માટે પાણી અંદર નાંખી એમને મદદ કરતા હતા, પણ બધું શાંત થઈ ગયું. એ તો પ્રભુ આપણી કસોટી કરતા હતા. અમને ખ્યાલ આવી ગયો કે એ ડુબાડવાના નથી. માટે એમની ઇચ્છાને માન આપી પાણી બહાર કાઢી રહ્યા છીએ.’
પ્રભુની ચાહના એમાં આપણી ચાહના. એ તાર સંધાઈ જાય તો નરસિંહ મહેતા બની શકીએ. એના સ્વરને ઝીલી શકીએ. કૃષ્ણ સર્વસ્વ છે. બીજું સર્વ કાચું.


0 0 0
શ્રીકૃષ્ણ પ્રણામી મંદિર, જામનગર