સાધન નહીં, આત્મીયતા જ સંઘ કાર્યનો આધાર : પ.પૂ. મા. શ્રી મોહનજી ભાગવત

    ૨૫-નવેમ્બર-૨૦૧૬


દિલ્હી ખાતે નવા સંઘકાર્યાલયના નિર્માણનો શુભારંભ
પ. પૂ. સરસંઘચાલક મા. મોહનજી ભાગવતનાં વરદ્હસ્તે ભૂમિપૂજન


તા. ૧૩મી નવેમ્બર ૨૦૧૬ના શુભ દિને દિલ્હી ખાતે કેશવ સ્મારક સમિતિના નવા ભવન કેશવકુંજ સંઘ કાર્યાલયના નિર્માણનો શુભારંભ થયો. રા.સ્વ. સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતના કરકમળો દ્વારા ભૂમિપૂજન યોજાયું. સંઘના અનેક અધિકારીઓ, કાર્યકર્તાઓ, સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રસંગે મા. સરસંઘચાલકજીનું મીય ઉદ્બોધન પ્રાપ્ત થયું. પ. પૂ. સરસંઘચાલકજીએ જણાવ્યું કે, જ્યારે આપણે આપણું કાર્ય શરૂ કર્યું ત્યારે આપણે સાધનહીન અવસ્થામાં હતા. આજે પણ સાધનહીન અવસ્થામાં કામ કરવાની આપણી શક્તિ છે, અને તૈયારી પણ છે, કારણ કે આપણા કાર્યનો એ સ્વભાવ છે. ડૉ. સાહેબ જે કાગળ પર પત્ર લખતા હતા તેના શીર્ષકમાં એક મુદ્રિત પંક્તિ રહેતી. "‘‘क्रिया सिद्धि सत्वे भवती नोपकरणे’ એટલે કે કાર્યની સિદ્ધિ તો કાર્યકર્તાઓના સત્વના ભરોસે હોય છે. ઉપકરણોનું મહત્ત્વ નથી હોતું. કાર્ય આપણે શરૂ કર્યું ત્યારે આપણે વિચાર ન હોતો કર્યો કે આપણી પાસે સાધનો કેટલાં છે અને કયા કયા સાધનોની આપણને જરૂર પડશે. આપણો દેશ, સમાજ અને તેની દુરાવસ્થા અને દુ:ખ જ આપણી પ્રેરણા હતી અને જેમ કોઈ આપ્તજનની મુશ્કેલીમાં દોડી પડે એમ આપણે દોડ્યા. એ જ ઉત્કટ આત્મીયતા આજે પણ આપણને દોડાવી રહી છે. આપણને કોઈ જ સાધનોની જરૂર નથી માટે આપણું ભવન બનશે. એવું કહેવાઈ રહ્યું છે કે તેમાં મુખ્યત્વે સ્વયંસેવકો રહેશે, પરંતુ સંઘની પોતાના નામે કોઈ જ મિલકત નથી. જુદાં જુદાં સેવા કાર્યો કરનારા ટ્રસ્ટોનાં ભવન સ્થળો છે. આ પણ એવું જ ભવન રહેશે, પરંતુ વિધિવિધાન મુજબ નિર્દોષ વ્યવસ્થા અને તેનું સંપૂર્ણ પાલન થાય એવી વ્યવસ્થા કરવી જરૂરી છે, એ જ સ્વયંસેવકોનો સ્વભાવ છે. સ્વયંસેવકે એમ જ ચાલવાનું છે, પરંતુ આપણે જાણીએ છે તેમ આ પ્રકારનાં ભવનોને ત્યાંના સ્વયંસેવકો અને સમાજ પણ સંઘ કાર્યાલય તરીકે જ ઓળખે છે. આજે આપણી એ સ્થિતિ છે કે જો જરૂર પડી તો તે જ‚રિયાત પૂરી કરી શકીએ. એટલું ભેગું કરી શકીએ છીએ. અને આપણે તે મેળવીએ પણ છીએ. કામ કરવા માટે જેટલું જરૂરી છે તેટલું જ જોઈએ. અગાઉ કાંઈ જ નહોતું છતાં આપણે કામ કર્યું. અત્યારે આપણી પાસે હોય તેના કારણે આપણા કાર્યમાં વૃદ્ધિ થાય. સુવિધા થાય તો આપણે તે કરીશું. પરંતુ મહત્ત્વની વાત તે આપણે એ સાધનો પર નિર્ભર નથી રહેવાનું. સંઘ કાર્યાલય એટલે શું ? તે માત્ર ભવન જ હોવું જોઈએ. સંઘની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણી પાસે નાગપુરમાં એક પણ કાર્યાલય નહોતું. મોહિતેમાં જે શાખા લાગી તે એક જૂનો વાડો હતો. તેના ખંડેરમાં બે-ત્રણ કમરા સાફ કરી તેમાં આપણું કાર્ય ચાલતું. ડૉ. સાહેબ સવારે મહોલ્લાના એક ઘરમાં તો બપોરે મહોલ્લાના બીજા ઘરમાં એમ બેઠક કરતા હતા અને ત્યાથી જ સંઘનું કામ ચાલતું, બાકી સમયે તે પોતાના ઘરે જ રહેતાં હતા. ત્યાં પણ બેઠકો થતી. બાદમાં ત્યાં એક દશોત્તર નામના સજ્જન હતા. તેઓએ પોતાના વાડામાં એક ખંડ ખાલી કરી આપ્યો. ભાડા વગર ઘણા બધા દિવસો સુધી સંઘનું કાર્યાલય ત્યાં ચાલ્યું. બાદમાં ધીરે ધીરે આજે જ્યાં કાર્યાલય છે તેની જમીન આપણને મળી અને ૧૯૪૦માં આપણે જરૂરિયાત મુજબનું ભવન બનાવ્યું. ભવનો બની રહ્યાં છે એ આપણા માટે આનંદની વાત છે. કેવી રીતે બનશે અને કેવું બનશે એવી ઉત્સુકતા રહેવી પણ સ્વાભાવિક છે, પરંતુ જેમ આપણને ખબર છે તેમ કે આપણે માત્ર ભવનને જ સંઘ કાર્યાલય નથી કહેતા. કાર્યાલય એ એક વાતાવરણનું નામ છે. કેશવ સ્મારક સમિતિના ભવનમાં સંઘ કાર્યાલયનું કામ ચાલશે. બની શકે કે જેમ કેશવકુંજની સાથે સાથે ઇતિહાસ સંકલન સમિતિનું કાર્યાલય હતું, સંસ્કૃત ભારતીવાળા હતા, એવાં અનેક સંગઠનોના નામ પટ્ટા અહીં જોવા મળતા હતા. તેવા જ અહીં પણ હશે. આપણે બધા જાણીએ છીએ કે આપણા બધાનો એક પરિવાર છે અને તે કુટુંબમાં આત્મીયતા વાસ કરે છે. પરસ્પરના સંબંધોમાં પવિત્રતા રહે છે. ભારતમાતાની પૂજાની પવિત્રતા અહીંના સમગ્ર વાતાવરણમાં અનુભવાય છે. સ્વયંસેવકો મળીને આ ભવનને સંઘ કાર્યાલય બનાવશે. કાર્યાલયનું આ ભવન બનીને તૈયાર થઈ ગયા બાદ બની શકે કે ગૃહપ્રવેશનો એક કાર્યક્રમ પણ રાખવામાં આવે, પરંતુ ત્યારે પણ કાર્યાલયનું કામ પૂર્ણ થયું એવું માનવામાં નહીં આવે, કારણ કે કાર્યાલયના ભવનની અંદર કાર્યાલયની સૃષ્ટિની રચના કરવી એ આપણે તમામ લોકોએ ભેગા મળી કરવાનું છે. તે જ આત્મીયતા, તે જ પવિત્રતા, તે જ શુચિતા, તે જ પ્રેરણા, તે જ સ્વચ્છતા જે આપણી પરંપરા આ ભવનમાં પણ એવું વાતાવરણ બનશે તો તે નામ સાર્થક બનશે. હાલ શિલાન્યાસ દરમિયાન આપણે મનમાં તૈયારી કરી રહ્યા હોઈશું કે કરી ચૂક્યા હોઈશું કે આ ભવન માટે પરિશ્રમ અને દ્રવ્યની વ્યવસ્થા આપણે કરવાની છે, પરંતુ સાથે-સાથે એની પણ તૈયારી કરીએ કે જે નવું ભવન બનશે તેમાં સંઘ કાર્યાલય તે પ્રકારના ભાવોની પરિપૂર્તિ કરી આપણે બધા ભેગા મળી બનાવશું. તમામ સ્વયંસેવકો માટે અને સમાજ માટે, તમામ લોકો માટે તે એક પવિત્રતાનું, પ્રેરણાનું, શુચિતાનું, આત્મીયતાનું કેન્દ્ર બને. તેની ચિંતા પણ આપણે જ કરવાની છે. આ દાયિત્વ આપણા શીરે લઈ આપણે તમામ લોકો તૈયારી કરીએ.
સમારોહમાં સરકાર્યવાહ સુરેશ સોનીજી, દિલ્હી પ્રાંત સંઘચાલક કુલભૂષણ અહૂજાજી, પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીજી, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, અમિતભાઈ શાહ, ડૉ. હર્ષવર્ધન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.