ચરૈવેતિ... ચરૈવેતિ

    ૧૯-ફેબ્રુઆરી-૨૦૧૬


અયોધ્યાના રાજા હરિશ્ર્ચંદ્રનાં લગ્ન થયે ઘણો સમય થયો, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. આનો ઉપાય શોધવા માટે તેઓ મહર્ષિ નારદ અને પર્વતને મળ્યા. મહર્ષિ નારદે કહ્યું, "વરુણદેવની આરાધના કરો. પુત્રપ્રાપ્તિ થશે.
રાજાએ વરુણદેવની આરાધના શ‚ કરી અને જો પુત્ર પ્રાપ્ત થાય તો યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. થોડા સમય પછી પત્ની તારામતીની કૂખે પુત્રનો જન્મ થયો, તેનું નામ રોહિત પાડ્યું. રાજા વરુણદેવને આપેલા વચન મુજબ તેઓ યજ્ઞ કરવાનું ભૂલી ગયા. વરુણદેવે રાજાને પોતાનું વચન યાદ કરાવ્યું ત્યારે હરિશ્ર્ચંદ્રે કહ્યું, "જ્યાં સુધી બાળકના દાંત ન આવે ત્યાં સુધી યજ્ઞ કરાવવો યોગ્ય નથી.
રોહિતને દાંત ફૂટ્યા એટલે વરુણદેવે ફરીથી રાજાને પ્રતિજ્ઞા યાદ દેવડાવી. હરિશ્ર્ચંદ્રે કહ્યું, "હજુ તો બાળકને દૂધિયા દાંત છે તે તૂટીને નવા દાંત આવશે એટલે યજ્ઞ કરાવીશ.
રોહિતને દૂધિયા દાંત તૂટીને નવા દાંત આવ્યા. ફરીથી વરુણદેવે તેને પ્રતિજ્ઞા યાદ દેવડાવી. હરિશ્ર્ચંદ્રે કહ્યું, "રોહિત ક્ષત્રિય કૂળનો બાળક છે, તે જ્યાં સુધી કવચ ધારણ ન કરે ત્યાં સુધી યજ્ઞ કરવો ઠીક નથી. આમ કરતાં રોહિત સત્તર વર્ષનો થયો. તેણે કવચ-કુંડળ ધારણ કર્યાં. વરુણદેવે તેને પ્રતિજ્ઞા યાદ દેવડાવી. હવે હરિશ્ર્ચંદ્ર કોઈ બહાનું કાઢી શકે તેમ નહોતા. રાજાએ યજ્ઞની તૈયારીઓ શ‚ કરી. તેણે પોતાના પુત્ર રોહિતને બોલાવી કહ્યું, "તું વરુણદેવની કૃપાથી પ્રાપ્ત થયો છે એટલે મારી પ્રતિજ્ઞા મુજબ યજ્ઞ કરવાનો છે.
પરંતુ રોહિતને આ વાત ઠીક લાગી નહીં. તે પોતાનાં ધનુષ-બાણ લઈને જંગલમાં ચાલ્યો ગયો. રાજાની પ્રતિજ્ઞા અધૂરી રહી ગઈ. વરુણદેવ કોપાયમાન થયા. તેના ક્રોધથી રાજાને જલોદરનો રોગ થયો. તેનું શરીર રોગીષ્ઠ બની ગયું. જંગલમાં રોહિતને પોતાના પિતાની બીમારીના સમાચાર મળ્યા એટલે તે અયોધ્યા આવવા નીકળી પડ્યો, પરંતુ ઇન્દ્ર તેની પરીક્ષા કરતા હોય તેમ રસ્તામાં પુરુષ‚પે પ્રગટ થયા અને તેને અમૂલ્ય ઉપદેશ આપવાનું વચન આપ્યું. રોહિત જંગલમાં જ રોકાઈ ગયો અને ઇન્દ્રનો ઉપદેશ સાંભળવા લાગ્યો. આ ઉપદેશ હતો, "ચરૈવેતિ ચરૈવેતિ. અર્થાત્ ચાલતા રહો... ચાલતા રહો...
ઇન્દ્રે કહ્યું, "મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે માણસને પરિશ્રમથી લોથપોથ થયા વિના ધનસંપત્તિ પ્રાપ્ત થતી નથી. નવરો બેઠેલો માણસ પાપોનું પોટલું બાંધે છે. ઇન્દ્ર એનો જ મિત્ર છે જે સતત ચાલતો રહે છે, જે નિરાશ થઈને થાકીને બેસી જાય છે તેનો નહીં. માટે ચાલતા રહો...
બીજો ઉપદેશ આપતાં કહ્યું, ‘જે વ્યક્તિ ચાલતો રહે છે તેનું શરીર અને આત્મા વૃદ્ધિગત થઈ સારું આરોગ્ય ભોગવે છે, તેમજ ધર્મસ્થળોમાં સતત ચાલતા રહેનારનાં પાપો નષ્ટ થાય છે.’
બેસવાવાળાનું ભાગ્ય બેસી જાય છે. ઊઠવાવાળાના ભાગ્યનો ઉદય થાય છે. સૂવાવાળાનું ભાગ્ય સૂઈ જાય છે અને ચાલવાવાળાનું ભાગ્ય પ્રતિદિન ચમકવા લાગે છે, માટે ચાલતા રહો... ચાલતા રહો...
ઇન્દ્રે ત્રીજો ઉપદેશ આપ્યો, "સૂવાવાળો (પ્રમાદી) વ્યક્તિ જાણે કળિયુગમાં રહે છે. આળસ ખંખેરનાર વ્યક્તિ દ્વાપરમાં પહોંચી જાય છે. ઊઠીને ઊભો થનાર વ્યક્તિ ત્રેતાયુગમાં પહોંચી જાય છે, તેમજ આશા અને ઉત્સાહથી ભરપૂર પોતાના લક્ષ્ય પર સતત ચાલનારો વ્યક્તિ સતયુગમાં પહોંચી જાય છે માટે ચાલતા રહો... ચાલતા રહો...
ઇન્દ્રે આગળ ઉપદેશ આપતાં કહ્યું, "ઊઠીને કમર કસીને ચાલવાવાળા પુરુષને મધુ (મધ) મળે છે. નિરંતર પુરુષાર્થ કરનાર જ સ્વાદિષ્ટ ફળોનો આનંદ લઈ શકે છે. આકાશના સૂર્યદેવતાને જુઓ, જે સતત ચાલતા રહે છે. એક સેકંડ પણ આળસ કરતા નથી. એટલા માટે જિંદગીમાં ભૌતિક અને આધ્યાત્મિક સુખ મેળવવા માંગતો મુસાફર મુશ્કેલીઓનો સામનો કરી સતત ચાલતો રહે... આગળ વધતો રહે.
રોહિત આ ઉપદેશથી ખૂબ પ્રભાવિત થયો. તે ઘરે આવવા નીકળ્યો. રસ્તામાં પોતાના ત્રણ પુત્રો સાથે અજીગર્ત મુનિ મળ્યા. રોહિતે તેમને સો ગાયો આપવાનું વચન આપ્યું અને તેમના પુત્ર શુન: શેપને યજ્ઞ કરવા માટે પોતાની સાથે લઈ લીધો.
અયોધ્યા આવીને તેણે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યંુ, જેમાં વિશ્ર્વામિત્ર, જમદગ્નિ, અધ્વર્યુ જેવા ઋષિઓ પધાર્યા. વિશ્ર્વામિત્રના માર્ગદર્શનમાં યજ્ઞ થયો. વરુણદેવ પ્રસન્ન થયા અને રાજા હરિશ્ર્ચંદ્રને જલોદર રોગથી મુક્તિ મળી. યજ્ઞની સફળતાથી રોહિતનું જીવન પણ આનંદ અને ઉત્સાહથી સફળ થઈ ગયું. તેણે સદાચાર માટે સતત ચાલતા રહોનો મંત્ર ગાંઠે બાંધી લીધો.


સ્વધર્મનું અભિમાન


અમેરિકાના કનેક્ટિક્ટ રાજ્યમાં એક પટેલ પરિવાર રહેતો હતો. સંઘ વિચારમાં સંસ્કારિત આ પરિવાર વિશ્ર્વ હિન્દુ પરિષદ, હિન્દુ સ્વયંસેવક સંઘ વગેરે જેવાં કાર્યોથી સ્વભાવથી જોડાયેલો છે, સંસ્કારી છે. આ પરિવારના બંને બાળક હરીશ અને સતીશ ત્યાંની શાળામાં અભ્યાસ કરવા જવા લાગ્યા. હરીશે પોતાની અભ્યાસ પુસ્તિકાના મુખપૃષ્ઠ પર એક ઉત્તમ સ્વસ્તિકની આકૃતિ બનાવી. પોતાના ખંડમાં બેસીને તે આ આકૃતિમાં રંગ આપીને તેને સુશોભિત કરી રહ્યો હતો, તેની શિક્ષિકા, જે સંયોગથી યહૂદી હતી, એ જોવા આવી હતી કે બાળક શું કરે છે. સ્વસ્તિક જોતાં જ ખૂબ ક્રોધિત થઈ ગઈ, કારણ યહૂદી લોકો સ્વસ્તિકને હિટલરનું-નાઝીઓનું ચિહ્ન માને છે. હિટલર દ્વારા યહૂદી લોકો પર ખૂબ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ કારણથી તે સ્વસ્તિક ચિહ્નને સહન નથી કરી શકતા અને તેને ઘૃણાથી જુએ છે.
તે શિક્ષિકાએ તેની અભ્યાસ પુસ્તિકા છીનવી લીધી અને રાડ નાંખીને કહ્યું, "હરીશ, તારી પુસ્તિકા પર આ કેવું ખરાબ અને નિંદનીય ચિત્ર છે ? હરીશે આત્મવિશ્ર્વાસથી જવાબ વાળ્યો, "મેડમ, આ ખરાબ અથવા નિંદનીય સ્વસ્તિક નથી. આ તો અમારું શાંતિકારક અને પ્રગતિશીલ ધર્મચિહ્ન છે. હું આને કેવી રીતે ફાડી શકું? આ તો મારા માટે આદર તથા શ્રદ્ધાનો વિષય છે.
પરંતુ શિક્ષિકા માનવા તૈયાર ન થઈ. તેમણે કહ્યું, "આ ન હોઈ શકે. હું આના માટે તને વર્ગખંડમાં બેસવા નહિ દઉં. તું વર્ગખંડમાંથી બહાર ચાલ્યો જા. અન્ય હિન્દુ વિદ્યાર્થીઓએ પણ શિક્ષિકાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ શિક્ષિકા માનવા તૈયાર નહોતી.
ત્યારે હરીશે કહ્યું, "સારું, તમે મને તમારા વર્ગમાંથી બહાર મોકલો છો, હું આની જાણ મારા પિતાજીને કરું છું તેણે પિતાજીને ફોન કરીને આ વાત કહી. તરત જ પિતાજીએ વિદ્યાલયના પ્રધાનાચાર્યને ફોન કરીને શિક્ષિકાના અયોગ્ય વ્યવહારની ફરિયાદ કરી. અંતે શિક્ષિકાએ ક્ષમા માંગવી પડી. પોતાના ધર્મ અને ધાર્મિક ચિહ્નોનું અભિમાન આપણને હોવું જ જોઈએ.

પ્રશ્ર્નમંચ - ૨૪૪


૧. ‘સેલ્યુલર જેલ’ ક્યાં આવેલી છે ?
૨. જેતપુરની કઈ સાડીઓ વખણાય છે ?
૩. ‘ભરતનાટ્યમ્’ કઈ કળા છે ?
૪. ભવિષ્ય કહેવાની વિદ્યાને શું કહે છે ?
૫. જેએનયુ-નું પુરું નામ શું છે?
૬. લાલ અને પીળો રંગ મેળવવાથી કયો રંગ બને છે ?
૭. મીઠાના દ્રાવણમાં કયા દ્રવ્યો હોય છે ?
૮. અશ્ર્વમેધ યજ્ઞના ઘોડા કોણે બાંધ્યા હતાં?
૯. ડૉ. આંબેડકરજીની કેટલામી જન્મ જયંતી ઊજવાય રહી છે ?
૧૦. અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે ?