@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ટોળાંથી અલગ, એકલ ‘વીર’ સાવરકર

ટોળાંથી અલગ, એકલ ‘વીર’ સાવરકર

તારીખ ૨૬મી ફેબ્રુઆરી, ભારત માતાના એક પનોતા પુત્ર સ્વાતંત્ર્યવીર વીર સાવરકરની પુણ્યતિથિ છે. નીડર, જાંબાજ અને દેશભક્તિના પર્યાય સમા આ સિંહપુરુષના જીવનમાંથી યુવાનોને દેશભક્તિના અનેક પાઠ મળે છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે પ્રસ્તુત છે વીર સાવરકરના પ્રેરક જીવનનાં કેટલાંક અંશો...

પ્રસંગ - ૧




૧ જુલાઈ, ૧૯૦૯નો દિવસ. મદનલાલ ઢીંગરાએ કર્જન વાયલી નામના એક અંગ્રેજની છડેચોક હત્યા કરી નાખી. થોડા સમય બાદ ઇન્ડિયા હાઉસ ખાતે લૉર્ડ કર્જન વાયલીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હકડેઠઠ ભીડ જામી હતી. લોકો વાયલીનાં વખાણ અને હત્યા કરનારાની ટીકા કરી રહ્યા હતા. આગાખાન નામના એક વ્યક્તિએ ઊભા થઈને કહ્યું, ‘આ સભામાં સર્વસંમતિથી હત્યાની નિંદા કરવામાં આવે છે.’

આ વાત સાંભળીને સભામાં બેઠેલો પાતળા બાંધાનો, બેઠી દડીનો પચ્ચીસેક વર્ષનો એક યુવાન ઊભો થયો, ‘એક મિનિટ ! આ સભામાં હું પણ છું.’

આગાખાને કહ્યું, ‘હા, તો શું થયું ?’

‘આપે હમણાં જ કહ્યું કે, આ સભામાં સર્વસંમતિથી કર્જન વાયલીની હત્યાની નિંદા કરવામાં આવે છે, પણ હું હત્યાની જરાય ટીકા નથી કરતો. મારા સિવાય ભલે બધા ટીકા કરે. હું તો આ હત્યાને સર્વથા યોગ્ય ઠેરવું છું.’

સભામાં હાહાકાર મચી ગયો. લોકો સ્તબ્ધ થઈ ગયા. એક પચ્ચીસ વર્ષનો છોકરો નિર્ભયતાપૂર્વક બોલતો હતો, પણ કોઈની મજાલ નહોતી કે એની સામે અવાજ પણ કરી શકે. એનો બાંધો ભલે પાતળો હતો, પણ હૈયું મજબૂત હતું, એ બેઠી દડીનો ભલે હતો, પણ એની દેશભક્તિની ઊંચાઈ ખૂબ ઊંચી હતી. એ નીડર વીરનું નામ હતું સાવરકર... વિનાયક દામોદર સાવરકર.

એ વખતે ટોળાં વચ્ચે ડણક મારનાર એ એકલો સિંહપુ‚ષ હતો : એકલ ‘વીર’ સાવરકર.

0 0 0

પ્રસંગ - ૨


૨૬ વર્ષના વિનાયકનું એક એક રૂવાડું મા ભારતીની આઝાદી ઝંખી રહ્યું હતું. ૧૯૧૦નું વર્ષ હતું. લંડન અને પેરિસમાં રહીને પણ સાવરકર ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. અંગ્રેજોની છાતી પર ચડીને પ્રવૃત્તિઓ કરતા. આટલી યુવાન ઉંમરે તેમણે દેશભરમાં અખંડ હિન્દુસ્થાનના નિર્માણના સંકલ્પને ગાજતો કરી દીધો હતો. અંગ્રેજો હચમચી ગયા હતા. ૧૯૧૦ની ૮મી જુલાઈએ, પેરિસથી લંડન આવેલા સાવરકરને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓના કારણે ગિરફતાર કરવામાં આવ્યા હતા. બ્રિટનથી ભારત લાવવા માટે એક જહાજમાં તેમને લઈ જવામાં આવતા હતા. સમુદ્રની જેમ જ એમની છાતીમાં ભારત માતાની આઝાદીની આકાંક્ષાના મોજાં ઊછળી રહ્યાં હતાં. એમણે વિચાર્યંુ-જો હું જ મુક્ત નહીં હોઉં તો ભારત માતાને કોણ મુક્ત કરશે? કોણ ક્રાન્તિની મશાલ જલતી રાખશે?

આમ વિચારીને તેમણે જહાજમાંથી કૂદકો મારી અંગ્રેજોના હાથમાંથી છટકી જવાનો નિર્ણય કર્યો. કૂદકો માર્યો અને વાંભ વાંભનાં મોજાંને ચીરતા આગળ નીકળ્યા, પણ બદકિસ્મતી એવી હતી કે ફ્રાંસના માર્સેલ્સ બંદરે તેઓ પકડાઈ ગયા. ફ્રેંચ સરકારે સાવરકરને અંગ્રેજોને હવાલે કરી દીધા. કેસ થયો અને એમને ડબલ જનમટીપની સજા થઈ. એક જ જિંદગીમાં બે જનમટીપની સજાનો અન્યાય થયો. કારણ? કારણ કે અંગ્રેજો જાણતા હતા કે આ સિંહ છે, ૨૫ વરસે બહાર આવીને પણ એમને છોડશે નહીં.

જજ સાહેબે સજા સંભળાવતાં કહ્યું, ‘અંગ્રેજ સરકાર તમને ડબલ જનમટીપની સજા કરે છે. કાળાપાણીની સજા કરવામાં આવે છે. તમે હવે ૫૦ વર્ષ બાદ જેલમાંથી મુક્ત થશો.’

આ સાંભળી સાવરકર મંદ મંદ મુસ્કુરાયા. જજ સાહેબે ગુસ્સાથી પૂછ્યું, ‘હસો છો કેમ ?’

સિંહ ડણક મારતો હોય એમ સાવરકર બોલ્યા, ‘તમે મને ૫૦ વર્ષની સજા કરી, પણ શું અંગ્રેજો ૫૦ વર્ષ રાજ કરી શકશે ખરા ?’

સાવરકરે સણસણતો તમાચો માર્યો હતો. કોર્ટમાં હસાહસ થઈ ગઈ. જજ બોલ્યા, ‘માઈન્ડ યૉર લેંગવેજ. કોર્ટનો ફેંસલો આખરી છે. ડબલ જનમટીપ !’

સાવરકર બોલ્યા, ‘ચાલો, મને ડબલ જનમટીપ કરીને ઈસાઈયત સત્તાએ હિન્દુ ધર્મના પુનર્જન્મના સિદ્ધાંતને માન્યો તો ખરો ?!’

0 0 0


આ બે પ્રસંગો વીર સાવરકરનો મિજાજ, નીડરતા, દેશભક્તિ અને હિંમત બતાવે છે. સમાજમાં ઓછી અને જેલમાં વધારે વીતેલી એમની જિંદગીમાં આવા તો અનેક પ્રસંગો છે. એમની જિંદગી જાણીએ તો એમ લાગે જાણે એમની જિંદગીની એક એક ક્ષણ રોમાંચથી ભરપૂર હતી, એ રોમાંચ હતો ભારત માતાની આઝાદીનો.

મૂળ મહારાષ્ટ્રના નાશિકના ભગૂર ગામમાં રહેતા દામોદર પંત અને તેમનાં ધર્મપત્ની રાધાબાઈના ઘરે ૨૮મી મે, ૧૯૮૩ના રોજ જન્મેલા અને ૨૬મી ફેબ્રુઆરી, ૧૯૬૬ના રોજ દેશભક્તિના રંગે રંગાઈ આથમી ગયેલા વિનાયક દામોદર સાવરકર એટલે; ભારત માતાને સ્વતંત્ર કરવા માટે જાનફેસાની કરનારા વીર પુત્રોમાંના અગ્ર હરોળના પુત્ર. લોકોને ભલે પોપટપાઠ પઢાવવામાં આવ્યા હોય કે, આઝાદી ખૂનનો એક પણ કતરો વહાવ્યા વિના અહિંસાથી આવી છે, પણ વાત ખોટી છે. આ દેશની આઝાદી વીર સાવરકર જેવા અનેક સપૂતોનાં ગરમ ગરમ રક્ત રેડાયાં ત્યારે નીપજી છે.

જે યુવાનો દેશભક્તિ અને સમાજકાર્ય સાથે જોડાયેલા છે, જે નાની ઉંમરે પણ સોશિયલ મીડિયાનું વ્યસન છોડીને, ઇતિહાસનું સેવન કરે છે એવી પેઢી તો ચોક્કસ આ વીરની વીરતાથી અવગત હશે, પણ બાકીની પેઢી માટે કદાચ આ નામ ક્રાન્તિકારીઓની યાદીમાં આવતાં એક નામથી વિશેષ કંઈ નહીં હોય !

આજે ભારતની જ ભૂમિ પર ઊભા રહી, જે.એન.યુ.માં કુવિચારી કનૈયાઓ દેશવિરોધી નારાઓ લગાવી રહ્યા છે અને આપણા જ દેશના કેટલાક દેશદ્રોહીઓ એને સાથ આપી રહ્યા છે ત્યારે, આજના યુવાનોએ વીર સાવરકર જેવા નીડર ક્રાન્તિકારીને ઊંડાણપૂર્વક જાણવા જ‚રી છે. આજે જો દેશમાં વીર સાવરકર જેવા યુવાન હોત તો કોઈ કનૈયો દેશવિરોધી નારા લગાવવાની હિંમત ન કરી શક્યો હોત, કે ન તો કોઈ એને સાથ આપવાની પણ હિંમત કરી શક્યો હોત.

માત્ર સત્તાવીસ વર્ષની ઉંમરે દેશની આઝાદી માટે ડબલ જનમટીપની સજા વહોરનાર આ યુવાન સાવરકર આજના યુવાનોના આદર્શ હોવા જોઈએ. અહીં વાત હિંસાની નથી, હિંમતની છે. સાવરકરે માત્ર શાળાનો અભ્યાસ કરવાની ઉંમરે ગામના મુસ્લિમોની ભગૂરની મસ્જિદ પર હિંમતથી ઘા કરેલો અને મુસલમાનોની બાંગ બંધ કરાવેલી. એ હિંમત અને તાકાત એમનામાંથી શીખવાની છે. જૂઠી વાતનો વિરોધ કરવાની શક્તિ એમનામાંથી શીખવાની છે. આફતો વચ્ચે કેમ જીવવું ? એ પણ સાવરકર શીખવે છે અને યુવાનીનો ખરો ઉદ્દેશ શું હોય ? એ પણ શીખવે છે. સાવરકરની જિંદગી જાણશો તો ખ્યાલ આવશે કે આ વીરે પોતાની આખી જિંદગી માતૃભૂમિને સમર્પિત કરી દીધી હતી. ગુજરાતના વિખ્યાત લેખક ડૉ. શરદ ઠાકરની તેજીલી કલમે ‘સાધના’માં સાવરકરના જીવન પર આધારિત નવલકથા ‘સિંહ પુરુષ’ પ્રકાશિત થઈ ચૂકી છે. જેના પાને પાને સાવરકરની ડણક અને પ્રેરણા પડઘાય છે !

સાવરકરની જિંદગી જ યુવાનો માટે એક આદર્શ પ્રેરણાપથ છે. બાળપણથી લઈને જિંદગીનાં છેલ્લા શ્ર્વાસ સુધી એમણે જીવેલી જિંદગી યુવાનોને હિંમત, નીડરતા, દેશભક્તિ અને બીજા અનેક ગુણો શીખવે છે..... આવો એ જિંદગાની જાણીએ અને શીખ મેળવીએ...

વ્યાયામ શાળા - કમજોરીને દૂર કરો

પ્રચંડ પ્રતિભાધારી વિનાયકે બાળપણમાં જ આ દેશમાં કોમી હુલ્લડો જોયાં. તેણે જોયું કે હિન્દુ પ્રજા વારંવાર માર ખાય છે, કારણ કે તે શારીરિક, માનસિક અને એકતાની રીતે કમજોર છે. આ કમજોર પ્રજાને સૌથી વધુ કમજોર ધર્મ અને અધ્યાત્મવાળા બનાવે છે. પરલોકના નામે આ લોકથી ભગાડનારા અને હું શરીર નથી પણ આત્મા છું એવું બોલીને શરીરની ઉપેક્ષા કરાવનારા પ્રજાને દુર્બળ બનાવે છે. આથી સર્વપ્રથમ ગુમરાહ પ્રજાને બળવાન બનાવવી જ‚રી છે. તેમણે વ્યાયામશાળામાં જવા માંડ્યું અને શરીરને પથ્થર જેવું બનાવવા વ્યાયામ કરવા માંડ્યો.

હાડપિંજર જેવું શરીર હોય અને મહાન આત્માની વાતો કરે તે હાસ્યાસ્પદ કહેવાય. વિનાયકનું શરીર મજબૂત અને દૃઢ થવા લાગ્યું. સાવરકર જેમ યુવાનો આ માર્ગે વળે એ પણ એક સાધના છે.

દેશસેવા માટે કોઈ ઉંમર નાની નથી હોતી

વિનાયક ૧૦ વર્ષનો થયો ત્યારે માતા રાધાબાઈનું અવસાન થઈ ગયું. જે બાળકને માનું સુખ ન મળ્યું હોય તે અભાગિયું કહેવાય, પણ બધું તો આપણા હાથમાં નથી હોતું. પિતા દામોદર પંતે મા-બાપનો પ્રેમ આપી એમને સાચવ્યા. વિનાયકે માતા વિનાની જિંદગીનાં રોદણાં રોયા વિના જિંદગીમાં આગળ ધપતો રહ્યો. વિનાયક બચપણથી જ કવિતા રચતો. એટલે તે જન્મજાત કવિ હતો.

૧૮૯૪માં ચાફેકર બંધુઓએ (ત્રણ ભાઈઓ) "હિન્દુ ધર્મરક્ષિણી સભાની સ્થાપના કરી હતી, જે કમજોર થયેલી હિન્દુ પ્રજાનું રક્ષણ કરવાનું આંદોલન ચલાવતી હતી. આ રક્ષણ વિધર્મીઓના આક્રમણથી, અંગ્રેજ શાસકોના ત્રાસથી તથા અંદરો અંદરના અન્યાય, અસંગઠિતતા અને અવ્યવસ્થાથી કરવાનું હતું. વિનાયક આ સભામાં ભળ્યો, ત્યારે તેની ઉંમર ૧૩-૧૪ વર્ષની હશે. વ્યક્તિની કિશોરાવસ્થા તેના જીવનના વૈચારિક માળખાનો પાયો નાખવાની અવસ્થા છે. આ ઉંમરે જે કિશોર જ્યાં જોડાય છે ત્યાં તેનું ઘડતર થાય છે.

ત્યારે પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. કમિશનર મિ. રેન્ડ બહુ કઠોર અને ક્રૂર હતો, તેણે પ્લેગનાં જંતુઓને બાળી નાખવા મોટા પ્રમાણમાં લોકોનાં ઘરો બાળવા માંડ્યાં. લોકો નિરાધાર થઈને ધરતી ઉપર આવી ગયાં હતાં. પ્લેગ કરતાં આ રેન્ડના ત્રાસથી લોકો વધુ દુ:ખી થતા હતા. ચાફેકર બંધુઓએ સભા બોલાવી અને રેન્ડની કઠોરતાનો વિરોધ કર્યો પણ રેન્ડ ઉપર કશી અસર ન થઈ.

ચાફેકર બંધુઓએ પ્રજાને રેન્ડના ત્રાસમાંથી છોડાવવા તેને ગોળીએ ઠાર કર્યો અને છેવટે ત્રણે ભાઈઓને ફાંસીની સજા થઈ, ત્રણે બંધુઓ ફાંસીએ લટકી ગયા. ચૉરે અને ચૌટે ચાફેકર બંધુઓની જ વાતો ચાલે. ત્યારે ટિળક મહારાજ પણ લોકજાગૃતિનું કાર્ય કરતા હતા. આ બધી ઘટનાઓનો પ્રભાવ વિનાયક ઉપર પડ્યો. તે કુળદેવી દુર્ગામાતાના મંદિરે ગયો અને જીવનભર અંગ્રેજો સામે સંઘર્ષ કરીને તેમને ભગાડી, સ્વાધીનતા લાવવાની પ્રતિજ્ઞા કરી પાછો આવ્યો. આટલી નાની ઉંમરે દેશની સ્થિતિ વિશે ચિંતા સેવીને સાવરકર શીખવે છે કે દેશસેવા માટે કોઈ ઉંમર નાની નથી હોતી.

પશ્ર્ચિમીકરણનું આંધળું અનુકરણ છોડો

એ અરસામાં "બંગભંગની અસર પૂરા દેશ ઉપર પડી હતી. વિનાયકે સર્વપ્રથમ અંગ્રેજોનો વિરોધ કરવા પૂનામાં વિદેશી વસ્તુઓની હોળી કરી. આ કામ ગાંધીજીએ ઘણાં વર્ષો પછી કર્યું હતું. જેની શ‚આત તો વિનાયકે કરી હતી.

અંગ્રેજો ભારતમાંથી કાચો માલ વિલાયત લઈ જતા અને પાકો કરીને પાછો અહીં વેચતા. વિનાયકે વિદેશી માલની હોળી કરવા માંડી. આ એક વિચારધારા હતી. શત્રુપક્ષના અર્થતંત્રને તોડી પાડવાની કુનેહ હતી. વિનાયકની આવી પ્રવૃત્તિના કારણે તે સમયે ફર્ગ્યુસન કૉલેજના પ્રિન્સિપાલ મિ. પરાંજપેએ તેને કૉલેજમાંથી કાઢી મૂક્યો અને દશ ‚પિયાનો દંડ કર્યો. આ સમાચાર બહુ ઊછળ્યા. લોકોએ દંડ ભરવા માટે મનીઑર્ડર કરવા માંડ્યો. જે નાણાં આવ્યાં તે બધાં વિનાયકે સામાજિક સંસ્થાઓને આપી દીધાં. પશ્ર્ચિમીકરણના આંધળાં અનુકરણને ત્યજીને સ્વદેશી અપનાવવાની તાકાત આ પ્રસંગમાંથી મળે છે.

પરિવાર પછી, રાષ્ટ્રપ્રેમ પહેલાં !

વિનાયકની ક્રાન્તિકારી પ્રવૃત્તિઓને કારણે અંગ્રેજોની નજર વિનાયક ઉપર પડી. ગમે તે રીતે તે તેમને પકડવા માગતા હતા. વિનાયક ગુપ્તવાસમાં રહેવા ચાલ્યા ગયા અને દેશપ્રેમની કવિતાઓ રચવા લાગ્યા.

ચારે તરફથી આપત્તિઓ આવી હતી. તેઓ પેરિસ ચાલ્યા ગયા અને ત્યાં રહેવા માંડ્યા. જે પિસ્તોલથી નારાયણે કલેક્ટરની હત્યા કરી હતી તે ફ્રાંસની બનાવટની હતી, તેથી વિનાયક વગેરેને પણ આરોપી બનાવવામાં આવ્યા. તેમને પકડવાનું વૉરન્ટ પણ કાઢવામાં આવ્યું. છળકપટ કરીને તેમને લંડન આવવા લલચાવ્યા. લંડન પહોંચતાં જ વિનાયકની ધરપકડ કરી. તેમને બ્રિક્સ્ટન જેલમાં મોકલી દીધા.

વિનાયકના પત્ની અને એક પુત્ર ભારતમાં હતાં. સંપત્તિ બધી જપ્ત થઈ ગઈ હતી. કેવી દશા થઈ હશે ?! વિનાયક અહીં જેલમાં અને બંને ભાઈઓ દેશની જેલમાં. શું થયું હશે પરિવારનું ! કેટલો મોટો ત્યાગ ! પણ જરાય મચક ન આપી. ત્રણે સાવરકર ભાઈઓ સજાની રાહ જોઈ રહ્યા હતા.

વિનાયકનો એકનો એક દીકરો બીમારીમાં મરી ગયો. હવે શું રહ્યું ? પણ ના, ડગ્યા નહિ. પરિવારપ્રેમ-પત્નીપ્રેમ કરતાં પણ રાષ્ટ્રપ્રેમ મહાન હતો. ત્રણે જેલમાં અને પરિવારો બહાર સડતા રહ્યા, ત્યારે તેમની ઉંમર માંડ સત્તાવીશ વર્ષની હશે. ભરયુવાની દેશ ઉપર ન્યોછાવર કરી દીધી હતી આ યુવાને. પરિવાર પ્રેમથી ઉપર રાષ્ટ્રપ્રેમની ભાવનાને સાવરકરે સાર્થક કરી હતી.

યાતના... યાતના... યાતના

ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ માટે ૧૯૧૦માં વિનાયકને ડબલ જન્મટીપની સજા થઈ અને તેમને આંદામાન લઈ જવામાં આવ્યા, ત્યાંના સમુદ્રનું પાણી કાળા રંગનું હોવાથી લોકો તેને કાળા પાણીની સજા કહેતા. અહીં આવેલો કેદી કદી પણ ભાગી શકતો નહિ. સમુદ્રમાં ભાગે તો ડૂબીને મરી જાય અને જંગલમાં ભાગે તો નરભક્ષી જારવા તેને ફાડી ખાય. કેદીઓ બધી રીતે સુરક્ષિત હતા. તેથી અંગ્રેજોએ એક સાત પાંખડીવાવાળી બહુ મોટી જેલ બનાવી હતી, જેને "સેલ્યુલર જેલ કહેવાતી.

અહીં જેલમાં સાવરકર પાસે સખત મજૂરી કરાવવામાં આવતી. નાળિયેરનાં છોતરાં કૂટવાનું કામ અને પછી તેલની ઘાણી ચલાવવાનું કામ કરાવવામાં આવતું. જે ઘાણી બળદથી ચાલતી તેને માણસ ચલાવતો અને ૩૦ રતલ તેલ તો કાઢવું જ પડતું. જો ઘાણી ફેરવવામાં ઢીલાશ થાય તો ચાબુકથી ફટકારવામાં આવે !

સાવરકરને દમનો રોગ લાગુ પડ્યો. કામ ઘણું, ખોરાક પોષણ વિનાનો અને એકાકીપણું. એક કાળકોટડીમાં ટૂંટિયું વાળીને ચોવીસ કલાક બેસી રહેવું પડે. આ જ મોટી સજા કહેવાય. ગરમી, મચ્છર, માંકડ, જંતુઓનો પાર નહિ. એક ટમલર પાણી મળે. જે કરવું હોય તે કરો. સંડાસ-પેશાબ કોટડીમાં જ કરવાનો. ઉપરનું નરક આ જેલમાં આવી ગયું હતું. અધિકારી તપાસમાં નીકળે ત્યારે ગંદી ગંદી ગાળો સંભળાવતા રહે. આ બધું જ સાવરકરે સહન કર્યું. તેઓ કહેતા માતૃભૂમિ માટે આવી અનેક યાતનાઓ હું ભોગવીશ. મારા માટે માતૃભૂમિથી વિશેષ કંઈ નથી.

સાવરકરજીનું સૂત્ર હતું : રાજનીતિનું હિન્દુકરણ, હિન્દુઓનું લશ્કરીકરણ અને લશ્કરનું આધુનિકીકરણ. સાવરકરજીએ હિન્દુ શબ્દની અત્યંત પ્રેરક વ્યાખ્યા પણ આપી છે.

આ સિંધુ-સિંધુ પર્યતા:

યસ્ય ભારત-ભૂમિકા

પિતૃભૂ પુણ્યભૂશ્ર્ચૈવ

સ વૈ હિંદુરિતીસ્મૃત: !

સિંધુ નદીથી સિંધુ (સમુદ્ર) સુધીના આ વિશાળ ભારત દેશને જેઓ પોતાની પિતૃભૂમિ અને પુણ્યભૂમિ ગણે છે તે હિન્દુ છે.

આવી પ્રેરણા માટે એમના શબ્દો જ પૂરતાં છે.

જબ અંત સમય આયા તો...

સાવરકરને ૫૦ વર્ષ જેલમાં રહેવાનું હતું. હજી દશ જ વર્ષ થયાં હતાં. ત્યાં સમાચાર મળ્યા કે હવે તેમને, ગણેશને અને બીજા કેદીઓને ભારત લઈ જવામાં આવશે. અંતે તે બધા જહાજમાં સવાર થયા. પાંચમા દિવસે જહાજ ભારતની સીમામાં પ્રવેશ્યું. સૌએ "ભારત માતા કી જયનો નાદ ગજવ્યો. બધા મુંબઈ ઊતર્યા અને અલીપુરની જેલમાં ધકેલાઈ ગયા. બંને ભાઈઓને આઠ દિવસ અલીપુરની જેલમાં રાખીને જુદા કરાયા. વિનાયકને મુંબઈ લાવવા માટે ટ્રેન રવાના થઈ. લોકોને ખબર પડી ગઈ. બધાં સ્ટેશનોએ માનવ-મહેરામણ ઊભરાયો. નાસિકની તો વાત જ શી કરવી? ત્યાં તો ભીડ ઉપર લાઠીચાર્જ પણ કરવો પડ્યો.

મુંબઈથી વિનાયકને રત્નાગીરી લઈ જવાયા. પ્રબળ લોકમાનસને ધ્યાનમાં રાખીને, કેટલીક શરતો સાથે વિનાયક સાવરકરને જેલમાંથી મુક્તિ આપવામાં આવી. વીર સાવરકરની જેલમુક્તિથી પૂરો દેશ હિલોળે ચઢ્યો. સર્વત્ર જયજયકાર થઈ ગયો ! તેઓ રત્નાગીરી ગયા અને હિન્દુ મહાસભાની સ્થાપના કરી. ગમેતેમ કરીને હિન્દુ પ્રજાને બળવાન અને એકત્ર કરી સંગઠિત કરવાનો એ પ્રયત્ન હતો. તે સમયગાળા દરમિયાન સાવરકરે અસ્પૃશ્યતાનિવારણનું આંદોલન ચલાવ્યું. અસ્પૃશ્ય કહેવાતા બાળકોને જુદાં બેસાડતાં, તેમણે બધાને સાથે બેસતાં કર્યાં.

અંતે ૧૫-૮-૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો, પણ ભારતમાતાના બે ટુકડા થઈ ગયા. સાવરકરજીને આ ન ગમ્યું, પણ તે થઈ જ ગયું. દેશમાં ભારે હુલ્લડો થયાં, હજારો નહિ લાખો માણસોની કતલ થઈ. પાકિસ્તાને ૬૫ કરોડ ‚પિયાની માગણી કરી જે આપવા ગાંધીજીએ દબાણ કર્યું.

ગાંધીજીના વલણથી પૂરો દેશ સ્તબ્ધ હતો. હિન્દુ પ્રજા કકળી ઊઠી હતી. એવામાં નાથુરામ ગોડસે નામના યુવાને ગાંધીજીની ક્રૂર હત્યા કરી નાખી ! સર્વત્ર હાહાકાર થઈ ગયો. સરકારે હિન્દુત્વવાદી તત્ત્વોને પકડી પકડીને જેલમાં પૂરી દીધાં, જેમાં વીર સાવરકરની પણ ધરપકડ થઈ.

કોર્ટમાં કેસ ચાલ્યો. વીર સાવરકરજીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા.

થોડા સમય બાદ સાવરકરજીનાં પત્ની યમુનાબાઈ બીમાર પડ્યાં. આ મહાન સ્ત્રીએ કદી સુખ ભોગવ્યું જ નહિ, તે તો પહેલા દિવસથી પતિસુખથી તો વંચિત હતી, કારણ કે પતિ જ્યારે જુઓ ત્યારે જેલમાં જ હોય. ધનથી પણ દુ:ખી હતી, કારણ કે ત્રણે ભાઈઓ જેલમાં હતા તેથી કોઈ કમાનાર નહિ, સરકારે સંપત્તિ જપ્ત કરી દીધી હતી. શું શું નહિ વીત્યું હોય ? આ પરિવાર અને યમુનાબાઈ ઉપર ! અંતે આ મહાન સન્નારીએ કાયમ માટે આંખ મીંચી દીધી. સાવરકરજી ભાંગી પડ્યા. મૂંગી પત્ની પણ કેટલી મહાન હોય છે ? તેનું ઉદાહરણ યમુનાબાઈ હતું !

આખરે ૨૬મી ફેબ્રુઆરી, ૧૯૬૬ના રોજ પોતાના શરીરનો કણે-કણ અને જીવનની ક્ષણે-ક્ષણ દેશ માટે ન્યોછાવર કરી વીર સાવરકર વીરગતિને પામ્યાં !

અંગ્રેજોની અસહ્ય યાતનાં ભોગવીને ટોળાંઓ વચ્ચે આ એકલ ‘વીર’ સાવરકરે માતૃભૂમિની રક્ષા કરી. આ એકલવીરનો સૌથી મોટો સંદેશ તો એ જ છે કે ટોળાંઓ વચ્ચે પણ જે એકલો રહીને હિંમત દાખવી શકે એ જ ખરો વીર છે. એ જ નરસિંહ ‘વીર’ સાવરકર છે..!

 

ગુજરાતી ભાષાના તેજાબી લેખક ચંદ્રકાન્ત બક્ષીએ ૧૯૮૮માં સાવરકર વિશે લખેલા લેખના કેટલાંક અંશો...

૧૯૮૮માં મુંબઈના વીર સાવરકર રોડ પરથી બસમાં કે કારમાં કે ટેક્સીમાં પસાર થઈ જતી પેઢીનાં યુવા સ્ત્રી-પુરુષોને રાજીવ ગાંધી સાથે જીવવા મળ્યું છે. એમને ફક્ત એક જ જ્ઞાન આપવામાં આવ્યું છે કે ભારતવર્ષના સ્વાતંત્ર્યસંગ્રામમાં એક જ પરિવારે સંઘર્ષ કર્યો હતો - મોતીલાલ નેહરુ અને એમના પુત્ર અને પૌત્રી અને પ્રપૌત્રો! અને હવે પ-પ્રપૌત્રો પણ ઈતિહાસમાં આવશે, પણ એક માણસ હતો, વિનાયક દામોદર સાવરકર નામનો, જેના વિશે આધુનિક ગુજરાતી પેઢીને વંચિત રાખવામાં આવી છે. એનો જન્મ ૧૮૮૩માં, આજથી ૧૦૫ વર્ષ પહેલાં થયો હતો. ભારતના સંઘર્ષ ઇતિહાસનાં સૌથી યશસ્વી નામોમાંનું એક સાવરકરનું નામ છે, પણ દુર્ભાગ્યે એથી વિશેષ માહિતી આપવાની બાબતમાં પત્રપત્રિકાઓ ઉદાસીન રહી છે.

અમે નાના હતા ત્યારે સાવરકર અમારા હીરો હતા. એમની આત્મકથાનો એક અંશ ‘મારી જન્મટીપ’ (માઝી જન્મઠેપ) અમારી પેઢીના જવાનો માટે ફરજિયાત વાચન હતું. ૧૯૪૯ના ડિસેમ્બરમાં કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતો હતો ત્યારે હું અને મારા મિત્ર દેવુભાઈ દેશબંધુ પાર્કમાં હિન્દુ મહાસભાના અધિવેશનમાં ગયા હતા, સાવરકરને માટે જનતાને બૂમો પાડતી સાંભળી હતી : અમે વાઘને સાંભળવા માટે આવ્યા છીએ ! આ બધી પ્રસ્તાવબાજી પછી કરી લેજો... સાવરકર, સાવરકર ! અમે સાવરકરને પ્રથમ જોયા હતા - ‘મારી જન્મટીપ’ના લેખક જે વર્ષો સુધી આંદામાનની જેલમાં રિબાયા હતા ! સાવરકરનો સ્વર સાફ હતો, ભાષા મશીનગનની જેમ છૂટતી હતી, જુસ્સો કાયમ હતો. અમે ખુશ થઈ જઈએ એમ સાવરકર અમારા યુવા દિમાગો પર છવાઈ ગયા હતા.

સાવરકર સાચા અર્થમાં ’વીર’ હતા અને વીર શબ્દનો સાવરકર સાથે જ સંબંધ ઉપયુક્ત છે. જેલમાં એ ઉર્દૂમાં લખતા-વાંચતા શીખ્યા હતા. એમણે બંગાળી ભાષા પર  પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. એ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા, એમણે અંગ્રેજીમાં પુષ્કળ લખ્યું છે, મરાઠી વાઙ્મય પર સાવરકર ઘટાની જેમ છવાયેલા છે. હિન્દીમાં મેં એમને વક્તા તરીકે સાંભળ્યા છે, પણ સાવરકર ઉર્દૂમાં રાષ્ટ્રપ્રેમથી છલોછલ ગઝલ લખે એ વાત જ કલ્પનાતીત છે, પણ સત્ય છે. હિન્દુત્વના પ્રખર પુરસ્કર્તા સાવરકર શતાંશ: રાષ્ટ્રવાદી હતા. એમણે આંદામાન જેલની દીવાલો પર ઉર્દૂ લિપિમાં લખેલી એક ગઝકના કેટલાક અંશ : (એમના શબ્દો અને જોડણી પ્રમાણે જે વંચાય છે)

ખુશી કે દૌર દૌરે સે હૈ યા રંજો મુહન પહિલે

બહાર આતી હૈ પીછે ઔર ખિજા ગિરદે ચમન પહિલે....૧

મુહિબાને વતન હોગે હઝારો બેવતન પહિલે

ફલેગા હિન્દ પીછે ઔર મરેગા અંદમાન પહિલે... ૨

અભી મેરાજ કા ક્યા જિક્ર યહ પહિલી હી મંઝિલ હૈ

હજારો મંઝિલે કરતી હૈ તૈ હમકો કફન પહિલે... ૩

મુનવર અંજમન હોતી હૈ મહફલ ગરમ હોતી હૈ

મગર કબ જબ કે ખુદ જલતી શમા એ અંજમન પહિલે...૪

હમારા હિન્દ ભી ફૂલે ફૂલેગા એક દિન લેકિન

મિલેંગે ખાક મેં લાખોં હમારે ગુલબદન પહિલે... ૫

ઉન્હી કે સિર રહા સેહરા ઉન્હી કો તાજ કુર્બાં હો

જિન્હોને ફાડ કર કપડે રખા સિર પર કફન પહિલે...૬

સાવરકર ભાષાની શુદ્ધતાના સમર્થક હતા. પ્રખર મેધાવી વ્યક્તિનું જ આ કામ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે લખ્યું છે એમ કારાગારની ઊબડખાબડ સપાટી પર સાવરકરે પ્રથમ લખ્યું અને પછી મુખસ્થ કર્યું. નાટ્યકાર-સર્જક પુ.લ. દેશપાંડે સાવરકરના જીવનને ગ્રીક ટ્રેજેડી સાથે સરખાવે છે. લેખક વિ. વા. શિરવાડકર સાવરકરને ગ્રીક દંતકથાના પ્રથમ હીરો પ્રોમીથીઅસની કક્ષાએ મૂકે છે. પ્રોમીથીઅસે દેવતાઓ પાસેથી અગ્નિ ચોરીને મનુષ્યજાતિને આપી દીધો હતો અને એની શાસ્તી સ્વ‚પ એને એક ખડક સાથે બાંધીને આજીવન રાખવામાં આવ્યો હતો અને એક હિંસક પક્ષી એનું શરીર ચાંચથી નોચ્યા કરતું હતું ! શિવશાહીર પુરંદરે સાવરકરની કલમને શિવાજીની ભવાની તરવાર સાથે સરખાવે છે. શિવાજી સાવરકરના આદર્શ હતા.

સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે રાષ્ટ્રયજ્ઞમાં જીવનની આહુતિ આપી છે એ એમના જીવનનો એક અને પ્રધાન અંશ છે, પણ મરાઠી ભાષાને એમણે નવાનવા શબ્દો બનાવીને આપ્યા છે એ એમના વ્યક્તિત્વનું એક લગભગ અજ્ઞાત પાસું છે. હિન્દુત્વના એ લગભગ અદ્વિતીય ઇતિહાસકાર રહ્યા છે. જીવનભર એમણે લખ્યું. મરાઠી ભાષામાં મેયર માટે નગરપતિ શબ્દ નથી પણ ‘મહાપૌર’ શબ્દ વપરાય છે. આ શબ્દ સાવરકરનો સર્જિત છે. રિપૉર્ટર શબ્દને માટે એમણે બનાવેલો ‘વાર્તાહર’ શબ્દ મરાઠીમાં વધારે પ્રચલિત છે. અર્થ થાય : વાર્તાને ખેંચીને લઈ આવનારો ! સંપાદકથી સ્તંભ સુધી કેટલાય મરાઠી શબ્દો સાવરકરે પત્રકારત્વને આપ્યા છે. એ જ રીતે ફિલ્મજગતને એમણે જ દિગ્દર્શન, ધ્વનિમુદ્રણ, પટકથા, સંકલન, આદિ શબ્દો આપ્યા છે ! આ વાત પુ. લ. દેશપાંડેએ આંદામાન જેલમેદાનમાં આપેલા એક ભાષણમાં કરી હતી.