મહા કવિ ન્હાનાલાલે ગુજરાતના પૂર્વના દરવાજા તરીકે જેને ઓળખાવ્યું છે તે દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશની હદ પર હોવાથી તેને દો-હદ, દાહોદ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનો આ પૂર્વ વિસ્તાર હોવાથી આ સ્થળને ઊગતા સૂર્યના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ગુજરાતમાં સૂર્યનારાયણનું સૌપ્રથમ કિરણ દાહોદ જિલ્લા પર થઈને સમગ્ર ગુજરાતને દેદીપ્યમાન કરે છે.
૫૮,૧૯૧ હેક્ટરમાં વિસ્તરેલ, ૮૬ ગામો અને ૭૫ ગ્રામ પંચાયતોને સમાવતો દાહોદ તાલુકો પૂર્વમાં મધ્યપ્રદેેશ રાજ્યના ઝાબુઆ જિલ્લા સાથે દક્ષિણમાં ગરબાડા તાલુકા સાથે, પશ્ર્ચિમમાં લીમખેડા અને ઉત્તરમાં ઝાલોદ તાલુકા વચ્ચે ૨૨.૫૦ ઉત્તર અક્ષાંશ અને ૭૫.૧૮ પૂર્વ રેખાંશ સ્થિત છે.
તાલુકાનું મુખ્ય મથક દાહોદ નગરપાલિકા ધરાવે છે. દાહોદનું ઐતિહાસિક મહત્ત્વ જોઈએ તો ઔરંગઝેબનો જન્મ અહીં થયો હતો. તે પહેલાં પુરાણા સમયની લોકવાયકા મુજબ દધીચિ ઋષિએ અહીં તપ કર્યંુ હતું અને જે કિનારે તપ કર્યંુ તેનુ નામ દૂધમતી પડ્યું. આજે પણ આ નદી શહેરની દક્ષિણે થઈ પૂર્વ તરફ વહે છે. દાહોદ ગુજરાત અને માળવા તથા દક્ષિણ ભારત જવા માટે એક દ્વાર સમું હતું. મરાઠાઓની સત્તા સોળે કળાએ ખીલી હતી તે સમયે દાહોદ સિંધીયાના આધિપત્ય હેઠળ હતું, ત્યારબાદ મોગલ શાસકો અને પછી અંગ્રેજ હકૂમત હેઠળ આવ્યું હતું. ગુજરાતના મહારાજા જયસિંહે માળવા ઉપર ચઢાઈ કરી તે સમયે તેનું લશ્કર દાહોદમાં પડાવ નાંખી પડ્યું હતું. લશ્કર માટે પાણીની આપૂર્તિ માટે તળાવ બાંધવામાં આવ્યું છે. ફક્ત એક છાબડી જ તે માટી ખોદાઈ ગઈ હતી અને લશ્કરના એક સિપાહીએ એક છાબડી માટે કાઢી હતી, જેથી એક રાતમાં તળાવ તૈયાર થઈ ગયું હતું. આથી આ તળાવનું નામ છાબ તળાવ રાખવામાં આવ્યું હતું. આજે આ તળાવ વિદ્યમાન છે.
દાહોદથી નવેક કિ.મી. દૂર આવેલું બાવકા ગામ, કે જ્યાં કાળા રેતીયા પત્થર વડે બનેલ ૧૦મી સદીનું શિવ પંચાયતનું મંદિર તાલુકાની ઐતિહાસિક ખ્યાતિમાં ઉમેરો કરે છે, જેની શિલ્પકળા અદ્ભુત છે અને ખજૂરાહો જેવી કામકલાને ઉજાગર કરતાં શિલ્પો તેના પર કંડારવામાં આવેલાં છે. આ મંદિર પણ સિદ્ધરાજ જયસિંહના વખતમાં બંધાયું હોવાના ઉલ્લેખો છે.
તાલુકાનું મુખ્ય મથક બાલમંંદિરથી શ કરીને ઉચ્ચતર શિક્ષણ સુધીની શૈક્ષણિક સુવિધાઓ અને તબીબી સુવિધાઓ ધરાવે છે. ખાન, અનાસ અને પાટ મુખ્ય નદીઓ છે.
મૂળ દાહોદ તાલુકામાંથી વિભાજિત થઈને આકાર પામેલ ગરબાડા તાલુકો જિલ્લામાં સૌથી નાનો તાલુકો છે. ૨૬,૧૪૦.૨૧ હેકટર ક્ષેત્રફળ ધરાવતો આ તાલુકો ૩૪ ગામોમાં સમાયેલો છે, જેમાં ૩૨ ગ્રામ પંચાયતો આવેલી છે. તાલુકાનું મુખ્ય મથક ગરબાડા સ્થાનિક બોલીમાં ‘ગોઢ’ તરીકે પ્રખ્યાત છે. અંગ્રેજોએ અહીં એક નાનો ગઢ બનાવ્યો હતો, જેના અવશેષો હાલમાં ર્જીણશીર્ણ છે. આ તાલુકામાં જેસાવાડામાં ગોળગધેડાનો મેળો ભરાય છે.
પંચમહાલ જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી વિભાજિત થઈ રચાયેલો નવીન ફતેપુરા તાલુકો વિકાસના પગથારે ડગ માંડી રહ્યો છે. ૧,૮૫,૩૬૮ની કુલ વસ્તી ૯૬ ગામોને સમાવતા આ તાલુકામાં ૫૪ ગ્રામ પંચાયતો આવેલી છે. તેનું ભૌગોલિક ક્ષેત્રફળ ૩૦૯૪૭.૫૫ હેકટર છે. આ તાલુકો પંચમહાલ જિલ્લા ઉપરાંત રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાને સ્પર્શે છે. આદિવાસી સમાજમાં શ્રદ્ધાના પ્રતીકસમું ‘માનગઢ હિલ’ આ તાલુકાની ઉત્તર સીમાને અડીને આવેલ છે.
જિલ્લાની નવરચના બાદ લીમખેડા અને દેવગઢ બારિયામાંથી નિર્માણ પામેલો ધાનપુર તાલુકો ૯૦ ગામો અને ૫૭ ગ્રામ પંચાયતો ધરાવે છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની સરહદે આવેલ ૪૬,૬૩૮.૭૧ હેકટર ક્ષેત્રફળ ધરાવતા આ તાલુકાની વસ્તી ૧,૩૧,૮૫૫ની છે.
રાજ્યના ૫૬ પછાત તાલુકાઓમાં આ તાલુકો બીજા ક્રમે છે અને તેનાં ૨૬ ગામો માન. મુખ્યમંત્રીશ્રીના દત્તક ગામો તરીકે આવેલાં છે. તાલુકો અણવિકસિત છે.
વનશ્રીથી આચ્છાદિત આ તાલુકામાં જંગલની ૧૭,૪૦૭.૮૮ હેકટર જમીન આવેલી છે ૫૫.૬૫ કિ.મી.ના વન આરક્ષિત વિસ્તારમાં ‘રતનમહાલ રીંછ અભયારણ્ય’ આવેલું છે. ભરપૂર પ્રાણીજ અને વાનસ્પતિક સંપત્તિથી આખો રતનમહાલ વિસ્તાર ખૂબ જ સમૃદ્ધ છે. વાનસ્પતિક સંપદામાં કુલ ૫૪૩ જાતિઓ પૈકી ૪૦ જાતિઓના ક્ષુપ, ૨૩૮ જાતિઓના નાના છોડવા, ૪૮ જાતિઓના ઘાસ, ૮૭ જાતિઓના વેલાઓ, બે જાતિઓના અંશત: પરોપજીવી અને નવ જાતિઓના ઓર્કિડ છે. પ્રાણીજ સંપત્તિમાં મુખ્યત્વે રીંછ અને દીપડા ઉપરાંત શિયાળ, નોળિયો અને વિહંગવર્ગની ૧૪૭ જેટલી જાતો જોવા મળે છે, તેમાં દેશી અને યાયાવર પક્ષીઓનો સમાવેશ થાય છે. જિલ્લાની મોટામાં મોટી પાનમ નદી રતનમહાલના ડુંગરોમાંથી નીકળે છે. તાલુકામાં ઉમરીયા, અદલવાડા અને વાકલેશ્ર્વર ખાતે સિંચાઈની ત્રણ મધ્યમ કદની યોજનાઓ આવેલ છે.
લીલીછમ વનરાજી ધરાવતો આ તાલુકો પ્રકૃતિપ્રેમી સહેલાણીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.
માળવાના રાજાને મદદ કરવા બદલ ઝાલા રાજપૂતોએ ગરાસમાં મળેલ ગામને ઝાલોદ તરીકે વિકસાવ્યું હોવાની લોકવાયકા છે. નજીકમાં જ કુળદેવી ઝલાઈ માતાનું મંદિર છે. આ તાલુકો દાહોદ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે. ૭૯,૮૩૯.૭૯ હેકટર ક્ષેત્રફળ ધરાવતા આ તાલુકામાં ૧૫૧ ગામો અને ૮૬ ગ્રામ પંચાયતો છે તેની વસ્તી ૩,૫૯,૭૫૯ની છે. ઉત્તરમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની અને પૂર્વમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની સરહદ પર આવેલ આ તાલુકાના સરહદી વિસ્તારના રહીશોના સામાજિક સંબંધો સીમાડાના રાજ્યોમાં પણ હોઈ રીત-રિવાજ અને પહેરવેશમાં તેની અસર જોવા મળે છે. તાલુકામાં માછણનાળા અને કાલી-૨ જેવી મધ્યમ કદની સિંચાઈ યોજનાઓ તાલુકાને પિયતની સુવિધા પૂરી પાડે છે. લીમડી અને સંજેલી તાલુકાનાં મોટાં ગામ છે. જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ ભૂતકાળથી જ આ તાલુકામાં શિક્ષણનું પ્રમાણ પ્રગતિકારક રહેલ છે, જેના ફળસ્વપે રાજ્યની સચિવાલય સહિતની વહીવટી અને પોલીસ વિભાગની ઉચ્ચ જગ્યાઓ ઉપર આ તાલુકાના વતનીઓ સેવા આપી રહ્યા છે.
ઝાલોદ તાલુકાના પાવડી ગામેથી પત્થરના મોટા ગોળ દડા સ્વપે મળી આવેલ ડાયનાસોરના ઈંડાના કારણે દાહોદની આંતર્રાષ્ટ્રિય સ્તરે નોંધ લેવામાં આવી. આ ઈંડા મળી આવતાં સાવ અચાનક જ મળેલી આંતર્રાષ્ટ્રિય પ્રસિદ્ધિથી દેશ-વિદેશના અનેક વૈજ્ઞાનિકો ઝાલોદ તાલુકાની મુલાકાત લઈ ગયા છે.
દાહોદ જિલ્લાના કુલ આઠ તાલુકાઓમાંનો એક એવો મહત્ત્વનો તાલુકો છે. ૨૦૧૩માં તત્કાલીન ગુજરાત સરકારે સ્થાનિક લોકોની માગણીઓને ધ્યાનમાં રાખી ઝાલોદનાં ૫૬ ગામડાંઓ સાથે સંજેલીને નવીન તાલુકો જાહેર કર્યો હતો. તાલુકામાં મોટાભાગની વસતી અનુસૂચિત જનજાતિઓની છે. જેઓનો મુખ્ય વ્યવસાય ખેતી - ખેતમજૂરી અને પશુપાલન છે. પશુપાલનને કારણે અહીં દૂધ ઉત્પાદન પણ ઠીકઠાક થાય છે. જ્યારે મકાઈ, ઘઉં, ડાંગર, મગ, અડદ જેવાં કઠોળ અને શાકભાજી પણ સારા એવા પ્રમાણમાં થાય છે.
જૂના ‘બારિયા સ્ટેટ’ તરીકે ઓળખાતો આ દેવગઢબારિયા તાલુકો રજવાડી શાસન દરમિયાન ૮૧૩ ચો.માઈલ વિસ્તારમાં વિસ્તરેલું સાત મહાલમાં વહેંચાયેલું માળવા અને ગુજરાત વચ્ચે આવેલ બીજા ક્રમનું રાજ્ય હતું. બારિયા રાજ્યના શાસકો આખરી હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની જાતિના ચૌહાણ રાજપૂતો હતા. વડોદરા અને પંચમહાલ જિલ્લાની હદોને સ્પર્શતા ૬૪,૪૮૦.૮૬ હેકટર વિસ્તારવાળા આ તાલુકામાં ૮૭ ગામો અને ૭૦ ગ્રામ પંચાયતો છે. તેની કુલ વસ્તી ૨,૦૮,૧૯૭ની છે. સ્વ. જયદીપસિંહજી રમત-ગમત સંકુલના નામે જાણીતું જિલ્લાનું મુખ્ય રમત-ગમત સંકુલ આ તાલુકામાં આવેલ છે. તાલુકાની વસ્તીમાં મોટાભાગની રાઠવા જાતિની અનુસૂચિત જનજાતિની વસ્તી આવેલ છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ ૫૯ને મધ્યમાંથી પસાર કરતો લીમખેડા તાલુકો ૫૯૭૧૯ હેકટરમાં પથરાયેલો છે. ૨,૩૯,૨૯૩ની કુલ વસ્તી ધરાવતા આ તાલુકામાં ૧૫૨ ગામો અને ૮૪ ગ્રામ પંચાયતો આવેલી છે. હડફ, વાંકડી અને ડોશી નદીઓ ધરાવતા આ તાલુકાના મુખ્ય મથક લીમખેડામાંથી પસાર થતી હડફ નદીના કિનારે લીમખેડાથી ૨ કિ.મી.ના અંતરે મોટા હાથીધરા ખાતે પ્રાચીન શિવમંદિર આવેલું છે. મકાઈ, ઘઉં, ચણા, તુવર અને ડાંગર જેવા પાકો પકવતી આ તાલુકાની જમીન ઢોળાવવાળી અને હલકા પ્રકારની છે. ઉમરિયા અને કબુતરી જેવી મધ્યમ કદની સિંચાઈ યોજનાઓનો લાભ તાલુકાને મળે છે. તાલુકામાં આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છે.