આરુણિ અને શ્ર્વેતકેતુ

    ૦૭-માર્ચ-૨૦૧૬


પ્રાચીન સમયની વાત છે. એક ઋષિ હતા આરુણિ. તેમનો પુત્ર હતો શ્ર્વેતકેતુ. શ્ર્વેતકેતુ બાર વર્ષનો થયો એટલે પિતાએ તેને ગુરુ પાસે જઈ વિદ્યા મેળવવાની સલાહ આપી... શ્ર્વેતકેતુ પિતાની આજ્ઞા માથે ચઢાવી વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયો.

ગુરુની પાસે રહીને તે ભણીગણીને તેજસ્વી બન્યો, તેની ઉંમર ચોવીસ વર્ષની થઈ એટલે તે ઘરે આવ્યો, પરંતુ હવે તેને પોતાના જ્ઞાનનું અભિમાન આવી ગયું હતું, તેથી તે પિતાજીથી અતડો રહેવા લાગ્યો. પિતાજીને ખ્યાલ આવી ગયો કે પુત્રને તેની વિદ્યાનું અભિમાન આવી ગયું છે અને અભિમાન એ તો સર્વનાશનું મૂળ છે, તેથી તેનું અભિમાન ઉતારવું જોઈએ.

પિતાએ તેને પાસે બોલાવીને કહ્યું, "શ્ર્વેતકેતુ, તું બાર વર્ષ સુધી ગુરુના આશ્રમમાં વિદ્યા ભણીને આવ્યો છે, પણ મારે એ જાણવું છે કે, "એવી કઈ વિદ્યા છે જે જાણવાથી આખા સંસારનું જ્ઞાન થઈ જાય ?

શ્ર્વેતકેતુએ માથું ખંજવાળ્યું. આવી કોઈ વિદ્યા તે ગુરુ પાસે શીખ્યો હોય તેવું યાદ આવ્યું નહીં.

તેથી તેણે પિતાજીને કહ્યું, "તમે જ મને બતાવો કે જેને જાણવાથી આખા જગતનું જ્ઞાન થઈ જાય ?

પિતાએ કહ્યું, "બેટા, માટીને તો તું જાણે છે ને ? એમાંથી અનેક વાસણો બને છે. કોઈને આપણે માટલું, કોઈને ધડો તો કોઈને કૂંજો કહીએ છીએ. વળી તેમાંથી કેટલાયે પ્રકારનાં રમકડાં બને છે. ઘોડા, હાથી, રાજા, રાણી વગેરે, પરંતુ આ બધાંના આકાર જુદા હોવા છતાં તેનું મૂળ માટી છે, તેથી મૂળ તત્ત્વ એક જ છે અને જો તારે તેની પરીક્ષા કરવી હોય તો બધાં રમકડાં પાણીમાં નાખીજો. તને છેવટે માટી જ મળશે.

એવી જ રીતે તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું, ચાંદીમાંથી બનતી બધી વસ્તુઓ અને ઘરેણાંનું છે. મૂળ તો તેઓ ધાતુઓ જ છે.

શ્ર્વેતકેતુએ પૂછ્યું, "શ‚આતમાં એક જ ભાવ‚પ ચીજ હતી તો તેમાંથી દુનિયામાં દેખાતી અસંખ્ય ચીજો કેવી રીતે બની ?

આરુણિએ કહ્યું, "પેલા વડનું એક ફળ લઈ આવ.

શ્ર્વેતકેતુ વડનું ફળ ‘ટેટો’ લઈ આવ્યો. પિતાએ કહ્યું, "તેને તોડીને જો તેમાં તને શું દેખાય છે ?

શ્ર્વેતકેતુએ વડના ફળને તોડ્યું તો તેમાં નાના પરમાણુ જેવાં અસંખ્ય બીજ દેખાયાં.

પિતાએ કહ્યું, "હવે તેમાંથી એક બીજ લે અને તેને તોડ, તેમાં શું દેખાય છે ?

શ્ર્વેતકેતુએ બીજને તોડ્યું, પરંતુ તેમાં તેને કશું દેખાયું નહીં.

આરુણિએ કહ્યું, "બેટા, જે દેખાતું નથી એ સૂક્ષ્મ બીજમાંથી જ વિરાટ વડનું વૃક્ષ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે ન દેખાતો સૂક્ષ્મ આત્મા જ સૌના અસ્તિત્વનું કારણ છે. ફૂલ આંખથી દેખાય છે, પરંતુ સુગંધ આંખથી દેખાતી નથી... એટલા માટે સુગંધ નથી એમ ન કહી શકાય ?... એટલે આ આત્માનું પણ એવું જ છે.

શ્ર્વેતકેતુએ કહ્યું, "હજુ કંઈ મારી સમજમાં આવતું નથી.

આરુણિએ કહ્યું, "એક ઘડો પાણી લઈ આવ. એમાં મીઠાની એક ગાંગડી નાખ. એને કાલે સવારે મારી પાસે લઈ આવજે.

બીજા દિવસે શ્ર્વેતકેતુ ઘડો લઈને પિતા પાસે ગયો.

પિતા આરુણિએ કહ્યું, "ગઈકાલે તેં જે મીઠાની ગાંગડી પાણીમાં નાખી હતી તે મને બહાર કાઢીને આપ.

શ્ર્વેતકેતુએ ઘડામાં હાથ નાખ્યો, પણ ક્યાંય મીઠાની ગાંગડી મળી નહીં.

પિતાએ કહ્યું, "હવે ઘડાને તળિયેથી એક ચમચો પાણી લઈને પી. ઉપરથી એક ચમચો પાણી લઈને પી અને વચ્ચેથી એક ચમચો પાણી લઈને પી. પછી કેવું લાગ્યું તે મને કહે.

શ્ર્વેતકેતુએ ત્રણે બાજુથી પાણી ચાખ્યું અને કહ્યું, "આ તો ખારું છે ?

પિતાએ કહ્યું, "બેટા, મીઠાની ગાંગડી તને દેખાતી નથી, તો પણ તે પાણીમાં સર્વત્ર ફેલાયેલી છે. એ જ રીતે સૂક્ષ્મ આત્મા દેખાતો ન હોવા છતાં તે જગતનું મૂળ કારણ છે, તે સર્વત્ર વ્યાપ્ત છે.

શ્ર્વેતકેતુને જીવન અને એની ઉત્પત્તિનું જ્ઞાન મળી ગયું, પરંતુ તેને પ્રશ્ર્ન થયો કે, "મને જેવું જ્ઞાન થયું, એવું જગતના અન્ય જીવોને કઈ રીતે થશે ?

આરુણિએ કહ્યું, "તું કલ્પના કર કે કોઈ ગાંધાર પ્રદેશનો રહેવાસી હોય અને તેને આંખે પાટા બાંધીને બંગાળના જંગલમાં છોડી મૂકવામાં આવે અને પાટા છોડી નાખવામાં આવે તો તે પાછો કેવી રીતે આવશે ?

શ્ર્વેતકેતુએ કહ્યું, "જે પહેલો માણસ એને જંગલમાં મળશે તેને તે પોતાના મૂળ દેશનો રસ્તો પૂછશે અને પૂછતો પૂછતો આગળ વધશે અને મૂળ દેશમાં પહોંચી જશે.

આરુણિએ કહ્યું, "આત્મજ્ઞાનની વાત પણ આવી જ છે. અજ્ઞાનના ગીચ જંગલમાં ભટકતો મનુષ્ય સદ્ગુરુની સહાયથી આત્માનું જ્ઞાન મેળવશે અને હું પણ આત્મસ્વ‚પ છું એવું પરમશ્રેષ્ઠ જ્ઞાન મેળવશે.

 

બાળપ્રેરક પ્રસંગ : અંગ્રેજી અત્યાચાર પર પ્રહાર

૧૯મી શતાબ્દીની ઘટના છે, બંગાળના દરેક ગામ તથા નગરની દરેક વાણી નીલસાહેબના અત્યાચારોની કહાની કહી રહી હતી. બંગાળમાં ગવર્નર વિરુદ્ધ ચારે બાજુથી રોષ પ્રગટી રહ્યો હતો.

કલકત્તાના કેટલાક નવયુવકોએ આ અત્યાચારોની ગંભીરતા પર પ્રકાશ પાડતાં માટે એક નાટક ભજવવાનો નિર્ણય કર્યો. અનેક સન્માનિત અતિથિ અને શિક્ષણવિદ્ નાટક જોવા પધાર્યા. પ્રખર પંડિત ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર પણ રંગશાળામાં ઉપસ્થિત હતા. નાટકનો આરંભ થયો. વિવિધ દૃશ્યોના માધ્યમથી નીલસાહેબના અત્યાચાર રજૂ કરવામાં આવ્યા. તમામ લોકો નાટક જોવામાં તલ્લીન હતા. નાટકની રજૂઆત એટલી સહજ હતી કે લોકો એ ભૂલી જ ગયા કે તેઓ નાટક જોઈ રહ્યા છે. તમામ દૃશ્ય વાસ્તવિક લાગી રહ્યાં હતાં. દર્શકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં અને તેમના તરફથી પરસ્પર અવાજ સંભળાવા લાગ્યો, "મારી નાંખ્યો, કસાઈ, નિર્દયી. થોડી તો દયા કરો. અને દર્શકોમાંથી એક તરફથી ગુસ્સાનો સ્વર સંભળાયો : "આનો  જીવ લઈને રહીશું, તેને મારીને જ જંપીશું. હજુ આ ધ્વનિ મંચશાળામાં ગુંજી રહ્યો હતો ત્યાં તો ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર પણ ભાવુક થઈ ગયા. ક્રોધથી લાલ-પીળા થયેલા ઈશ્ર્વરચંદ્રે પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને નીલસાહેબનો અભિનય કરી રહેલા યુવક તરફ ફેંક્યું.

નાટક પૂરું થયું. નવયુવકોનો પ્રયત્ન સફળ રહ્યો. સભા સમાપ્તિ સાથે યુવકે વિદ્યાસાગરજીના ચરણસ્પર્શ કર્યા. ખૂબ નમ્ર ભાવથી તે બોલ્યો : "તમારી ચંપલથી મોટી કોઈ ભેટ અમને ન મળી શકે. તમારા જેવા સંતુલિત ધીરજવાન પુરુષ પણ નીલસાહેબના અભિનયથી આટલા વિચલિત થાય તો અમારો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો.

ચંપલે નીલસાહેબ પર પ્રહાર નહોતો કર્યો, પરંતુ વાસ્તવમાં તે દેશની પરતંત્રતા પર એક હુમલો હતો.

 

પ્રશ્ર્નમંચ - ૨૪૬

૧.    ભારતના નાણાપ્રધાન કોણ છે ?

૨.    વાદળી અને પીળા રંગના મિશ્રણથી કયો રંગ બને છે ?

૩.    વીર સાવરકરનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?

૪.    ભગવાન શિવજીના બે પુત્રોનાં નામ શું હતાં ?

૫.    ભગવાન શંકરનો નિવાસ કયા પર્વત પર છે ?

૬.    બિલીપત્રમાં કેટલાં પાન હોય છે ?

૭.    લક્ષ્મીજીનું આસન કયા પુષ્પ પર હોય છે ?

૮.    બી.એસ.એફ. (BSF) નું આખું નામ શું છે ?

૯.    આઝાદી સમયે જમ્મુ-કાશ્મીરમાં કયા રાજાનું રાજ્ય હતું ?

૧૦.   કામધેનુ અને સુરભિ કોનાં નામ છે ?

 

ગમ્મત ગુલાલ

મનુ   :     વૉટ્સએપ અને ફ્રિજમાં શું સમાનતા છે ?

બબલુ  :     આપણને ખબર જ હોય છે કે અંદર કંઈ નવું નથી તો પણ આપણે વારંવાર ખોલીને જોયા કરીએ છીએ.

 

મનુ   :     તારો દીકરો પહેલાં કેટલું બોલ-બોલ કરતો હતો ? હવે તે સુધર્યો કે નહીં ?

કનુ    :     હવે એ બિલકુલ ઓછું બોલે છે.

મનુ   :     એવો ચમત્કાર કેવી રીતે થયો ?

કનુ    :     હવે એનાં લગ્ન થઈ ગયાં છે અને એની વહુ કુસ્તીની ચૅમ્પિયન છે.

 

બબલુ  :     મમ્મી, તારે મન તો મારી કોઈ કિંમત જ નથી.

મમ્મી  :     બેટા, તું તો મારા માટે કરોડોનો હીરો છે.

બબલુ  :     મમ્મી, એ કરોડોમાંથી મને બસો ‚પિયા આપને ! મારે મોબાઈલ રિચાર્જ કરાવવો છે.