નીરજા : વીરાંગનાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ

    ૦૭-માર્ચ-૨૦૧૬

સોનમ કપૂર, શબાના આઝમી સ્ટારર નીરજા ૧૯૮૬ની પાંચમી સપ્ટેમ્બરે હાઈજેકની સત્યઘટના પર આધારિત છે. પેન ઍમ ઍરવેઝનું એક પ્લેન પાકિસ્તાની આતંકવાદીઓએ હાઈજેક કર્યું ત્યારે એ ફ્લાઇટમાં ઍર-હોસ્ટેસ નીરજા ભનોટ પણ હતી. નીરજાએ બહાદુરીથી હાઇજેકર્સ સામે ફાઇટ આપી અને ૩૬૧ પેસેન્જરનો જીવ બચાવ્યો. નીરજા ભનોટને ભારત સરકાર દ્વારા આ બહાદુરી માટે અશોકચક્ર આપવામાં આવ્યું હતું. સૌથી નાની વયે અશોકચક્ર મેળવવાનો નીરજાનો રેકોર્ડ આજે પણ અકબંધ છે. - પ્રસ્તુત છે નીરજાની વીરકથા...


ફિલ્મમાં નીરજાનું કેરેક્ટર સોનમ કપૂર કરે છે અને નીરજાના બોયફ્રેન્ડ જયદીપનું કેરેક્ટર મ્યુઝિક ડિરેક્ટર વિશાલ-શેખરનો શેખર રવજિયાણી કરે છે. શેખરની આ પહેલી ફિલ્મ છે. શબાનાએ નીરજાની મા રમા ભનોટનું કેરેક્ટર કર્યું છે. ફિલ્મનું ડિરેકશન રામ માધવાણીએ કર્યું છે. નીરજાની બે વાત અત્યંત મહત્ત્વની છે. એક તો એ કે આ ફિલ્મની સ્ક્રિપ્ટના રિસર્ચ માટે ત્રણ કરોડ ‚પિયાનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો હતો. બીજી મહત્ત્વની વાત એ છે કે નીરજા ભનોટ પર ફિલ્મ બનાવવા માટે જ્યારે રામ માધવાણી તેના ફેમિલીની ઑફિશિયલ પરમિશન લેવા ગયા ત્યારે તેમની પાસેથી એક ‚પિયો પણ લીધા વિના મંજૂરી આપી હતી.

બહુપ્રતિક્ષિત ફિલ્મ નીરજા સત્ય ઘટના પર આધારિત તેમજ પ્રશંસનીય અભિનય, પટકથા અને સ્ક્રીનપ્લેનું વખાણવાલાયક મિશ્રણ છે. આ ફિલ્મમાં ઝાંસીની રાણીની કોઈ કથા નથી, પરંતુ પંજાબની એક સામાન્ય યુવતી વિશેની કથા છે જેણે અસાધારણ પરિસ્થિતિનો સામનો કર્યો હતો અને પોતાના ડર પર કાબૂ મેળવીને, પોતાની હિંમતથી વિમાનના ૩૫૯ પ્રવાસીઓના જાન બચાવી, પોતાની જાતનું બલિદાન આપીને દુનિયાને ચોંકાવી દીધી હતી. ફિલ્મમાં નીરજા નામની એરહોસ્ટેસ વિશેની વાર્તા છે જેણે પોતાની કામગીરી પ્રત્યેની નિષ્ઠા અને એક અપહૃત વિમાનના પ્રવાસીઓને બચાવવા માટે પોતાનો જાન કુરબાન કરી દીધો હતો.

આ ફિલ્મ આઘાત અને ગર્વની અનુભૂતિના દોરમાંથી પસાર થતા એક પરિવાર વિશેની છે.

વાસ્તવિક જીવનમાં શહીદ થયેલી નીરજા ભનોટનો જન્મ ૧૯૬૩ની ૭ સપ્ટેમ્બરે પંજાબના ચંડીગઢમાં થયો હતો. તેના પિતાનું નામ હરીશ ભનોટ (અંગ્રેજી અખબારના ભૂતપૂર્વ પત્રકાર) અને માતાનું નામ રમા ભનોટ છે. નીરજાનાં લગ્ન ૧૯૮૫માં થયાં હતાં. તેનો પતિ અખાતના એક દેશમાં રહેતો હતો. નીરજા પણ પતિની સાથે અખાતના દેશમાં ગઈ હતી, પરંતુ બાદમાં એનાં સાસરિયાંઓએ દહેજની માગણી કરતાં તે પીયર પાછી આવી ગઈ હતી. ત્યારબાદ નીરજાએ અમેરિકાની પેન-એમ એરલાઇન્સની ફ્લાઇટ એટેન્ડન્ટની નોકરી માટે અરજી કરી હતી અને તેની પસંદગી કરવામાં આવી હતી. ૧૯૮૬મી પાંચ સપ્ટેમ્બરે મુંબઈથી કરાચી થઈને ફ્રેન્કફર્ટ-ન્યૂયોર્ક જતી પ્લેન એમ ફ્લાઈટ-૭૩નું લિબિયાના ચાર અપહરણકારોએ કરાચીમાં અપહરણ કર્યું હતું ત્યારે સવારે ૬ વાગ્યા હતા. તે વખતે નીરજા કેબિન ક્રૂમાં સૌથી સિનિયર હતી. ત્રાસવાદીઓનો પ્લાન વિમાનને સાયપ્રસ લઈ જવાનો હતો અને ત્યાં જેલમાં કેદ કરાયેલા એમના સાથીને છોડાવવાનો હતો, પરંતુ નીરજા ખરા સમયે પાઈલટ્સને અપહરણ વિશે મેસેજ પહોંચાડી દે છે અને પાઈલટ્સ ત્યાંથી ભાગી જાય છે. એને પરિણામે ત્રાસવાદીઓનો પ્લાન બગડી જાય છે. ત્યારબાદ નીરજા પ્રવાસીઓને કેવી હિંમતથી બચાવે છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. પ્રવાસીઓને બચાવવાનો પ્રયાસ કરતી નીરજાની ત્રાસવાદીઓ ગોળી મારીને હત્યા કરી દે છે. નીરજાને તેના એ સાહસ બદલ અશોક ચક્ર મેડલથી મરણોપરાંત સમ્માનિત કરવામાં આવી છે. આ સમ્માન મેળવનાર નીરજા સૌથી નાની ઉંમરની વ્યક્તિ બની છે. ફિલ્મમાં નીરજાનું પાત્ર સોનમ કપૂરે ભજવ્યું છે જ્યારે તેની માતાની ભૂમિકા શબાના આઝમીએ ભજવી છે. નીરજાના પિતાનો રોલ યોગેન્દ્ર ટીકુએ કર્યો છે.

સોનમે તેની કારકિર્દીમાં અત્યાર સુધીની સૌથી ઉત્કૃષ્ટ અને યાદગાર ભૂમિકા અદા કરી છે. તેણે સાબિત કરી આપ્યું છે કે સારો રોલ મળે તો પોતાની અભિનય-ક્ષમતાથી એને ન્યાય આપી શકે છે.

રામ માધવાની દિગ્દર્શિત અને ફેશન ફોટોગ્રાફર અતુલ કસ્બેકર નિર્મિત નીરજામાં અમુક એવી ઘટનાઓ બતાવવામાં આવી છે જે ધબકારા વધારી દે છે. ખાસ કરીને અપહરણકારો દ્વારા વિમાનપ્રવાસીઓ પર કરાયેલા અત્યાચારનાં દૃશ્ય. આ ફિલ્મની તુલના કોઈ પણ ઈન્ટરનેશનલ હાઈજેકિંગ ફિલ્મ સાથે કરી શકાય.

નીરજા ભનોટે માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં બતાવેલા અદમ્ય સાહસ, બહાદુરી અને સંવેદનાને ખાતર આ ફિલ્મ જોવી જોઈએ.