@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ સંઘે પોતાના એકાત્મતા મંત્રમાં બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિરાવ ફૂલેનાં નામ ઋષિઓ સાથે રાખ્યાં છે

સંઘે પોતાના એકાત્મતા મંત્રમાં બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિરાવ ફૂલેનાં નામ ઋષિઓ સાથે રાખ્યાં છે

પ્રખ્યાત દલિત ચિંતક અને પદ્મશ્રી ટી.વી. નારાયણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં પારિત સામાજિક સમરસતાના પ્રસ્તાવને દિલથી આવકાર્યો છે. સાથે સાથે સામાજિક સમરસતાની વર્તમાન જ‚રિયાત અને પરિસ્થિતિ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પ્રસ્તુત છે એ વિચારો તેમના જ શબ્દોમાં...


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અખિલ ભારતીય પ્રતિનિધિસભામાં સમરસતા પર પારિત કરેલ પ્રસ્તાવનું હું દિલથી સ્વાગત અને સમર્થન કરું છું. એક સામાજિક કાર્યકર્તા તરીકે એ વાત મને ખૂબ જ ગમી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તમામ લોકોને સમરસતાનો ભાવ ઉતારવાની વાત કરી છે. અનુસૂચિત જાતિનો હોવા છતાં મને સમાજમાં શિક્ષણવિદ્ અને વિદ્વાન તરીકેની માન્યતા મળી છે. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા મને પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યો છે, પરંતુ હરેક વ્યક્તિ મારા જેવો ભાગ્યશાળી નથી. અનેકોને આજે પણ જાતિવાદના આધારે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે.
જાતિવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાની જ‚ર છે. અને એ કામ એટલું આસાન નથી. અગાઉ સ્વામી દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ અને જ્યોતિરાવ ફૂલે જેવા અનેક સમાજસુધારકોએ આ સામાજિક બદીને દૂર કરવાના જબરજસ્ત પ્રયાસ કર્યા હતા, જેનાં ઠીક-ઠાક પરિણામ આજે આપણી સામે છે. સામાજિક ધાર્મિક સુધારણા અનેક રાજનૈતિક ક્રાંતિઓના આધાર બન્યા હતા. કમનસીબે આજે આ પ્રકારની સામાજિક સુધારણાના આંદોલનમાં રાજનીતિનો પ્રવેશ થયો છે. મતબેંકની રાજનીતિ ખાતર જ્ઞાતિ આધારિત પ્રદર્શનો, વિરોધ પ્રદર્શનો આયોજિત થઈ રહ્યાં છે. આપણે આ વાત સમજવી પડશે કે જ્ઞાતિવાદ સમાજની સામૂહિક ગતિવિધિઓને ગુંગળાવી નાંખે છે અને હિન્દુઓને એક એવો સમાજ બનતાં રોકી રહી છે જેમનું જીવન એક છે, જેની પોતાની ચેતના પણ એક જ છે.
ઉપનિવેશવાદી અંગ્રેજ સરકારે ખૂબ જ સિફતપૂર્વક ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી આંબેડકર અને ગાંધીજીને સામસામે લાવી દીધા હતાં. હું શૈશવકાળથી જ આર્યસમાજ સાથે જોડાયેલો રહ્યો છું. ૧૯૨૨માં આર્યસમાજ દ્વારા લાહોરમાં સ્થાપિત જાત-પાત તોડક મંડળનો સદસ્ય રહ્યો છું. ઉગ્રજાતિવાદ વિરોધી આ સંગઠનમાં મેં જાત-પાત વિરોધી પ્રચાર ઝુંંબેશનું બીડું ઝડપ્યું હતું અને ભેદભાવના આંતરજ્ઞાતિય લગ્નોને અને સામૂહિક ભોજન સહિતના કાર્યક્રમોને પ્રોત્સાહન આપતા હતા. બાબા આંબેડકરે પણ જાતિ ઉન્મૂલન માટે આ જ પ્રકારની રીતો સૂચવી હતી.
મારા પિતાજી ગામમાં મોચી હતા. છતાં ઉચ્ચશિક્ષણે મને શિક્ષક બનાવ્યો. આ દરમિયાન મેં વેદ અને ઉપનિષદનો અભ્યાસ કર્યો, જેના કારણે મારામાં એક ઊંડી અને અલગ જ દૃષ્ટિ વિકસી અને મેં અનુભવ્યું કે ‘વેદમાં ભેદ’ માટે કોઈ જ સ્થાન નથી.
દેશનું કમનસીબ એ છે કે, હાલના સમયમાં ન તો કોઈ દેશવ્યાપી દલિત આંદોલન છે કે, ન તો બાબાસાહેબ સરીખા વિશ્ર્વસનીય નેતા. તેનાથી પણ મોટી કરુણા એ છે કે બાબાસાહેબના અનુયાયીઓ જ દલિતવાદી મુદ્દાઓને રાજકારણ ખાતર ખોટા ચગાવી રાખે છે. જાતિવાદથી કોઈનું ભલું નથી થયું, ઊલટાનું આપણા હિન્દુ સમાજને જ ખંડ-ખંડ કરવાનું કામ થયું છે, જેને કારણે સમાજનું મનોબળ ઘટ્યું છે.
છતાં પણ હું હંમેશા આશાવાદી રહ્યો છું. આપણે એક વાત માનવી જ જોઈએ કે હાલના અને અગાઉના સમયમાં મોટો ફરક છે અને સામાજિક અને આર્થિક પરિવર્તન પણ સારા પ્રમાણમાં થયાં છે. કમ સે કમ દેશના શહેરી વિસ્તારોમાં પહેલાં જેવી ઘોર છૂત-અછૂતતા નથી. છતાં પણ ગ્રામીણ ભારતમાં આજે પણ આ પરંપરા ચાલી રહી છે. જગજીવનરામે આ પરંપરાનો તોડ એકીકૃત રહેણાંક વિસ્તારો સૂચવ્યાં છે. આરક્ષણ મુદ્દે મારું માનવું છે કે જ્યાં સુધી સામાજિક ભેદભાવ છે ત્યાં સુધી આરક્ષણ રહેવું જ જોઈએ. જ્યાં સુધી સામાજિક ધોરણે પછાત લોકો ખુદ પોતાના બળે આગળ વધવા સક્ષમ રહેવાનું ન અનુભવે ત્યાં સુધી આરક્ષણ રહેવું જ જોઈએ. પરંતુ એક વાત એ પણ છે કે, આરક્ષણ ન તો દરેક પરેશાનીનો ઇલાજ છે કે ન સ્થાયી વ્યવસ્થા.
છતાં દલિત બુદ્ધિજીવી સમાજને વિભાજિત કરવા માટે દલિતોની ભાવનાઓનો સહારો લેવાય છે. પરંતુ ખરા બુદ્ધિજીવીઓ વ્યાપક હિતની વાત જ વિચારે છે, અને કરે છે. બુદ્ધિજીવી એ છે કે જેના મનમાં કોઈ કપટ નથી. જેમનો ઉદ્દેશ્ય સમસ્ત સમાજની મદદ કરી, માનવતાને પરેશાનીઓથી મુક્તિ માત્ર જ હોય છે. હું આજે પણ એ વાતને યાદ કરી રોમાંચિત થઈ જાઉં છું જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મને વિજયાદશમીના દિવસે નાગપુરમાં આમંત્રિત કર્યો.
સંઘે પોતાના એકાત્મતા મંત્રમાં બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિરાવ ફૂલેનાં નામ ઋષિઓ સાથે રાખ્યાં છે, જે દરેકના દિલને સ્પર્શી જતી વાત છે. હિન્દુ સમાજને હાલ તત્કાળ નૈતિક ઉત્થાનની જ‚રિયાત છે અને તે કામમાં મોડું થાય એ તેના માટે ભયજનક છે.
મારું ગંભીરતાપૂર્વક માનવું છે કે, સંઘ અને તેના આ જ વિચારથી આર્યસમાજ, રામકૃષ્ણ મિશન અને ગાયત્રી પરિવાર પોતપોતાના અભિયાનમાં સફળ થશે.
દ દ દ
લેખક પ્રખ્યાત દલિત ચિંતક છે. તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.