મનોજકુમાર એટલે ‘મિ. ભારત’ અને ‘મિ. ભારત’ એટલે મનોજકુમાર

    ૧૩-મે-૨૦૧૬


હમણાં જ જેમને ‘દાદાસાહેબ ફાળકે’ પુરસ્કાર અપાયો તે
દેશભક્તિસભર થીમવાળી અવિસ્મરણીય ફિલ્મો આપનાર અભિનેતા મનોજકુમારે આમ તો સુપરહિટ રોમેન્ટિક અને થ્રીલર ફિલ્મો પણ આપી છે, છતાં તેઓ હંમેશાં ‘મિ. ભારત’ તરીકે જ ઓળખાયા છે, જે તેમની આગવી ઉપલબ્ધિ છે. દિલીપકુમારને આદર્શ ગણીને ચાલતા મનોજકુમારે ચાર દાયકાની કારકિર્દી દરમિયાન પચાસેક ફિલ્મોમાં જ કામ કર્યું છે, જે દર્શાવે છે કે ફિલ્મો બાબતે તેઓ કેટલા ચૂઝી હતા.
અમેરિકાના કમાન્ડોએ હેલિકોપ્ટરમાંથી પાકિસ્તાનના ખૈબરપખ્તુનવામાં આવેલા અબોટબાદના એક ઘરમાં ઊતરીને જગકુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનને યમધામ પહોંચાડી દીધો એ જ શહેર અબોટાબાદ ‘મિ. ભારત’ની ઓળખ પામનાર અભિનેતા યાનિ કી મનોજકુમારનું પણ જન્મસ્થળ છે. (યાદ રહે કે અબોટાબાદને વાચકો સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકે એટલે ઓસામાનો ઉલ્લેખ કર્યો છે, બે વ્યક્તિઓની સરખામણી કરવાનો અહીં ૦.૦ ટકા પણ આશય નથી.) ૨૪ જુલાઈ, ૧૯૩૭માં જન્મેલા મનોજકુમારનું સાચું નામ તો હરિક્રિશ્નગિરિ ગોસ્વામી છે અને તેઓ માત્ર દસ વર્ષના હતા ત્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પરિવાર સાથે પાકિસ્તાન હંમેશાને માટે છોડીને દિલ્હી આવી ગયા હતા. દિલ્હીમાં તેઓ રેફ્યુજી કેમ્પમાં પણ રહ્યા અને દિલ્હી યુનિ.માંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફના વળગણને લીધે મુંબઈ આવી ગયા. ફિલ્મો તરફ તેમને લગાવ શા માટે થયો તે પણ જાણવા જેવું છે. થયું એવું કે એકવાર તેઓ સંબંધમાં થતા એક કાકા સાથે દિલીપકુમારની ફિલ્મ ‘જુગ્નુ’ જોવા ગયા હતા. ફિલ્મ જોઈને દિલીપકુમારના પ્રેમમાં તો તેઓ પડી જ ગયા, પણ જ્યારે થોડા દિવસો પછી તેમણે રસ્તા પર દિલીપકુમારની આગામી ફિલ્મનું પોસ્ટર જોયું તો આશ્ર્ચર્યચકિત થઈ ગયા અને આનંદિત પણ. કારણ કે તેઓ માની નહોતા શકતા કે ‘જુગ્નુ’માં તો દિલીપકુમાર છેલ્લે મરી જાય છે, તો પછી જીવતા કેવી રીતે થયા ! પછી તેમણે જિજ્ઞાસા સંતોષવા માટે પરિવાર-મિત્રવર્તુળમાં ઘણાને પૂછી જોયું ત્યારે ખાતરી થઈ કે ફિલ્મોમાં તો મરી જવાનો માત્ર અભિનય કર્યો હોય. સાચેસાચ મરી ન ગયા હોય.
બસ, આ રીતે દિલીપકુમાર પ્રત્યેનું આકર્ષણ ફિલ્મોની જાણકારી મેળવવા તરફ દોરી ગયું અને જ્યારે તેમને પ્રથમવાર ૧૯૫૭માં માત્ર ૨૦ વયે ‘ફેશન’ નામની ફિલ્મમાં કામ મળ્યું ત્યારે પણ ફિલ્મો માટે જેમ યુસુફ ખાનમાંથી દિલીપકુમાર બની ગયા તેમ જ પોતે પણ ફિલ્મી નામ અલગ રાખવું તેવું નક્કી કર્યું અને નામ પણ દિલીપકુમારની જ એક ફિલ્મ ‘શબનમ’માં દિલીપકુમારના પાત્રનું નામ મનોજ હતું તે પરથી જ પોતાનું ફિલ્મી નામકરણ મનોજકુમાર કરી નાખ્યું. જોકે ફિલ્મોમાં પદાર્પણ તો કરી લીધું અને નાના-મોટા રોલવાળી ચાર-પાંચ ફિલ્મો પણ કરી, ૧૯૬૦માં તેમને હીરો તરીકે ચમકાવતી ફિલ્મ ‘કાંચ કી ગુડીયા’ આવી. છતાં સફળતા હજુ હાથવ્હેંત છેટી જ હતી. આખરે ૧૯૬૨માં માલાસિંહા સાથે ‘હરિયાલી ઔર રાસ્તા’ ફિલ્મ આવી, જેને બમ્પર સફળતા મળી. હવે પાકિસ્તાનથી આવેલા એક રેફ્યુજી છોકરાને બોલિવૂડમાં સ્ટાર સ્ટેટસ મળી ગયું અને પછી તો સતત બે દાયકા સુધી બોલિવૂડમાં તેમણે સફળતાનો નવો ઇતિહાસ રચ્યો.
આ બે દાયકા દરમિયાન તેમણે ‘દો બદન’, ‘પત્થર કે સનમ’ જેવી રોમૅન્ટિક ફિલ્મોમાં પણ કામ કર્યું અને આશા પારેખ, માલા સિંહા જેવી એક્ટ્રેસ સાથે જોડી જમાવી. તો બીજી બાજુ ‘વો કૌન થી’ અને ‘ગુમનામ’ જેવી થ્રીલર ફિલ્મોમાં પણ કામ કર્યું. અહીં એક આડ વાત કરી દઉં કે ‘વો કૌન થી’ ફિલ્મના દિગ્દર્શક રાજ ખોસલા હતા, જેઓ પણ સફળતમ ડાયરેક્ટર હતા, પરંતુ ‘વો કૌન થી’ના એક દૃશ્યના કેટલાક સંવાદ સાથે મનોજકુમાર સંમત નહોતા એટલે તેમણે રાજ ખોસલાને કહીને એ દૃશ્ય અને સંવાદ ફરી લખ્યા અને તેમને બતાવ્યા, પછી રાજ ખોસલાએ યુનિટ સમક્ષ જાહેર કર્યું કે તેઓ હવે આગામી ફિલ્મ મનોજકુમાર લખશે તે પ્રમાણે બનાવશે. બીજું કે ફિલ્મનું નામ ‘વો કૌન થી’ પણ મનોજકુમારે જ આપેલું છે. મૂળ વાત પર આવીએ તો ‘સંન્યાસી’ બનીને હેમા માલિની સાથે કોમેડી પણ કરી અને ‘દસ નંબરી’માં એક્શન પણ કરી. ‘શોર’માં અભિનયનાં સંવેદનો ઊંડાણપૂર્વક ઝીલ્યાં પણ ખરાં અને ‘બેઈમાન’ માટે બેસ્ટ એક્ટર તરીકેનો ફિલ્મફેર ઍવોર્ડ પણ મેળવ્યો. જોકે આ દરમિયાન તેમના પર દિલીપકુમારની નકલ કરવાના આરોપો પણ લાગ્યા. જે સંદર્ભે તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું પણ હતું કે ‘હું કંઈ દિલીપકુમારનો ક્લોન નથી.’ અને તેમની વાત સાચી પણ છે, સ્ક્રીન પર અડધા મોં પર હાથ ફેરવવાની તેમની સ્ટાઇલ, ડાયલોગનો ચોક્કસ રીતે પોઝ આપીને બોલવાની રીત તેમની પોતાની આગવી ઓળખ હતી.
અહીં તમને થશે કે મનોજકુમારની બધી ફિલ્મો વિશે વાત કરી, પણ તેમની દેશભક્તિવાળી ફિલ્મોનો તો ઉલ્લેખ જ ના કર્યો, પણ એટલા માટે કે તેને લેખમાં કમ -સે-કમ એક અલગ ફકરો તો ફાળવવો જ પડે ને ! તો વાત એમ છે કે ૧૯૬૫માં તેમણે ‘શહીદ’ નામની ફિલ્મમાં શહીદ ભગતસિંહનો રોલ કર્યો હતો અને એ ફિલ્મ પણ હિટ નીવડી હતી અને તે ફિલ્મનું ગીત ‘મેરા રંગ દે બસંતી ચૌલા...’ આજે પણ દેશભક્તિનાં ગીતોમાં ટોચનું સ્થાન ધરાવે છે. એ સમયે મનોજકુમારની મુલાકાત તત્કાલીન વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રી સાથે થઈ હતી. તે સમયે લાલબહાદુર શાસ્ત્રીએ જ આપેલું સૂત્ર ‘જય જવાન, જય કિસાન’ બહુ ગાજ્યું હતું. એટલે લાલબહાદુર શાસ્ત્રીએ મનોજકુમારને આ સૂત્રને થીમ રાખીને એક ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું અને મનોજકુમારે તેમની વાત સહર્ષ વધાવી લીધી અને ત્યારબાદ તેમણે ખેડૂત અને સૈનિકની વાર્તાવાળી ફિલ્મ બનાવી ‘ઉપકાર’, જેમાં મુખ્ય રોલ પોતે કરવા ઉપરાંત પ્રથમવાર દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો, લખી પણ પોતે જ અને ૧૯૬૭માં રજૂ થયેલી તેમની આ ફિલ્મને અભૂતપૂર્વ સફળતા સાંપડી. બોક્સઑફિસ પર ફિલ્મે નાણાંનો વરસાદ વરસાવ્યો અને ફિલ્મે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (વિલન તરીકે જાણીતા અભિનેતા પ્રાણે આ ફિલ્મમાં પ્રથમવાર અપંગ મલંગ ચાચાનો પોઝિટિવ રોલ કર્યો હતો અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઍવોર્ડ મેળવ્યો હતો) અને બેસ્ટ સોંગ એમ છ ફિલ્મફેર ઍવોર્ડ જીત્યા તેમજ નેશનલ ઍવોર્ડમાં પણ સેક્ધડ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો તેમજ ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી’ ગીત માટે મહેન્દ્ર કપૂરને પણ શ્રેષ્ઠ ગાયકનો નેશનલ ઍવોર્ડ મળ્યો. આ ગીત વગર આજે પણ સ્વાતંત્ર્ય દિન ૧૫ ઑગસ્ટ કે પ્રજાસત્તાક દિવસ ૨૬મી જાન્યુઆરીની ઉજવણી પૂરી થતી નથી. આ ફિલ્મમાં મનોજકુમારે ‘ભારત’ નામના એક એવા ખેડૂતની ભૂમિકા ભજવી હતી કે જે ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે સૈનિક તરીકે સરહદ પર લડવા પણ જાય છે. ત્યારબાદ ‘પૂરબ ઔર પશ્ર્ચિમ’માં તેમણે ફરીવાર પોતાના પાત્રનું નામ ભારત રાખ્યું અને પૂર્વ તેમજ પશ્ર્ચિમની સંસ્કૃતિનો ભેદ દર્શાવતી આ ફિલ્મને પણ જબરદસ્ત સફળતા મળી અને બસ, ત્યારબાદ તેમના માથે કાયમ માટે ‘મિ. ભારત’ તરીકેનું છોગું ઉમેરાઈ ગયું. પછી તો ‘રોટી કપડાં ઔર મકાન’ તેમજ ‘ક્રાંતિ’માં પણ તેમણે ભારત નામથી પાત્રો ભજવ્યાં. ‘ક્રાંતિ’ ફિલ્મની મોટી વાત તેમના માટે એ હતી કે તેમાં તેમના આદર્શ દિલીપકુમારને ડિરેક્ટ કરવાના હતા અને એ કામ તેમણે સારી રીતે પાર પાડ્યું. આ ફિલ્મમાં પણ બ્રિટિશરો સામે ક્રાંતિની વાત હતી એટલે કે દેશભક્તિની વાત હતી. ૧૯૮૧માં આવેલી આ ફિલ્મ સફળ પણ થઈ અને દિલીપકુમારનો એંગ્રી અંદાજ દર્શકોને પસંદ આવ્યો ત્યારે તેમણે મનોજકુમારના દિગ્દર્શનની પ્રશંસા કરતાં કહ્યું કે ‘અગાઉ હું અને મનોજ ‘આદમી’ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છીએ. તે વખતે તો તેઓ માત્ર એક્ટર જ હતા, છતાં જે રીતે તેઓ કેમેરા એંગલ વિશે મારી સાથે ચર્ચા કરતા ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે મનોજમાં એક સારો દિગ્દર્શક છુપાયેલો છે.’ હવે જે વ્યક્તિના અભિનય પરથી પ્રેરણા લઈને મોટા થયા હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતામાં મેળવી હોય તેમને ડિરેક્ટ કરવાની તક મળે અને તેઓ પાછા પ્રશંસા કરે તેનાથી મોટો એવોર્ડ મનોજકુમાર માટે બીજો કયો હોઈ શકે ? છતાં જોગાનુજોગ એવું બન્યું કે ‘ક્રાંતિ’ પછી તેમની સફળતાનો ગ્રાફ અચાનક ડાઉન થઈ ગયો અને ત્યારબાદ તેમની આવેલી ફિલ્મો ‘કલયુગ ઔર રામાયણ’, ‘ક્લર્ક’, ‘મૈદાન એ જંગ’ અને ‘જય હિંદ’ બોક્સ ઑફિસ પર જોરદાર પિટાઈ ગઈ અને તેમણે ૧૯૯૯માં છેલ્લી ફિલ્મ પછી ક્ષેત્રસંન્યાસ લઈ લીધો. આમ કેરિયરનાં ૪૨ વર્ષ દરમિયાન તેમણે માંડ પચાસેક જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. એમ જ કહોને કે આ મામલે પણ તેઓ દિલીપકુમારને જ આદર્શ માનીને ચાલ્યા છે.
અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે આપેલા આ પ્રદાન બદલ ૧૯૯૨માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા અને ૨૦૧૬માં તેમને ભારત સરકારના સર્વોચ્ચ ફિલ્મી પુરસ્કાર દાદાસાહેબ ફાળકેથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. જય ભારત.
* * *
(લેખક ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિ ‘રસરંગ’માં આવતી કૉલમ ‘સિને ગો રાઉન્ડ’ના કોલમિસ્ટ છે તેમજ ફિલ્મના વિવેચક છે.)