શું કાલ આવશે ખરી ?

    ૧૩-મે-૨૦૧૬

 

શરીરને સારું અને સ્વસ્થ રાખવાની ઇચ્છાથી લોકો યોગ શીખવા આવે છે. કોઈ લોકો સવારે ચાલવાનો પ્રયત્ન કરે છે. કોઈ બીજી કસરત વિશે પૂછીને જાણકારી મેળવે છે.
પરંતુ જો ધ્યાન આપીએ કે લોકો શીખેલા યોગાસન કે કસરતને નિયમિતપણે કરે છે ? તો ખબર પડશે કે નથી કરતા. તેમને જ પૂછી જુઓ, તરત જ જવાબ મળશે : આજે બહુ થાક લાગ્યો છે, કાલથી હું નિયમિત કરીશ.
શું કાલથી આ લોકો ચાલવા જશે ? વ્યાયામ કરશે? કોઈ અવકાશ નથી.
જો તમે તમારી પસંદનું કામ કર્યા વગર આળસમાં બેસશો તો તમારું મન જ તમને અપરાધના ભાવ સાથે ઠપકો આપશે, "આ શું ? આળસથી બેઠા છો ?
તમારો અહંકાર ક્યારેય તમને એ સ્વીકારવા નહીં દે કે "હું જવાબદાર છું. તમારો અહંકાર એ જ આશ્ર્વાસન આપી મનને છેતરશે, "હું આળસુ નથી ભાઈ, કાલથી શરૂ‚ કરવાનો છું.
કર્ણાટકના કેટલાક ગામોમાં એક અંધવિશ્ર્વાસ છે. લોકો એવું માને છે કે સૂર્યાસ્ત પછી તે વિસ્તારનાં ભૂતપ્રેત ઘરમાં ઘૂસવાની કોશિશ કરશે.
લોકોને એ વાતની બીક છે કે આ ભૂતપ્રેતને ભગાડવાનો પ્રયત્ન કરીએ તો તે ગુસ્સે થઈ જશે, પછી તેનું પરિણામ બહુ ખરાબ હશે.
તેથી આ લોકોએ એક યુક્તિ કરી છે. ભૂત-પ્રેતને લાલ રંગ પસંદ હોય છે, તેથી એ રંગથી દરેક ઘરના દરવાજા પર એવું લખી દે છે : "કાલે આવજો.
કારણ પૂછીએ તો લોકો કહે છે, "ભૂત-પ્રેત જ્યારે પણ આવશે આ સૂચના જોઈને પાછાં ચાલ્યાં જશે.
કોઈ કામને આજે અથવા હમણાં કરવાનું કહેવામાં આવે તો તેને તત્કાલ કરવાની જરૂર હોય છે. ‘કાલ’ તો એક અજાણ્યો - ન આવેલો - દિવસ હોય છે, ક્યારેય ન આવનારો દિવસ !
તેથી જ જો તમે તમારા સ્વાસ્થ્યને, સફળતાને આનંદને, તમારા જીવનની જરૂરતોને કહેશો ‘કાલે આવજો’ તો તે ખુશીથી જતી રહેશે. સાવધાન રહેજો.
"કાલથી.. આ વાક્ય મનની અંદર ઊંડાણથી જામેલી ચાલાકી છે. જીવનના કેટલાયે તબક્કાઓમાં તમે આ માયાવી ચાલાકીને સ્થાન આપ્યું છે.
જે કામ કરવા જેવું છે તે કર્યા વિના ટાળતા લોકો માટે ‘કાલ’ હંમેશા શુભ દિવસ હોય છે. ‘કાલ કરીશું’ કહી દેવાથી જવાબદારી ખતમ થઈ ગઈ.
ગમે તેમ કાર્ય શરૂ કરીને પછી તેને આગળ ઉપર કરવા માટે અટકાવી દેવાની ટેવ એક બીમારીની જેમ સંસદ સુધી વ્યાપી ગઈ છે, જે ચિંતાનો વિષય છે.
બસ, એક વાત સમજી લો - આપણે જેને ‘કાલ’ કહીએ છીએ તેનો સામનો ક્યારેય થવાનો નથી. તે જ્યારે ‘આજ’ બની જાય છે ત્યારે જ તેનો સામનો કરીએ છીએ ‘કાલ’ નામનો સમય આપણા જીવનના અનુભવમાં સાકાર થશે નહીં.
શંકરન્ પિલ્લૈ ગાડીના મિકેનિક પાસે ગયા.
"શું તમે મારી ગાડીના હોર્નને એવું બદલી દઈ શકો છો કે તે વધુ જોરથી વાગે ? તેમણે પૂછ્યું.
"હૉર્ન તો બરાબર છે મિકેનિકે કહ્યું.
"બ્રેક કામ નથી કરતી, તેને રિપેર કરાવવા કરતાં હોર્નનો અવાજ વધારવાનો ખર્ચ ઓછો જ થશે એ ખ્યાલથી પૂછ્યું હતું. શંકરન્ પિલ્લૈએ ચોખવટ કરી.
"કાલે કહેવાનો મતલબ પણ બ્રેકને ઠીક કરવાને બદલે જોરથી હોર્ન બજાવીને લોકોને રસ્તામાંથી હટાવવા જેવું જ છે. ગમે ત્યારે અકસ્માતનો સામનો કરવો પડી શકે છે.
આ સ્થિતિને કઈ રીતે બદલવી ?
ઘરનું કામ હોય, કોઈ ઉદ્યોગ ચલાવવાનો હોય કે પછી સ્વાસ્થ્ય માટે કસરત હોય, પહેલાં તેને માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવી લેવી જોઈએ.
રાત્રે દસ વાગ્યા પછી પેટ ભરીને ઢોંસા ખાઈને સવારે છ વાગે યોગના વર્ગમાં જવાનું વિચારીએ તો શરીર કેવી રીતે સાથ આપશે ?
રાત્રે એ રીતે ઓછું ખાઈને જુઓ કે સવારે ચાર વાગે ઊંઘ ઊડી જાય. જાતે જ જાગી જશો. શરીરે તમને સમજાવવાની જરૂર નહીં પડે.
મનમાં એક દૃઢ સંકલ્પ, બહાર અનુકૂળ પરિસ્થિતિ, આ બંનેને બનાવી લો. ઇચ્છિત કાર્યોને ટાળ્યા વગર પૂરાં કરવાની શક્તિ આપોઆપ આવી જશે.
સદગુરૂ, આપે આપનું આ શરીર ક્યાંથી મેળવ્યું છે? નીરોગી જીવન જીવવા માટે મારે શું કરવું જોઈએ?
સદગુરૂ : પહેલાં પોતાને માટે રોજ ૩૦ મિનિટનું રોકાણ કરવા તૈયાર થવું જોઈએ. તમારા આંતરિક સ્વાસ્થ્યને સારું બનાવવા માટે અમુક આધ્યાત્મિક અભ્યાસ છે. તેમાં તમારા શરીરને સ્વસ્થ રાખવાનો અભ્યાસ પણ સામેલ છે. દુનિયામાં ૭૦ ટકા બીમારીઓ મનુષ્ય દ્વારા ઊભી કરેલી છે. તેનાથી બચી શકાય તો તમારા સ્વાસ્થ્યને સંભાળવું બહુ સહેલી વાત છે.