શું ક્રોધ પણ એક શક્તિ છે ?

    ૨૧-મે-૨૦૧૬

કોઈ રાજનેતાને પૂછો, ભિખારીને પૂછો, ડાકુને પૂછો, નાની-નાની ચોરી કરનારને પૂછો, દાર્શનિકને પૂછો - ભલે ગમે તેને પૂછશો તો એ જ દલીલ આગળ કરશે કે તેમનો ગુસ્સો ન્યાયસંગત છે.

કોઈ વૃક્ષ કે છોડ, જનાવર કે જંતુ બીજાને બદલી નાખવાની યોજના નથી બનાવતાં. એક મનુષ્ય જ છે જે પોતાના વિચારો અને સિદ્ધાંતોને બીજા ઉપર થોપવાનો પ્રયત્ન કરે છે. જે લોકો સહમત નથી થતા, તેમની સાથે ઝઘડો શરૂ‚ થઈ જાય છે.

જ્યારે તમે એકસાથે રહો છો, સાથે કામ કરો છો તો દરેક તબક્કે બીજાને પણ તમારામાંનો એક ગણીને તેને જે સન્માન આપવાનું છે તે આપતાં તેમના વિચારોને પણ સાંભળો. તેમના વિચારોની વિરુદ્ધ જ્યારે તમે નિર્ણય લો છો ત્યારે એવી રીતે સ્નેહભર્યો વ્યવહાર કરો કે જેથી તેમને ખ્યાલ આવે કે તમારો નિર્ણય તેમના હિતમાં જ છે. જો તમારો નિર્ણય સફળ નીવડે તો તેમને એ વાતનો જશ આપો કે તે સફળતામાં તેમની પણ ભાગીદારી છે.

જો તમારો નિર્ણય ખોટો પણ પડશે, તો પણ તે લોકો મોં બગાડ્યા વિના તેમાં ભાગ લેશે. તમારી સાથે દૃઢતાપૂર્વક મળીને રહેશે, સતત પોતાનો સહકાર આપશે.

જો તમે નેતા બની રહેવા ઇચ્છો છો તો તમારી આસપાસ કામ કરતા લોકોને તમારા ઉપર પૂરો ભરોસો હોવો જોઈએ. તમે તમારી બાબતમાં પૂર્ણરૂપે સજાગ રહેશો તો જ તમે બીજા લોકોની જવાબદારી લઈ શકો છો.

એક પક્ષીને કાંકરો મારશો તો આસપાસનાં બધાં પક્ષી ઊડી જશે. તમે કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો કરશો તો બીજા લોકોને પણ તમારા પરથી વિશ્ર્વાસ ઊઠી જશે. જો ક્યાંય પણ કોઈ ખામી નજરમાં આવશે તો તમારા પર દોષ નાખી બધા લોકો ખસી જશે.

પ્રશ્ર્ન એ છે કે ગુસ્સાને કેવી રીતે છોડી શકાય ?

તમારી ચારેબાજુ કંઈ પણ બને, જો ત્યાં તમે એક એવો માહોલ પેદા કરી શકો કે જેમાં તમે પોતે એક સમસ્યા ન બનો તો બસ કોઈ તનાવ નહીં રહે.

રિચર્ડ કૌલી નામના વિખ્યાત ચિકિત્સકની પાસે એક માણસ આવ્યો, "ડૉક્ટર, હું બત્રીસ વર્ષનો છું. પરંતુ હજી પણ અંગૂઠો ચૂસવાની ટેવથી છુટકારો ન મળતાં પરેશાન છું. તેણે સંકોચથી કહ્યું.

"તેમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પણ વિચારો, હજુ કેટલાં વર્ષ સુધી એ જ અંગૂઠાને ચૂસતા રહેશો ? આજથી બહુ ધ્યાન રાખીને બીજી કોઈ આંગળી ચૂસો. ડૉક્ટરે તેને આમ સલાહ આપી.

એક અઠવાડિયામાં તે ફરી આવ્યો.

"ત્રીસ વરસથી જે મારા માટે અનિવાર્ય આદત રહી તેનાથી હું માત્ર છ દિવસમાં પૂર્ણરૂપે મુક્ત થઈ ગયો, આ કેવી રીતે શક્ય બન્યું ?

રિચર્ડ કૌલીએ સમજાવ્યું, "કોઈ કામને આદતથી મજબૂર થઈને કર્યા વિના જો દરેક વખતે તે બાબતમાં નવી રીતે ફેંસલો લેવો પડે તો આપણે તેના પ્રતિ વધુ સાવધાની સાવચેતી રાખીશું. બિનજરૂરી આદત આપોઆપ છૂટી જશે.

જો ક્રોધ અને તનાવ જ તમારી જિંદગી હોય તો દરેક વખતે તે બાબતમાં સાવધાનીપૂર્વક ફેંસલો લેવાની કોશિશ કરો. ક્રોધ છૂટી જશે. સ્વર્ગ કાયમ રહેશે.

તમે સાધારણ મજૂર હો કે સંચાલન કરતા માલિક હો, જો તમે પોતાની જાતને સંભાળવાની ક્ષમતા વિના આગળ વધવાનો પ્રયત્ન કરશો તો એ એક દુર્ઘટના જ બની રહેશે.

બહારની પરિસ્થિતિઓથી પ્રભાવિત થયા વગર, પહેલાં પોતાના આંતરિક વ્યક્તિત્વનો નિર્વાહ કરવાનું શીખી જાઓ. ચારે બાજુ કાદવ હોવા છતાં તેનો ખાતરના રૂપમાં સ્વીકાર કરી શું કમલ પોતાની પૂર્ણ સુંદરતાને પ્રગટ નથી કરતું ? સુગંધ નથી ફેલાવતું ?

તમારું જીવન પણ આ પ્રકારનું હોવું જોઈએ. ભલે ગમે તેવો માહોલ હોય, દૃઢતાથી કામ કરતાં તેમાંથી તમારા માટે જ‚રી ઊર્જા લઈ લો.

પોતાની બાબતમાં જવાબદારીનો ભાવ હોય તો જ, બીજાની જવાબદારી લઈને તેમને રસ્તો બતાવી શકો છો. જે લોકો આ રીતે સજાગ રહીને કોઈ લક્ષ્ય સાથે જીવે છે તે જ સફળ નેતાના રૂપમાં ચમકી શકે છે.

 

કામ-વાસનાની તીવ્ર ઇચ્છાથી છુટકારો કેવી રીતે મેળવું ?

સદ્ગુરુ-આપણે કોઈ ને કોઈ બાબતથી છુટકારો મેળવવા અંગે જ વિચારતા રહીએ છીએ. તમે બળજબરીપૂર્વક કોઈક બાબતથી છુટકારો મેળવી શકતા નથી. જો તમે જબરદસ્તી કોઈ ચીજને છોડવા ઇચ્છો તો એ બીજા કોઈ સ્વરૂપે સામે આવશે અને તમારી અંદર બીજો કોઈ વિકાર ઊભો કરશે. જો તમે કોઈ ચીજ છોડવાનો પ્રયત્ન કરશો તો તે પૂરી રીતે તમારા મગજ અને ચેતના પર છવાઈ જશે. કોઈ તમને કહે છે કે "આ ખરાબ બાબત છે, તેને છોડી દો. તો શું તમે ખરેખર તે છોડી દેશો ? પરંતુ જો તેનાથી કોઈ મોટી સારી ચીજનો સ્વાદ ચાખી લેશો તો છોડવા માટે કોઈએ તમને કહેવું પડશે ? ત્યારે એ આપોઆપ છૂટી જશે. તમારે તમારા જીવનનો થોડો સમય કોઈ જરૂરી કાર્ય કરવામાં લગાડવો પડશે. જેથી એક વધુ મોટી સંભાવના તમારા જીવનની હકીકત બની જાય.