સતી કુંતાએ વેદનાનું વરદાન માગ્યું હતું- સુખમાં હૃદયમાંથી રામ જતા રહે છે

    ૨૮-જૂન-૨૦૧૬


ભારતની ભૂમિ રામ, કૃષ્ણ અને મહાવીર જેવા અવતારોની ભૂમિ છે એટલે ભૂમિ તો ફળદ્રુપ છે એમાં શંકા નથી. વળી શ્રદ્ધાનું જળ અને અધ્યાત્મનું ખાતર છે તથા દરેક ધર્મ, કોમ, પ્રદેશ, ભાષાના લોકો વચ્ચે પરસ્પર વિશ્ર્વાસ રહે તે આ છોડની રક્ષા માટેની વાડ છે. આ ચાર તત્ત્વો મળે એટલે મૈત્રીનો છોડ ખૂબ ફૂલેફાલે છે.

0 0 0

માણસ સ્વભાવે સુખપ્રિય છે, દુ:ખ એને ગમતું નથી. બહુ એવા માણસો હોય છે જે ઈશ્ર્વર પાસે દુ:ખ માગે છે. સતી કુંતાએ વેદનાનું વરદાન માગ્યું હતું. સુખમાં હૃદયમાંથી રામ જતા રહે છે.

0 0 0

માનવીનો સ્વભાવ મોટા ભાગની વ્યક્તિગત સમસ્યાઓનો જનક હોય છે. માણસને પોતાનો સ્વભાવ નડે છે તેટલો કોઈ શત્રુ પણ નડી શકતો નથી.

0 0 0

માણસને અભાવ કરતાં પણ સ્વભાવ વધુ કનડે છે. જે માણસને સ્વભાવ કનડે છે એ માણસ તમામ પ્રકારના વૈભવની વચ્ચે પણ તાણ અનુભવશે, અસંતોષ અનુભવશે.

0 0 0

ભારત સ્વચ્છ પણ રહે અને સ્વસ્થ પણ રહે. કારણ વ્યક્તિ કે વતન માત્ર તનથી નહીં, પરંતુ મનથી, સંકલ્પથી, વિચારથી, હૃદયની ભાવનાથી એમ તમામ રીતે સ્વચ્છ હોય એ જ સાચી ચોખ્ખાઈ છે, એ જ સાચું નીરોગીપણું છે.

0 0 0

જે રીતે કોઈ વસ્ત્રમાં અલગ-અલગ રંગના ધાગાથી સુંદર મજાનું ભરતકામ કરવામાં આવે અને એ ભરતગૂંથણથી વસ્ત્રની શોભા વધી જાય તે રીતે ભારતમાં પણ એવું સરસ ભરતકામ થયું છે જેથી વિશ્ર્વના નકશામાં હિંદુસ્તાનની શોભા વધી છે.

0 0 0

આપણા પૂર્વજોએ આખા વિશ્ર્વને જે અધ્યાત્મનો અણમોલ વારસો આપ્યો છે, તેના મૂળમાં મીઠાશને વહેંચવાનો મહામંત્ર પડેલો છે. આપણે સૌ ભારતીયો એકબીજાને સાચા હૃદયથી મળીએ અને મધુરતાનો પર્યાય બનીએ.

0 0 0

અભાવનો ઇલાજ સહેલો છે, પરંતુ સ્વભાવનો ઇલાજ અઘરો છે. માટે દરેક માણસ એકાંતમાં પોતાની જાતનો સંગ કરે તથા અસંગ રહીને સ્વદર્શન કરે, પોતાનું મૂલ્યાંકન કરે. સ્વભાવદર્શનથી વ્યક્તિગત સ્તરે જોવા મળતી આર્થિક, શારીરિક કે માનસિક સમસ્યા ઊકલી જશે.

0 0 0

સામાજિક સમસ્યા સમાજની તમામ વ્યક્તિને પ્રભાવિત કરતી સમસ્યા હોય છે અને વ્યક્તિગત સમસ્યા માટે સ્વભાવ જવાબદાર છે તેમ સામાજિક સમસ્યા માટે પ્રભાવ જવાબદાર છે.

0 0 0

માણસ કે સંસ્થા પ્રભાવ પાડવાનું બંધ કરે અને સમાજ પ્રભાવ પાડવાનું બંધ કરે તો મોટા ભાગની સામાજિક સમસ્યાઓ નિર્મૂળ થઈ જશે. કોઈના પ્રભાવમાં જીવવું એના કરતાં સ્વભાવમાં જીવવું વધુ સારું હોય છે.

0 0 0

એક હજાર લીમડાનાં વૃક્ષો વચ્ચે એક આંબાનું ઝાડ ઉગાડો તો આંબો ક્યારેય લીમડાની કડવાશના પ્રભાવમાં આવીને લીંબોળી આપતો નથી, એ મીઠીમધ જેવી કેરીઓ જ આપે છે, જ્યારે માણસ કોઈના સારા કે બૂરા પ્રભાવમાં પડવામાં વિલંબ કરતો નથી.

0 0 0

બેકારી, મોંઘવારી, લાગવગ, લાંચરુશવત, કોમવાદ, આતંકવાદ, રાષ્ટ્રીય શત્રુતા એ બધી માનવસર્જિત સમસ્યાઓ છે, જેની અસરકારક ઔષધિ સદ્ભાવ છે. માણસ-માણસ વચ્ચે દુર્ભાવ દૂર થાય અને સદ્ભાવ જન્મે તો આ સમસ્યાઓનું સમાધાન થઈ શકે.