ખુદ ‘હલી’ ન જવાય એવી શક્તિથી યુક્ત થઈ જાવ

    ૨૦-જુલાઇ-૨૦૧૬

એક યુવતીએ કહ્યું કે ‘મહારાજ સાહેબ, ગઈકાલે અમારી કૉલેજમાં એક પ્રોગ્રામ હતો. એક હજાર જેટલાં યુવક- યુવતીઓની હાજરીમાં મારે એક નૃત્ય પણ કરવાનું હતું અને વક્તવ્ય પણ આપવાનું હતું. આપને એ જાણીને અપાર આનંદ થશે કે મારા નૃત્યએ અને મારા વક્તવ્યએ ઉપસ્થિત તમામ યુવક-યુવતીઓને હલાવી દીધાં. એ લોકો માની જ નહોતાં શકતાં કે મારા પગમાં એવી તાકાત છે કે જે નૃત્યજગતમાં મને શિખર પર લઈ જઈ શકે તેમ છે અને મારી જબાનમાં એ તાકાત છે કે જે મને લોકપ્રિયતાના શિખર પર બિરાજિત કરી શકે તેમ છે.

‘આપ મને એવું માર્ગદર્શન આપો કે જે માર્ગદર્શનના સહારે મારામાં એવી એવી શક્તિઓ પેદા થાય કે જે શક્તિઓ આખા ય જગતને હલાવી નાખે.’

મેં કહ્યું કે તું જે જગતમાં છે એ જગતમાં પોતાની શક્તિઓથી જે બીજાઓને હલાવી દે એ તાકાતવાન મનાય છે, જ્યારે હું જે જગતમાં છું એ જગતમાં સામાની ગમે તેટલી પ્રબળ અને આકર્ષક શક્તિઓથી પણ જે હલી ન જાય એ તાકાતવાન મનાય છે.

તારા ‚પથી યુવકો હલી જાય એને તું તારી તાકાત માને છે ને ? પડછંદ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા યુવકોથી તું હલી ન જાય એને હું તારી તાકાત માનું છું. તારા છટાદાર વક્તવ્યથી તને તાળીઓના ગડગડાટ મળે એને તું તારી તાકાત માને છે ને ? કૉલેજિયન યુવકોના ગમે તેવા વાસનાસભર આલાપો વચ્ચે ય તું અડગ રહી શકે એને હું તારી તાકાત માનું છું. મોંઘાંદાટ વસ્ત્રો અને મોંઘીદાટ વસ્તુઓથી સામાને આંજી દેવા એને તું તારી તાકાત માને છે ને ? ગમે તેવાં લોભામણાં વસ્ત્રો અને મોહક વસ્તુઓ વચ્ચે ય તું તારી જાતને સાદગીપ્રિય રાખી શકે એને હું તારી તાકાત માનું છું.

શું કહું તને ? સામાને પોતાના ‚પથી હલાવી દેવાની તાકાત તો વેશ્યા પાસે ય હોય છે. મધઝરતાં વાક્યોથી યુવકોને પાણીપાણી કરી દેવાની તાકાત તો કોલગર્લ્સ પાસે પણ હોય છે. ઊડતા પંખીને પોતાના શરીરના વિકૃત ચેનચાળાથી વાસનાની ગર્તામાં પાડી દેવાની તાકાત તો કોલેજની કોક રખડેલ યુવતી પાસે પણ હોય છે. નખરાં દ્વારા યુવકોને પોતાના તરફ આકર્ષિત કરતા રહેવાની તાકાત તો કોઈપણ ચાલુ યુવતી પાસે ય હોય છે.

તું આવી જ તાકાત મેળવવા માગતી હોય અને એ નાતે મારી પાસે માર્ગદર્શન માગતી હોય તો મારે તને એટલું જ કહેવું છે તું ખોટા સરનામે ટપાલ લખી બેઠી છું. જે તાકાત આ જગતના અધમાધમ આત્માઓને પણ સુલભ છે, જે તાકાત આ જગતના કનિષ્ટમાં કનિષ્ટ આત્માઓને પણ સુલભ બની શકે તેમ છે, તાકાતને જ્યારે હું તાકાત જ નથી માનતો ત્યારે એ અંગેનું માર્ગદર્શન આપવાનો તો મારે પ્રશ્ર્ન જ ક્યાં ઊભો રહે છે ? તને ખ્યાલ ન હોય તો જણાવું કે જે સંયમજીવન આજે મારી પાસે છે એ સંયમજીવનની સુરક્ષા પણ આ જગતના કોઈપણ પ્રકારનાં આકર્ષક પરિબળો કે મોહક પ્રલોભનોથી હું હલી ન જાઉં એમાં જ છે. જો હું પોતે એવાં પરિબળો કે પ્રલોભનોથી હાલી ગયો તો ગયો કામથી ! મારા શરીર પર સંયમીનાં વસ્ત્રો કદાચ રહી જાય પણ પ્રભુએ જેને સંયમજીવન કહ્યું છે એ સંયમજીવન તો મારા માટે સ્વપ્નવત્ બની જાય !

મને ખ્યાલ છે ત્યાં સુધી તારી વય અત્યારે વીસેક વરસની છે. આ વયમાં રૂપ અને શબ્દો દ્વારા બીજાઓને હલાવતા રહેવાની વૃત્તિ, બની શકે કે તારા શીલ માટે જોખમી બની શકે, કારણ કે અમારે ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે વિજાતીયના રૂપ અને શબ્દો, શીલ માટે એ કામ કરે છે કે જે કામ મીણ માટે આગ કરે છે અને કબૂતર માટે પારધિ કરે છે !

શુભકામના વ્યક્ત કરું છું તારા માટે કે તું સામાને ‘હલાવી’ નાખે એવી તાકાતના આકર્ષણથી મુક્ત થઈ જા અને તું ખુદ ‘હલી’ ન જાય એવી તાકાતથી યુક્ત થઈ જા.

‘મનને વાસનાની સામગ્રી આપીશ તો પણ એ તૃપ્ત થવાનું નથી’

અન્ય એક યુવતીએ મને પૂછ્યું કે મહારાજ સાહેબ, ખોરાક માગી રહેલ પેટને જેમ ભોજનનાં દ્રવ્યો આપી દેવાથી તૃપ્તિનો અનુભવ થઈને જ રહે છે તેમ વાસનાની સામગ્રી માગી રહેલ મનને વાસનાની સામગ્રી આપી દેવાથી તૃપ્તિનો અનુભવ થઈને જ રહે એ સંભવિત નથી ? આ પ્રશ્ર્ન હું આપને એટલા માટે પુછાવી રહી છું કે અત્યારે હું ‘મનોવિજ્ઞાન’ પર અધ્યયન કરી રહી છું. એમાં ભારપૂર્વક અને વારંવાર આ જણાવવામાં આવ્યું છે. કે ‘તમે તમારા મનમાં ઊઠતી વૃત્તિઓને દબાવો નહીં. જો દબાવતા જ રહેશો તો એ વૃત્તિઓને અનુકૂળ નિમિત્તો મળતાં જ સ્પ્રિંગની જેમ દબાવતાં એ બમણા વેગથી ઊછળે છે.’ મેં કહ્યું કે પહેલી વાત તો એ છે કે સ્પ્રિંગને તું ગમે તેટલી દબાવ, એ ક્યારેય બમણા જોરથી ઊછળતી જ નથી. એ એટલી જ ઉછળે છે કે જેટલી એની ઊછળવાની ક્ષમતા હોય છે. એટલે મનોવૈજ્ઞાનિકોની આ દલીલ તો બોગસ જ છે. હવે તારા પ્રશ્ર્નનો જવાબ. ખોરાક માગતા પેટમાં ભોજનનાં દ્રવ્યો આપવાથી પેટ તૃપ્ત થઈ જાય છે કારણ કે પેટ એ શરીરનું અંગ છે અને શરીર એ નદીનું પ્રતિનિધિત્વ ધરાવે છે કે જેનું કદ સીમિત છે પણ વાસનાની સામગ્રી માગતા મનને વાસનાનાં દ્રવ્યો આપી દેવા માત્રથી મન તૃપ્ત થઈ જવાનું નથી, કારણ કે મન એ તો સાગરનું પ્રતિનિધિત્વ ધરાવે છે કે જે ગમે તેટલી નદીઓના સ્વીકાર પછી પણ ધરાતો નથી. પાણીને તું ઢોળીશ તો એ કાંઈ ઉપર નથી જવાનું, નીચે જ આવવાનું છે. મનને તું વિષયોની વાસનાની સામગ્રી આપીશ તો એ કાંઈ તૃપ્ત થવાનું નથી. એની અતૃપ્તિ વધવાની જ છે. સાવધાન !