@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ રથયાત્રા

રથયાત્રા


તા. ૬ જુલાઈ, બુધવારના રોજ અષાઢી બીજે રથયાત્રાનું પાવનપર્વ ઉજવાશે. આખું શહેર લગભગ તે દિવસે શહેરના રાજમાર્ગો પર આવી જાય છે. મગ-જાંબુ અને દાડમનો પ્રસાદ લેવા માટે સેંકડો લોકો કલાકો સુધી ઊભા રહે છે. એમની ઇચ્છા હોય છે કે ક્યારે એ ત્રણ રથ નીકળે ને દર્શન થાય. હા, આ બધું વર્ણન એક સદી કરતાં પણ વધુ સમયથી દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રાનું છે. શહેરના જમાલપુર મંદિરેથી આ દિવસે વહેલી સવારમાં જ નીકળતી રથયાત્રા અમદાવાદના નગરજનો જ નહીં, ગુજરાતમાંથી ઠેરઠેરથી આવતા અનેક ભાવિકજનો માટે એક શ્રદ્ધાયાત્રા છે તો એ હેમખેમ પાર પડે તે શહેરના પોલીસતંત્ર માટે બોંતેર કલાકની આકરી પરીક્ષનું પર્વ બની રહે છે. ગુજરાતમાં હવે ૫૦ જેટલાં નાનાં-મોટા નગરોમાં રથયાત્રા યોજાવા લાગી છે, પરંતુ અમદાવાદની યાત્રા શિરમોર સમી છે. ભારતના પૂર્વ કિનારે જગન્નાથપુરીમાં યોજાતી રથયાત્રા પછીની દેશમાંની આ સૌથી મોટી રથયાત્રા છે.
અષાઢી બીજે આ રથયાત્રા નીકળે છે. તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. ૧૨૪ વર્ષ પહેલાં ઈ.સ. ૧૮૭૮માં આ મંદિરના લોકપ્રિય મહંત નરસિંહદાસજીએ પહેલીવાર રથયાત્રા યોજી હતી. ત્યારે તો એ નાના પાયે યોજાતી, પણ ધીમે ધીમે એનો વ્યાપ વધ્યો અને અમદાવાદના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું. દર જેઠ પૂનમે રથયાત્રાના ભાગરૂ‚પે ભગવાનની જલયાત્રા નીકળે છે. તે પ્રારંભનો પ્રસંગ ગણવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરે ચાર ગજરાજોવાળી આ યાત્રા જળ લેવા પહોંચે છે. પૂજન અર્ચન પછી પાછી ફરે તે પછીના ૧૫ દિવસ ભારે ધમધમાટ વર્તાય છે. મંદિરમાં મગ ભરેલી ગૂણીઓના થપ્પા લાગવા માંડે તો કેસિરયા ઉપરણાં તૈયાર કરવા દરજીઓ રાત-દિવસ કામે લાગી જાય છે. જેઠ સુદ પૂનમ પછી પરંપરાગત માન્યતા મુજબ ભગવાન જગદીશ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓની આંખે પાટા બાંધી દેવાય છે. ધાર્મિક માન્યતા એવી છે કે, આ ત્રણેયની આંખો દુ:ખતી હતી એટલે બીજ સુધી મૂર્તિઓનાં દર્શન પણ થતાં નથી.
અષાઢી બીજે વહેલી સવારે ચાર વાગ્યે પૂજા આરતી થાય છે. આંખના પાટા છોડી નંખાય છે. સાડા ચાર વાગ્યે ભોગ ધરાવાય છે. આ ભોગમાં ખીચડી, કોળું અને ગવારફળીનું શાક અને દહીં એટલું જ હોય છે. એ ભોગવિધિ પછી ત્રણેય ભગવાનને તેમના અલગ અલગ રથો પર લઈ જવાય છે. સાત વાગ્યે મંદિરમાંથી જય રણછોડ માખણચોરના ગગનભેદી નારાઓ વચ્ચે પહેલાં મંદિરની ગાયો નીકળે પછી ત્રણે રથ નીકળે છે. આમ હવે અમદાવાદમાં પણ જગન્નાથપુરીની માફક જગન્નાથપુરીના મહારાજ અને ઓરિસ્સાના મુખ્ય પ્રધાન યાત્રાનો શુભારંભ કરાવે છે, જેને મંદિરની ભાષામાં પહિન્દ કહે છે.
અષાઢી બીજે વહેલી સવારે મંદિરની આજુબાજુ હજારોની સંખ્યામાં લોકો હાજર થઈ જાય છે. ત્રણ રથોવાળી આ યાત્રામાં શણગારેલા ગજરાજો, ટ્રક, ખટારા, અંગકસરતના કમાલના ખેલ કરતા અખાડાના અખાડિયનો, ભજનમંડળીઓ, બેન્ડવાજાં, સાધુસંતોની મોટી ફોજ જોડાય છે. પરંપરા મુજબ ત્રણેય રથોને ખલાસ જ્ઞાતિના લોકો દોરડાથી ખેંચે છે. એ એમનો આગવો અધિકાર છે.આ રથયાત્રામાં દર વખતે મંદિર તરફથી ૮૫૦ મણ મગનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ભાવિકો કેસરી ઉપરણાંનો પ્રસાદ મેળવવા પણ ઉત્સુક હોય છે. હજારો મીટર કેસરી કાપડનાં નાનાં-નાનાં ઉપરણાં મંદિર અને અન્યત્ર જગ્યાએ દરજીઓ તૈયાર કરે છે.છેલ્લાં પાંચ-છ વર્ષમાં કોઈ અશાંતિ રથયાત્રામાં સર્જાઈ નથી. ઉત્તરાયણ પછી આખું અમદાવાદ એકસામટું ઉજવણી કરતું હોય તેવું રથયાત્રાનું લોકપર્વ છે.

મલખમ માસ્ટર જયેશ કાચા શું કહે છે...

રથયાત્રા એટલે અખાડા તો હોય જ પણ ધીમે ધીમે અખાડા ભુલાતા ગયા છે, પણ આજે પણ થોડા ઘણા બચ્યા છે તે તેનો કરતબ બતાવતા જ હોય છે. તેમાં છેલ્લા એક વર્ષથી નવો ઉમેરો જોવા મળ્યો છે તે છે મલખમ, એરીયલ અને રીંગ પર દાવ-કરતબ.અમદાવાદના એક માત્ર એક્સપર્ટ જયેશ કાચા પાસે ભણતર ઓછું છે એટલે કે એસ.એસ.સી. નાપાસ છે પણ મલખમમાં માસ્ટરી
મેળવી તેમના કેટલાય શિષ્યો તૈયાર થઈ રહ્યા છે. તેમણે વડોદરાની લક્ષ્મીનાથ વ્યાયામ શાળામાં ચાર વર્ષનો તાલીમ અભ્યાસ પણ કર્યો છે. કસરત કલા વિષે જયેશ કાચાએ જણાવ્યું કે, ‘એરિયલ’ ઇન્ટરનેશનલ આર્ટ છે. મલખમ (પોલ) થાંભલા અને દોરડા પરની કસરત આપણી પ્રાચીન રમત છે. ‘એરિયલ’ના દાવ સરકસમાં અને ટીવી શોમાં જોવા મળે છે. રથયાત્રા અંગે તેમણે જણાવ્યું કે, મને કોઈએ મુકેશભાઈ હાડવૈદ ગોળલીમડાવાળાનો સંપર્ક કરવાનું સૂચન કર્યું હતું. તેથી ગત રથયાત્રામાં યુવાનોએ મલખમના દાવ રજૂ કર્યા હતા. આ વખતે દોરડા, રીંગ અને કપડા પર યુવાનો વિવિધ પ્રકારના કૌશલ્ય કરતબ માટે રોજ તાલીમ લઈ રહ્યા છે. ૩૦ જેટલાં બાળકો છેલ્લા છ મહિનાથી આકરી તાલીમ લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે છ વર્ષથી સોળ વર્ષના યુવાનો આ વખતે રથયાત્રામાં ભાગ લેવાના છે. અમારાં વિવિધ પ્રદર્શનો મુકેશભાઈ હાડવૈદ્યે ડેપો જોયા અને અમોને રથયાત્રામાં સામેલ કરવાનો યશ તેમને જાય છે. અમદાવાદમાં નામાંકિત શાળાઓમાં અને સાબરમતી ગુરૂ‚કુલમાં શિક્ષણ આપી રહ્યા છે. મૂળ જૂનાગઢ જિલ્લાના, અમદાવાદમાં વાડજમાં ગાંઠિયા ફરસાણનો ધંધો પણ કરે છે.


મંદિરના પ્રથમ ગુજરાતી મહારાજ કહે છે કે...

શ્રી જગન્નાથ મંદિરના મહામંડલેશ્ર્વર ગુજરાતી મહારાજ શ્રી દિલીપદાસજીએ જણાવ્યું કે, અમદાવાદનું મંદિર એક સંત દ્વારા મિલમજૂરના વિસ્તારમાં પ્રસ્થાપિત કરેલ મંદિર છે. જ્યારે પુરીનું મંદિર રાજા દ્વારા નિર્મિત થયેલ છે. સંતોની પરંપરા જાળવી રાખીને પ્રસાદથી માંડીને રથયાત્રાની પ્રતિષ્ઠા વધતી ચાલી છે. રથયાત્રાની વિશેષતા એ છે કે, સાધુ સંતો દ્વારા શહેરના દરેક પ્રકારના જાતિ-જ્ઞાતિના સમૂહને એકત્રિત કરવાનું મહાપર્વ એટલે રથયાત્રા. રથયાત્રાનું સંચાલન ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી ચાલે છે. "કીડીને કણ અને હાથીને મણ મુજબ મળતું રહે છે. રથયાત્રાનો સંદેશો એટલો જ છે કે, વસુદેવ કુટુમ્બકમ્- સમાજમાં ધર્મનિરપેક્ષતાથી પ્રભુતાના વાસ તરીકે ભાઈચારાથી સદ્ભાવનાથી સાથે રહી રથયાત્રાનો મહોત્સવ દીપાવવો જોઈએ.
દિલીપદાસજીએ એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું કે, મારા દાદાના ભક્તિમય જીવનથી જમાલપુર કૂવાવાળી પોળનાં પગથિયાં, ખાંડની શેરી પાસે ચાની હોટલ હતી. દાદા સાથે દેવદર્શને આંગળી પકડીને જતો. ધીમે ધીમે ભક્તિભાવ જાગ્યો અને જીવન સમર્પિત કર્યું. દાદા જમાલપુરથી રાયપુર અને છેલ્લે મણિનગર શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા હતા.
ગાદી સંભાળ્યા પછી પણ મા-બાપની યાદ કોને ન આવે ? માતા તો નાનપણથી જ ગુજરી ગયાં હતાં. દાદાએ જ મને ઉછેર્યો છે. ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે. ડેમોક્રેટિક સ્કૂલમાં ૮થી ૧૦ ભણ્યો છું અને ધો.૧થી ૭ ગુજરાતી શાળા, ઢાળની પોળમાં ભણ્યો છું.
નવા યુગ-પરિવર્તનથી વાત કરતાં મહારાજ દિલીપદાસજી કહે છે કે, નવા યુગ સાથે નવું નવું શિખવાનો પ્રયત્ન કરી જમાના સાથે ચાલવાનો પ્રયત્ન કરું છું. સંતસેવા, ગૌસેવા અને ખાસ તો ભગવાનની સેવા કરતાં કરતાં સમાજના લોકો વેરેઝર ન કરે તેવી ઇચ્છા રાખું છું. ગુસ્સો તમારા જેવા લોકોને આવે. સંતોને કદી ગુસ્સો આવતો નથી. જેનું જીવન સાદું એનું નામ સાધુ, ફાવશે, ભાવશે, ચાલશે પ્રમાણેનું જ જીવન હશે તો સાર્થક થશે. પ્રભુ જે જમાડે છે તે બધુ જ મીઠું લાગે છે અને ભાવે પણ છે. ભગવાનને ધરાવેલ ભોગ બધો જ પ્રસાદ છે.