ગાંધીમાર્ગનું સબળ નેતૃત્વ
હિમાલય આડે નાના પર્વતો ઢંકાઈ જાય એમ બાપુના વિશાળ વ્યક્તિત્વ આગળ બાની અલગ ઓળખ ન બની શકી. બા એટલે માત્ર ગાંધીજીનાં પત્ની જ નહીં. સ્વાતંત્ર્યસંગ્રામમાં એમનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જિંદગીનો ઘણો ખરો સમય એમણે જેલમાં કાઢ્યો. નાદુરસ્ત તબિયત છતાં સત્યાગ્રહમાં ભાગ લીધો. ત્યાં સુધી કે એમણે તો જેલમાં જ પોતાનો પ્રાણ છોડ્યો.
કસ્તૂરબાનો જન્મ ૧૧ એપ્રિલ, ૧૮૬૯માં પોરબંદર ખાતે થયેલો. એમના પિતા ગોકુલદાસ પોરબંદરના પ્રતિષ્ઠિત વેપારી હતા. તેમને પોરબંદરના એક સમયે દીવાન ક.બા. ગાંધી સાથે સારો સંબંધ હતો. આ સંબંધને કારણે તેઓ વેવાઈ બન્યા. સાત વર્ષની કસ્તૂરબાઈની સાડા છ વર્ષના મોહન સાથે સગાઈ કરવામાં આવી. તેરમા વર્ષે તેમનાં લગ્ન થયા.
૧૮૮૯માં બાપુને બેરિસ્ટરનું ભણવા વિલાયત (ઇંગ્લેન્ડ) જવાનું થયું ત્યારે કસ્તૂરબાની ઉંમર ૧૯ વર્ષની હતી. એક પુત્ર પણ હતો. ત્રણ વર્ષ સુધી પતિનો વિયોગ થવાનો હતો. ત્યારે કાંઈ ફોનની આવી સગવડ નહોતી, પત્ર પણ મહિને મળતો. છતાં કસ્તૂરબાએ કઠણ હૃદય કરીને બાપુને વિદાય આપી.
૧૮૯૧માં બાપુ ઇંગ્લેન્ડથી ભણી પરત થયા. કસ્તૂરબાનો ઘરસંસાર માંડ ગોઠવાયો હતો. ત્યાં બે જ વર્ષમાં બાપુને દક્ષિણ આફ્રિકા જવાનું થયું. ત્યારે કસ્તૂરબા બીજા પુત્રનાં માતા બની ચૂક્યાં હતાં.
એક વર્ષનું કહીને ગયેલા બાપુ ત્રણ વર્ષે દક્ષિણ આફ્રિકાથી પરત થયા. એ તો ત્યાં સ્થાયી થવાનું નક્કી કરીને પરિવારને લેવા માટે જ આવ્યા હતા. બા માટે અજાણી ભૂમિ, અજાણ્યા લોકો, પોતે બિલકુલ અભણ. કઈ રીતે ત્યાં સોરવશે એ મોટો પ્રશ્ર્ન હતો, પરંતુ પતિના પગલે પગલે ચાલવા બંધાયેલી આ નારીએ વિરોધનો એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો.
દક્ષિણ આફ્રિકામાં બાએ બીજા બે પુત્રને જન્મ આપ્યો. શરૂઆતમાં બાને ત્યાંનું હવામાન માફક ન આવ્યું. વારંવાર માંદગી આવતી ગઈ. એક વાર તો જીવલેણ બીમારીમાં સપડાયાં. ઓપરેશન કરવું પડ્યું. અશક્તિ એટલી બધી આવી ગઈ હતી કે ડૉક્ટરે માંસનો સેરવો ખાવાની સલાહ આપી. ડૉક્ટરની સલાહ સાથે સંમત ન થતાં બાએ કહ્યું, "મારે શરીર બચાવવા કોઈ પણ સંજોગોમાં માંસનો સેરવો નથી ખાવો. આ અમૂલ્ય દેહ વારંવાર નથી આવતો, તો પછી એને કેમ કરી અભડાવું ?
૧૯૦૬માં બાપુએ બ્રહ્મચર્યનું વ્રત લીધું. બાએ એમને પૂરો સહયોગ આપ્યો.
૧૯૧૩માં દક્ષિણ આફ્રિકાની સરકારે એક કાયદો પસાર કર્યો કે ખ્રિસ્તી ધર્માનુસાર થયેલાં લગ્ન સિવાય બીજાં લગ્નો ફોક માનવાં. આ કાયદા અનુસાર હિન્દુ કે મુસ્લિમ વિધિ અનુસાર થયેલા લગ્નમાં પત્નીનો દરજ્જો ખતમ થઈ જતો હતો. ગાંધીજીએ આ કાયદાનો વિરોધ કરવાનું નક્કી કર્યુું, પરંતુ તે ઇચ્છતા હતા કે વિરોધ સ્ત્રીઓ કરે અને પુરુષો એમાં સહકાર આપે. બાપુએ બાને સત્યાગ્રહ કરવા સમજાવ્યાં. બા કશી આનાકાની વગર સંમત થઈ ગયાં.
કસ્તૂરબાના નેતૃત્વ હેઠળ ત્યાંની ભારતીય સ્ત્રીઓએ આ કાયદાનો વિરોધ કર્યો. બાની ધરપકડ કરીને વોલક્રસ્ટની જેલમાં પૂરવામાં આવ્યાં. બાના જીવનની આ પ્રથમ જેલયાત્રા.
બાની તબિયત સારી નહોતી. જેલમાં ખોરાક બાબતે એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. બાએ જેલમાં ઉપવાસ શરૂ કર્યાં. અંતે એમને ફળ આપવામાં આવ્યાં.
ત્રણ મહિને બા જેલમાંથી છૂટ્યાં ત્યારે સાવ દૂબળા પડી ગયાં હતાં, પરંતુ એમનો સત્યાગ્રહ સફળ રહ્યો હતો. સરકારે અન્યાયી જોગવાઈ રદ કરવી પડી.
૧૯૧૫માં બાપુ સ્વદેશ પરત થયા. અમદાવાદમાં સાબરમતીને તીરે આશ્રમ બાંધ્યો. આશ્રમની સઘળી જવાબદારી બાએ ઉપાડી લીધી. આશ્રમના મહેમાનોની સરભરા કરવી. આશ્રમની બહેનોને કામની વહેંચણી કરવી, આશ્રમના નિયમોનું બરાબર પાલન થાય એનું ધ્યાન રાખવું, એ બધું બાના માથે હતું.
બિહારના ચંપારણ્યના ખેડૂતો માટે સત્યાગ્રહ કરવાનો બાપુએ નિર્ણય કર્યો હતો. બાએ પણ સાથે આવવા કહ્યું. બાપુએ તેમને ખુશીથી સંમતિ આપી. ચંપારણ્યમાં બા-બાપુ ગરીબ લોકોની વચ્ચે ઝૂંપડી બાંધી રહ્યાં. ત્યાંનાં બાળકોને શિક્ષણ આપવાનું અને સફાઈનું મહત્ત્વ સમજાવવાનું કામ બાએ માથે લીધું. બાપુ બીમાર લોકોની સારવારમાં જોતરાયા. એક રાતે બાપુ કોઈ ગામે દવા આપવા ગયા તો કોઈએ પાછળથી તેમની ઝૂંપડી સળગાવી દીધી. બા આખી રાત ત્યાં જ બેસી રહ્યાં.
ત્યાર પછી ખેડા સત્યાગ્રહમાં પણ બાએ બાપુ સાથે ભાગ લીધો. બાપુ સાથે કેટલાંય ગામોમાં ઘૂમ્યા. ક્યારેક તો એકલાં પણ પ્રવાસ કર્યો. ભાષણો આપ્યા. મહિલાઓને સત્યાગ્રહમાં પુરુષોને સાથ આપવાની અપીલ કરી.
૧૯૨૨માં અસહકારના આંદોલન વખતે બાપુની ધરપકડ કરવામાં આવી. તેમને છ મહિનાની કારાવાસની સજા થઈ. આ સમયે કસ્તૂરબાએ દેશવાસીઓને સંદેશો આપ્યો કે ‘લોકો ગાંધીજીના રચનાત્મક કાર્યને પૂરાં કરવાની કોશિશ કરે. વિદેશી કાપડનો બહિષ્કાર કરી ખાદી અપનાવે. વેપારીઓ વિદેશી કાપડ વેચવાનું બંધ કરી દે. કાંતણને લોકો પોતાનું ધાર્મિક કર્તવ્ય માને.’
૧૯૩૦માં દાંડીકૂચ થઈ. બાપુએ આશ્રમની બહેનોને દા અને વિદેશી કાપડની દુકાન પર પિકેટિંગ કરવા કહ્યું. ‘સ્વરાજ સંઘ’ની સ્થાપના કરવામાં આવી. બાએ તેનું કામ સંભાળી લીધું. ધરાસણા, બોરસદ વગેરે સ્થળે જઈને સત્યાગ્રહ કર્યો. તેમની ધરપકડ કરવામાં આવી.
૧૯૩૨, ૧૯૩૩, ૧૯૩૯ અને ૧૯૪૨ના વર્ષો બાએ જેલમાં જ કાઢ્યા. જેલમાં તે બહેનોને હૂંફ આપતાં. જાતે મુશ્કેલી વેઠીને બીજાને પ્રેરણા આપતાં.
૧૯૩૮માં રાજકોટની પ્રજાએ બાપુ પાસે ધા નાખી. ત્યાના ઠાકોરે પ્રજા સાથે વચનભંગ કર્યો હોવાથી પ્રજાએ સત્યાગ્રહ શ કર્યો હતો. બાપુ કોંગ્રેસના કામમાં વ્યસ્ત હોવાથી ત્યાં જઈ શકે એમ નહોતા. બા કહે, "તમે ન જાવ તો હું જઇશ. લોકો આપણને બોલાવતા હોય ને એમની વહારે ન જઈએ તો કેવું લાગે ? પણ બાપુ કહે, ‘તારી તબિયત તો જો, આવી હાલતમાં તું કેવી રીતે જઈશ ?’
તોયે બાએ હઠ ન છોડી. અંતે મણિબહેન અને મૃદુલાબહેન તેમની સાથે જવા તૈયાર થયાં ત્યારે બાપુએ એમને રજા આપી.
રાજકોટ જતાં રસ્તામાં જ સરકારે બાની ધરપકડ કરી લીધી. એક ખંડિયેર જેવા મકાનમાં તેમને કેદ કરવામાં આવ્યાં મણિબહેન અને મૃદુલાબહેનને સણોસરાની ચોકીમાં પૂર્યાં. કેદી અવસ્થામાં બાની તબિયત વધારે બગડી. મણિબહેને અમલદારોને કહ્યું : "આવી હાલતમાં બાને એકલાં રાખે એ બિલકુલ યોગ્ય ન કહેવાય. પણ અલમદારોએ કશું કાને ન ધર્યુું. મણિબહેને ઉપવાસ શરૂ કર્યા. અંતે સરકાર ઝૂકી. બાને મણિબહેન અને મૃદુલાબહેન સાથે રાખવામાં આવ્યાં. ત્યારે બાના હાથનું પાણી પીને જ મણિબહેને પારણાં કર્યાં.
૧૯૪૨માં ‘કરેંગે યા મરેંગે’ના નારા સાથે બાપુએ ‘હિન્દ છોડો’ આંદોલન શ કર્યંુ. મહાસભામાં આ આંદોલનનો ઠરાવ પસાર થયો એના બીજા જ દિવસે સરકારે બાપુ, મહાદેવભાઈ અને મીરાંબહેનની ધરપકડ કરી લીધી. જોકે બાની ધરપકડ નહોતી કરવામાં આવી. છતાં બાએ બાપુ સાથે જેલમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. બાપુએ કહ્યું : "તું રહી ન શકે તો ચાલ. બાકી મારી ઇચ્છા છે કે તું બહાર રહીને કામ કર.
બાએ બાપુની વાત માની બહાર રહી કામ કરવાનું સ્વીકાર્યંુ. એ સાંજે બાપુ શિવાજી પાર્કમાં ભાષણ કરવાના હતા. એમના સ્થાને બાએ ભાષણ કરવાની જાહેરાત કરી. પોલીસે બાને એ સભાથી દૂર રહેવા સમજાવ્યાં, પણ બા ન માન્યાં. અંતે બાની ધરપકડ કરી આગાખાન મહેલમાં બાપુ સાથે મોકલી આપવામાં આવ્યાં.
એ પછી જેલમાં થોડા દિવસોમાં જ મહાદેવભાઈનું અવસાન થયું. બા માટે એ વજ્રઘાત હતો. એ સાવ ભાંગી પડ્યાં. એક વાર તો બોલી ઊઠ્યાં : ‘હવે હું ઝાઝું રહેવાની નથી.’
અશક્તિ, ઉધરસ, શ્ર્વાસ જેવી ઘણી બધી તકલીફો એમને હતી. આ તકલીફો હવે ગંભીર સ્વપ ધારણ કરવા માંડી હતી. જેલના સત્ત્વહીન ખોરાકથી એમને શક્તિ કે સ્ફૂર્તિ મળી શકે એમ નહોતું.
બધી દવાઓ, બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. મૃત્યુ ધીરે ધીરે નજીક સરકતું જતું હતું. સરકારે બાનાં સ્વજનોને જેલમાં મળવાની છૂટ આપી દીધી.
૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪નો દિવસ. બાપુએ બા પાસે આવીને પૂછ્યું : "ફરવા જાઉં ? બાએ ના પાડી દીધી. આ પહેલો એવો પ્રસંગ હતો કે બાએ બાપુને ક્યાંય જતાં રોક્યા હોય. બાપુ એટલામાં બધું પામી ગયા. એમણે બાનો ખાટલો ન છોડ્યો.
બાપુએ હવે દીકરા દેવદાસને બાને દવા નહીં, ગંગાજળ આપવા કહ્યું, સાંજે બાના ભાઈ માધવદાસ મળવા આવ્યા. બા એમને ઓળખી શક્યાં, પણ વાત ન કરી શક્યા. ઊભાં થવાનો પ્રયત્ન કર્યો, પણ ઊભાં ન થઈ શક્યા. બાપુએ તેમનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. ત્યાર પછી થોડી વારમાં જ બે-ચાર ડચકારી ખાધી ને અંતિમ શ્ર્વાસ લીધો. પતિવ્રતા નારીએ પતિના ખોળામાં જ પોતાના પ્રાણ છોડ્યા.
જેલમાં જ બાની અંતિમવિધિ કરવામાં આવી. દહનક્રિયા લાંબો સમય ચાલી. બાપુ ચિતા પાસે જ ઊભા હતા. સ્વજનોએ કહ્યું, "આપ થાકી જશો. આરામ કરો. બાપુનો જવાબ હતો : "બાસઠ વર્ષના સાથીને આ ઘડીએ આવી રીતે છોડીને જાઉં ? બા મને એ માટે માફ ન કરે.
એક નિરક્ષર નારી પતિના પગલે ચાલીને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી ગઈ એ જ બાના જીવનનો સંદેશ છે.