સુચેતા કૃપલાણી

    ૧૨-ઓગસ્ટ-૨૦૧૬


 

મહિલા સ્વયંસેવિકા દળનું નિર્માણ એટલે

સુચેતા કૃપલાણીનો જન્મ ૨૫ જૂન, ૧૯૦૮ના રોજ હરિયાણા રાજ્યના અંબાલા ખાતે થયેલો. તે મૂળે બંગાળનાં વતની હતાં. તેમના પિતા સત્યેન્દ્રનાથ મજુમદાર પંજાબ સરકારના મેડિકલ ઑફિસર હતા. નોકરી માટે તે હરિયાણા સ્થાયી થયેલા. તે બ્રહ્મોસમાજના અનુયાયી હતા.
પિતા સરકારી નોકરિયાત હોવાથી એમની વારંવાર બદલી થતી, જેને કારણે સુચેતા એક જગ્યાએ શિક્ષણ ન લઈ શક્યાં. અલાહાબાદ દિલ્હી, લાહોર વગેરે સ્થળે તેમણે શિક્ષણ લીધું.
દેશભક્તિના પાઠ સુચેતાને માતાપિતા તરફથી શીખવા મળેલા. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ સર્જાયો ત્યારે તેઓ પંજાબમાં રહેતાં હતાં. અગિયાર વર્ષની સુચેતાનું મન આ દુર્ઘટનાથી અંગ્રેજો પ્રત્યે નફરતથી ભરાઈ ગયું.
૧૯૩૧માં ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી ત્યારે સુચેતા લાહોરમાં હતાં. આ ક્રાંતિકારીઓના બલિદાનની એમના મન પર ઊંડી અસર પડી. શહીદોની અંતિમયાત્રામાં પણ તેમણે ભાગ લીધેલો.
આ જ વરસે સુચેતાએ એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરી. એમને હવે પ્રાધ્યાપક બનવું હતું. આ પદ માટે તેમને બે સ્થળેથી નોકરી માટે ઓફર કરવામાં આવી હતી. એક તો પોતે જ્યાંથી ભણ્યાં હતા એ લાહોર મહાવિદ્યાલયમાંથી અને બીજી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી, લાહોરની કૉલેજ સરકારી કૉલેજ હતી. ત્યાં સુચેતાને વ્યાખ્યાતા તરીકે ઊંચું વેતન મળી શકે એમ હતું, પરંતુ દેશભક્તિના રંગે રંગાયેલાં સુચેતાએ સરકારી કૉલેજમાં નોકરી ન સ્વીકારતાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં નોકરી કરવાનું પસંદ કર્યું.
આ સમયે ગાંધીજી દ્વારા સવિનય કાનૂન ભંગનું આંદોલન ચાલી રહ્યું હતું. બનારસ યુનિવર્સિટી તો રાજનીતિક ગતિવિધિનું કેન્દ્ર હતી. સુચેતાએ પોતાના વિદ્યાર્થીઓને સ્વાધીનતા સંગ્રામની કથાઓ સંભળાવીને આંદોલનમાં ભાગ લેવા પ્રેરિત કરવા માંડ્યા.
૧૯૩૪માં ભારતમાં ભયંકર ભૂકંપ આવ્યો. એમાંય બિહાર તો સાવ પાયમાલ થઈ ગયું. ભૂકંપપીડિતોને મદદ પહોંચાડવામાં સરકારે ખાસ રસ ન લીધો. ગાંધીજીની સૂચનાથી ડૉ. રાજેન્દ્રપ્રસાદે અસરગ્રસ્તો માટે રાહતકાર્યની જવાબદારી સંભાળી. ખુદ ગાંધીજી પણ તેમાં જોડાયા. આચાર્ય કૃપલાણી જેવા બીજા સ્વાંતત્ર્યસેનાનીઓ પણ આ કાર્યમાં જોડાયા. સુચેતા પણ કૉલેજમાંથી રજા મૂકી બિહાર પહોંચી ગયાં. સેવાકીય કાર્ય કરતાં કરતાં જ તે આચાર્ય કૃપલાણીના પરિચયમાં આવ્યાં. આ પરિચય પ્રેમમાં પરિણમ્યો અને બે વર્ષમાં તેઓએ એકબીજાનો પતિ-પત્ની તરીકે સ્વીકાર પણ કરી લીધો.
મોટે ભાગે એવું બનતું હોય છે કે કોઈ મહિલાનાં લગ્ન મહાન પુરુષ સાથે થાય તો તેનું વ્યક્તિત્વ દબાઈ જતું હોય છે, પરંતુ સુચેતાના પ્રસંગમાં એવું ન બન્યું. પોતાના વિચારો મુજબ કામ કરતાં રહ્યાં. એક સમયમાં એવો આવ્યો કે પતિ-પત્ની સામસામેના પક્ષમાં હતાં. સુચેતા કોંગ્રેસ પક્ષનાં નેતા હતાં તો કૃપલાણી કોંગ્રેસવિરોધી સમાજવાદી પક્ષના નેતા, તેમ છતાં તેમના દામ્પત્યજીવનમાં ક્યારેય કડવાશ ન ઊભી થઈ.
લગ્ન પછી સુચેતા જમનાલાલ બજાજના સંપર્કમાં આવ્યાં. જમનાલાલે તેમને વર્ધાના મહિલા આશ્રમની જવાબદારી સંભાળવા કહ્યું, સુચેતા એ સારી રીતે જાણતાં હતા કે વર્ધાના આશ્રમનું જીવન કઠોર છે છતાં તેમણે ત્યાંના મહિલા આશ્રમની જવાબદારી સ્વીકારી.
વર્ધા આવીને સુચેતા કોંગ્રેસનાં સક્રિય કાર્યકર બની ગયાં. તેમને કોંગ્રેસ કાર્યાલયમાં વિદેશ વિભાગની જવાબદારી સોંપવામાં આવી. ભારતની સ્વાધીનતા માટે રસ લઈ રહેલા વિદેશી ભારતીયો માટે તેમણે એક પાક્ષિક શરૂ‚ કર્યું. રામમનોહર લોહિયા જ્યારે વિદેશથી પરત થયા અને તેમણે કોંગ્રેસના વિદેશ વિભાગની જવાબદારી સંભાળવા માંડી, ત્યારે સુચેતાએ કોંગ્રેસના મહિલા વિભાગમાં કામ કરવા માંડ્યું. આ કાર્ય માટે તેમણે દેશભરનો પ્રવાસ કર્યો.
૧૯૪૦માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ આંદોલન ઉપાડ્યું. વિનોબા ભાવેને પ્રથમ સત્યાગ્રહી બનાવવામાં આવ્યા. ગાંધીજીએ ઉત્તર પ્રદેશના સત્યાગ્રહી માટે સુચેતાની પસંદગી કરી. ડિસેમ્બર, ૧૯૪૦માં સુચેતા ફૈઝાબાદ જિલ્લામાં સત્યાગ્રહ કરવા ગયાં. સત્યાગ્રહ પહેલાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવી. તેમને એક વર્ષની કારાવાસની સજા અને બસો ‚રૂપિયાની દંડ કરવામાં આવ્યો. થોડો સમય ફૈઝાબાદની જેલમાં રાખીને લખનઉની કેન્દ્રીય જેલમાં મોકલી આપવામાં આવ્યાં જેલમાં તેમનું સ્વાસ્થ્ય કથળ્યું છતાં સજા પૂરી થાય એ પહેલાં તેમને મુક્ત કરવામાં ન આવ્યાં.
જેલમાંથી છૂટીને તેમણે ફરી કોંગ્રેસના મહિલા વિભાગની જવાબદારી સંભાળવા માંડી. ઑગસ્ટ, ૧૯૪૨માં મુંબઈ ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું, જેમાં આચાર્ય કૃપલાણી સાથે સુચેતાએ હાજરી આપી. આ અધિવેશનમાં ‘ભારત છોડો’ આંદોલનનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, પરંતુ એના બીજા જ દિવસે વહેલી સવારે ગાંધીજી સહિત અનેક કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. એમાં એક આચાર્ય કૃપલાણી પણ હતા. સુચેતાએ આ વખતે ધરપકડ ન વહોરતાં ભૂગર્ભમાં રહી કામ કરવાનું પસંદ કર્યું. કોંગ્રેસના બીજા કાર્યકર્તાઓ સાથે મળી ભૂગર્ભમાં કાર્યાલય શ‚રૂ કર્યંુ. થોડા દિવસ પછી ભૂમિગત રેડિયો કેન્દ્ર પણ શરૂ‚ કર્યું. ઉષા મહેતા તેનાં ઉદ્ઘોષિકા બન્યાં. જોકે સરકારે આ રેડિયો કેન્દ્ર બહુ ચાલવા ન દીધુ. તેના પર પ્રતિબંધ લગાવી દીધો.
ભૂગર્ભમાં રહીને સુચેતાએ એક મહિલા સ્વયંસેવક દળનું નિર્માણ કર્યંુ. દેશના વિભિન્ન પ્રદેશોમાં મહિલા સ્વયંસેવિકોને પ્રશિક્ષણ આપવા માંડ્યું. બર્મા અને અન્ય પ્રદેશોમાંથી આવતા શરણાર્થીઓને પણ તેમણે મદદ પૂરી પાડી. આ દરમિયાન પુણેના આગાખાન મહેલમાં જઈ તે ગાંધીજીને પણ મળ્યાં.
ભારતનાં મહત્ત્વનાં તમામ શહેરોમાં મહિલા સમિતિઓ નિર્માણ કરવામાં આવી. તેના દ્વારા આ મુજબનાં કામો હાથ ધરવામાં આવ્યાં. (૧) સ્થાનીય કોંગ્રેસ વિશે લોકોને નિરંતર સાચી સૂચનાઓ પહોંચાડવી. (૨) નગર શાખાઓની તકલીફ વિશે કેન્દ્રીય સમિતિને જાણ કરવી. (૩) મહિલાઓને ચરખા કાંતવાનું પ્રશિક્ષણ આપવું.
૧૯૪૪માં સરકારે ફરી સૂચેતાની ધરપકડ કરી લીધી. થોડો સમય પટણાની જેલમાં રાખીને તેમને લાહોરની જેલમાં મોકલી આપવામાં આવ્યાં. ૧૯૪૫માં કોંગ્રેસ અને સરકાર વચ્ચે સમજૂતી થતાં અન્ય નેતાઓની સાથે સુચેતાને પણ મુક્ત કરવામાં આવ્યાં.
જેલમાંથી છૂટ્યા પછી સુચેતા સમાજસેવા તરફ વળી ગયાં. કોમી રમખાણોના પીડિતોની સહાય કરવા માંડી. ૧૯૪૬માં ગાંધીજી સાથે તે પણ નોઆખલી ગયાં. કોમી રમખાણોના અસરગ્રસ્તોના પુનર્વસન માટે રાતદિવસ જોયા વગર કામ કર્યું.
૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે વિભાજનની સાથે ચોમેર રમખાણો ફાટી નીકળ્યાં. અસરગ્રસ્ત મહિલાઓના રક્ષણ માટે સુચેતા પંજાબ ગયાં. તેમણે પોતાની કોઠાસૂઝથી તોફાનો બંધ કરાવ્યાં અને અસરગ્રસ્તોને સહાય કરી.
સ્વતંત્ર ભારતના રાજકીય ઇતિહાસમાં સુચેતાનું યોગદાન પણ એટલું જ રહ્યું છે. દેશ આઝાદ થયો એ વરસે તે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં. પ્રદેશ વિધાનસભા ક્ષેત્રમાંથી સંવિધાન સભાનાં સભ્ય તરીકે પણ ચૂંટવામાં આવ્યાં. થોડા સમય પછી આ અસ્થાયી સંવિધાનસભાએ સંસદનું ‚રૂપ ધારણ કર્યું. આ દરમિયાન પંજાબ અને અન્ય રાજ્યોમાં વિસ્થાપિતોની સમસ્યા ગંભીર બની તો તેમણે સંસદમાં શરણાર્થીઓની સમસ્યા પર જોરદાર ભાષણ આપ્યું. ત્યાર પછી સરકારે શરણાર્થીઓની મદદ માટે એક સમિતિની રચના કરી, જેમાં સુચેતાની પણ નિમણૂક કરવામાં આવી.
૧૯૪૮માં પૂર્વ પાકિસ્તાન (બાંગલાદેશ)માં કોમી તોફાનો ફાટી નીકળ્યાં. ત્યાંથી મોટી સંખ્યામાં હિન્દુ શરણાર્થીઓ બંગાળ, બિહાર અને આસામમાં આવવા માંડ્યા. આ સમસ્યાનું નિવારણ કરવા ભારત સરકારે એક સમિતિ નિયુક્ત કરી, જેના અધ્યક્ષપદે સુચેતાની નિમણૂક કરવામાં આવી.
સુચેતા એક સારા લેખિકા પણ હતાં. રશિયા, જાપાન, તુર્કી વગેરે દેશોનો પ્રવાસ કરી તેમણે વિદેશપ્રવાસના સંસ્મરણો લખ્યાં. ચિત્તરંજનદાસ, ગાંધીજી અને કસ્તૂરબા વિશે પણ તેમણે મર્મસ્પર્શી સંસ્મરણો લખ્યાં છે. આ સિવાય તેમણે વિદેશનીતિ, અર્થનીતિ, શરણાર્થી સમસ્યા વગેરે વિષય પર લેખો લખ્યા છે. વર્ષો સુધી કોંગ્રેસમાં એક સભ્યના ‚પમાં કામ કરવા બદલ ૧૯૫૯માં તેમની નિમણૂક કોંગ્રેસના મહાસચિવપદે કરવામાં આવી. ૧૯૬૨માં તેમને ઉત્તર પ્રદેશ સરકારમાં મહિલા અને શ્રમ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા. ૧૯૬૩માં તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યાં. આમ દેશનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ એમને ખાતે જાય છે. ત્રણ વર્ષ સુધી તેમણે આ પદ પર કામ કર્યંુ. પછીથી કોંગ્રેસમાં જૂથબંધી વકરતાં તેમણે આ પદ છોડ્યું.
૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ થયું. આ સમયે તિબેટથી આવેલા શરણાર્થીઓનું પુનવર્સનનું કામ તેમણે સંભાળી લીધું. ત્યાર પછી તેમણે દિલ્હી નજીકના વિસ્તારમાં અછૂતો, મહિલાઓ અને બાળકોની મદદ માટે એક લોકકલ્યાણ સમિતિની સ્થાપના કરી.
૧૯૪૯માં સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે એક પ્રતિનિધિમંડળ મોકલવામાં આવ્યું. તેમાં સુચેતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ૧૯૫૨માં શાંતિ સંમેલનમાં ભાગ લેવા તે જર્મની ગયાં. ૧૯૬૨માં ભારતીય શિષ્ટમંડળનાં નેતાની હેસિયતથી જીનિવામાં આયોજિત આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભાગ લીધો.
૧૯૬૭માં ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રી પદ છોડ્યા પછી તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. જોકે તેમના પતિ આચાર્ય કૃપલાણી સમાજવાદી પક્ષમાં ત્યારે સક્રિય હતા. પરસ્પરવિરોધી વિચારસરણી ધરાવતા રાજકીય પક્ષમાં રહીને પણ તેઓ પોતાનું દામ્પત્યજીવન સુખી રાખી શક્યાં એ સૌ કોઈને પ્રેરણા આપી જાય તેમ છે.
૩૦ નવેમ્બર, ૧૯૭૪ના રોજ તેમનું અવસાન થયું.