જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મનો પાવન અવસર. એક એવો અવસર જે આબાલથી વૃદ્ધ સૌ એકસરખા ઉત્સાહ અને ઉમંગથી ઊજવે છે, પણ યુવાનોને એનું વધારે ઘેલું. શ્રીકૃષ્ણ એને જીવનના દરેક તબક્કે પોતીકો લાગે. આફતના અંધારામાં એ અજવાળું થઈને પ્રગટે અને ઉમંગના અવસરે ગુલાલ થઈને ઊડે. શ્રીકૃષ્ણ યુવાનો માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ હોય એવા ભગવાન છે. માત્ર ગોકુળ, મથુરાની જ નહીં, સમગ્ર ભારતની દરેક યુવતીના હૃદયનો ધબકારો બની ગયેલો આ અનોખો મોરલીવાળો જિંદગીમાં એક અપૂર્વ સુગંધ ભરે છે. આ જન્માષ્ટમીએ કૃષ્ણને એક જુદા સંદર્ભે સમજીએ. જીવનમાં દરેક તબક્કે શ્રી કૃષ્ણ યુવાનોને કંઇક પ્રેરણા આપે છે તે જાણીએ. મન, મોહન, મોરલી અને મોરપીંછનાં યુવા રંગો અહીં પ્રસ્તુત છે.
શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. સીમાઓ ઓળંગીને, ભાષાઓ ભૂલીને સમગ્ર વિશ્ર્વના લાડકા બની ગયેલા કૃષ્ણનું જીવન માત્ર ઉપદેશ ગઠરિયાં નથી, ઉમંગ ગઠરિયાં પણ છે. કૃષ્ણના જીવનમાં જેટલી વૈવિધ્યતા અને શીખ છે એટલા કોઈમાં નથી. શ્રીકૃષ્ણનું બાળપણ શ્રેષ્ઠ બાળપણનો બેજોડ નમૂનો છે. કૃષ્ણની કિશોરાવસ્થા કદંબની ડાળી પર ઝૂલા ખાવા જેવી આનંદમય છે, એમની યુવાની રોમાન્સનું રજવાડું અને પ્રેમની શાશ્ર્વતતાનો સમન્વય છે. કૃષ્ણ મૈત્રીની સુગંધ છે અને સખાભાવની ઊર્મિ છે. તેઓ સંસારમાં ઊતરે ત્યારે કર્મ અને ધર્મના ‘મેનેજમેન્ટ નિષ્ણાત’ બની જાય છે અને રણમેદાનમાં ઉતરે ત્યારે ‘યુદ્ધત્વ’ની સાથે સાથે ‘બુદ્ધત્વ’નો પણ પરિચય કરાવે છે. જીવનની એક એક ક્ષણે આદર્શ ઉદાહરણ પૂરું પાડતા ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ યુવાનો માટે તેમના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બની ગયા છે. એટલે જ આ એક જ વિરાટ વ્યક્તિત્વમાં યુવાનોને ‘મેનેજમેન્ટ ગુરુ’, ‘લવ ગુરુ’, ‘ફેમિલી ફિલોસોફર’, ‘વર્ક આઇડોલ’ ‘બિઝનેસ બાદશાહ’ જેવા અનેક માર્ગદર્શકોનાં દર્શન થાય છે.
આજના જુવાનિયાઓ મોડર્ન છે છતાં વારસામાં મળેલાં ભારતીય મૂલ્યોને સરસ રીતે પકડી રાખ્યાં છે.
આજના યુવાનોમાં પૂર્વની સંસ્કૃતિનાં અને પશ્ર્ચિમનાં શ્રેષ્ઠ તત્ત્વો અપનાવતા જવાની આંતરસૂઝ છે. ફેસબુક અને વોટ્સએપ પર બિઝી રહેતા યુવાનો, ભગવાનમાં પણ એટલાં જ રમમાણ છે.
યંગસ્ટર્સને ‘પારિવારિક ભગવાન’ ઉપરાંત કૃષ્ણ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે. કૃષ્ણ અલ્ટિમેટ યુથ આઇકોન છે. કૃષ્ણ આજ સુધીની તમામ યુવાપેઢીઓના આદર્શ હતા અને ભવિષ્યમાં પણ રહેવાના. જુવાનિયાઓ-પુરુષ અને સ્ત્રી બન્ને કૃષ્ણ સાથે સંભવત: સૌથી વધારે આઈડેન્ટિફાય કરી શકે છે. લેખક ચિંતક શીશીર રામાવત લખે છે કે, કૃષ્ણ એ તમામ અનુભવો અને અનુભૂતિઓમાંથી પસાર થયા હતા, જેમાંથી આજના યુવાનોએ પસાર થવું પડે છે. મસ્તી, તોફાન, દોસ્તી, પ્રેમ, પીડા, મહત્ત્વાકાંક્ષા, લક્ષ્યપ્રાપ્તિ, લગ્ન, બદલાની ભાવના, કાવાદાવા, વાર્ધક્ય અને છેલ્લે સ્વધામ.
બાળકૃષ્ણે કંસને હણ્યા હતા, ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો ને પછી આજીવન અશુભ તત્ત્વોનો નાશ કરતા રહ્યા. કૃષ્ણ પાસેથી યુવાને શીખવાનું છે કે જીવનરસથી છલછલતા રહેવું, પ્રચંડ હિંમત અને સામર્થ્ય કેળવવા દૂરંદેશી બનવું, વજ્ર જેવું મનોબળ વિકસાવવું, પોતાના વિચારોને અત્યંત અસરકારક રીતે વ્યક્ત કરવા. વાત સુદામાની હોય કે દ્રૌપદીની, કૃષ્ણ કરતાં ચડિયાતો ‘સખા’ બીજો કયો હોવાનો? ઉત્તમ પ્રેમી બનવાની પ્રેરણાય કૃષ્ણ આપે છે. તમામ સંબંધોને શ્રેષ્ઠતાની કક્ષા સુધી લઈ જવાની કોશિશ કરવી, વિવિધ કળા અને શાસ્ત્રોમાં વિદ્ધત્તા કેળવવી, ઉત્તમ એડમિનિસ્ટ્રેટર બનવું. એ વખતના દ્વારકાને સર્વકાલીન શ્રેષ્ઠતમ નગર કહેવામાં આવ્યું છે. એ કૃષ્ણના જ શ્રેષ્ઠ એડમિનિસ્ટ્રેશનની કમાલ હતી. સૌ પ્રત્યે સમાન આદરભાવ અને પ્રેમભાવ રાખવો, સમય આવ્યે મુત્સદ્દી બનવું એને બદલે જર પડ્યે સામ-દામ-દંડ-ભેદ અજમાવવાની તૈયારી સુધ્ધાં રાખવી એ પણ મુરલીધરની જ દેન.
શ્રીકૃષ્ણ અલ્ટિમેટ લવર છે. સર્વાંગસંપૂર્ણ પ્રેમી. ‘શૃંગાર’ શબ્દનો સંબંધ શણગાર અને પ્રેમની અભિવ્યક્તિ બન્ને સાથે છે. કૃષ્ણ અને ગોપીઓએ શૃંગાર રસના કુદરતી વહાવનો સ્વીકાર કર્યો ને રાસલીલા સર્જાઈ. રાસલીલાનાં અનેક અર્થઘટનો થયા છે. ઓશો રજનીશ રાસને સમગ્ર બ્રહ્માંડની ગતિવિધિઓના સંદર્ભમાં જુએ છે. તેઓ કહે છે કે, રાસલીલા એ કૃષ્ણ અને ગોપીઓનું સામાન્ય નર્તન નથી. આ તો સમષ્ટિમાં ચાલી રહેલા વિરાટ રાસની એક નાની અમથી ઝલક માત્ર છે. કૃષ્ણ-ગોપીની રાસલીલામાં સેક્સ્યુઅલ અર્થછાયાઓ શોધવાની નથી. પણ આ સ્થિતિ બહુ પાછળ છૂટી ગઈ છે. કૃષ્ણ અહીં કૃષ્ણની જેમ નહીં, પણ પુરુષ તત્ત્વ બનીને નર્તન કરે છે.
ગોપીઓ સ્ત્રીની જેમ નહીં પણ પ્રકૃતિ બનીને નર્તન કરે છે. રાસલીલા પુરુષ અને પ્રકૃતિનું નૃત્ય છે.
પ્રેમીઓમાં કૃષ્ણ અને રાધાની જોડી આદર્શ છે. તેઓ પતિ-પત્ની નથી, પ્રેમીઓ છે. એકબીજાના સોલ-મેટ્સ છે. સોલ એટલે આત્મા. માણસનું હૃદય અને આત્મા એક ખાસ વ્યક્તિને ઝંખ્યા કરતાં હોય છે. જે વ્યક્તિ પર આ શોધ આવીને અટકે એ એનો (કે એની) સોલ-મેટ. કૃષ્ણ આજના યુવાનોને આંખોના પ્રેમથી આત્માના પ્રેમ તરફ દોરી જાય છે. ગીતામાં કહેવાયું છે કે જે આત્મા ‘સ્વ’ની સાધના કરે છે અને ‘સ્વ’થી સંતુષ્ટ રહે છે એને બીજું કશું સિદ્ધ કરવાની કે હાંસલ કરવાની જરૂર પડતી નથી !
ભગવાન શ્રીકૃષ્ણને ક્યારેક એક સામાન્ય માણસ તરીકે જોઈ અને સમજશો તો સમજાશે કે એમણે કેવા પડકારો ઝીલ્યા અને જીવ્યા છે. ભગવાનને ક્યારેય તમે એવી ફરિયાદ કરતા સાંભળ્યા છે કે, મને કેમ જન્મતાંવેંત જ મારી માતાથી દૂર કરી દેવાયો ? સગા મામાને મારવાનું મારા નસીબમાં કેમ લખાયું ? પણ ના. એમણે કોઈ દિવસ કોઈ ફરિયાદ કે કોઈ અફસોસ ન કર્યો. તમે વિચાર કરો કે જે માણસ ભરીસભામાં દ્રૌપદીનાં ચીર પૂરી શકે છે એ માણસ દુર્યોધનને રોકી કે મારી ન શકે ? ના, જે સમયે જે થવાનું હોય એ ત્યારે જ થાય છે. આજના યુવાને આ બારીકાઈ કૃષ્ણકાર્ય દ્વારા આત્મસાત કરવાની છે.
કૃષ્ણની ‘લાલા’થી માંડીને ‘ઠાકોરજી’ થવાની યાત્રા સહેલી નહોતી. કારાવાસથી કુરુક્ષેત્ર સુધીની સફરમાં પડાવે પડાવે પરીક્ષા હતી. પડકારો હતા. કુરુક્ષેત્રની એક ઘટના છે. હતાશ થઈ ગયેલા અર્જુનને કૃષ્ણએ આખી ગીતા કહી. છેલ્લે અર્જુને કહ્યું કે, ‘કરિષ્યે વચનમ્ તવ’ મતલબ કે તમે જે કહેશો તે કરીશ. ભગવાન કૃષ્ણે ત્યારે જવાબ આપ્યો કે ‘યથેચ્છસિ તથા કુરુ’ મતલબ કે તને જે યોગ્ય લાગે તે કર. ભગવાન કૃષ્ણએ ક્યારેય કંઈ દબાણપૂર્વક નથી કરાવ્યું. માત્ર માર્ગદર્શન કર્યું છે. સાચું શું છે, સારું શું છે, વાજબી શું છે, યોગ્ય શું છે એ હું કહું છું, પછી તમારે જે કરવું હોય એ કરો એમ કહ્યું છે. આજના યંગસ્ટર્સ માટે આ મેસેજ લાઈફ ચેઇન્જર બની શકે છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે દુષ્ટ છે એ દુષ્ટ છે. દુષ્ટ ક્યારેય સગો નથી હોતો, સગો હોય તો પણ એ દુષ્ટ જ છે. દુષ્ટને ખતમ કરવામાં પાપ નથી. અર્જુનને કુરુક્ષેત્રમાં આ વાત કરી એ પહેલા જ તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો હતો. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. પુરુષમાં ઉત્તમ છે અને બધામાં એ પૂર્ણ છે. રણછોડ બનીને કૃષ્ણને ભાગતાં પણ આવડે છે અને કુરુક્ષેત્રમાં રથનું પૈડું ઉપાડી દુશ્મનોને ભગાડતાં પણ આવડે છે.
કૃષ્ણનું જીવન જોઈ જાવ. એ કોઈ સ્થળ છોડી ગયા પછી ત્યાં પાછા ગયા નથી. સ્થળાંતરને સ્વાભાવિક રીતે લેવાનું તો કૃષ્ણ જ કરી શકે. ગોકુળથી મથુરા, મથુરાથી દ્વારકા અને દ્વારકાથી દેહોત્સર્ગ સુધી કૃષ્ણે ક્યારેય પાછું ફરીને જોયું નથી. યુવાનોએ પણ આજ વિચારસરણી અપનાવવી. જીવનમાં સ્થળ અને સ્થિતિ બદલાયા કરે એને અનુકૂળ થઈને રહેવું. કૃષ્ણ શ્રેષ્ઠ મિત્ર હતા. ઉમદા પ્રેમી હતા અને મહાન યોદ્ધા હતા. સુદામાની દોસ્તી એમણે શ્રેષ્ઠ રીતે નિભાવી જાણી. રાધા અને ગોપીના પ્રેમમાં પરમતત્ત્વ હતું. જે આંગળીઓથી વાંસળી વગાડી એ જ આંગળીમાં સુદર્શનચક્ર ઘુમાવ્યું. દરેક કાર્યમાં જ્યારે ધર્મ અને મર્મ ભળે છે ત્યારે એ કર્મ લીલા થઈ જાય છે.
દરેક માતાએ ક્યારેક ને ક્યારેક તો એના દીકરાને લાલો કે કાનુડો કહીને બોલાવ્યો જ હોય છે. યંગસ્ટર્સ માટે કૃષ્ણ દોસ્ત છે, એક લીડર છે અને ગ્રેટ રોલ મોડેલ છે. કૃષ્ણ એઝ એ ફ્રેન્ડ, કૃષ્ણ એઝ એ લવર, કૃષ્ણ એઝ એ લીડર, કૃષ્ણ એઝ એ વિનર, કૃષ્ણ એઝ એ પ્લાનર અને કૃષ્ણ એઝ એન એક્ઝિક્યુટિવ એવા પાઠ ભણાવાય છે અને શિખવાડાય છે, હકીકતમાં તો ભગવાન કૃષ્ણને ‘કૃષ્ણ એઝ એ કોમનમેન, તરીકે જોવાની જર છે. કૃષ્ણ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ હોય એવા ભગવાન છે. એક સામાન્ય માણસને હોય તેનાથી અનેકગણાં દુ:ખ તેમણે ભોગવ્યાં છે. અઢળક વેદના સહી છે, ઘણું ગુમાવ્યું છે અને છતાં ક્યારેય હાર્યા કે ડર્યા નથી. એમણે જે કર્યું એ જોઈએ તો એવું જ લાગે કે આનાથી ઉત્તમ, આનાથી શ્રેષ્ઠ બીજું કંઈ હોઈ જ ન શકે.
જાણીતા કટારલેખક ભાવિન અધ્યારુ એક સરસ વાત લખી છે કે, કથાકારો હોય કે નેતા, કોઈ જુવાનિયો હોય કે મેનેજમેન્ટ ગુરુઓ ! બધાએ ક્યાંક ને ક્યાંક કૃષ્ણની અસીમ પ્રતિભાનો સહારો લીધો છે. ખાસ કરીને કૃષ્ણ પોતાની લીડરશિપ સ્કિલ્સ માટે ખૂબ જાણીતા અને માનીતા રહ્યા છે ! અર્જુનનું ડેવલપમેન્ટ હોય કે નિરાશામાંથી બેઠા થવાની પ્રેરણા હોય, ભગવદ્ગીતામાં કૃષ્ણ એટલું કહી ગયા છે કે હવે આજે એ IIM અને દેશની દરેક જાણીતી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં ફુલ ફ્લેજ્ડ સબ્જેક્ટ બન્યો છે. 4G-4Gના આ જમાનામાં કૃષ્ણ જેવું મલ્ટિ-ડાયમેન્શલ વ્યક્તિત્વ કેટલું બેજોડ રીતે ફિટ બેસે છે !
સંબંધોનું મેનેજમેન્ટ : સુદામા સાથેની એમની દોસ્તી, સરખી જ પરિસ્થિતિમાં રહેવાની એમની જીદ, રાજા બન્યા પછી પણ કોઈ ઈગો, સ્ટેટસ અને પાવર જેવાં દૂષણો નહીં ! દોસ્તી અને પ્રેમ બંનેમાં કૃષ્ણનું સમર્પણ અને વફાદારી એક મિસાલ હતાં ! કંપની પણ કર્મચારીને ખુશ રાખી શકશે તો જ એ ગ્રોથની ટ્રેન પકડી શકશે !
ઝડપી નિર્ણયશક્તિ : પ્લાનિંગ ગમે એટલું સખત હોય, પણ એક્શન અને ત્વરિત નિર્ણય બધું નક્કી કરતા હોય છે ! કર્ણનો રથ જ્યારે યુદ્ધમાં ફસડાઈ પડ્યો ત્યારે કૃષ્ણે જ અર્જુનને આદેશ આપ્યો કે એને બાળીને ખતમ કરી દે. ક્યારેક નિર્ણય લેવો કઠિન હોય, પણ સાચા સમયે લેવો બહુ જ જરૂરી થઈ પડતો હોય છે !
સ્ટ્રેટેજી પ્લાનર : દૂર્યોધન આતતાયી હતો, પણ પુત્રપ્રેમને વશ થઈ તેના માતા ગાંધારીએ તેને એક વખત સંપૂર્ણ નગ્ન થઈ બોલાવ્યો. ગાંધારી આંખની પટ્ટી ખોલી તમામ શક્તિથી પોતાના પુત્રનું શરીર વજ્રનું કરવા માંગતા હતા, પણ કૃષ્ણએ સ્ટ્રેટેજી રચી અને દુર્યોધનને કહ્યું, "ભાઈ, આ રીતે માતા સામે નગ્નાવસ્થામાં જવું યોગ્ય નથી. દુર્યોધને વાત માની લીધી અને પાંદડાથી પોતાની કમર ફરતેનો હિસ્સો ઢાંકીને માતા પાસે ગયો. જેથી જાંઘના ભાગ સિવાયનો હિસ્સો જ વજ્રનો થયો. વરસો બાદ દુર્યોધન જ્યારે કોઈનાથી નહોતો મરતો ત્યારે કૃષ્ણએ જાંઘ પર પ્રહાર કરવાનું કહી તેનો નાશ કરાવ્યો. છેલ્લે તો કૃષ્ણ કુનેહથી એમનું ધાર્યું જ પાર પાડે છે. આમ કૃષ્ણ સ્ટ્રેટેજી પ્લાનર તરીકે યુવાનોને દૂરંદેશી વિચાર કરી કાર્ય કરવાનું સૂચવે છે.
ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ બેલેન્સ : નેતા એ છે જેનો પોતાની બધી જ ઇન્દ્રિય પર કાબૂ છે. કૃષ્ણને દેવકી અને યશોદામાં ક્યારેય કોઈ ફરક રાખ્યા વગર એકસરખાં વહાલાં હતા. શેષનાગવાળો કિસ્સો તો કૃષ્ણનો ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ બંને આસ્પેક્ટ ક્લિયર કરે છે !
પરિસ્થિતિને કંટ્રોલ કરવાની શક્તિ : કૃષ્ણ જ્યારે યુદ્ધમેદાનમાંથી ભાગ્યા ત્યારે ‘રણછોડ’ ઘોષિત કરાયા, પણ જરાસંધને મારવા માટે એમણે કેટલાંક વર્ષો પછી ભીમના હાથે બદલો લીધો, એ પણ કોઈ દયા રાખ્યા વગર ! કેમ, ક્યારે અને કોના પર વાર કરવો એ કૃષ્ણ બખૂબી જાણતા !
ઇનસાઇડ ક્લેરિટી : એક વખત ભોજન બાબતે એક ઋષી ગોપીઓ પર અત્યંત ક્રોધિત થયા અને રીસાઈને ભોજન કર્યા વિના જ યમુના નદીને સામે કાંઠે ચાલ્યા ગયા. ગોપીઓ કૃષ્ણ પાસે ગઈ અને મુંઝવણ વ્યક્ત કરી કે, "અમારે આ ધસમસતી નદી કેમ પાર કરવી ?
કૃષ્ણએ કહ્યું, "આપ યમુના માતાજીને વિનંતી કરો કે જો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો તમને મારગ આપે. કૃષ્ણની વાત સાંભળી ગોપીઓ હસી પડી. અંદરો અંદર ચર્ચા કરવા લાગી કે, આટલી બધી ગોપીઓ સાથે રાસલીલાં કરનારા વળી બ્રહ્મચારી ક્યાંથી હોય ?
કૃષ્ણ મર્માળુ હસી બોલ્યા, "ગોપીઓ તમે જાવ તો ખરી !
આખરે ગોપીઓએ યમુના માતાજીને વિનંતી કરી અને આશ્ર્ચર્ય વચ્ચે યમુનાજીએ તરત જ ગોપીઓને સામે કાંઠે જવા માર્ગ કરી આપ્યો. આ ઘટના પોતે જ શ્રીકૃષ્ણના એક નવા સ્વપનો પરિચય આપે છે.
સહનશક્તિ : શિશુપાલે શ્રીકૃષ્ણનું ખૂબ અપમાન કરેલું. કૃષ્ણની સહન કરવાની તાકાત એટલી કે ૯૯ વખત અપમાન થયા બાદ ૧૦૦મી ગાળે સુદર્શનચક્ર છુટ્ટું મૂકીને શિશુપાલને ખતમ કરીને જ જંપ્યા ! યુવાન માટે આ મહત્ત્વની વાત છે કે પોતાનું મગજ ગુમાવ્યા વિના કામ લેવું.
સામાજિક જવાબદારી : જ્યારે ૧૬૧૦૦ મહિલાઓને નરકાસુરની કેદમાંથી આઝાદ કરાવી ત્યારે સવાલ થયો કે તેમનો નાથ કોણ બનશે ? ત્યારે કૃષ્ણે એમના નાથ બની એમની સામાજિક આબને સાચવી.
દૂરંદેશી : દ્રોણ, ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ જેવા વડીલો સાથે જે રીતે કૃષ્ણે કામ લીધેલું અને કંસ, જરાસંધ અને શિશુપાલ સાથે જે રીતે બદલો લીધેલો એ એક લીડરનાં જ લક્ષણ હતાં.
ડિફરન્ટ સ્ટ્રોક્સ અને ફોક્સ : દરેક વ્યક્તિમાત્ર સાથે કેમ અલગ રીતે કામ લેવું. એવી જ રીતે કૃષ્ણે દુર્યોધન સાથે કડક હાથે અને સુદામા સાથે હંમેશાં પ્રેમથી કામ લીધેલું ! કૃષ્ણ વ્યક્તિના મહત્ત્વને સમજતા એટલે જ જાણતા કે બધાને એકસરખી રીતે ટ્રીટ ન કરી શકાય !
નફા અને નુકસાનની બેલેન્સશીટ : દોસ્તો બન્યા, દુશ્મનો બન્યા, કોઈક મળ્યું તો કોઈ વિદાય લઈ ગયું ! સહેજ પણ ફ્રસ્ટ્રેટ થયા વગર કૃષ્ણે પોતાના જીવનની બેલેન્સ શીટને મેચ કર્યે રાખી ! કૃષ્ણ એક જ વાત કહે છે કે જિંદગીમાં મધ્યમ માર્ગને જાળવી રાખો.
ક્યારેક દુ:ખ આવે તો ક્યારેક સુખ આવશે ! એ પ્રેમ જ છે, જે દુ:ખના દહાડામાં એક દવા બનીને રહેશે ! હિંમત ન હારો ક્યારેય. કૃષ્ણ વોઝ અ રિયલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) !
ભગવાન શ્રીકૃષ્ણનું જીવન અને કવન આ પૃથ્વી પરનું ઉત્તમોત્તમ જીવનભાથું છે. કૃષ્ણ મુખે ગીતા જીવનના દરેક તબક્કે માર્ગદર્શક દીવાદાંડી સમાન બની રહે છે. ગીતામાં જ ભગવાન શ્રીકૃષ્ણ ઉવાચ : ‘મામેકં શરણં વ્રજ...’ અર્થાત્ બધુ છોડીને મારા શરણે આવો. ચાલો આપણે સૌ શ્રીકૃષ્ણને શરણે જઈએ.
કૃષ્ણ મને ગમે છે... કારણ કે જીવન મને ગમે છે. જન્માષ્ટમી આવે છે અને મારામાં કૃષ્ણ અનુભવાય છે. ગોકુળના ગોવાળોની જેમ માટલી ફોડવાનું મન થઈ આવે છે ચિત્તમાં અને ચિત્તનો ચોર તો પેલો સાંવરિયો કૃષ્ણ જ છે. પ્રત્યેક જન્માષ્ટમી મને રાધાના મિલનની નજીક અને મીરાના વિરહની તીવ્રતાનો અનુભવ કરાવે છે. રોમ રોમમાં રાધા ફૂટે છે અને શ્ર્વાસ શ્ર્વાસમાં શ્યામ વર્તાય છે. મંગળાનાં દર્શન કરતી વખતે જાણે કે રાતભર જોયેલા સપનાંઓથી પવિત્ર બનેલી આંખોને એ પાવન કરતો હોય એવું લાગે છે. જન્માષ્ટમી આવે છે અને કૃષ્ણ જોડે તું-તારી-નો દોસ્તારીનો સંબંધ બંધાઈ જાય છે એને બધું જ બોલવું પડતું નથી ! આંસુની ભાષાને વાંચવા કૃષ્ણને ક્યાં વાર લાગે છે ? ને નટવર છે, રસેશ્ર્વર છે. જીવનરસના માણિગર છે. જીન્સમાં જોવા ગમે એવા છે કૃષ્ણ !
એ પોતે જ્યાં ગયા છે ત્યાં અનરાધાર વરસ્યા છે. સૌની તરસને છિપાવી છે કૃષ્ણે ! ગોરંભાયેલા આકાશ જેવા છે ઘનશ્યામ ! પણ, આકાશની પોતાની પીડાનું શું ? મિલનની તીવ્ર સંવેદના રાધા અને કૃષ્ણને યાદ કરીએ છીએ અને અનુભવાય છે. મીરા તો જાણે હવે કૃષ્ણ પણ નહીં હોય તો પણ ચાલશે એટલા કૃષ્ણપ્રેમમાં ગળાડૂબ છે...! કૃષ્ણ માખણ ચોરે છે. માખણ એટલે ‘નવનીત’ જે. ‘નવનીત’ છે. જેમાં સાર રહેલો છે જીવનનો... જેમાંથી શીખવાનું છે... જે સમાજને ઉપકારક છે, સમાજના હિતમાં છે એ બધું જ કૃષ્ણને જોઈએ છે. ‘માખણ’ તો નિમિત્ત છે અને એ કૃષ્ણને ગોવાળિયાઓ સાથે વહેંચીને ખાવું છે. ગોપીઓએ એને પોતાના ઘરમાં અધ્ધર લટકાવેલું હોય. (એટલે કે સમાજથી એ દૂર હોય) તો પણ એને ફોડીને નીચે લાવીને સૌની સાથે જગતનું શુભત્વ ગ્રહણ કરવું છે !
મનુભાઈ પંચોળી કહેતા કે બાળકોને ઉછેરવા હોય તો દરેક મા-બાપે શ્રીમદ્ ભાગવતનો દસમ સ્ક્રંધ વાંચવો જોઈએ ! એનું અર્થઘટન પણ મનુભાઈનું પોતાનું આગવું ! એ કહેતા કે જશોદાજીએ કૃષ્ણને દોરીથી બાંધવાનો પ્રયત્ન કર્યો અને કૃષ્ણ બંધાયા નહીં એ વાત આપણે જાણીએ છીએ, પણ વાત સાચી એ પણ છે કે કૃષ્ણ આ દ્વારા સંદેશો આપવા માગે છે કે બાળપણને તમે બાંધી શકતા નથી ! બાળપણ તો ખળખળ વહેતા ઝરણાના સ્વભાવનું છે. કૃષ્ણનું જીવન આપણા પ્રત્યેક દિવસનું ચાર્જર છે. એમને યાદ કરીએ. સ્મરીએ એટલે આપણા શ્ર્વાસમાં યમુનાજીની ભીનાશ ઉમેરાય ! એમને યાદ કરીએ અને મોરપીંછના રંગો જેવી ચમક આપણામાં ઊછરે... કૃષ્ણના ગર્ભમાં બ્રહ્માંડનો પીંડ છે.
એના પ્રત્યેક નામમાં હજારો લોકવાયકાઓ - હકીકતોનો ખજાનો છે. કૃષ્ણ બાળપણના ઉછેરના અચ્છા ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. બડા અચ્છા પ્રેમી છે. મિલનનો ચેપ લગાડીને ગુમ થઈ જાય એવા મિત્ર છે કૃષ્ણ...કૃષ્ણ મનોચિકિત્સક છે. અર્જુન જ્યારે પોતાના જ સંબંધોની સામે ઊભો છે અને બાણ ચઢાવવાની ના પાડે છે ત્યારે અર્જુનને ડિપ્રેશનમાંથી બહાર લાવે છે કૃષ્ણ... દ્રૌપદીને પાંચ પાંડવો પછી પણ કૃષ્ણમિત્રની જર પડે છે. કૃષ્ણ બધાના છે. વિભાગોમાં વહેંચાયેલા છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ એક બની જાય છે કૃષ્ણ આગળ.. કૃષ્ણ શું નથી ? કૃષ્ણમાં આપણે છીએ... એટલે જ તો આપણે એમને યાદ કરીએ છીએ. એમનાં દર્શન કરતાં જ ચિત્ત શાંતિનો અનુભવ કરે છે. આ અનુભવમાં ઉત્સવ છે. ભેગા રાખીને મેળો સર્જવાના શોખીન છે કૃષ્ણ... આપણી પહોંચની ટોચ ઉપર છે કૃષ્ણ. એમને કશાની છોછ નથી. અફસોસ પણ નથી. દુનિયાના નિયમો શિખવાડવા માટે એમણે ભગવાનપણું જતું કર્યું હોય એવું લાગે છે. કૃષ્ણની વાંસળી સાંભળવા માટે પાંસળીમાંથી જગતનો કફ અને કેફ બંને બહાર કાઢવા પડે...! કૃષ્ણનું આકર્ષણ જ એવું છે કે આપણા લોહીમાં જ એનું ચુંબકત્વ ઓગળી ગયું છે. શૃંગારરસનું મહત્ત્વ કૃષ્ણ સમજાવે છે. કૃષ્ણની કુંડળીમાં આપણું મિલન હવે તો વિરહ થઈને ઝૂલે છે. કૃષ્ણને હિંડોળા પ્રિય છે. હીંચકો સ્થિર રહીને ગતિમાં હોય છે. કૃષ્ણ આપણી વચ્ચે એવા જ છે. દુ:ખથી પર થવું હોય કૃષ્ણની ભક્તિ કરજો. અને સુખથી પણ પર થવું હોય તો કૃષ્ણને પ્રેમ કરજો ! આભડછેટ વગરનું સામાજિક વ્યક્તિત્વ અને પ્રેમના કેન્દ્રબિન્દુમાં જેનું હોવું આપણને એના બનાવવા માટે મજબૂર કરે છે તે કૃષ્ણ છે. આપણી જાત કૃષ્ણની પાત્રતામાં ઢોળાઈને એની પાત્રતામાં ઊપસવા માગે તેવી પ્રત્યેક ક્ષણ આપણા માટે જન્માષ્ટમી જ છે.
કૃષ્ણ રાજપુરુષ હતા, રાજકારણી ન હતા : ગુણવંત શાહ
પાંડવો અને કૌરવોની પારિવારિક તકરારમાં કૃષ્ણ પાંડવોના પક્ષકાર બન્યા તેનું રહસ્ય શું ? દ્વારકામાં રહ્યા રહ્યા તેઓ હસ્તિનાપુરમાં ચાલતા રાજકારણમાં તટસ્થ રહીને બંને પક્ષોના સન્માનીય રાષ્ટ્રપુરુષ બની શક્યા હોત. એવો આદર જતો કરીને કૃષ્ણે પાંડવોનો જ પક્ષ લીધો. પાંડવો સર્વગુણસંપન્ન ન હતા. કૌરવો સર્વદુર્ગુણસંપન્ન ન હતા. પાંડવોને પક્ષે પ્રમાણમાં વધારે ધર્મબુદ્ધિ હતી. ધરાતલનું સત્ય નિરપેક્ષ (એબ્સોલ્યુટ) નથી હોતું. કૃષ્ણે તટસ્થતાના નામે નિષ્પક્ષ રહેવાનું પસંદ કર્યું હોત, તો તેવું વલણ દુર્યોધનને ટેકો આપવા બરાબર ગણાયું હોત. ખરે ટાણે મૌન જાળવનારા કહેવાતા શાણા માણસોનો લાભ અધર્મને જ મળતો રહ્યો છે. એવે વખતે ધર્મનો પક્ષ ન લેવામાં ‘ભદ્ર કાયરતા’ રહેલી હોય છે. કૃષ્ણને એવી ભદ્ર કાયરતા સ્વીકાર્ય ન હતી. તેઓ આદર પામવા માટે નહીં, ધર્મની જાળવણી માટે જીવનભર મથ્યા. કૃષ્ણના આવા અનોખા પોલિટિક્સનું સ્મરણ આજે પણ રહે તે ખૂબ જરી છે. ગોળ ગોળ અસત્ય એટલે જ સત્યની હત્યા. કૃષ્ણને ‘નિર્માલ્ય સજ્જનતા’ ન ખપે. રાજનીતિમાં ક્યારેક ઓછા દુર્જનનો પક્ષ પણ લેવો પડે છે. આજના લોકતંત્ર માટે આવો કૃષ્ણધ્વનિ આવશ્યક છે. ભદ્રતા અને અધર્મનું વ્યવહારું મિશ્રણ, કૃષ્ણને માન્ય નથી. કૃષ્ણ રાજપુરુષ (Statesman) હતા, રાજકારણી (politician) ન હતા. કૃષ્ણની રાજનીતિ ધર્મના સંગોપન-સંવર્ધન માટે સદાય પ્રતિબદ્ધ હતી.
કૃષ્ણની રાજનીતિ ધર્મરક્ષા અને ધર્મસંવર્ધન માટે હતી તેથી તેમણે સ્પષ્ટપણે પાંડવોનો પક્ષ લેવાનું રાખ્યું. એમની રાજનીતિ આખરે તો એમની ધર્મનીતિનું જ સહજ વિસ્તરણ હતું. એવા વિસ્તરણ વખતે પણ તેઓ સહજનું અનુસરણ કરનારા યુગપુરુષ હતા. રાતના અંધારામાં એક ગુંડો રસ્તા પરથી પસાર થતી એકલી સ્ત્રીને સતાવી રહ્યો હતો. બે સજ્જનોએ એ દ્રશ્ય જોયું. એક સજ્જને કહ્યું : ‘આપણે એમાં શું કરી શકીએ ?’ બીજા સજ્જનથી ન રહેવાયુ. એ સજ્જને જોરથી બરાડો પાડીને ગુંડાને પડકાર્યો. ગુંડાએ સજ્જન સાથે લડાઈ કરી, પરંતુ સજ્જન ન ગાંઠ્યા. એમણે ગુંડાને ત્રણ-ચાર તમાચા ઠોકી દીધા. અંતે સ્ત્રી બચી ગઈ ! આવી પરિસ્થિતિમાં બીજા સજ્જને જે ક્રોધ પ્રગટ કર્યો તે દુર્ગુણ ગણાયે કે સદ્ગુણ ? એવી કટોકટી વખતે એ સજ્જને જે હિંસા કરી તે દુર્ગુણ ગણાય કે સદ્ગુણ ? આપદ્ધર્મની પરિસ્થિતિમાં અક્રોધ સદ્ગુણ નથી ગણાતો. પ્રથમ સજ્જનની કાયરતા ધર્મ માટે ઉપકારક ખરી ? એ જ તર્ક પ્રમાણે અમુક વિશિષ્ટ પરિસ્થિતિમાં અહિંસા પણ દૈવી સંપત્તિ (ગીતા : ૧૬,૨)નું લક્ષણ ન ગણાય. આમ અહિંસા અને અક્રોધ (ગીતા : ૧૬, ૨) પણ પરિસ્થિતિ-નિરપેક્ષ દૈવી સંપત્તિ ન હોઈ શકે. જે તર્ક સદ્ગુણ-દુર્ગુણને લાગુ પડે છે, તે જ તર્ક સત્ય-અસત્યને અને ધર્મ-અધર્મને પણ લાગુ પડે છે. એ અંગેનો નિર્ણય જે તે સમયની વિશિષ્ટ પરિસ્થિતિ પર આધાર રાખે છે. કૃષ્ણની રાજનીતિ અને ધર્મનીતિને સમજવામાં આવો વિવેક રાખવો રહ્યો.
(શ્રી ગુણવંતભાઈના પુસ્તક મહાભારતમાંથી સાભાર)
ગીતા એ સંવાદનો ગ્રંથ છે, અર્જુન અને કૃષ્ણને પામવાનો ગ્રંથ છે. સ્વ-ઓળખ અને જગત-ઓળખની ભૂમિકાનો ગ્રંથ છે. આ યુદ્ધ પહેલાંની વિહ્વળતાની, વિષાદની ક્ષણોનો કાર્ડિયોગ્રામ છે.
અર્જુન કૃષ્ણને જ્યારે વિનંતી કરે છે કે મને બન્ને સેનાઓની વચ્ચે લઈ જાઓ, જેથી હું જોઈ શકું. શું જોવાનું હતું ? અર્જુન પહેલી વાર બોડી-લેંગ્વેજ વાંચવાની ઇચ્છા વ્યક્ત કરે છે. જે વડીલો આ યુદ્ધની લત લઈને બેઠા છે, એમના ચહેરા જોવા છે. ભીષ્મ પિતામહની સફેદ દાઢી પર યુદ્ધની અનાવશ્યકતાનો કોઈ અણસાર છે ? કે દ્રોણ કે કૃપાચાર્યના ચહેરાની રેખાઓ પર પોતાના જ પ્રિય શિષ્ય સામે શરસંધાન કરવાની કોઈ શરમ દેખાય છે ? અર્જુન બન્ને સેનાઓની વચ્ચે ઊભો છે. અર્જુન સત-અસતના એકસરખા દેખાતા આ સ્વરૂપને જુએ છે. અહીંથી ગીતા શરૂ થાય છે. મોટે ભાગે આપણે ફસાઈ જઈએ છીએ એ જ લપસણી ધરતી પર અર્જુન ઊભો છે. અર્જુન આનાકાની અનુભવે છે. હિચકિચાટ થાય છે, એ પાંચ દલીલો કરે છે. એક, હું જેના માટે આકાંક્ષાઓ સેવીને મોટો થયો છું એ બધા તો અહીં પ્રાણ ત્યાગવા માટે ઊભા રહ્યા છે. બે, જેમને હું પૂજ્ય અને વડીલો માનું છું. (આવા લોકો જ્યારે ભાન ભૂલે છે ત્યારે આપણે વિચલિત થઈ જઈએ એ સંભવ છે.) ત્રણ, જે પરંપરાઓ છે, માની લીધેલી પરંપરાઓ છે તેનું શું ? ચાર, પરંપરાઓ તૂટશે તો આગામી પેઢીઓ કેવી પાકશે ? વર્ણસંકરતાની મને બીક લાગે છે અને પાંચ, હું જેને મહાપાપ ગણું છું તે જ આચરવું પડશે.અર્જુન આપણો પ્રતિનિધિ છે, એની મૂંઝવણ આપણી મૂંઝવણ છે. we are deceived by the appearance of the good. અભિપ્રાયો અને ખ્યાલોની પણ એક્સ્પાયરી તારીખ હોય છે. જેને મોટા ગણીએ છીએ એમની નાનપને સાવ અવગણીને જીવી શકાય ? અર્જુનની હતાશા એ સામાન્ય માણસને જન્મતી હતાશા છે. એ પ્રશ્ર્નો ઊભા કરે છે, એ એના માર્ગદર્શક અને સારથિ કૃષ્ણને આ પ્રશ્ર્નો કરે છે.
આ ગીતાનું નહીં, આપણું વાતાવરણ છે. જ્યારે જ્યારે કોઈ પણ કુશળ માણસ આવી વિહ્વળતા અનુભવે ત્યારે અનુભવે તેવી અકળામણ અર્જુનની છે, પણ જ્યાં જ્યાં પ્રશ્ર્ન ત્યાં ત્યાં કૃષ્ણ... તમે તીવ્રતાથી પ્રશ્ર્નને અનુભવો તો કૃષ્ણ તમારા જ રથમાં હોય છે. સમસ્યાનું સમાધાન એક સારથિ જેટલું જ દૂર હોય છે. ગીતાની આ જ શોધ છે. સમસ્યાને સમસ્યા તરીકે નહીં, સમાધાન તરીકે જોવી. પરિસ્થિતિનો ઉકેલ દૂર નથી હોતો, પાસે જ હોય છે. પ્રયત્ન દૃગ-દૃશ્ય વિવેક કેળવવાનો હોય છે. આપણે જે રીતે જગતને જોઈએ છીએ એ જો સમસ્યાઓથી ભરપૂર દેખાતું હોય તો આપણી દૃષ્ટિનું ફોક્સ બદલવાથી જગત જુદું જણાશે. મોહ કે રાગદ્વેષને કારણે કોઈ પરિસ્થિતિનું આકલન કરનારા લોકોમાં અજાણે ધૃતરાષ્ટ્ર જીવતો હોય છે.
(‘નવગુજરાત સમય’માંથી સાભાર)