છોકરી વિનાનું ગામ

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૬


‘પુત્રીવતી ભવ:’ના આશીર્વાદ આપતી ફિલ્મ

સ્ત્રી ભૃણહત્યા રોકવા માટેનો મજબૂત સંદેશો આપતી ફિલ્મ "છોકરી વિનાનું ગામ  હાલ ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે. સ્ત્રી ભૃણહત્યા જેવા ગંભીર વિષયને ખૂબ હળવી શૈલીમાં રજૂ કરાયેલી આ ફિલ્મ એક વાર જોવા જેવી ખરી હો !

ભારતમાં છોકરાઓના પ્રમાણમાં છોકરીઓની સંખ્યા દિનબદિન ઘટી રહી છે. કેટલાંયે રાજ્યો એવાં છે જ્યાં છોકરાઓને પરણવા માટે ક્ધયાઓ જ નથી મળતી. એના કારણે રેપ, છોકરીઓનું વેચાણ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. ભૃણહત્યા અને છોકરીઓની ઘટતી સંખ્યામાંથી બહાર આવવા માટે અનેક પ્રયત્નો થયા છે. સરકાર, અ-સરકાર, સહકાર અને સમાજ બધા જ પોતાની રીતે પગલાં ભરી રહ્યાં છે. પણ આ અફસોસ છે કે એ ‘૫ગલાં’ ધરતી પરથી જનમ્યાં પહેલાં જ ચાલી ગયેલી દીકરીની રક્તરંજિત ‘૫ગલી’ઓ ભૂંસવામાં કાચાં પડ્યાં છે.
આવી ગંભીર બાબતે ગુજરાતી સિનેમા ક્ષેત્રે એક આવકાર્ય પગલું ભરાયું છે. એ પગલું એટલે તાજેતરમાં જ આવેલી સમાજિક સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ ‘છોકરી વિનાનું ગામ’.
પર્પલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્માણ થયેલી, રાજેશ ભટ્ટના દિગ્દર્શનમાં માવજત પામેલી, નિસર્ગ ત્રિવેદીના સંગીતમાં સર્જાયેલી આ ફિલ્મનું જમા પાસું છે એની સ્ક્રિપ્ટ, ગીતો અને અફલાતૂન મ્યૂઝિક. સ્ક્રિપ્ટ રાઈટર અને ગીતકાર છે કાર્તિકેય ભટ્ટ. મૂળ ઈકોનોમિકસના પ્રોફેસર. ઈકોનોમિકસના પ્રોફેસર એટલે કાર્તિકેયભાઈ માંગ અને પુરવઠાના માણસ. દીકરીઓની માંગ ખૂબ અને પુરવઠો ઓછો. આ વિષયને એમણે ઈકોનોમિકસના પ્રોફેસરના નાતે જાયો અને લાગણીશીલ નાટ્યલેખકના નાતે લખ્યો. આ માંગ અને પુરવઠાને ફિલ્મના પરદે લાગણીનો ગ્રાફ દોરીને એવી રીતે ચીતરી આપ્યો કે ફિલ્મ કોમેડી બેનરમાં બની હોવા છતાં જોતાં જોતાં આંખો ચૂઈ પડે. પ્રોફેસર આંકડાઓમાં માહેર પણ આ ફિલ્મમાં લાગણીના અદ્ભુત અંકોડા જોડ્યા છે, ‘અર્થ’ સાથે સંકળાયેલા પણ અહીં એક સામાજિક ‘અનર્થ’ પરત્વે લાલબતી ધરે છે.
આવા ગંભીર વિષયને ખૂબ જ હળવી શૈલીમાં ચોટદાર સેટાયર, માર્મિક સંવાદો દ્વારા ફિલ્મમાં રજૂ કરાયો છે. તેમ છતાં એક પણ ગંભીર મુદ્દો છૂટતો નથી. છોકરી વિનાનું ગામ હોય ત્યાં કેવી કેવી સમસ્યાઓ સર્જાય એનાં મહત્ત્વનાં તમામ પાસાંઓ આ ફિલ્મમાં આવરી લેવાયાં છે. છોકરી વિનાના ગામમાં ‘વેલેન્ટાઈન ડેનું ઉઠમણું’ અને ‘રક્ષાબંધનનું બેસણું’ ય થાય છે. છોકરીઓ સારા પતિ માટે ‘જયા પાર્વતી’નું વ્રત કરે છે, પણ આ ગામના છોકરાઓ ‘શંકર-કિશન’નું વ્રત કરે છે. અને ઉંમર પાંત્રીસ કરતાંય વધી ગઈ હોય તો ‘પિત્ઝા સાતમ’નું વ્રત કરવાનું. બોલો.... કેવી મજા પડી જાય છોકરાઓને વ્રત કરતા જોવાની ?
એટલું જ નહીં, અહીં છોકરી જાન લઈને આવે છે. છોકરાએ સાસરે જવું પડે છે. વડીલો અને સખાઓ એને સાસુ-સસરાને સાચવવાની શિખામણ આપે છે. સાળા સાથે બહુ માથાકૂટ ના કરતો એવી ચેતવણી આપે છે. છોકરો સાસરે જતાં સખાઓને ભેટી ભેટીને રડે છે. હસી હસીને પેટ દુખાડી દે એવી આ વાતનો અંત તો ત્યારે આવે છે જ્યારે છોકરો થોડા જ સમયમાં પાછો આવે છે અને કહે છે કે, ‘મારા પર ખૂબ અત્યાચાર થાય છે. મને મારાં સાસુ-સસરાએ કાઢી મૂક્યો.’ એવું લાગે જાણે આપણને કોઈએ ઊંઘમાંથી જ તમાચો જડી દીધો હોય. રોજ ડઝનના હિસાબે ઘરમાંથી વિના વાંકે કાઢી મુકાતી સ્ત્રીઓ યાદ આવી જાય. હોઠ પરનું હાસ્ય હજુ સુકાયું ના હોય ત્યાં આંખમાં દરિયો ઉમટે. આવા તો કંઈક કિસ્સાઓ હસાવે અને રડાવે બંને ભેગું કરે છે.
જેટલી મજા પ્રસંગોની છે એટલી જ મજા ગીતોની પણ છે. ડિરેક્ટર રાજેશ ભટ્ટે એને ફિલ્માવવામાં જાન રેડી દીધી હશે એ અનુભવાય છે. કોઈ ગીતના શબ્દો હૈયા પર શારડી ફેરવી દે છે,

‘બાપે એની દીકરી મારી,
ભાઈએ એની બહેની મારી,
મોટા મોટા ઘરના ખૂણે,
નાના ઘરની વહુઓ બાળી...!’

તો કોઈ ગીતના શબ્દો છોકરી વિના શું હાલત થાય એનું તાદૃશ ચિત્ર રજૂ કરી ચિંતા કરાવી દે કે,

‘વ્હાલ કરવા વ્હાલી જોઈએ,
સવારે ચાની પ્યાલી જોઈએ.
ન વ્હાલ છે, ન વ્હાલી છે.
આ ગામ તો ખાલી છે.
ત્રાસ... આ તો ત્રાસ છે!
કપડાં ધુવો, વાસણ માંજો,
એકલા હસો... એકલા રુવો,
લીલીછમ્મ લાગણીઓ, થઈ ગઈ સૂકું ઘાસ
ત્રાસ... આ તો ત્રાસ...’

છોકરીને જન્મવા નથી દેતા એ બાબતે લેખકે વાત મૂકી છે તો એની સામે એ ખુલાસો અને ચેતવણી આપવાનું પણ નથી ભૂલ્યા કે, શા માટે આ સમાજ છોકરીઓને જન્માવતાં ડરે છે ? અત્યાચાર, રેપ, છેડતી, સાસરિયામાં ત્રાસ જેવાં કારણોસર સારા સારા લોકો દીકરી પેદા કરતાં ખચકાય છે. આ બીજા પાસાને આવરીને વિષયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. સલામી કરવાનું મન તો ત્યારે થાય છે જ્યારે ફિલ્મમાં લગ્નના એક દૃશ્યમાં ગોર મહારાજ વર-વધૂને ‘પુત્રીવતી ભવ:ના આશીર્વાદ આપે છે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અનેક નામાંકિત કલાકારો આ ફિલ્મમાં છે. અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, હિતેન્દ્ર શાહ, કિરણ જોષી જેવા કલાકારોએ સુંદર અભિનય આપ્યો છે. નવા યુવા કલાકારો રાજકુમાર, સાહિલ શેખ, હિતાર્થ દવે, દેવામી પંડ્યા, રક્ષા નાયક, નિસર્ગ દવે વગેરેની મહેનત પણ દેખાય છે. પણ એકાદ બે બાબતો આંખમાં ખૂંચે છે. છોકરી વિનાનું ગામ છે પણ ગામડું દેખાતું નથી. ફિલ્મની ફ્રેમ બદલાતી જ નથી. એનો રંગ, એનો માહોલ બદલાતો નથી, એકવિધતા લાગે છે. ગામના નામે કોઈ વિશાળ બંગલાઓની સ્કીમમાં શુટિંગ કર્યંુ છે. કૉલેજનો રૂમ, છોકરાઓનો રૂમ, હોસ્ટેલનો રૂમ, ગામડાનુ ઘર, કંઈ જુદું પડતું નથી, બધું એક જ લાગે છે. કેટલાક સંવાદની, મુદ્દાની ચર્ચાની ગંભીરતા દર્શાવવા રાતના માહોલનું, વિધાઉટ મ્યૂઝિક અથવા લાઈટ મ્યૂઝિકના બેકગ્રાઉન્ડમાં શૂટીંગ જરૂરી હોય છે. એની ડાર્કનેસને કારણે જ એ આંખથી હૈયામાં ઊતરી શકે. એનો અભાવ છે.
પણ તેમ છતાં... જે ભાવથી ફિલ્મ બનાવવામાં આવી છે એ ભાવની સામે આ બધું જ ભુલાઈ અને ભૂંસાઈ જાય છે. જાણે આપણી આંખ સામે કોઈ અલ્લડ દીકરી ઝાંઝર પહેરીને રમતી હોય એવું આખી ફિલ્મ દરમિયાન લાગે છે.
એવી માન્યતા છે કે, પુત્ર ‘પું’ નામના નરકમાંથી તારે છે. પણ આજનું સત્ય એ છે કે માત્ર પુત્રો બચે તો ‘પું’ કરતાંયે ભયાવહ નર્ક આ પૃથ્વી પર જ ખડું થઈ જશે. છોકરીઓ આ પૃથ્વીને ખરા અર્થમાં સ્વર્ગ બનાવે છે. આવી પુત્રીઓને બચાવવાની આપણી સૌની ફરજ છે. આપણે ભૃણ-હત્યા અટકાવવા કંઈક કરવા માંગતા હોઈએ તો આ ફિલ્મ જોઈને પણ તેમાં નાનકડો ફાળો આપી શકાય. ગેરંટી છે કે એ જોયા પછી તમે આ ગુનો કરવાની વાત તો દૂર રહી કોઈને કરવા પણ નહીં દો. અંતે એટલું જ કહેવું છે કે, છોકરી વિનાના ગામ ના સર્જવાં હોય તો ‘છોકરી વિનાનું ગામ’ જોઈ નાંખો. કૃષ્ણ જન્માષ્ટમી હાલમાં ગઈ. આ આઠમે આપણે ‘કનૈયા’ જન્મને બદલે ‘ક્ધયા’ જન્મનો સંકલ્પ કરીશું તો ખુદ કનૈયાનેય ગમશે.

રાજભોગ

(ફિલ્મનું એક મસ્ત ગીત...)
સાથે કોઈ ભણનારું જોઈએ,
રમનારું, લડનારું જોઈએ,
કોરી આંખો થાકી યાર,
કયાં સુધી રાહ જોઈએ યાર ?
છોકરીઓ તો જોઈએ યાર !.......
છોકરીઓ તો જોઈએ યાર !
દિવાળીમાં બોંબ ફૂટે તો,
ડરીને કોણ બાજુમાં લપકે ?
ઉતરાયણમાં ધાબા ઉપર,
કોણ આપણી ફિરકી પકડે.
સપના વિના આંખો સૂની,
બાઈક પાછળ સીટ સૂની,
કોઈ બેસનારું તો જોઈએ યાર !.....
છોકરીઓ તો જોઈએ યાર!