સંવત્સરી શુદ્ધિની સાધના

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૬

 

તા. ૫મી સપ્ટેમ્બર- જૈન સંવત્સરી નિમિત્તે વિશેષ

એલર્જી અણગમાની

સંવત્સરી કેમ મનાવવાની ? ક્ષમાપના કરવા કેમ જવાનું ? ક્ષમાપના કોની કરવાની ? ગમતાની કે અણગમતાની ? ગમતા એ જ હોય, જેની સાથે કોઈ પ્રોબ્લેમ ન હોય અને જેની સાથે કોઈ પ્રોબ્લેમ ન હોય એમને ક્ષમાપના કરવાની જરૂર પણ શું હોય ?
જેની સાથે પ્રોબ્લેમ જ ન હોય તેની સમક્ષ સૉરીનો શો શા માટે કરવાનો ? ક્ષમાપના એની સાથે કરવાની હોય, જેના પ્રત્યે અણગમો હોય અને એ અણગમો એલર્જી બની ગયો હોય, મનમાં એક ગાંઠ બની ગઈ હોય, વેરની ગાંઠ બની ગઈ હોય.

પર્યુષણ એ વેરની ગાંઠને ખોલવા માટે હોય છે

ગાંઠ અને ગુસ્સો, એ બંનેમાં ફરક હોય છે. ગુસ્સો ઓન ધ સ્પોટ આવે અને થોડીવારમાં ચાલ્યો જાય. પછી મનમાં કાંઈ ન હોય. એટલે ગુસ્સો ક્ષણિક હોય અને આ ભવ પૂરતો જ હોય.
ગાંઠ કેવી રીતે બંધાય ? પહેલાં અણગમો થાય, પછી નેગેટિવ ભાવ આવે, નેગેટિવ ભાવ વધતાં વધતાં આવેગ અને આક્રોશનું ‚પ ધારણ કરે અને એ આક્રોશ અંતે દ્વેષમાં ક્ધવર્ટ થઈ જાય. અણગમાની સાથે ભળેલા આક્રોશને ગાંઠ કહેવાય, વેર-ઝેરની ગાંઠ કહેવાય.
ભગવાન કહે છે, ૩૬૪ દિવસ ક્રોધ કરનારી વ્યક્તિ પણ ૩૬૫મા દિવસે પ્રાયશ્ર્ચિત્ત કરીને મોક્ષમાં જઈ શકે છે. જ્યારે ગાંઠવાળી વ્યક્તિ ૩૬૫ દિવસ સંયમ જીવનનું પાલન કરે તો પણ મોક્ષ તો શું, દેવલોકમાં પણ જવાની શક્યતા હોતી નથી. અર્થાત્ જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં જરા પણ અણગમો છે, ગાંઠ પડેલી છે. ત્યાં સુધી મોક્ષની શક્યતા નથી. વેરની ગાંઠ જો સાથે આવી ગઈ તો આ ભવ તો બગડે અને ભવોભવ પણ બગાડે.
શરદી બે પ્રકારે થાય. એક હોય નિમિત્ત આધારિત... એટલે કે ઠંડું ખાવાથી કે પાણીમાં પલળવાથી થઈ જાય, એને કહેવાય સામાન્ય શરદી અને એ સામાન્ય દવા લેવાથી બે-ચાર કે વધુમાં વધુ સાત દિવસમાં તો મટી પણ જાય. બીજી હોય એલર્જિક શરદી... એ તો ભવોભવથી સાથે આવેલી હોય. ભૂતકાળમાં કોઈ પદાર્થ પ્રત્યે અણગમો હોય, એ પદાર્થ જેવો સામે આવે એટલે તમારું બોડી તરત જ એનું રીએક્શન આપે. આ છે બાહ્ય એલર્જી... શરીરની એલર્જી !
પરમાત્મા કહે છે, જેની સાથેના ગયા ભવનાં વેર-ઝેર અને અણગમો લઈને આવ્યા હો, એ વ્યક્તિ આ ભવમાં આંખ સામે આવે અને તરત જ અંદરમાંથી કંઈક ને કંઈક થવા લાગે. સંવત્સરી અને પર્યુષણ એ અંદરની એલર્જીને બહાર કાઢવાના દિવસો છે.

એલર્જીની દવા ડૉક્ટર બે પ્રકારે કરે

એક વ્યક્તિને એ પદાર્થથી એકદમ દૂર કરી દે અને એક એ વ્યક્તિને પદાર્થથી એકદમ નજીક કરી દે, એટલા કોન્ટેક્ટમાં રાખે કે બોડી ઓટોમેટિક એનો સ્વીકાર કરવા લાગે. એટલે અણગમો ગમો બની જાય. કોઈ પણ વ્યક્તિ પ્રત્યેની અંદરમાં રહેલી એલર્જીને આત્મામાંથી બહાર કાઢવાની પ્રોસેસ એ છે સંવત્સરીનું પ્રતિક્રમણ અને સંવત્સરીની આલોચના !
એલર્જી મેમરીઝના સૌથી ઉપરના લેયર પર હોય છે એટલે એક નાનકડું નિમિત્ત મળતાં જ એનું રીએક્શન આવવા લાગે છે. વસ્તુ કે પદાર્થની એલર્જી વધારે નુકસાન નથી કરતી પણ વ્યક્તિ પ્રત્યેની એલર્જી અનંત અહિતકારી હોય છે. સર્વજ્ઞ ભગવાન મહાવીરે જૈનધર્મમાં પર્યુષણ અને એમાં પણ સંવત્સરીનું સૌથી વિશેષ મહત્ત્વ બતાવ્યું છે. કેમ કે, ભગવાનને ખબર હતી જગત આખું દુ:ખી થાય છે. એકમાત્ર વેરના કારણે ! વેર એટલે અંદર પડેલો એ અણગમો જે એલર્જી બની ગયો છે.
જેમ બહારી એલર્જીે કાઢવા માટે ડૉક્ટર પાસે જાવ અને ડૉ. જે પ્રમાણે પ્રિસ્ક્રાઈબ કરે અને જે પ્રમાણે પરેજી પાળવાનું કહે તે પ્રમાણે તમે કરો છો, તેમ અંદરની એલર્જી કાઢવા માટે સદ્ગુરુ‚પી ડૉક્ટર જે નિર્દેશ આપે તે પ્રમાણે વ્યક્તિ આચરે તો તેની એલર્જી અવશ્ય દૂર થઈ જાય અને અનેરી પ્રસન્નતા અનુભવે. એલર્જી હંમેશાને માટે અજ્ઞાનીને જ હોય, જ્ઞાનીને ક્યારેય એલર્જી ન હોય.

સદ્ભાગીના લલાટે
સંવત્સરીનું તિલક

દુનિયામાં અબજો લોકો હોય છે, એમાં સંવત્સરી મનાવવાના ભાવ કેટલાને થાય ? કેટલા મનાવી શકે ?
જૈન હોવા છતાં, જૈન કુળમાં જન્મ મળ્યો હોવા છતાં પણ ઘણાને પર્યુષણ ઊજવવાનો ભાવ નથી થતો તો ઘણાને અનુકૂળતા નથી મળતી. માટે જ, પરમાત્મા કહે છે સદ્ભાગી હોય એ, જેના લલાટે સંવત્સરીનું તિલક હોય ! સંવત્સરી સમજને વધારવા માટે હોય છે અને સંવત્સરી સંબંધોને સુધારવા માટે હોય છે. સંવત્સરી સમસ્યાના સોલ્યુશન માટે હોય છે.

શુદ્ધ થવા કરીએ યુદ્ધ

ધર્મને પામ્યા પછી, સંવત્સરીની સંધ્યા પછી પણ જો અંદરમાં રહેલો ઈગો અને અહ્મ જાય નહીં, અંદર રહેલી ગાંઠ ખૂલે નહીં તો પછી સંવત્સરી મનાવ્યાનો અર્થ શું ? ખમાવવા ગમતાને જવાનું ન હોય, ખમાવવા અણગમતાને જવાનું હોય. ગમતાંને ખમાવીને તમે તમારા સંબંધોને વધારો છો, વધારે સ્ટ્રોંગ કરો છો. સંવત્સરી એ સંબંધોને વધારવા માટે નથી, સંવત્સરી એ સંબંધોને સુધારવા માટે છે. સંબંધોને વધારવા એ પાપ છે, સંબંધોને સુધારવા એ ધર્મ છે.
જેમની સાથે પ્રેમ હોય એ આવતા ભવમાં મળે કે ન મળે નક્કી નથી હોતું, પણ જેની સાથે વેર હોય એ અનંતા ભવ મળે છે. જે ક્ષણે તમારી અંદર વેરના ભાવ જન્મે એટલે અસંખ્ય કાળ સુધી સાથે રહેવું પડે એવાં કર્મો બંધાય જાય.

અણગમો અણગમાને વધાર્યા જ કરે છે

માટે જ ભગવાને કહ્યું છે, હિંસા એ બહુ મોટું પાપ નથી. એક જ ભવમાં પ્રાયશ્ર્ચિત્ત કરીને અસંખ્ય ભવોની હિંસાના પાપને ધોઈ શકાય છે. એ જ પ્રમાણે ચોરી, જૂઠ, અબ્રહ્મ અને પરિગ્રહનાં પાપોને પણ ધોઈ શકાય છે પણ વેરનું પાપ... વેરની પરંપરા, વેરને વધારતી જ રહે છે અને એ વેર મોક્ષથી દૂર કરી દે છે. એક જ ભવનું વેર અસંખ્ય ભવો સુધી સાથે આવે છે.
જો આવતા ભવમાં વેરને લઈ જવું ન હોય તો આ ભવે સામે ચાલીને જવું છે અને સામેથી માફી માંગવી છે, પછી ભલે એ મારાથી નાના કેમ ન હોય ! આ સંવત્સરીએ મારે મારી બધી જ ભૂલોને ભૂલી જવી છે. ભૂલ જેની પણ હોય, મારે ભૂલને ભૂલવી છે. મારે એકવાર સાચા હૃદયથી ખમાવી લેવું છે. એક ક્ષણ માટે કદાચ તમારો અનંતકાળથી પડેલો ઈગો વિદ્રોહ કરશે, તમને હર્ટ કરશે, અપસેટ કરશે. પણ એ સમયે યાદ રાખવાનું, આજે મારે ઈગો સાથે યુદ્ધ કરવાનું છે, કેમ કે મારે શુદ્ધ થવાનું છે. આજે ઈગોને હરાવી, હૃદયને શુદ્ધ કરી, સામેવાળા સમક્ષ હસતી આંખે અને પ્રસન્ન ચહેરે જવું છે. આજે મારે મારા હોઠ, મારી આંખો અને મારા ચહેરાને ક્ષમાના જળથી શુદ્ધ કરી નિર્મળ બનાવી દેવા છે. પ્રેમ અને નમ્રતાથી ભરી દેવા છે. જ્યારે આંખોમાંથી પ્રેમ વરસતો હોય, શબ્દોમાં મીઠાશ હોય અને વ્યવહારમાં વિનય હોય તો ગમે તેવી પત્થરદિલ વ્યક્તિ પણ પીગળી જાય છે.
સામેવાળામાં ભાવ જાગે કે ન જાગે પણ તમારે ક્ષમાપના કરવી એ તમારું કર્તવ્ય છે. સામેવાળાને આવવું કે ન આવવું એ એમની ઇચ્છા છે, પણ તમારે સામેથી જવું એ તમારી ફરજ છે, અને ખમાવ્યા પછી અંદરમાં રહેલો અણગમો, નેગેટિવ ભાવ અને ભૂતકાળની ઘટનાઓને ભૂલી જવી એ પણ એટલાં જ જરૂરી છે.