@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ શિક્ષક ગઈકાલ, આજ અને આવતીકાલ

શિક્ષક ગઈકાલ, આજ અને આવતીકાલ


પમી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિતે વિશેષ
આપણે ત્યાં ગુરુનો ખૂબ મોટો મહિમા છે. ગુરુને આપણે ઈશ્ર્વર કરતાં પણ મોટા ગણ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે આપણે ગુરુની પણ સરખામણી કરી છે. ઈતિહાસ ગવાહ છે કે ગુરુએ વ્યક્તિઘડતરમાં ખૂબ ફાળો આપ્યો છે. સમયાંત્ારે ગુરુમાંથી માસ્તર, શિક્ષક અને ટીચર એવાં નામો બદલાતા રહૃાાં છે પણ એનો મહિમા અને કાર્ય નથી બદલાયું. હજુ આજે પણ શિક્ષક યાને કે ટીચરના હાથમાં સમાજની ધુરા રહેલી છે. શિક્ષક વિદ્યાર્થીનો સાચો માર્ગદર્શક છે.
આ દેશે અનેક મહાન શિક્ષકોને જન્મ આપ્યો છે. એમાં ઉત્તમોત્તમ શિક્ષક એટલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન. શિક્ષણક્ષેત્રે શ્રી રાધાકૃષ્ણનના અભૂતપૂર્વ પ્રદાનના ગૌરવરૂપે તેમના જન્મદિન પમી સપ્ટેમ્બરને ભારતવર્ષમાં શિક્ષક દિન તરીકે ઊજવવામાં આવે છે. આ શિક્ષક દિન નિમિતે ગઈકાલ, આજ અને આવતીકાલના શિક્ષકોની વાત...

આદિ-અનાદિ પર્વોથી આપણે ત્યાં ગુરુનું મહત્ત્વ ચાલ્યુ આવે છે. ગુરુ એટલે ‘ગુ’ અને ‘રુ’નો સરવાળો. ‘ગુ’ એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. જે વ્યક્તિ આપણને અજ્ઞાનતાના અંધારામાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય એ ગુરુ છે. અજ્ઞાનતા નષ્ટ કરનાર જે બ્રહ્મરૂપ પ્રકાશ છે તે ગુરુ છે.
ગુરુને આધુનિક જમાનામાં આપણે વિવિધ નામોથી ઓળખીએ છીએ. માસ્તરજી અને શિક્ષકથી લઈને ટીચર સુધી અનેક નામો ગુરુને અપાયાં છે. આ ગુરુ આપણા અજ્ઞાનનું અંધારું દૂર કરી પ્રકાશ રેલાવે છે અને આપણે સૌ જાણીએ છીએ કે એક વાર અજ્ઞાનનું અંધારું દૂર થાય પછી બધા જ પ્રકારની મુશ્કેલીઓના અંધકાર દૂર થઈ જતો હોય છે. એટલે જ આપણે ત્યાં ગુરુને ભગવાન કરતાં પણ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે જ કબીરજીએ ગાયું છે કે,
‘ગુરુ ગોવિંદ દોનોં ખડે, કિસકો લાગું પાય !
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય !
અર્થાત્ ગુરુ જ એ વ્યક્તિ છે જે આપણને ઈશ્ર્વર જેવા ઈશ્ર્વરનો પણ ભેટો કરાવી શકે છે. આપણા શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ પણ ગુરુના મહિમાનાં ખૂબ જ ગુણગાન ગાયાં છે. પુરાણોમાં ગુરુનો મહિમા સૌથી વિશિષ્ટ અને વિશેષ રીતે વર્ણવ્યો છે. ગુરુને સૌથી ઉચ્ચ દરજ્જે બિરાજમાન કર્યા છે અને કહેવાયું છે કે,
ગુરુ: બ્રહ્મા, ગુરુ: વિષ્ણુ, ગુરુદેવો મહેશ્ર્વર:
ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ:, તસ્મૈ શ્રી ગુરુવે નમ:
ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે. ગુરુ માત્ર માર્ગદર્શક નથી એ મોક્ષસર્જક પણ છે. એ જીવનના બધા જ આયામોમાં વિજય અપાવીને અંતે મોક્ષ અપાવી શકવાની પણ ક્ષમતા ધરાવે છે.

જેના માનમાં શિક્ષકદિન ઊજવાય છે તેવા આધુનિક ભારતના મહાન શિક્ષક
ડૉ. રાધાકૃષ્ણન્ની જીવનસફર

ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ ૫મી સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ ચેન્નાઈથી ૬૪ કિલોમીટર દૂર આવેલા તમિલનાડુના તિરુતની ગામમાં થયો હતો. ૧૯૦૮માં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવવા એક સંશોધન લેખ લખ્યો. જે સમયે તેમની વય ફક્ત ૨૦ વર્ષ હતી. જ્ઞાનપિપાસુ રાધાકૃષ્ણએ પોતાની તીવ્ર જિજ્ઞાસાઓને સંતોષવા હિન્દી, વેદ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૧૬માં મદ્રાસ રેસિડન્સી કૉલેજમાં તેઓ સહાયક પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. થોડાં વર્ષો તેમણે પ્રાધ્યાપક તરીકે પણ ફરજ બજાવી. વર્ષ ૧૯૦૯માં માત્ર ૨૧ વર્ષની નાની વયે તેમણે ચેન્નાઈની પ્રેસિડેન્ટ કૉલેજમાં જુનિયર લેક્ચરર તરીકે તત્ત્વજ્ઞાન ભણાવવાનું શરૂ કરી દીધું હતું.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ઘણી યુનિવર્સિટીઓએ માનદ્ ડિગ્રી આપી તેમનું સન્માન કર્યું. ૧૯૩૧થી ૧૯૩૬ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશની વાલ્ટેયર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર પદે રહ્યા. ૧૯૩૬થી ૧૯૫૨ સુધી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી. ૧૯૩૯થી ૧૯૪૮ દરમિયાન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ચાન્સેલર પદે અને ૧૯૩૫થી ૧૯૬૨ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીના ચાન્સેલર રહ્યા. જ્યારે ૧૯૪૦માં બ્રિટિશ એકેડમીમાં પ્રથમ ભારતીય તરીકે ચૂંટાયા. તેમજ ૧૯૪૮માં ભારતના પ્રતિનિધિ તરીકે યુનેસ્કોમાં સેવા આપી. સ્વતંત્રતા બાદ રશિયામાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવી અને સાબિત કરી આપ્યું કે એક શિક્ષણશાસ્ત્રી અને તત્ત્વચિંતક રાજનૈતિક ફરજો પણ સફળતાપૂર્વક અદા કરી શકે છે. ૧૯૫૨માં રશિયાથી પાછા ફર્યા બાદ તેમને ઉપરાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા.
તેમની સેવાઓ અને તેમના જ્ઞાનને સન્માનવા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા. ૭૯ વર્ષની વયે તેઓ પોતાના વતન મદ્રાસ પરત ફર્યા અને તેમણે તેમના જીવનનાં છેલ્લાં વર્ષો મદ્રાસના માયલાપોરમાં વિતાવ્યાં. ૮૭ વર્ષની ઉંમરે ૧૭ સપ્ટેમ્બર, ૧૯૭૫ના રોજ તેમનું અવસાન થયું. તેમનો સરળ સ્વભાવ, દૃઢ વિચારો અને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનને કારણે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ અને તેમના જન્મદિન ૫ સપ્ટેમ્બરને દર વર્ષે શિક્ષક દિન તરીકે ઊજવીએ છે.

ગઈકાલના કેટલાક મહાન ગુરુઓ અને મહાન શિષ્યોની વાત

આપણે ત્યાં મહાન ગુરુઓ અને મહાન શિષ્યોનો એક સુવર્ણ ઇતિહાસ રહ્યો છે. ભગવાન દતાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા અને શ્ર્વાન પાસેથી પણ એમણે વફાદારીનો ગુણ મેળવ્યો હતો.
ગીતાના રચયિતા અને ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ હતા સાંદીપનિ. સાંદીપનિએ ભગવાન જેવા ભગવાનમાં શ્રેષ્ઠ ગુણોનું પાલન કરીને ગુરુત્વના મહિમાનું ગાન કર્યું હતું. આ જ ગુરુ સાંદીપનિના આશ્રમમાં રાજકુંવર શ્રી કૃષ્ણ સાથે સાથે સાવ ગરીબ કહી શકાય તેવા ઘરનો એક છોકરો સુદામા પણ રહેતો. આ બે જ નહીં આવા અનેક શિષ્યો એ આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા હતા. કોઈ ગરીબ હતું તો કોઈ તવંગર. કોઈ હોંશિયાર હતું તો કોઈ ઠોઠ. પણ ગુરુએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સૌને સરખું જ શિક્ષણ આપ્યું હતું. એક જ સરખી લગનથી સૌને વિદ્યા પીરસી હતી.
આજે આપણે જેને બાણાવળી અર્જુન તરીકે ઓળખીજ છીએ એ અર્જુનને બાણવિદ્યા શીખવનાર ગુરુ દ્રોણાચાર્યને પણ આજે દુનિયા યાદ રાખે છે. સૌ જાણે છે કે અર્જુનની અપૂર્વ વિદ્યાશક્તિ ગુરુ દ્રોણની દેન હતી. એ ના હોત તો અર્જુનની શક્તિઓ કદી બહાર જ ના આવત. આમ ગુરુ દ્રોણાચાર્યએ શિષ્ય અર્જુનમાં પડેલી શક્તિઓને બહાર લાવી એને અમર કરી દીધો. આ રીતે તેમણે એક ગુરુની ફરજ અને શક્તિનુ દર્શન કરાવ્યું છે.
ગુરુ અને શિષ્યની વાત કરતા હોઈએ ત્યારે ચાણક્યને તો કેમ કરી ભુલાય. ચંદ્રગુપ્ત મૌર્ય જેવા શિષ્યને નીતિ-અનીતિ, બુદ્ધિ અને શક્તિના પાઠ શીખવનારા ચાણક્યએ પણ ગુરુની તાકાત અને શક્તિનો મહિમા ગાયો છે.
રામકૃષ્ણ પરમહંસનું નામ પણ ઇતિહાસમાં અમર છે. નરેન્દ્ર નામનો એક છોકરો ભગવાનની શોધમાં ઠેર ઠેર ભટકતો હતો. એ સૌને પૂછતો હતો કે તમે ઈશ્ર્વરને જોયા છે ? પણ કોઈ ‘હા’ નહોતું પાડતું. છેવટે એને રામકૃષ્ણ પરમહંસ મળ્યા અને એમણે નરેન્દ્રના મનની અટકળોનું સમાધાન કર્યું. નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ માની લીધા અને એમના ચરણોમાં સમાઈ ગયા. રામકૃષ્ણએ નરેન્દ્રને એ શિક્ષા આપી કે નરેન્દ્ર માત્ર ભારતવર્ષમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં સ્વામી વિવેકાનંદના નામે ખ્યાત થઈ ગયા.
સાર એ છે કે ગુરુની પ્રતિભા અને ક્ષમતા ખૂબ છે. એ એમના શિષ્ય કે વિદ્યાર્થીને ધારે ત્યાં અને ધારે તે ઊંચાઈએ પહોંચાડી શકે છે. આવા ગુરુનું સૌએ માન કરવું એ ફરજ છે...

આચાર્ય વિદ્યાર્થીના હિતચિંતક, પથપ્રદર્શક અને મિત્ર

આચાર્ય પોતાની વિદ્યા, કૌશલ્ય, પ્રેમ અને સહાનુભૂતિ દ્વારા વિદ્યાર્થીના જીવનનું નિર્માણ કરે છે. ક્યા માર્ગે જતાં જીવનનું કલ્યાણ અને વિકાસ થઈ શકે છે, જીવનની કઈ દિશા હાનિકારક છે એ વાત આચાર્ય બતાવે છે. તેનુ શિક્ષણ સાચા મિત્રની જેમ આપત્તિમાંથી બચાવે છે અને એણે આપેલી વિદ્યા વિદ્યાર્થીને સંકટ સમયે કામમાં આવે છે. એ કારણે જ આચાર્ય પોતાના વિદ્યાર્થીઓના શિક્ષક નહીં પરંતુ હિતચિંતક, પથપ્રદર્શક અને મિત્ર હોય છે. આ ગુણોને કારણે જ તે વિદ્યાર્થીઓનો વિશ્ર્વાસ અને તેમની શ્રદ્ધા પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીઓ તેની પાસે પોતાની સારીનરસી વાતો છુપાવતા નથી અને તેની સંમતિ ઉપર વિશ્ર્વાસ રાખે છે. તે કારણથી જ આચાર્ય વિદ્યાર્થીના ચારિત્ર્યનિર્માણનું મોટું કાર્ય કરવામાં સફળતા પ્રાપ્ત કરે છે. (ભારતીય શિક્ષણના મૂળતત્વોમાંથી સાભાર)

મારિયા મોન્ટેસોરી

એક નાનકડી છોકરી હત્તી. યાદશક્તિ સાવ બુઠ્ઠી. વાંચે એ કશું યાદ જ ના રહે. શાળામાં શિક્ષક એને ખૂબ ખખડાવતા. મારતા પણ ખૂબ, પણ એને કશું જ યાદ નહોતું રહેતું. પરીક્ષાઓ નજીક આવી રહી હતી એટલે શિક્ષકે એના પરનું પ્રેસર વધારી દીધું. એનો કાન આમળીને કહેવામાં આવતું કે, ‘જો, વાંચીશ નહીં તો કાન કાપી લઈશ.’
છોકરી ડરી ગઈ. પરીક્ષા સમયે ખૂબ જ બીમાર પડી ગઈ. એ વર્ષે એ ફેઈલ થઈ. એ જ ધોરણમાં નવા વર્ષે બીજા શિક્ષક આવ્યા. એમણે એના માથે હાથ દઈને શાંતિથી એને યાદ રાખવા માટેની પદ્ધતિઓ સમજાવવા માંડી. છોકરીને યાદ રહેવા લાગ્યું અને એ ભણવામાં ખૂબ સારા માર્ક્સ લાવવા માંડી.
છોકરી આ ઘટના ભૂલી નહોતી. એના દિમાગમાં શિક્ષકનો માર, સોટી અને ચીમટો ઘર કરી ગયાં. માથે હાથ ફેરવીને ભણાવનારા પેલા શિક્ષક તો ચાલ્યા ગયા. બીજા વર્ષે ફરી મારઝૂડવાળા શિક્ષક આવ્યા. એ જમાનામાં ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે છમછમ’નાં અમાનુષી સૂત્રો ખૂબ ફેલાયાં હતાં, પણ છોકરીએ કંઈક નોખું કરવું હતું. આખી જિંદગી એ સોટી, ડંડો અને કાન આમળનારા શિક્ષકો પાસે ભણ્યા કરી અને અવ્વલ આવ્યા કરી.
ભારે મહેનત કરી એ ઈટાલીની પ્રથમ મહિલા ડૉક્ટર બની અને રોમની એક મનોરોગની હૉસ્પિટલમાં જોડાઈ. હૉસ્પિટલમાં રાખેલાં મંદબુદ્ધિનાં બાળકોને શિક્ષણ આપવા કે સમજાવવા પણ સોટીવાળો જ પ્રયોગ થતો. છોકરી ડૉક્ટર બની હતી પણ એની અંદર એક શિક્ષક જ શ્ર્વસી રહ્યો હતો. એણે ધીમે ધીમે પાગલ બાળકો સાથે સ્નેહપૂર્વક વાત કરવાનું શરૂ કર્યું. એ લોકો ભૂલ કરે તો શાંતિથી સમજાવતી. એમને પ્રેમથી ભણાવતી, સારવાર કરતી. પાગલખાનામાં રહેલા સોટી અને ડંડાને એ ફેંકી આવી. ધીમે ધીમે પાગલ બાળકોમાં સારો એવો ફેરફાર થવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે આ અનોખી ડૉક્ટર કમ શિક્ષિકાના કારણે એ પાગલ બાળકો સામાન્ય બાળકો જેમ લખતાં-વાંચતાં શીખી ગયાં અને સામાન્ય વ્યવહાર કરતાં ગયાં. આખા ઈટાલીમાં આ વાત ચર્ચાસ્પદ બની ગઈ. એ ડૉક્ટર યુવતીએ શિક્ષણની એક અનોખી ક્રાંતિ કરી બતાવી હતી. એને ઠેર ઠેર આમંત્રણો મળવા લાગ્યાં. એણે મા-બાપ અને શિક્ષકોમાં એક નવી દૃષ્ટિ ઉઘાડી આપી. બાળકને સોટીને બદલે સ્નેહથી ભણાવવાની પદ્ધતિ.
આ અનોખી ડૉક્ટર કમ શિક્ષિકાનું નામ હતું મારિયા મોન્ટેસોરી. ‘સોટી વાગે ચમચમ’ના સ્થાને ‘પ્રેમથી ભણાવો’નું સોનેરી સૂત્ર આપી શિક્ષણમાં ક્રાંત્ાિ કરવાનો યશ મારિયા મોન્ટેસોરીને ફાળે જાય છે. આજની મોન્ટેસોરી પદ્ધતિ આ જ પ્રેમાળ શિક્ષિકાને આભારી છે.

શિક્ષક ધારે તો મડદામાં પણ પ્રાણ પૂરી શકે છે

દેશ કે સમાજ પર બે પ્રકારે આફતો આવતી હોય છે. એક આફત આંતરિક હોય છે અને એક આફત બાહ્ય. દેશના જ લોકો જ્યારે ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા કે એવાં કોઈ દૂષણો દાખવે, એમનામાં માનવતા, દેશદાઝ અને રાષ્ટ્રપ્રેમની કમી હોય ત્યારે દેશમાં આંતરિક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે અને દેશ નબળો પડી જતો હોય છે.
જ્યારે આત્ંકવાદ, યુદ્ધ, દેશ પરના પ્રહાર જેવી મુશ્કેલીઓ દેશને બહારથી નબળો પાડે છે. પણ એક વાત્ા નક્કી છે કે આત્ાંકવાદ જેવી બાહૃા જે કોઈપણ મુશ્કેલીઓ છે એ આપણી આંતરિક મુશ્કેલીઓને કારણે જ ઉદ્ભવે છે. ભષ્ટાચારી નેતાઓ, અપ્રમાણિક લોકો જેવા આંતરિક દૂષણોને કારણે જ દેશ પર બહારથી પ્રહારો થાય છે. હવે પ્રશ્ર્ન એ થાય કે આ બધી મુશ્કેલીઓને અને શિક્ષકને શું લેવા-દેવા ? છે, શિક્ષકને અને આ મુશ્કેલીઓને ખૂબ જ લેવા-દેવા છે.
વિચાર કરો દેશના લોકોમાં માનવતા, દયા, પ્રેમ, માયા, નીતિમત્તા જેવા ગુણોનું સિંચન કરે છે કોણ ?.... યેસ ! શિક્ષક દ્વારા જ સમગ્ર સમાજમાં આ બધા ગુણોનું સીંચન થાય છે. જો શિક્ષક ધારે તો સમાજને એવા પાઠ ભણાવે કે સમાજમાં કુસંસ્કારો કે કુવિચારો પાકે જ નહીં. સમાજમાં દેશદાઝ જગાડવાનું કામ શિક્ષકનું છે. પ્રામાણિકત્ા પેદા કરવાનું કામ શિક્ષકનું છે. એ ધારે તો સમાજની આંતરિક નબળાઈઓને ડામી શકે છે અને એના કારણે દેશ પરથી બાહ્ય પ્રહારો પણ અટકી જશે.
સાંદીપનિ, વશિષ્ઠ, ચાણક્ય, રાધાકૃષ્ણન જેવી વિભૂતિઓ શિક્ષક જ હતી. આ બધાએ પોત્ાાના શિક્ષણ દ્વારા સમાજને નબળો થતાં બચાવ્યો છે. પોતાના શિષ્યોને સારું શિક્ષણ આપીને દેશનાં અનિષ્ટો દૂર કરવામાં આ બધા શિક્ષકોએ ખૂબ મોટો ફાળો આપ્યો છે. શિક્ષક એના વિદ્યાર્થીઓને દેશ માટે મરતાં અને દેશ માટે જીવતાં શીખવી શકે છે. શિક્ષક એ શક્તિ છે જે મડદામાં પણ પ્રાણ પૂરી શકે અને નિર્જીવને પણ સજીવ કરી શકે છે. શિક્ષક પાસે એ તાકાત છે કે એ સમગ્ર દેશને ધારે તે મોડ પર, ધારે તે ઊંચાઈ પર સ્થાપિત કરી શકે. માટે તમામ શિક્ષકો શ્રી કૃષ્ણના કર્મયોગ પ્રમાણે આગળ વધે અને રાષ્ટ્રધર્મ બાબતે કંઈક કરી છૂટવાનો સંકલ્પ કરે.

શિક્ષક માનવીને તરાશીને મહાપુરુષ બનાવે છે

વિશ્ર્વભરમાં જેટલા પણ મહાપુરુષો થયા છે, જે પણ લોકો આજે પ્રખ્યાત છે કે વિખ્યાત છે, એ લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક એમના શિક્ષકનો ફાળો બહુ જ મહત્ત્વનો રહેલો છે. ભારતના મહાપુરુષોની વાત કરીએ તો લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, બાલ ગંગાધર તિલક, સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ભગતસિંહ, મહાત્મા ગાંધી વગેરે જેવા અનેક મહાનુભાવો છે જે વિશ્ર્વવિખ્યાત છે અને સમાજ માટે કંઈક કરી છૂટ્યા છે. આ બધા જ મહાનુભાવોના જીવનમાં શિક્ષકનો પ્રભાવ એમના ભવિષ્યના નિર્માતાના ‚પે જોવા મળે છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શિક્ષક એ મરજીવો છે જે દુનિયા નામના અફાટ દરિયાના તળિયે છુપાયેલા મોતીને શોધી કાઢે છે. જેમ એક શિલ્પી પથ્થરને કોત્ારીને એમાંથી મૂર્તિ બનાવે છે એમ શિક્ષક માનવીને તરાશીને એમાંથી મહાપુરુષ બનાવે છે. વાત ફક્ત એટલી છે કે, જેમ દરેકેદરેક પથ્થરમાં મૂર્તિ થવાની ક્ષમતા રહેલી છે એમ દરેકે દરેક વિદ્યાર્થીમાં મહાન બનવાની તાલાવેલી અને ક્ષમતા રહેલી છે. શિક્ષક એવો હોવો જોઈએ જે એ ક્ષમતા પારખી શકે. જે વિદ્યાર્થીનો પોકાર સાંભળી શકે અને મૂર્તિ‚પ મહામાનવનું ઘડતર કરે. તો જ એ સમાજનો સાચો ઘડવૈયો કહેવાશે...

પથ્થર અને શિલ્પી

દુનિયાના મહાન અને અત્ાિ પ્રખ્યાત શિલ્પકાર માઈકલ એન્જેલોને એક દિવસ એક મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો. પણ એની પાસે આરસપહાણ નહોતો. એ વખતે એની સ્થિતિ પણ સારી નહોતી કે એ આરસ ખરીદી શકે. એની પાસે જેટલા પૈસા હતા એમાંથી આરસ ખરીદી શકાય તેમ નહોતો.
એક દિવસ એ આરસપહાણ શોધવા માટે બજારમાં નીકળ્યો હતો. રસ્તામાં અચાનક એની નજર એક ફેંકી દેવાયેલા આરસપહાણ પર પડી. એ આરસપહાણ રસ્તાની ધાર પર પડ્યો પડ્યો ધૂળ ખાઈ રહ્યો હતો. એકદમ ગંદો અને ખરબચડા આકારનો હતો. એણે આસપાસ નજર દોડાવી. બાજુમાં જ એક આરસપહાણની દુકાન હતી. એને થયું કે કદાચ આરસની દુકાનવાળાએ પથ્થર ત્યાં મૂક્યો હોય. સાવ સસ્તામાં હોય ત્ાો ખરીદી શકાય. એણે દુકાનદારને પૂછ્યું, ‘ભાઈ, પેલો આરસપહાણનો ટુકડો વેચવાનો છે ?’
‘ના, ભાઈ ના, એ તો ફેંકી દેવાયેલો છે. કોઈ કામનો નથી. એટલો ખરબચડો છે કે એમાંથી કંઈ જ બની શકે તોમ નથી. મારી દુકાનમાં જગ્યા રોકતો હતો એટલે મેં એને ફેંકી દીધો છે. તારે લેવો હોય ત્ાો લઈ જા. મારે એનો એકેય પૈસો જોઈતો નથી. જા લઈ જા.’ દુકાનદારે કહ્યું...!
દુકાનદારની વાત સાંભળી માઈકલ ખુશ ખુશ થઈ ગયો. તરત જ એ પથ્થર એણે ઘરે લઈ જવાની વ્યવસ્થા કરી. ઘરે લઈ જઈ એ પથ્થરને એણે ખૂબ સારી રીતો ધોઈને સ્વચ્છ કર્યો. પછી એમાંથી મૂર્તિ ઘડવાનું શ‚ કર્યું.
થોડા જ સમય બાદ એણે એ પથ્થરમાંથી મિસ મેરી અને જિસસ એકબીજાને ભેટતાં હોય એવું મા-દીકરાનું અદ્ભુત શિલ્પ કંડારી નાંખ્યું. શિલ્પ એટલું અદ્ભુત બન્યું હતું કે એ શિલ્પ દુનિયાની અમર કૃતિ બની ગયું.
એક વખત કોઈએ માઈકલ એન્જેલોને પૂછ્યું, ‘તમે શિલ્પ કંડારવા માટે રસ્તે રઝળતા પથ્થરને શા માટે પસંદ કર્યો હતો ?’
માઈકલે જવાબ આપ્યો, ‘પથ્થર કોઈ પણ હોય. એમાંથી શિલ્પ ઘડવાનું કામ શિલ્પકારનું છે. શિલ્પકાર ધારે તો ગમે તોવા પથ્થરમાંથી મૂર્તિ ઘડી શકે છે. મને એમ લાગ્યું કે પથ્થરમાં રહેલો આત્મા મને બોલાવતો હતો.’
બસ, આ જ રીતે જ્યારે શિક્ષક પણ તોફાની, ઠોઠ કે પછી અણસમજુ એવા કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીમાંથી મહાન માણસ સર્જી શકે છે. એમાંથી શિલ્પ ઘડી શકે છે. વિદ્યાર્થી ગમે તેવો હોય પણ એનામાં ચેતના ત્ાો રહેલી જ હોય છે. એ ચેત્ાના પોકાર પાડી પાડીને શિક્ષકને કહી રહી હોય છે કે આવો, મને ત્ારાશો. મારે ત્ામારા માર્ગદર્શનની જ‚ર છે. બધા જ વિદ્યાર્થીના પોકારો જ્યારે બધા જ શિક્ષકને સંભળાશે ત્યારે જગત કંઈક જુદી જ રીતેે ઝળહળવા માંડશે.
એટલે જ તો એ પણ હજાર હાથવાળા જેમ પૂજાય છે.
શિક્ષક આપણા સમાજનું અનિવાર્ય અંગ છે. શિક્ષકને ખુદને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે આ સમાજની ધુરા તેના હાથમાં છે. શિક્ષક જેટલો નિષ્ઠાવાન, પ્રામાણિક અને સદાચારી એટલો જ વિદ્યાર્થી.
શિક્ષકના વિચાર, વર્તન, વાતચીત અને વચનોમાં સમાજની નિસ્બત છલકવી જોઈએ. એક‚પતા હોવી જોઈએ. શિક્ષકે હંમેશાં એમ કહેવાનું હોય છે કે, 'Do as I do.'.શિક્ષકે ક્યારેય એમ ના કહેવાનું હોય કે, "Do as I Say." શિક્ષકે આજે કલેવર બદલવાની જ‚ર છે. કારણ ઇતિહાસ સાક્ષી છે કે શિક્ષક જેમ જેમ એનું કલેરવ બદલે છે તેમ તેમ વ્યક્તિ, સમાજ અને દેશ પણ પોતાનું કલેવર બદલે છે. શિક્ષકે ખાસ એ વાત યાદ રાખવાની છે કે એનું કામ માત્ર શીખવવાનું નથી, શીખવાનું પણ છે. એણે ઘાંચીના બળદ જેમ એકનો એક પોપટપાઠ નથી પઢાવ્યા કરવાનો, એણે તો રોજેરોજ અપડેટ રહીને વિદ્યાર્થીઓમાં નવું નવું જ્ઞાન અને ઉત્સાહ ભરવાનો છે. માનવમૂલ્યોનું અને સંસ્કૃતિનું રક્ષણ પણ શિક્ષકના જ હાથમાં છે. દરેક માનવી જેમ એને પણ બે જ હાથ હોય છે, પણ એણે હજાર હાથવાળા જેમ હજારો કાર્યો કરવાનાં હોય છે, એટલે જ એની પણ હજાર હાથવાળા જેમ પૂજા કરાય છે.

સ્વામી શંકરાચાર્ય

સ્વામી શંકરાચાર્ય એક દિવસ સમુદ્રકિનારે બેઠા બેઠા પોતાના શિષ્યો સાથે વાતો કરી રહ્યા હતા. તેઓ જે વાતો કરી રહ્યા હતા એ એટલી બધી જ્ઞાનસભર હત્ાતી કે શિષ્યો દંગ રહી ગયા.
એક શિષ્યએ કહ્યું, ‘ગુરુજી ! ત્ામારુ જ્ઞાન તો બહુ જ ઉમદા છે. અમે બહુ ખુશ થયા. આપની પાસે બેસીને અમને ખૂબ જ જાણવા મળ્યું છે. આપ ત્ાો જ્ઞાનનો ભંડાર છો. જ્ઞાનનો સાગર છો. ત્ામે આટલું બધું સમુદ્ર જેટલું જ્ઞાન કેવી રીતેે મેળવ્યું એ જ વાતનું મને ત્ાો આશ્ર્ચર્ય છે.’
શિષ્યની વાત પૂરી થયા પછી શંકરાચાર્યએ કહ્યું, ‘બેટા, મારી પાસે જ્ઞાનનો ભંડાર છે એ વળી ત્ાને કોણે કહ્યું ? જ્ઞાનનો સાગર તો અફાટ છે, એમાંથી મારી પાસે માત્ર થોડીક બુંદો છે. મારે ત્ાો હજુ ઘણું બધું શીખવાનું બાકી છે. એક વાત યાદ રાખજો કે જ્ઞાનનો સાગર કદી ભરાતો નથી.
સ્વામી શંકરાચાર્યની આ વાત શિક્ષકો માટે ખૂબ મહત્ત્વની છે. શિક્ષક જ્યારે એમ વિચારશે કે એણે બધું શીખી લીધું છે ત્યારે એ ખતમ થઈ જશે. એણે ત્ાો સતત શીખતા રહેવાનું છે અને શીખવાડતા રહેવાનું છે. એણે એ પણ યાદ રાખવાનું છે કે એમનો પ્રભાવ યુગો સુધી રહે છે.

યદ્ આચરતી ઇતિ આચાર્ય:

શિક્ષક માટે જ‚રી છે કે એ તોમના વ્યવસાયને એક પ્રોફેશન તરીકે નહીં પણ એક મિશન ત્ારીકે લે. આચાર્ય વિનોબા ભાવેએ કહ્યું હતુંં કે, જે માણસ પોતાના આચરણ દ્વારા અન્યને શીખવે એ જ સાચો આચાર્ય.
આચાર્ય શબ્દની વિભાવના બહુઆયામી છે. ‘યદ્ આચરતી ઇતિ આચાર્ય: એ વ્યાખ્યા મુજબ આચાર્ય, એટલે કે જે શીખવે છે તે. શિક્ષકનું જીવન ખુદ એક સંદેશો બની રહેવા યોગ્ય છે. જે મન, કર્મ અને વચનથી એકરસ હોય, એકમત હોય અને જેનું જીવનદર્શન અને વ્યવહાર અભિન્ન ન હોય એ જ સાચો આચાર્ય કહેવાય. આવા ઋષિતુલ્ય આચાર્યો જ સમાન્ય વિદ્યાર્થીઓમાંથી સર્વોચ્ચ સ્થાને બિરાજમાન મહાનુભાવો પેદા કરી શકે છે.
આજના દરેક શિક્ષકે આચાર્યની આ વિભાવનાને મનમાં ફ્રેમ કરી દેવાની જ‚ર છે. જે એ શીખવે છે એનું આચરણ એ પોતે જ નહી કરી શકતા હોય તો વિદ્યાર્થીઓ એમને કોઈ કાળે નહીં સ્વીકારે.
‘knowledge is power. જ્ઞાન એ શક્તિ છે અને આ જ્ઞાન‚પી શક્તિ પ્રાપ્ત કરવાની માનવની ઉત્કંઠા પ્રાચીનકાળથી પ્રબળ રહી છે. કોઈને કોઈ પ્રકારે માનવી જ્ઞાનની ક્ષિતિજો સર કરતો આવ્યો છે. પ્રાચીનકાળની શિક્ષણ પ્રણાલી તરફ દ્રષ્ટિપાત કરતાં સાંદિપની ઋષિનો આશ્રમ અને કૃષ્ણ-સુદામા જેવા શિષ્યોની યાદ આપણા સ્મૃતિપદ પર તાજી થાય છે. શિષ્યો ગુ‚ના આશ્રમમાં જતાં, ગુ‚ના સાનિધ્યમાં રહેતા અને આશ્રમી જીવન જીવતાં-જીવતાં વિદ્યા ઉપાર્જન કરતાં, જે સર્વવિદિત છે. ગુરૂકુળમાં ગુરુજીની ઇચ્છાનુસાર તે સૂચવે તે પ્રમાણે નિત્યક્રમ રહેતો. ગામ કે શહેરના ધમાલિયા જીવનથી પર રહી અન્ય ચિંતાઓથી મુક્ત બનીને શિષ્યો નિરાંતની પળોમાં નિર્વિઘ્ને સ્વાધ્યાય કરતાં અને ગુરુજીના હુંફાળા સાનિધ્યમાં સંસ્કાર ભાથું પણ પ્રાપ્ત કરતા. આમ એ સમયે શિષ્યો માટે રહેવા તથા અભ્યાસ માટેના સ્થાન અલગ નહીં પણ એક જ હતા. એટલે કે આશ્રમ શિક્ષણ અને શિક્ષક બંને ગાઢ રીતે સંકળાયેલા હતા.

શિક્ષણની આજ

સમાજ પરિવર્તન શીલ છે. સમાજ બદલતાં સમાજમાં મૂલ્યો પણ બદલાવા લાગ્યા અને મૂલ્યો બદલાતાં કાળક્રમે પ્રાચીન ગુરુપ્રથા તૂટતી ગઈ અને સમયની સાથે શિક્ષણની પ્રથામાં પણ આમૂલ પરિવર્તન આવતું ગયું. મધ્યકાલીન યુગમાં ગુરુકુળોનું સ્થાન પાઠશાળાઓએ લીધું. આમ પાઠશાળાઓ દ્વારા શિક્ષણ આપવાની પ્રથા ચાલુ થઈ, પરંતુ વિદ્યાર્થીઓ માટેના રહેવાનાં તથા અભ્યાસનાં સ્થળો અલગ થયા. ત્યાર બાદ ધીરે ધીરે અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થતાં હાલની શિક્ષણ પ્રથા અસ્તિત્વમાં આવી. પહેલાં વિદ્યાર્થીએ સતત ગુરુ યાનેકી શિક્ષકનાં સાંનિધ્યમાં રહેવું પડતું, પણ આજે સમય બદલાયો છે. ગુરુ-શિષ્ય પરંપરા અને આશ્રમો હવે રહ્યા નથી. આધુનિક શાળાઓ બની છે, વડનાં ઓટલાં નીચે બેસી વિદ્યાભ્યાસ કરાવતાં ગુરુઓને સ્થાને હવે એ.સી. ક્લાસમાં બેસી ગ્રીનબોર્ડ અથવા કમ્પ્યૂટર એલ.ઈ.ડી. સ્ક્રીન પર સિલેબસ ચલાવતાં શિક્ષકો આવ્યા છે. પરિણામ સ્વરૂપે મોટા મોટા શહેરોથી માંડી, નાનાં નાનાં ગામડા અને કસ્બાઓ સુધી શાળાઓનો વ્યાપ વધ્યો. ક્ષેત્ર વિશાળ બન્યું અને શિક્ષક પણ વિશાળ અને વિરાટ બન્યો.
દરેક સમયે શિક્ષણમાં નવા નવા પ્રયોગો થતા હોય છે. દરેક જમાનાની માંગ એવી હોય કે, શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવું જ પડે. એ પરિવર્તન થાય છે શિક્ષક દ્વારા શિક્ષક બદલાયો એટલે શિક્ષણ બદલાયું છે. શિક્ષણ પરિવર્તન પામે તો જ સમાજ પરિવર્તન પામે અને એ માટે શિક્ષકનું પરિવર્તન સૌથી પહેલી જ‚રિયાત છે.
શિક્ષણની આજની સંકલ્પના તો સર્વાંગી વિકાસ, જન્મગત શક્તિઓનું પ્રગટીકરણ, વ્યક્તિમત્તાની અભિવ્યક્તિ, રોટલો રળવો અને કોળિયો મીઠો બનાવવો, શ્રેષ્ઠ જે કાંઈ છે તેને બહાર લાવવું-જેવી છે. તેથી જ તો ગાંધીજીએ કહ્યું છે : "બાળક અથવા મનુષ્યના શરીર, મન અને આત્મામાં, શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ કહું છું અને જે તે આણી શકે એ જ સાચો શિક્ષક. તો આપણા મનિષી જે. કૃષ્ણમૂર્તિ કહે છે : ‘સમગ્ર જીવન જીવી શકે એવી સુસંવાદી વ્યક્તિઓ પેદા કરવી એ શિક્ષકનું સર્વોત્તમ કાર્ય છે.’
આ થઈ શિક્ષણની ગઈકાલ અને આજ. શિક્ષણની આવતીકાલનાં એંધાણ આપણને કેટલાયે વિચારકોના ચિંતનમાંથી મળે છે.

શિક્ષણની આવતીકાલ

ગઈકાલના અને આજના શિક્ષણ ઉપર અનેક પ્રહારો થઈ રહ્યા છે. આજની શાળા મહાશાળાઓને કતલખાનાં કહેનારા વિચારકો છે. તો એવરેન્ટ રેમર જેવા ‘સ્કૂલ ઈઝ ડેડ’... ‘શાળાઓ તો મરી પરવારી છે.’ એવી બાંગ પોકારે છે. ઈવાન ઈલિચ જેવા ચિંતક તો ‘ડિસ્કૂલિંગ સોસાયટી’, ‘શાળાવિહીન સમાજ’ની હિમાયત કરે છે. કારણ ? કારણ કે શિક્ષણ અને શિક્ષક બંનેને લાંછન લાગે તેવી ઘટનાઓ સમાજમાં અવાર-નવાર બની રહે છે. વિદ્યા દાનમાં આપવાની ચીજ છે, પણ આજનાં કેટલાંક શિક્ષકો રીતસરની હાટડી માંડીને બેઠા છે. મુઠ્ઠીભર આવા શિક્ષકોએ ‘ગુરુ’ની છબીને ખંડિત કરી છે. તેના કારણે આજનાં શિક્ષક અને શિક્ષણ પ્રથાનો વિરોધ થઈ રહ્યો છે. આવી કલંક‚પ પ્રવૃત્તિઓ અને સ્વાર્થ ત્યજીને શિક્ષકે પોતાનું મૂલ્ય વધારવું પડશે. તેણે સંસ્કારી, આધુનિક, પરોપકારી બનવું પડશે. આજનો શિક્ષક ગોખણીયો બન્યો છે, જ્ઞાનનો અભાવ છે. તે બધામાં બદલાવ આવશ્યક છે. આવતીકાલનાં વિદ્યાર્થી સાથે કામ કરવું હશે તો શિક્ષકે જ્ઞાન સમૃદ્ધ બનવું પડશે.
આજે દર સાત-આઠ વર્ષે જ્ઞાન બમણું થઈ રહ્યું છે. જ્ઞાનના આ કલ્પનાતિત વિસ્ફોટોને પહોંચી વળવા આજની શાળાઓ પાસે કોઈ જ આયોજન નથી. આવતીકાલે માત્ર શાળા સમય દરમિયાન જ્ઞાન કે માહિતી ભર્યા જ કરવી તેનું મહત્ત્વ જરાયે નહીં હોય. આવતીકાલે વિદ્યાર્થીને સતત અધ્યયન કરતો રાખવો પડશે, તેને અધ્યયન કરતા રહેવું પડશે. એટલે તો આદ્રે મોરવાએ કહ્યું છે : ‘પુસ્તકાલય એ નિશાળ અને વિદ્યાપીઠનું એક આવશ્યક સાથી છે. હું તો એટલે સુધી કહીશ કે કેળવણી એ તો પુસ્તકાલયોના દરવાજાની ચાવી છે.’ એટલે શિક્ષકે પહેલા પુસ્તકાલય સુધી જવું પડશે અને પછી વિદ્યાર્થીઓને લઈ જવા પડશે. જ્ઞાન મેળવવાની ચાવી શીખવવી પડશે. ડૉ. ગુણવંત શાહ કહે છે : ‘શાળાની પ્રાર્થના-સભા શાળાનું હૃદય છે અને શાળાનું પુસ્તકાલય શાળાનું કાળજું છે.’ આવતીકાલે એ બંનેનું સંવર્ધન જ‚રી બનશે અને તેનું સંવર્ધન કરે તેવો શિક્ષક જ‚રી છે.
આવતીકાલે જ્ઞાનનો વિસ્ફોટ થશે, જ્ઞાન માત્ર પુસ્તકાલયોમાંથી જ નહીં આપી શકાય, પણ ટેલિવિઝન, રેડિયો, સમાચાર પત્રો જેવાં માધ્યમોને વર્ગમાં લાવવા પડશે. જ્ઞાન વધારે પ્રમાણમાં વ્યક્તિગત આપવું પડશે. કેળવણી જીવન પયર્ર્ંત બની રહેશે. વિદ્યાર્થીઓ જાતે શીખી શકે તેવા કમ્પ્યુટર કાર્યક્રમ આવી ચૂક્યા હશે. ઈન્ટરનેટ કાર્યક્રમો જ્ઞાનનાં દ્વાર ખખડાવી રહ્યા હશે. ચોપડીઓ ઉપરાંત નેટવર્ક અને તેના ઉપર આધારિત હાઈપર્મિડિયા, ઈલેકટ્રોનિક બૂક, ઈલેક્ટ્રોનિક મેલ, ટેલિકોન્ફરન્સ અને ગ્લોબલ ક્લાસ‚મ જેવાં ઉપકરણો શિક્ષણની સેવામાં રોમાંચક ભૂમિકા ભજવશે. આવનારા દિવસોમાં વિડીયો કોન્ફરન્સથી શિક્ષણ આપવાનું પણ પ્રભાવી બનશે. દેશના સારામાં સારા શિક્ષકો વિડીયો કોન્ફરન્સનાં માધ્યમ દ્વારા એક જ સમયે દેશના જુદા-જુદા સ્થાને વિદ્યાર્થીઓને એજ્યુકેટ કરશે. આ રીતે માસ એજ્યુકેશનનું પ્રમાણ વધશે. હવેના વિદ્યાર્થીઓ ખભે વજનદાર દફતર કે હાથમાં ચોપડાઓનાં થોકડાંઓને બદલે ટેબલેટ કે અન્ય કોઈ આધુનિક ઉપકરણ સાથે આવશે. શિક્ષકે એ માટે પોતાને ઘડવો પડશે. આવા સંજોગોમાં શિક્ષકે વધારે સજ્જ આધુનિક અને ટેક્નોલોજીના જ્ઞાનથી સમૃદ્ધ થવું પડશે.
આવતી કાલે શિક્ષણ આપવાને બદલે શિક્ષણ મેળવવા માટેનું પર્યાવરણ મહત્ત્વનું બનશે. તેથી તો આઈન્સ્ટાઈનની વાત સાચી પડશે. તેમણે કહ્યું છે કે, ‘હું કદી શીખવતો નથી. હું તો એવા સંજોગો પેદા કરું છું, જેમાં વિદ્યાર્થી શીખે.’ એટલે કે આવતીકાલની શાળાઓ અને તેના વર્ગખંડો આજના છે, તેવા નહીં જ ચાલે. કદાચ દીવાલ વિનાની અને શિક્ષક વિનાની શાળાઓ અસ્તિત્વમાં આવશે. વિદ્યાર્થીએ જ્ઞાન પાસે જવાને બદલે જ્ઞાન ‚મઝુમ કરતું વિદ્યાર્થી પાસે આવશે. શિક્ષણ માટે વિદ્યાર્થીઓનું વિતરણ થવાને બદલે વિદ્યાર્થીઓને શિક્ષણનું વિતરણ થશે પણ તેમ છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો શિક્ષક જોઈશે જ. શિક્ષકે એ માટે તૈયાર રહેવું પડશે.
શિક્ષકના સ્વરૂપો ઉત્તરોત્તર બદલાયા છે. એ આપણો જોયું. ધોતી, ખેસ અને માળા ધારણ કરેલ ગુરૂથી માંડી, બંડી અને થેલાવાળા માસ્તર, ત્યારબાદ પેન્ટ-શર્ટ પહેરેલાં શિક્ષકને આજકાલ ટાઈ-શૂટ-બૂટથી સજ્જ શિક્ષક આપણને જોવા મળે છે, પણ જે ઝડપે ટેક્નોલોજીનો પ્રભાવ વધી રહ્યો છે. એ જોતા આવતીકાલે રોબો-ટીચર ભણાવતા હોય તો નવાઈ નહીં ? હોં, ચોંકવાની જરૂર નથી આ દિવસો દૂર હોય તેવું જરાય નથી. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સની બોલબાલા વધી છે. તાજેતરમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સે એક અત્યંત બુદ્ધિશાળી માનવને ચેસમાં હરાવ્યા. આ જોતા રોબો-ક્લાસ એન્ડ રોબો ટીચર પણ શક્ય છે, પણ તેમ છતાં એટલું તો કહી શકાય કે ‘શિક્ષક’ યાને કી ‘ગુરુ’ની જરૂર પડશે. ભાઈ ! આ રોબો-ટીચરને બનાવવાય કોઈ માનવ-ટીચર તો જોઈશે ને ? યેસ ! તો પછી તૈયાર થઈ જાવ આધુનિક જમાનાના આધુનિક ટીચર બનવા.