‘સ્થિતપ્રજ્ઞ’ અદ્ભુત શબ્દ જ નહીં, જીવનવિજ્ઞાન છે... આંધીમાં અર્જુનની અદા...

    ૧૧-નવેમ્બર-૨૦૧૭

 
દેવદિવાળી શાકવાળાની જેમ ઘર આગળથી પસાર થઈ ગઈ. શાકવાળો દૂરના ઝાડ પાસે જઈને પાણી છાંટીને ‘આ શાક તાજું છે’વાળી માર્કેટીંગ સ્ટ્રેટેજી અપનાવશે. પણ એનું આમ પસાર થવું કેટલું બધું કહેતું ગયું. એની લારીમાં ખેંચાઈ આવેલું ખેતર, એના કાંડાની ઘડિયાળમાં ટહુકતો સમય અને એનું સૂકવવા મૂકેલું આયખું, આંખોમાં આશાના સાચવી રાખેલા અભરખા અને એ જ ભીની આંખે ગ્રાહકને ઓળખવાની / આમંત્રવાની ભાષા, એકસાથે જાણે સમયનો એક લસરકો ઘર આગળથી પસાર થયો. સમયનું આવી રીતે સરકી જવું ક્યારેક અનન્ય રોમાંચ આપે છે, ક્યારેક સમયના એકાદ ટુકડાને થોડા વિસ્મયમાં પલાળીને સમજવાની અને સરકવાની ક્રિયાને જોવાની મઝા આવે છે.
દેવદિવાળીના આ સમયદીવડાના અજવાળે ફરી એકવાર કૃષ્ણ અને દેવત્વને નવેસરથી માણવાનો અર્જુનયોગ ઊભો થયા કરે છે. અર્જુનના મનમાં કૃષ્ણકળનું ફરકવું, બંધ આંખે જાગવું, વહેલી સવારના સન્નાટાને ઉલેચીને એને જ્ઞાનતંતુની પાતળી પાળ પર બેસાડવો અને પછી કુરુક્ષેત્રના શંખનાદની આખી વણઝાર વચ્ચે બોલાતા શબ્દોને જોવા. એક પછી એક જાણે કોઈ મહાનગરના ચાર રસ્તે આવતી ગાડીઓ જેવા શ્ર્લોકોને ઝૂમ કરીને બેસીએ ત્યારે અનુભવ થાય છે. પહેલી અનુભૂતિ તો શબ્દસર્જનની છે. કેવો અદ્ભુત શબ્દ ગીતાકારે આપ્યો, જે સનાતનતાની સુગંધ બન્યો છે. જેમ જૈનપરંપરામાંથી આપણને ‘વીતરાગ’ જેવો શબ્દ મળે છે તેવી ઊંચાઈ ધરાવતો શબ્દ ‘સ્થિતપ્રજ્ઞ’ છે. આવા શબ્દો બારાખડીની બહારથી સંબોધાતા હોય છે.
અર્જુન ઘેરાયેલો છે, ભાંગી પડ્યો છે, કૃષ્ણ આગળ ‘તમારો શિષ્ય છું’ કહીને જે પ્રશ્ર્નો પૂછે છે તે મનુષ્યચેતનાની ઊર્ધ્વગામિતાની ઓળખ છે. વિષાદયોગને અંતે મૃત્યુની અને આત્માની એંધાણી મેળવ્યા પછી ‘સ્થિતપ્રજ્ઞ’નો પ્રશ્ર્ન પૂછે છે.
પ્રશ્ર્નની ભાષામાં લૌકિકતા કેવી છે, ‘હે કેશવ !’ સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય? તે કેવું બોલે ? કેવું બેસે અને કેવી રીતે ચાલે ?
‘આ પ્રશ્ર્નો અર્જુનને આપણો બનાવે છે. બધા લોકોનું સ્ખલન ‘ભાષા’થી જ શરૂ થાય છે. દોસ્તોયેવ્સ્કીએ તો કહ્યું, ‘ભગવાને માણસને વિચારો સંતાડવા જાણે કે ભાષાની ભેટ આપી છે.’ ભાષા અભિવ્યક્તિને બદલે અંચળો બને છે. હવામાં ફંગોળાયેલા શબ્દોથી પ્રેમ પ્રગટે છે કે પ્રદૂષણ તેની અનુભૂતિ અને આવડત પામવાની મથામણ મનુષ્યે યુગોથી કરી છે.
શ્રીકૃષ્ણ પહેલા ઉત્તરમાં ‘મનની દવા’ કહે છે. મનમાં આવતા આવેગોને જે ત્યાગી શકે છે અને ‘સ્વયં’ની આત્મનિષ્ઠ અવસ્થામાં સ્થિત બને છે તે સ્થિતપ્રજ્ઞ બને છે. મનને માંજવાનું છે, મનને સમજવાનું છે. આ શ્રીકૃષ્ણનું ક્ધસલ્ટિંગ છે. આ સ્વનિરીક્ષણની નિશાળ છે. એટલે ભગવાન આગળ કહે છે, ‘જે દુ:ખ’માં ઉદ્વેગરહિત ને સુખમાં સ્પૃહારહિત રહી શકે છે, અને આ વિજયને વરેલા વિતરાગી જ ભય અને ક્રોધ પર કાબૂ મેળવે છે. આ જ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો છે. નરસિંહ યાદ આવે ‘સુખ-દુ:ખ મનમાં ના આણીએ, ઘટ સાથે રે ઘડિયાં...’ ગીતાનું ઈગો-મેનેજમેન્ટ એ સ્વ-ઓળખથી શરૂ થાય છે અને સ્વ-ઓળખથી પૂરું થાય છે.
પવન આપણા આંગણે આવે છે ત્યારે એની પાસે ઉકરડા અને ગુલાબ બન્નેના સંદેશાઓ હોય છે. પવનના સ્પર્શથી ડોલી ઊઠતા ગુલાબની મસ્તી વાંચવાની છે, મોગરાના ફૂલની કોમળ મગરૂરી આગળ ગમે તેવું અભિમાન કેવું વામણું લાગે છે તે તો અનુભવવાની વાત છે. મેં એટલા માટે એક સંસ્કૃત કવિતામાં ગાંધીનગરનાં વૃક્ષોને ‘સમીરકવિઓ’ કહ્યા છે. સમીરના સ્પર્શ માત્રથી જે ડોલી ઊઠે તે તેમની ધન્યતા છે. આપણો યુગ જેટલો પારદર્શિતાનો છે એટલો જ ઝાંખો અને એકાંગી છે. માણસની ‘જે નથી તે દેખાવવાની’ મનોવૃત્તિએ એક ધૂમ્રસદન રચી આપ્યું છે. અનુભવીએ યથાતથ જોવાનું હોય છે. આ સ્થિતપ્રજ્ઞા જ આરપારનું જોવાની શક્તિ આપે છે. એટલે પ્રશ્ર્ન એકલા અર્જુનનો નથી, દરેક યુગના અર્જુનનો છે. લાગણીઓના લિપિડ-પ્રોફાઈલ ટેસ્ટ કરાવવાની કે શબ્દોની સોનોગ્રાફી કરવાની આ જ તો મજા છે. કહેવાય છે કટોકટીમાં તમારું શ્રેષ્ઠત્વ પ્રગટે છે. કૃષ્ણાર્જુન સંવાદની આ સનાતન સુગંધ જ દેવદિવાળીની ભેટ છે, આપણે આપણા કૃષ્ણને સાંભળી શકીએ તો કુરુક્ષેત્રમાં પણ ‘કળીના ફૂટવાનો’ અવાજ સાંભળી શકાય.
 
ભાગ્યેશ જ્હા