તંત્રી સ્થાનેથી : દિલ્હીનું ભયાવહ પ્રદૂષણ, ગંભીર કટોકટીના સંકેતો

    ૧૭-નવેમ્બર-૨૦૧૭

 
સુપ્રીમ કોર્ટ, કેન્દ્ર સરકાર, વિપક્ષ અને દિલ્હી સરકાર બધા ગુંગળામણ - અકળામણ અનુભવી રહ્યા છે. ના, લશ્કરી બળવો નથી, નાગરિક અશાંતિ પણ નહી, લોકશાહીના કોઈ આધારસ્તંભ ઉપરનો હુમલો પણ નથી, માત્ર હવાનું પ્રદૂષણ. મનમોહન સરકારને મુંબઈ, બેજિંગ જેવું બનાવવું હતું. અત્યારે હવા પ્રદૂષણના આંકમાં દિલ્હીએ, બેજિંગને પાછળ છોડ્યું છે. કેજરીવાલ આગળ નીકળ્યા છે એ કહેવું તો રાજનૈતિક અવળચંડાઈ કહેવાય. છતાં સુપ્રીમ કોર્ટે તેમની સરકારને એકી-બેકી સંખ્યામાં ગાડીઓ દોડાવવા સિવાયની કોઈ વાત કરો તેમ કહ્યું. તે આવી આપત્તિને પહોંચીવળવા અંગેની તેમની અણઆવડતનો પુરાવો જ.
હવાના પ્રદૂષણનું માપ, PM 10, PM 2.5, NO2, So2, Co, O3, NH3, Pb વિગેરે - આઠ ઘટકોમાં થાય. જેમાં PM 2.5 મુખ્ય છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે ૧૦ માઈક્રોગ્રામ, M3 થી PM 2.5 હવા સામાન્ય ગણાય છે. દિલ્હીમાં મપાયેલ યંત્રોમાં તેનો આંક ૫૦૦થી વધ્યો છે. એકાદ વખત ૧૦૦૦થી યે વધારે હતો. આ પ્રદૂષણ પંજાબ, હરિયાણાના ખેડૂતો રાઈસ હસ્ક (પરાળ) બાળીને ઘઉંના વાવેતર માટે જમીન તૈયાર કરે તેનાથી મુખ્યરૂપે થાય. બાકી ઘન કચરો, ગાડી-બસનું પ્રદૂષણ, જનરેટીંગ સેટના એક્ઝોસ્ટ, ક્ધસ્ટ્રક્શનથી થતો કચરો વિ. હોઈ શકે. શિયાળામાં ધુમ્મસ તથા ધુમાડો બે ભેગા થાય એટલે કે ફોગ અને સ્મોકમાંથી બને છે સ્મોગ. એક સ્વીસ અભ્યાસ પ્રમાણે ૧૦ માઈક્રોગ્રામથી આ સ્મોગ વધે એટલે ડાયાબીટીસની સંભાવના વધે છે. શિકાગો યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે દર વધારાના ૧૦ માઈક્રોગ્રામથી આયુષ્ય ૦.૬ વર્ષ ઘટે છે. કારણ પ્રદૂષણ એ ધીમું ઝેર છે. સુપ્રીમ કોર્ટે ઈપીક બનાવવાનો આગ્રહ રાખ્યો તેથી એર ક્વોલીટી લાઈફ ઇન્ડેક્ષ સતત માપી શકાય.
પંજાબ સેટેલાઈટ રીમોટ સેન્સીંગ સેન્ટર દ્વારા નોંધાયેલ વિગતોમાં માત્ર ૪૦,૦૦૦ ખેતરોમાં ચોખાનો કચરો બાળતી આગના ફોટા ઝડપાયા છે. નવેમ્બરના ૧૦ દિવસમાં ૨૧૦૦૦ અને માત્ર એક દિવસમાં ૪થી નવેમ્બરે ૪૪૪૬. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તેના પર પ્રતિબંધ છે. ગુનેગારોને ૨ એકરથી ઓછી જમીને રૂ. ૨૫૦૦/- તથા ૫ એકરથી વધારે હોય તો રૂ. ૧૫૦૦૦/-ના દંડની જોગવાઈ હોવા છતાં, બધાએ હુકમોનો અનાદર કરી દિલ્હીને બાનમાં લીધું છે. આમ તો દિલ્હીથી ઠેઠ બિહાર સુધી આ જ પ્રદૂષણ છે. પંજાબ સરકારે ક્રોપ રેસીડ્યુ મેનેજમેન્ટ માટે ફાળવેલ રૂ. ૬૦૦ કરોડનું ફંડ પણ આ સમસ્યા નિવારવા ઓછું પડશે તેમ જણાય છે. કારણ ટેકનોલોજી નહીં, નાગરિક તરીકેની જવાબદારીઓની સૂઝનો અભાવ છે.
મુંઝવણની હારમાળાય કેવી છે ? પંજાબના ખેતરોના આ ચોખાના કચરામાંથી ૧૫૦૦૦ મેગા વોટ વીજળી ઉત્પન્ન થાય તેમ છે. અત્યારે માત્ર ૪.૫% જ મળે છે કારણ ખેડૂતોને આ કચરાના કલેક્શન સેન્ટર સુધી કચરો પહોંચાડવામાં ખર્ચ વધુ, નફો ઓછો તેમ જણાય છે. તેને બાળવાથી જમીન ખરાબ થાય છે જ. એટલે નવો વિચાર જે પંજાબ માત્ર ઘઉં જ ખાય છે તેણે ચોખા ઉગાડવા શું કામ ?
લંડનમાં ૧૯૫૨માં આવા સ્મોગથી ૧૨૦૦૦ નાગરિકો ૨ માસમાં મૃત્યુ પામ્યા હતા. વિશ્ર્વમાં આ પર્ટીક્યુલર મેટર (ઙખ) એ પ્રદૂષણનું એક માત્ર સૌથી મોટું જોખમ છે. જેમાં અત્યાર સુધી ૪૨ લાખ લોકો મર્યા છે. દિલ્હી માટે ય એક સમાચાર પત્રે તો ૬૦,૦૦૦ લોકો થોડાક મહિનામાં જાન ગુમાવે તેવું અનુમાન કર્યું છે. કારણ આ શરદ ઋતુ. શાસ્ત્રોમાંય ૧૦૦ શરદ ઋતુ જીવવાની વાત છે. અસ્થમા કે અન્ય દર્દોથી પીડાતા લોકોને આ નુકસાન અસહ્ય હોઈ શકે.
અમેરિકા, બ્રિટન, જાપાન જેવા રાષ્ટ્રોએ હવાના પ્રદૂષણ ઘટાડ્યા છે. માટે અનેક દેશોની એલચી કચેરીમાં કામ કરતા લોકોને ભારતીય કે વિદેશી, દિલ્હી હવે જીવવા માટે મુશ્કેલ લાગવા માંડ્યું છે. ઑફિસ, એમ્બેસીની સ્કૂલ્સ, પ્લે ગ્રાઉન્ડ વિ. માં. બધે જ હવા શુદ્ધિ ઉપકરણો ગાડીઓમાં સુધ્ધાં લાગવા માંડ્યા છે. અફઘાનિસ્તાન, અમેરિકા, સિરીયા જેવા દેશોમાં જતા લોકોને હાર્ડશીપ એલાઉન્સ મળે છે. સિક્યુરીટીના કારણે કાબુલ, ઇસ્લામાબાદ જેવી જગ્યાએ નોન-ફેમીલી પોસ્ટીંગનો મહિમા છે. દિલ્હી ટૂંકસમયમાં જ આવા ક્ધસીડેરેશન માટે જાણીતું થઈ શકે. પડકાર ખૂબ મોટો છે. ઇઝરાયલના રાજદૂતનું ટિવટ : 'On our smogy way to inagurate beekeeping centre for excellence in Haryana' - કેટલું શરમજનક છે તે દિલ્હી સરકાર, હરિયાણા - પંજાબના ખેડૂતો, શક્ય છતાં જાહેર વાહન-વ્યવહારનો ઉપયોગ ન કરીને માત્ર ટ્રાફિક જામ કરતા ગાડી ધારકો, હવા પ્રદૂષણ નિયંત્રણ અંગે કામ કરતી સંસ્થાઓ વિગેરે એ સમજવું ખૂબ જરૂરી છે. દિલ્હી, મોરાદાબાદ, કાનપુર, લખનૌ કે પટણાના લોકો પોતાનાં ઘર છોડી ભાગી નહીં શકે પરંતુ તેમનું શરીર ભાંગી ન જાય તેવી ‘હવા’ ચોખ્ખી હવા રાખવાનું કામ શાસન, પ્રશાસન અને પ્રજાની સહિયારી જવાબદારી છે.