કવર સ્ટોરી : ફિલ્મ પદ્માવતી વિકૃતિની આગમાં ઈતિહાસનું જૌહર

    ૧૭-નવેમ્બર-૨૦૧૭

 
ઇતિહાસ સાથે ચેડાં કરનારી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી વિશે દેશભરમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે
ત્યારે પદ્માવતીની ઐતિહાસિક કથા અને ફિલ્મના વિવાદ વિશેની આવરણકથા પ્રસ્તુત છે.
 
સંજય લીલા ભણસાલીની પૂર્વ-ફિલ્મોની જેમ જ આવનારી ફિલ્મ પદ્માવતી પણ વિવાદમાં ઘસડાઈ ગઈ છે. ફિલ્મનું શુટિંગ શરૂ થયું ત્યારે જ રાજસ્થાનમાં કરણી સેના દ્વારા ફિલ્મની વાર્તામાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના સંબંધો ખોટી રીતે રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વર્તમાનમાં આ ફિલ્મનું એક ગીત અને ટ્રેલર રજૂ થયું છે. ફિલ્મ ૧લી ડિસેમ્બરના રોજ રીલીઝ થવાની છે ત્યારે સમગ્ર દેશમાં - ખાસ કરીને રાજપૂત સેના દ્વારા તેનો ઉગ્ર વિરોધ થયો છે. ખાસ કરીને ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતીના સપનામાં જોયેલાં પ્રેમદૃશ્યો (ડ્રિમ સિક્વન્સ)નો વિરોધ થઈ રહ્યો છે.
અન્ય રાજ્યો જેમ ગુજરાતમાં પણ ફિલ્મનો સખત વિરોધ થઈ રહ્યો છે. અખિલ ગુજરાત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય સંગઠને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ‘પદ્માવતી’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
અખિલ ગુજરાત યુવા સંઘના પ્રમુખ પીટી જાડેજાએ પત્ર લખી જણાવ્યું છે કે, ‘અલાઉદ્દીન ખિલજીએ જનતા પર અત્યાચાર કર્યા હતા. તે એક રાક્ષસ હતો. ક્ષત્રિય મહિલાઓની આન-બાન અને શાન ખંડિત ન થાય તે માટે પદ્માવતીની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ફિલ્મને ગુજરાતમાં રિલિઝ કરતાં અટકાવવી જોઈએ.’
ઉલ્લેખનીય છે કે, પદ્માવતી ફિલ્મના ગુજરાત રિલિઝ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથેના પત્રમાં આઠ જેટલાં ક્ષત્રિય સંગઠનોની યાદી પણ સામેલ કરવામાં આવી છે.
ફિલ્મના વિરોધમાં ગુજરાતના રાજપૂત સમાજે પણ ગાંધીનગરના રામકથા મેદાનમાં રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજ્યું હતું. જેમાં કચ્છ-કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજસ્થાનમાંથી રાજપૂત સમાજ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યો હતો. જેમાં કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી પણ હાજર રહ્યાં હતાં.
મહારાષ્ટ્રના વિધાનસભ્ય અને ભાજપના આગેવાન રાજ કે. પુરોહિતે પણ ફિલ્મનો વિરોધ કરતાં કહ્યું છે કે, ‘દેશની શાન અને સંસ્કૃતિને ઠેસ પહોંચાડે એવી પદ્માવતી ફિલ્મને અમે પ્રદર્શિત થવા નહીં દઈએ !’
રાજ કે. પુરોહિતે જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મ ઉપર બંધી લાદવા માટે કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઈરાની, રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજે-સિંધિયા અને સેન્સર બોર્ડને પત્ર લખ્યો છે. આવતી ૨૦મી નવેમ્બરે રાજસ્થાનીઓ, કરણી સેના અને અન્ય દેશભક્ત સંસ્થાઓ મોરચો કાઢશે અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને આવેદનપત્ર સુપરત કરશે.’
ઉપરાંત પદ્માવતી ફિલ્મને થિયેટરમાં પ્રદર્શિત થતી રોકવા થાણાના રાજપૂત ગૌરવ ટ્રસ્ટ, બિહાર રાજપૂત સમાજ, રાજસ્થાન રાજપૂત પરિષદ, યુપી રાજપૂત સમાજ, જૈન સમાજ અને મહારાષ્ટ્ર રાજપૂત સમાજ દ્વારા પણ ઊહાપોહ થયો. ફિલ્મનો શરૂઆતથી જ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા પણ દેશભરમાં જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે.
રાજપૂત ગૌરવ ટ્રસ્ટના બટુકસિંહ આર. વાઘેલાએ જણાવ્યું કે, ‘રાજસ્થાનમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે. ગુજરાતમાં હાઈકોર્ટમાં રીટ કરાઈ છે. પદ્માવતી ક્ષત્રિયાણી હતાં, એ દેવી હતાં અને ૧૬ હજાર રાણીઓ સાથે એમણે જૌહર કર્યું હતું. આવાં સતી રાણીને અલાઉદ્દીન ખિલજીને આવેલા સપનામાં અલાઉદ્દીન સાથે રોમાન્સ કરતાં બતાવ્યાં, જે ભલે કલ્પનાની વાત છે તો પણ લાખો લોકો ફિલ્મ જોવાના છે. કપોળકલ્પિત વાત લોકોમાં જાય છે તેથી અમારી લાગણી દુભાઈ છે.’
ફિલ્મનો વિરોધ કરનારા અન્ય કેટલાંક લોકોનું કહેવું છે કે, ‘ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાન ધરાવતી વ્યક્તિઓને ખોટી રીતે રજૂ કરવાની પરવાનગી આપવામાં આવવી ન જોઈએ. આ ફિલ્મ અંગે ધર્મપ્રેમી અને સંસ્કૃતિપ્રેમી હિન્દુ સમાજમાં ખૂબ જ રોષ છે. ફિલ્મ અને મનોરંજનના નામે ઇતિહાસ અને સંસ્કૃતિની અયોગ્ય રજૂઆત થાય નહીં એ આવશ્યક છે. પદ્માવતી ફિલ્મનું નિર્માણ પૂર્ણપણે વેપારી હેતુઓથી કરાયું છે. તેમાં પદ્માવતીના પાત્રનું નિ‚પણ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે એવું છે.’
આ ફિલ્મમાં વાસ્તવિકતાથી વિરુદ્ધનાં દૃશ્યો અને સંવાદો પ્રસિદ્ધ થવા જઈ રહ્યા છે ત્યારે સરકાર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકે તેવી માંગ કોંગ્રેસે પણ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને મુસ્લિમ સમાજ કચ્છના અગ્રણી હાજી જુમા રાયમાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે, ‘રાણી પદ્માવતીએ પોતાના શીલ અને ચારિત્ર્યની રક્ષા કાજે ૧૬૦૦૦ મહિલાઓ સાથે અગ્નિમાં પોતાની જાતને હોમી દીધી હોય તો જે સમાજનાં રજવાડાંઓએ આ દેશની લોકશાહીની સ્થાપના કાજે પોતાનાં રજવાડાં ત્યજી દીધાં હોય ત્યારે સરકાર આ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકે એ ફક્ત ક્ષત્રિય સમાજ નહીં પણ સમગ્ર દેશના તમામ સમાજોની લાગણી છે.’
 
પદ્માવતી ફિલ્મને લઈને અંતે મામલો ગુજરાત હાઈકોર્ટમાં
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજ શેખાવતે કરેલી ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની રિટ અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે, ‘રાણી પદ્માવતીની વાત ૧૩મી અને ૧૪મી સદીની છે, જે ચિત્તોડગઢના પદ્માવત રાજ્યની રાણી હતી. દિલ્હી સલ્તનતના ક્રૂર શાસક અલાઉદ્દીન ખિલજીએ વર્ષ ૧૩૦૩માં ચિત્તોડગઢ પર હુમલો કર્યો હતો, તેનું કારણ પદ્માવતી ન હતું. રાણી પદ્માવતીનું વાસ્તવિક નામ પદ્મિની છે. જૈન ગ્રંથમાં રાણી પદ્માવતીના પતિ એવા મેવાડના રાજપૂત શાસક રાવલ રતનસિંહનો ઉલ્લેખ છે, પરંતુ ખિલજી સાથે તેના કોઈ સંબંધની ચર્ચા નથી. જૈન ધર્મનું પુસ્તક ૧૪મી અને ૧૬મી સદીમાં લખાયું હતું. સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં ઇતિહાસની વાસ્તવિક કથાથી અલગ જ ચિત્ર અને રાણી પદ્માવતીનું ચરિત્ર રજૂ કરાયું છે, જેના કારણે મહાન હિન્દુ રાજપૂત રાણી પદ્માવતીની છબી, પ્રતિષ્ઠા અને ગરિમાને હાનિ પહોંચી છે.’
 
શું કહે છે સંજય લીલા ભણસાલી ?
અગાઉ સંજય લીલા ભણસાલીની જ ફિલ્મ ‘રામ-લીલા’ પણ જાતિગત કારણોસર વિવાદમાં આવી હતી અને તેમણે છેલ્લી ઘડીએ ફિલ્મમાં કેટલાક ફેરફાર કર્યા હતા. ત્યારબાદ એ ફિલ્મ રિલીઝ થઈ શકી હતી. એ રીતે ‘બાજીરાવ મસ્તાની’ પણ ફિલ્મની કેટલીક બાબતોનો વિરોધ થયો હતો. જો પદ્માવતીનાં ઇતિહાસની વાત કરીએ તો પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીનો ક્યારેય આમનો-સામનો થયો ન હતો. હવે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મમાં બંનેને સાથે રોમાન્સ કરતાં દેખાડ્યાં છે તેવી ચર્ચા છે. આ બાબતે સંજય લીલા ભણસાલી કહે છે કે, ‘ફિલ્મનું હજી તો ડબિંગ ચાલી રહ્યું છે ત્યારે બહાર લોકો એમ કેવી રીતે વિચારી શકે કે ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી સાથે છે એવું પણ એક દૃશ્ય છે ?’
આ વાત તેમણે ફિલ્મ જ્યારે પહેલીવાર વિવાદમાં સપડાઈ ત્યારે પણ કહી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી કોઈએ સ્ક્રિપ્ટ જોઈ જ નથી, તો તેમાં શું લખાયું છે તેના વિષે તેમને કેવી રીતે ખબર પડે ?’ પરંતુ, આપણે ત્યાં જેેમ કેટલાંક લોકોના શબ્દોને આંધળી આંખે અનુસરણ કરવાની સલાહ અપાતી નથી તેવું ફિલ્મકારોનું પણ છે. અત્યારે વિવાદ ટાળવા, કે પછી તેને વધારે ઉકાળવા માટે અને નકારાત્મક પ્રચારનો ફાયદો લેવા માટે ભણસાલી વધુ સમય લેવા માંગતા હોય અને ખરેખર જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેમાં રાજપૂત સમાજને જેનો ડર હોય તેવું કોઈ દૃશ્ય સર્જનશીલતાના નામે ઘુસાડી દેવામાં આવ્યું હોય તો ? તો કરોડો લોકો સુધી ખોટો સંદેશો જાય. શ્રેષ્ઠ રસ્તો એ રહેશે કે મુદ્દો જ્યારે કોઈની ભાવના સાથે જોડાયેલો છે ત્યારે રાજપૂત સમાજ ખાસ કરીને કરણી સેનાના એક અથવા તો વધારે પ્રતિનિધિ સેન્સર બોર્ડમાં જ્યારે ફિલ્મ પાસ થવા માટે જાય ત્યારે ત્યાં હાજર રહે અને જે દૃશ્ય વિષે તેમને કોઈ વાંધો હોય તો તે સેન્સર બોર્ડ સમક્ષ ઉઠાવે.
તાજેતરમાં ભણસાલીએ રજૂ કરેલા એક વીડિયોમાં તેઓએ કહ્યું છે કે, ‘ડ્રિમ સિકવન્સનાં જે દૃશ્યોનો વિરોધ થઈ રહ્યો છે તેવાં કોઈ દૃશ્યો ફિલ્મમાં છે જ નહીં. ઉપરાંત રાણી પદ્માવતીના માન-મરતબાનું પૂરું ધ્યાન પણ રખાયું છે.’ તેમની આ ચોખવટ વિરોધીઓના ગળે ઊતરે છે કે નહીં તે તો સમય જ બતાવશે.
 
ડાબેરી – વિકૃત માનસિકતાનું પરિણામ
સમગ્ર દેશમાં પદ્માવતીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભણસાલી અને કેટલાક લોકો આ ફિલ્મને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’નું નામ આપી છટકવાનો પેંતરો કરી રહ્યા છે. પરંતુ ઇતિહાસ સાથે ચેડાં કરવાનું આ દુષ્યકૃત્ય કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. ઇતિહાસની એક ગરિમા હોય છે. એ ગરિમાને ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ના નામે ઝાંખી પાડવાની કોશિશ કોઈપણ કરશે તે સાંખી લેવાશે નહીં.
આવા સર્જકોની માનસિકતા અને તેની પાછળનાં કારણો તપાસવાની ખાસ જરૂર છે. ખાસ કરીને ડાબેરી વિચારધારા ધરાવનારા લોકોને ‘હિન્દુ પ્રતિભા’ઓ અને હિન્દુત્વને નીચું પાડવામાં વિકૃત આનંદ આવતો હોય છે. ઇતિહાસને મારીમચડીને રજૂ કરવાની આ રમત ડાબેરી વિચારધારાવાળા લોકો વરસોથી કરી રહ્યા છે. ઇતિહાસનાં અનેક પુસ્તકોમાં હિન્દુ શ્રદ્ધાકેન્દ્રો અને ચરિત્રોને નીચાં દેખાડી મુસ્લિમ શાસકોને ઉત્તમ દેખાડવાના પ્રયત્નો થયા છે. હિન્દુ દેવી-દેવતાઓ, હિન્દુ રાજા-રાણીઓ, વગેરેનું ખોટું ચિત્રણ અનેક પુસ્તકો અને પાઠ્યપુસ્તકોમાં થયું છે, જેની વિગતવાર માહિતી ‘સાધના’માં અનેકવાર પ્રકાશિત કરવામાં આવી છે.
પરંતુ પુસ્તકો કરતાં પણ ફિલ્મો સમાજની વિચારધારા પર કબજો જમાવતું એક સશક્ત માધ્યમ છે. તેથી આવા લોકો હવે ફિલ્મનો સહારો લઈ હિન્દુઓને બદનામ કરવાની મેલી રમત રમી રહ્યાં છે. કેટલાંક મૂર્ખ શિરોમણીઓ એવી દલીલ કરી રહ્યા છે કે, ‘ફિલ્મનું માધ્યમ જુદું છે. તેમાં સર્જક કલ્પનાના રંગો ભરી શકે. ફિલ્મનો મુખ્ય આશય દસ્તાવેજીકરણનો નથી. ખરો ઇતિહાસ શોધવાનું કપરું છે.’
આવા લોકોને એટલું જ પૂછવાનું તમે એક સામાન્ય માનવી છો. છતાં તમારા પર, તમારાં માતા-પિતા, બહેન, બાળક પર તમારા જ સાચાં નામ-ઠામ સાથે કોઈ ફિલ્મ બનાવે અને એમાં બીભત્સ અને વિકૃત કહી શકાય તેવા કલ્પનાના રંગો ભરે તો પણ તમે એ જ કહેશો કે આ તો કળા છે ? અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે ? દસ્તાવેજીકરણ માટે નથી ?
ખરેખર તો ફિલ્મની સમાજ પર ખૂબ મોટી અસર થતી હોય છે. ફિલ્મ સમાજના દરેક વર્ગની માનસિકતા ઘડવામાં પણ સક્ષમ છે. ખાસ કરીને યુવાવર્ગ ફિલ્મોને ખાસ અનુસરે છે. તેને જ સાચો ઇતિહાસ માને છે. તેથી ફિલ્મ એ ભવિષ્યમાં પાક્કો દસ્તાવેજ જ બની જાય છે, જેમ કે ઇતિહાસમાં અનારકલી નામનું કોઈ પાત્ર જ નહોતું, છતાં ફિલ્મમાં સલીમ જેવા સાચા પાત્ર સાથે તેને બતાવી છે, તેથી આજની પેઢીને એ ઇતિહાસ સાચો લાગે છે. મુગલ-એ-આઝમની પણ એવી જ હાલત છે. ફિલ્મની કથા જ આજે લોકો માટે સાચો ઇતિહાસ બની રહી છે. જ્યારે એમાં ઘણો ઇતિહાસ કાલ્પનિક પણ હતો. આથી જ આવી ફિલ્મનો વિરોધ થવો એકદમ યોગ્ય જ છે. ઇતિહાસ સાથે ચેડાં કરનારાઓને અટકાવવા એ દેશના દરેક નાગરિકની ફરજ છે. જો આ ફિલ્મમાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીના પ્રણયદૃશ્યો હોય અને એ ફિલ્મ રીલીઝ થઈ જાય તો આવનારી પેઢી માટે એ જ ઇતિહાસ બની જાય.
અગાઉ અનેક ફિલ્મોમાં આ પ્રકારનાં ચેડા થયા છે અને સમાજે તેનો વિરોધ પણ કર્યો છે. આસુતોષ ગોવારિકરની ફિલ્મ ‘જોધા-અકબર’ વખતે પણ જોધાબાઈનું પાત્ર ખોટી રીતે રજૂ કરવાના આરોપો મુકાયા હતા, પરંતુ ભણસાલી તો આમાં વિશેષ રીતે હથોટી ધરાવે છે. તેમની રામલીલા અને બાજીરાવ-મસ્તાનીમાં પણ ખોટો ઇતિહાસ હતો. તેમણે રજૂ કરેલી ‘સરસ્વતીચંદ્ર’ નામની સિરિયલમાં તો તેમણે ઇતિહાસના ફુરચા ઉડાવી દીધેલા. મૂળ કથાને એવી રીતે કાલ્પનિક રંગો ભરીને રજૂ કરી હતી કે તેને ડેઈલી શોપની કક્ષામાં લાવીને મૂકી દીધી હતી. ત્યારે પણ તેમના માથે માછલાં ધોવાયાં હતાં. દેવદાસ ફિલ્મમાં પણ તેમણે મૂળ કથા સાથે ચેડાં કરીને પારો અને ચંદ્રમુખીને ભેગી નચાવી હતી. આમ ગોવર્ધનરામ ત્રિપાઠી અને શરદબાબુની નવલકથાને તેમણે ખૂબ મોટી હાનિ પહોંચાડી હતી.
આવી ફિલ્મો બનાવનારાઓની ડાબેરી વિચારધારાને બળ આપવા માટે વિદેશી ફંડિંગ મળતું હોવાના પણ અનેક આક્ષેપો છે. જો આવા લોકો ભારતમાં રહીને પણ ભારતની જ ઘોર ખોદતા હોય તો તેમને પાઠ ભણાવવો જ‚રી છે. ભણસાલી જો એ દિશામાં આગળ વધી રહ્યા હોય, હિન્દુત્વની અને હિન્દુઓની આન-બાન અને શાનને હાનિ પહોંચાડતા હોય તો તેમની શાન ઠેકાણે લાવવી એ જ સમયની માંગ છે.
હિન્દુસ્તાનમાં રહીને તેની જ છબીને હાનિ પહોંચાડવી તે દેશદ્રોહ છે. સર્જકત્વના નામે હિન્દુત્વનો વિરોધ કરી, તેની આન-બાન-શાનને નુકસાન પહોંચાડી પૈસા રળનારાઓે ચેતે અને દેશની સંસ્કૃતિ અને હિન્દુ શ્રદ્ધાઓની જાળવણી કરે તે પણ એટલું જ જરૂરી છે.
ભણસાલી પર નોંધાય દેશદ્રોહનો કેસ
ભાજપા નેતા અને સેંસર બોર્ડના સભ્ય અનિલ ગુપ્તાએ કેન્દ્રને પત્ર લખીને ફિલ્મ-નિર્માતા અને નિર્દેશક સંજય લીલા ભણસાલીની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવાની માંગણી કરી છે. ગુપ્તાએ કહ્યું કે, મેં ગૃહમંત્રીને પત્ર લખ્યો છે કે સંજય લીલા ભણસાલી પર દેશદ્રોહનો કેસ નોંધે અને તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જો આમ નહીં થાય તો ભણસાલી હજુ પણ આ પ્રકારની જ ફિલ્મો બનાવતા રહેશે.
ફિલ્મ માટે દુબઈથી આવ્યું ફન્ડિંગ : સ્વામી સુબ્રમણ્યમ્
ભાજપાના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ્ સ્વામીએ ફિલ્મ ‘પદ્માવતી’ની પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો હાથો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે હિન્દુઓને બદનામ કરવા માટે દુબઈથી પૈસા આવી રહ્યા છે. સ્વામીએ આરોપ મૂક્યો છે કે ભારતીય મહિલાઓની છબી ખરાબ કરવા માટે ફિલ્મ (પદ્માવતી) માટે દુબઈથી પૈસા આપવામાં આવ્યા. તેમણે ફિલ્મના ફન્ડિંગની તપાસ કરવાની માંગણી કરી છે.


 
૧૨૯૯માં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરી મંદિરોનો ધ્વંસ કર્યો હતો
 
સંજય લીલા ભણસાલી અત્યારે પોતાની ફિલ્મ પદ્માવતીનો વિવાદ કરીને પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. પદ્માવતી અને અલ્લાઉદ્દિન ખિલજીની કથા કહેતી ફિલ્મમાં જે હોય એ પરંતુ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ખિલજી ક્રૂર શાસક હતો અને તેનો ઇરાદો હિન્દુ સ્થાપત્યોનો નાશ કરવો, લૂંટ-ફાટ અને સામૂહિક કત્લેઆમ કરવાનો જ હતો.
દિલ્હીથી આગળ વધતા ખિલજી વંશના આ શાસકે ગુજરાત પર નજર ઠેરવી હતી. ગુજરાતની ત્યારની રાજધાની પાટણ, અમદાવાદ, ભરૂચ, સોમનાથ, ચાંપાનેર, સુરત વગેરે સ્થળોએ ખિલજીની સેનાએ આતંક મચાવ્યો હતો. મોગલો પહેલાં દિલ્હી પર ખિલજી વંશનું રાજ હતું. ખિલજી વંશની શરૂઆત જલાલુદ્દીન ફિરોઝ ખિલજીએ ૧૨૯૦માં કરી હતી. એ વંશનો ઉદ્ભવ પણ ઘણાખરા મુસ્લિમ શાસકોની માફક મધ્ય એશિયામાંથી થયો હતો.
ઉત્તરથી આવતા ખિલજીએ પહેલું નિશાન પાટણને બનાવ્યું હતું. અણહિલવાડ પાટણ ત્યારે ગુજરાતનું પાટનગર હતું અને કર્ણદેવ વાઘેલા ગુજરાતનો શાસક હતો. આ નગર જીતી લઈ ખિલજીએ આગેકૂચ કરી હતી. આજનું અમદાવાદ જેના પર વસેલું છે, એ મૂળનગર તો આશાવલ હતું. ખિલજીએ આશાવલમાં સ્થાપત્યો તોડી-ફોડી પોતાના ડેરા-તંબુ તાણ્યા હતા. ખિલજી અહીં રહીને જ વિવિધ પ્રદેશો પર આક્રમણ કરતો હતો.
ભારતના સૌથી જૂના નગરમાં સ્થાન પામતા ભરૂચ પર ખિલજીએ ૧૨૯૯માં આક્રમણ કરી મંદિરો તોડી પાડ્યાં હતાં. મંદિરો તોડી પાડ્યા પછી મળતા પથ્થરો, શણગાર, દરવાજા, કમાનો વગેરેનો ઉપયોગ મસ્જિદો બાંધવા માટે કરવામાં આવતો હતો. એ વખતે ખંભાત બંદરની જાહોજલાલી હતી. આજે માત્ર સામાન્ય નગર બનીને રહી ગયેલું ખંભાત ત્યારે ‘ખંભાતના રાજ્ય’ તરીકે ઓળખાતું હતું. તેની કીર્તિથી પ્રેરાઈને ખિલજીએ તેના પર હુમલો કર્યો હતો. ખિલજીના સેનાપતિ નસરતખાને ખંભાત પર ચડાઈ કરી હતી. ૧૦૨૪ની સાલમાં ગજનીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું. એ પછી રાજા કુમારપાળે તેનું ફરીથી બાંધકામ કર્યું હતું. એ બાંધકામ તોડી પાડવા ખિલજીએ સોમનાથને ૧૨૯૯ની સાલમાં ધ્વસ્ત કર્યું હતું. એમ તો તેણે દ્વારકાના જગતમંદિરનો પણ નાશ કર્યો હોવાનું માનવામાં આવે છે. ૧૪મી સદીના જૈન સંત કક્કસૂરિએ રચેલા ‘નાભિનંદજિનોદ્ધાર પ્રબંધ’ નામના ગ્રંથમાં ખિલજીએ કરેલા દરેક આક્રમણની વિગતવાર નોંધ કરવામાં આવી છે. વધુ ને વધુ પ્રદેશ લૂંટી શકાય તથા મંદિરોનો નાશ કરી શકાય એટલા માટે બે વખત દિલ્હીથી ગુજરાત પર આક્રમણ કર્યું હતું.
મુસ્લિમ આક્રમણકારોની પરંપરા પ્રમાણે હિન્દુઓની સ્વતંત્રતા પર કાપ મૂકી દેવાયો હતો. તહેવારો ઉજવી શકાતા ન હતા. ઊજવવા હોય તો વેરા ભરવા પડતા હતા. એવું બધું ન કરવું હોય તો પછી ધર્માંતરણ કરી લેવાનો છેલ્લો વિકલ્પ બાકી રહેતો હતો. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ (ભાગ ૫)માં નોંધાયા મુજબ આ વટાળ પ્રવૃત્તિને કારણે જ ‘મોલે સલામ’ અને ‘પિરાણા પંથ’ વગેરે ફાંટાનો ઉદ્ભવ થયો હતો. ખિલજીનો સમય એવો પહેલો સમય હતો, જ્યારે ગુજરાત દિલ્હી સલ્તનતના તાબામાં આવ્યું હતું. એ સાથે ગુજરાતનો ગુલામીકાળ અને પડતી પણ શરૂ થઈ હતી. ગુજરાતમાં ઘણો પ્રદેશ જીતી લીધા પછી તેનું ધ્યાન રાખવા માટે ખિલજીએ પોતાના સાળા મલેક સંજરની નિમણૂક કરી હતી. સત્તા સોંપતી વખતે મલેકને અલ્પખાન એવો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.
 
 
સતીત્વની રક્ષા ખાતર ૧૬૦૦૦ રાજપૂતાણીઓ સાથે જૌહર કરનાર રાણી પદ્માવતી
 
શું પદ્માવતી માત્ર કલ્પના ?
 રાણી પદ્માવતીને લઈને કેટલાક લોકો કહે છે કે, ઇતિહાસમાં આ નામનું કોઈ જ પાત્ર ન હતું. પદ્માવતી એ તો હિન્દી સાહિત્ય પદ્માવતીનું એક કાલ્પનિક પાત્ર માત્ર હતું. ૧૬મી સદીમાં મલિક મુહમ્મદ જાયસી દ્વારા લખાયેલ ‘પદ્માવત’ નામના કાવ્યમાં પદ્માવતીનો ઉલ્લેખ મળે છે, પરંતુ તે માત્ર એક સાહિત્યિક પાત્ર માત્ર હતી. તેને ઇતિહાસ સાથે કશી જ લેવા-દેવા નથી.
ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો કંઈક અલગ જ કહે છે
ઇતિહાસનાં અનેક પુસ્તકો, ત્યાં સુધી કે રાજસ્થાન સરકારના પાઠ્યક્રમ અને પ્રવાસન વિભાગનાં પુસ્તકોમાં પણ રાણી પદ્માવતીના જૌહરની ગાથાઓ વાંચવા મળે છે. આજે પણ ચિત્તોડના કિલ્લામાં આવનાર પ્રવાસીઓને રાણી પદ્માવતી અને તેના જૌહરની બાબતે અચૂક બતાવવામાં આવે છે. પ્રવાસીઓને એ સ્થળ પણ બતાવવામાં આવે છે, જ્યાં રાણી પદ્માવતીએ અન્ય હજારો રાજપૂતાણીઓ સહિત જૌહર કર્યું હતું. અલાઉદ્દીન ખિલજીએ જ્યાં પદ્માવતીનું મુખ જોયું હતું તે સ્થળ પણ બતાવવામાં આવે છે.
 
ઇતિહાસમાં રાણી પદ્માવતી
રાણી પદ્માવતીના સાહસ અને બલિદાનની ગાથા ઇતિહાસમાં અમર છે અને આજે પણ રાજસ્થાનની મહિલાઓ માટે પ્રેરણા સમાન છે. તેના રૂપ, યૌવન અને જૌહરની કથા મધ્યકાળથી લઈ વર્તમાન કાળના કવિઓ, લોકગાયકો દ્વારા વિવિધ રૂપોમાં વ્યક્ત થતી આવી છે. પદ્માવતીનું પ્રારંભિક જીવન સિંહલપ્રદેશ (શ્રીલંકા)માંથી શરૂ થયું હતું - તેવી માન્યતા છે. તેના પિતાનું નામ ગંધર્વસેન અને માતાનું નામ ચંપાવતી હતું. ઉંમરલાયક થતાં પદ્માવતીનો સ્વયંવર યોજાયો જેમાં ચિત્તોડના રાજા રાવલ રતનસિંહે રાજા મલખાન સિંહને હરાવી પદ્માવતી સાથે લગ્ન કર્યાં. ચિત્તોડના રાજા રતનસિંહ એક કુશળ શાસક હતા અને કલાના કદરદાન પણ હતા. તેના દરબારમાં અનેક પ્રતિભાશાળી લોકો હતા, જેમાં રાઘવ ચેતન નામનો એક સંગીતકાર પણ હતો, પરંતુ રાઘવ ચેતન કાળો જાદુ કરતો તે અંગે રાજાને જાણ ન હતી. તે કાળા જાદુનો ઉપયોગ પોતાના હરીફોને મારી નાખવા કરે છે તેની ગંધ આવતાં તેના પર નજર રાખવાનું શ‚ થયું. એક દિવસ રાઘવ ચેતને દુષ્ટ આત્માઓને બોલાવતાં રાજાના હાથે રંગે હાથ પકડાયો. રાવલ રતનસિંહે તેને તત્કાળ ચિત્તોડ છોડી ચાલ્યા જવા જણાવ્યું. પોતાના આ અપમાનનો બદલો લેવા રાઘવ દિલ્હી ગયો જ્યાં અલાઉદ્દીન ખિલજી જે જંગલમાં શિકાર કરવા આવતો ત્યાં રોકાઈ ગયો. એક દિવસ સુલતાન અલાઉદ્દીન ખિલજી જ્યારે શિકાર કરવા આવ્યો ત્યારે તેણે બંસરીના સૂર રેલાવવા શ‚ કર્યા જેનાથી આકર્ષાઈ ખિલજીએ તેને તેની પાસે બોલાવ્યો અને પોતાના દરબારમાં આવવાનો આદેશ આપ્યો.. રાઘવ ચેતનને આ જ જોઈતું હતું. કોઈપણ રીતે સુલતાનને ચિત્તોડગઢ પર આક્રમણ કરવા ઉશ્કેરવો. તેણે સુલતાન ખિલજીને અનેક રીતે ચિત્તોડગઢ પર આક્રમણ કરવા ઉશ્કેરી જોયો, પરંતુ ખિલજી રાજપૂતો સાથે ફોગટમાં વેર બાંધવા તૈયાર ન હતો. રાઘવે ખિલજીના હરમપ્રેમની વાતો ખૂબ જ સાંભળી હતી. પરિણામે તેણે ખિલજી સમક્ષ રાણી પદ્માવતીના સૌંદર્યનાં વખાણ કરવાનાં શરૂ કર્યાં. સૌંદર્યના હવસી ખિલજીના મનમાં રાણી પદ્માવતી વિશે કામનો કીડો સળવળ્યો અને કોઈપણ ભોગે પદ્માવતીને પોતાના હરમમાં લાવવાનું નક્કી કર્યું.
કેટલાક ઇતિહાસકારો કહે છે કે, ખિલજીએ ચિત્તોડગઢ પર આક્રમણ કરી રાણા રતનસિંહને પત્ની પદ્માવતીનું મોં બતાવવા માટે મજબૂર કર્યો હતો, પરંતુ કેટલાક લોકોના મતે અલાઉદ્દીન ખિલજી ષડયંત્ર કરી ચિત્તોડગઢના મહેલમાં મહેમાન બની ગયો હતો, જ્યાં રાણા રતનસિંહે તેની ભારે આગતા-સ્વાગતા કરી હતી. આ દરમિયાન તેણે રાણી પદ્માવતીને મળવાની અને જોવાની વાત કરી હતી, પરંતુ રાજપૂતાણી પોતાનું મુખ પતિ સિવાય કોઈ પણ મર્દને બતાવતી નથી એમ કહી તેણે ખિલજીને સ્પષ્ટ ના પાડી દેતાં ખિલજીએ ચાલાકી વાપરી પદ્માવતીને પોતાની બહેન ગણાવી તેનું મુખ જોવાની ઇચ્છા વ્યક્ત કરી. રાજા રતનસિંહને પણ ખિલજીને નાહકનો છેડવો યોગ્ય ન લાગતાં તેણે પદ્માવતીને તેનું મુખ બતાવવા માટે મનાવી લીધી, પરંતુ પદ્માવતીએ શરત રાખી કે તે સીધે-સીધું પોતાનું મો ખિલજીને નહીં બતાવે અને ૧૫૦ સ્ત્રીઓ સાથે સરોવરમાં તેનું મુખ અલાઉદ્દીન ખિલજીએ જોવું. ખિલજીએ આ શરત મંજૂર રાખી. પદ્માવતીની સુંદરતા પાણીમાં પડછાયા રૂપે જોઈ અલાઉદ્દીન ખિલજી પદ્માવતીના મોહમાં પાગલ બન્યો અને કોઈપણ ભોગે પદ્માવતીને પોતાના હરમમાં લઈ જવાનું નક્કી કર્યું. પરંતુ દિલ્હી પરત ફરતી વખતે તેની સાથે શિષ્ટાચાર ખાતર પદ્માવતીના પતિ રતનસિંહ પણ હતા. આ દરમિયાન ખિલજીએ આદેશ આપી રતનસિંહને બંદી બનાવી દેવડાવ્યા અને ચિત્તોડગઢની સામે શરત રાખી કે, પદ્માવતીને સોંપો અને રાણાને લઈ જાઓ.
ચિત્તોડગઢ સમક્ષ આ સૌથી મોટું ધરમસંકટ હતું. એક તરફ રાજ્યના રાજાનો જીવ હતો તો બીજી તરફ રાજરાણીની ગરિમા અને રાજની આબરૂ. ચિત્તોડગઢ એ વખતે ખિલજી પર સીધો હુમલો કરી શકે તેમ નહોતું. કારણ કે, ખિલજીનું સૈન્ય રાણાની ધરપકડ સાથે જ સાબદું થઈ ગયું હતું. પરિણામે રાજપૂત વીર યોદ્ધાઓએ બળ સાથે કળ વાપરવાનું નક્કી કર્યું. ચૌહાણ રાજપૂત સેનાપતિ ગોરા અને તેમના ૧૫ વર્ષના ભત્રીજા બાદલે યોજના બનાવી કાલે સવારે પદ્માવતી ખિલજીને સોંપી દેવામાં આવશેની વાત કરી. આગલા દિવસે ૧૫૦ પાલખીઓ ખિલજીની શિબિર તરફ રવાના કરવામાં આવી, પરંતુ પાલખીમાં પદ્માવતી નહીં, શસ્ત્રો અને સૈનિકો હતા. પ્રત્યેક પાલખીમાં એક અને ચાર પાલખી ઉપાડનારા એમ પાંચ ખૂબ જ કુશળ સૈનિકો રાખવામાં આવ્યા હતા. પાલખીને રતનસિંહને બંદી બનાવાયા હતા ત્યાં ઊભી કરી દેવામાં આવી અને સશસ્ત્ર સૈનિકો રતનસિંહને છોડાવી લઈ ગયા. કહેવાય છે કે આ હુમલામાં સેનાપતિ ગોરાએ શહીદી વહોરી હતી. કહેવાય છે કે યુદ્ધમાં ખિલજીના સેનાપતિએ યુદ્ધ નિયમો વિરુદ્ધ જઈ કપટપૂર્વક સેનાપતિ ગોરાના સાથળ પર વાર કર્યો હતો. અને ગોરા નીચે ઢળતાં જ તલવારથી મસ્તક અલગ કરી દીધું હતું. પરંતુ રાજપૂત ગોરાનું ઝનૂન જુઓ તેનું ધડ પણ મસ્તક લઈ જતા ઝફરની પાછળ દોડ્યું અને એક જ ઝાટકે તેના શરીરનાં ઊભાં ફાડિયાં કરી નાખ્યાં હતાં.
રાજપૂતોના આ કળ અને બળપૂર્વકની લડાઈથી અજેય ગણાતા સુલતાનને જબરજસ્ત માત મળી હતી. પરિણામે ખિલજીએ પોતાના તમામ સૈન્યને ચિત્તોડગઢ પર હુમલો કરી તેને તહેસનહેસ કરી નાખી રાણી પદ્માવતી સહિતની રાજપૂત સ્ત્રીઓને ઉઠાવી લાવવાના આદેશો આપ્યા. ૧૩૦૩માં ખિલજીના સૈન્યે ચિત્તોડગઢના કિલ્લાને ચારેય તરફથી ઘેરી લીધો. સતત છ મહિના સુધી રાજપૂતો અને ખિલજીના સૈન્ય વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું રહ્યું, છતાં કિલ્લાનો દરવાજો તોડી શકાયો નહીં પરંતુ કિલ્લાની ખાદ્યસામગ્રી હવે ખૂટી રહી હતી. કિલ્લાની અંદર મહિલા-બાળકો, વૃદ્ધો ભૂખથી ટળવળી રહ્યાં હતાં અને દરવાજો ખૂલતાં રાજપૂત સેનાની હાર નિશ્ર્ચિત હતી. છેવટે ચિત્તોડગઢના રાજપૂતોએ દુશ્મન સામે કેસરિયાં કરવાનું નક્કી કર્યું અને રાજપૂતાણીઓએ જીવતેજીવત તો શું મર્યા બાદ પણ વિધર્મીઓના હાથનો સ્પર્શ તેમના શરીર પર ન થાય માટે જૌહર કરવાનું નક્કી કર્યું. રાજા રતનસિંહ સહિત ૩૦,૦૦૦ રાજપૂત વીરોએ માથે કેસરી સાફા બાંધી તિલક અને તલવાર સજાવી હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે કિલ્લાના દરવાજા ખોલી ખિલજીના સૈન્ય પર તૂટી પડ્યા.
આ બાજુ રાણી પદ્માવતીના નેતૃત્વમાં ૧૬,૦૦૦ રાજપૂતાણીઓએ ગૌમુખમાં સ્નાન કરી વિશાળ ચિતા પ્રગટાવી તેમાં કૂદી પડી અને જોતજોતામાં ૧૬,૦૦૦ રાજપૂતાણીઓ રાખ બની ગઈ.
ચિત્તોડગઢ પર જીત મેળવ્યા બાદ ખિલજી રાજપૂતાણી પદ્માવતીને દિલ્હી લઈ જવા માટે મહેલમાં ધસી આવ્યો, પરંતુ સમગ્ર રાજમહેલના પ્રાંગણમાં આગ અને ધુમાડાના ગોટેગોટા હતા, તેની નજર સામે મોટા યજ્ઞ કુંડમાં રાખનો ઢગલો હતો. જેમાં પદ્માવતી સહિત ૧૬,૦૦૦ રાજપૂતાણીઓએ જૌહર કર્યાં હતાં. સુલતાન રાણી પદ્માવતીના શરીરને તો શું તેની ભસ્મને પણ સ્પર્શ કરી ન શક્યો. આમ ભલભલા તાકાતવર રાજાઓ-મહારાજા- સુલતાનોને હરાવનાર ખિલજીને પદ્માવતી નામની એ રાજપૂતાણીના સતીત્વ અને પતિવ્રતે ધૂળ ચાટતો કરી દીધો.